Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.

ગુણવંતી ગુજરાત

May 1st, 2017 by GujaratiLexicon Team | No Comments »

આજના યુવાનોને  વિવિધ સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સનું ઘેલું લાગ્યું છે. આ સાઇટ્સ દ્વારા તેઓ દેશ દુનિયાની વિવિધ માહિતીઓ મેળવે.  નવા ટ્રેન્ડ્સ, કરન્ટ અફેર્સ વિશેની માહિતી મેળવવા માટે આ સાઇટ્સ ઉપયોગી ખરી પણ, આ ટેવ કેટલાક અંશે નુકસાન પણ કરે. આ ટેવના કારણે કલાકોના કલાકો આજુબાજુની વાતોમાં અને બીજાએ શું કર્યું તે જાણવામાં વેડફાઈ જતાં હોય છે. યુવાનોને કંઈક નવું કરવા પ્રેરે તેવી ઘટના વર્ષો પહેલાં આ જ ધરતી એટલે કે ગુજરાતમાં જ બની હતી. આ વાત લગભગ સાઠના દશકની છે. કેટલાંક તરવરિયા યુવાનોએ બૃહદ્ મુંબઈમાંથી ગુજરાતને એક નવી ઓળખાણ અપાવવાનો નિર્ણય કર્યો,  અનેક યુવાનોએ ગાંધીમાર્ગે લાંબો સત્યાગ્રહ આદર્યો. કેટલાકે દેખાવો કર્યા, બંધ પાળ્યા, ક્યાંક આ યુવાનોએ લાઠીઓ પણ ખાધી, જેલવાસ પણ ભોગવ્યો અને અંતેઆજના દિવસે એટલે કે પહેલી મે, 1960ના દિવસે ગુજરાત રાજ્યની સ્થાપના થઈ.  તમને જાણીને નવાઈ લાગશે પણ  ગુજરાતની સ્થાપના માટે થયેલાં મહાગુજરાત આંદોલનમાં વિદ્યાર્થીઓનો ફાળો ખૂબ જ મહત્ત્વનો રહ્યો છે.

અંગ્રેજો જેમ જેમ ભારત પર કબ્જો કરતાં ગયા તેમ તેમ પોતાની અનુકૂળતા પ્રમાણે પ્રેસિડેન્સી એટલે આજની ભાષામાં કહીએ તો પોતાને ગમે એવા રાજ્યોની, સ્થાપના કરતાં ગયાં. જેમકે કોલકત્તા પ્રેસિડેન્સી, મદ્રાસ પ્રેસિડેન્સી, મુંબઈ પ્રેસિડેન્સી. આ મુંબઈ પ્રેસિડેન્સીમાં મહારાષ્ટ્ર, મુંબઈ, ગુજરાત, સૌરાષ્ટ્ર, કર્ણાટકનો કેટલોક ભાગ અને મલયાલી  ભાષી વિસ્તારોનો પણ સમાવેશ થતો હતો. આ ભાષાકીય અવ્યવસ્થા લોકોને પહેલીથી થોડી ખૂંચતી હતી આથી આઝાદી પહેલાં જ કૉંગ્રેસના અનેક અધિવેશનોમાં ભાષાવાર રાજ્યોની માંગણી વારંવાર ઊઠી હતી.  આ માંગણીઓને તે સમયના કૉંગ્રેસના નેતાઓએ માન્ય ગણાવેલી પણ તે સમયના રાજનેતાઓ પણ આજના નેતાઓની જેમ જ જરા ભુલકણા હતા એટલે સત્તા પર આવ્યા પછી તેઓ પોતાનો આ વાયદો ભૂલી ગયા. થોડો સમય બધું બરોબર ચાલ્યું પણ લોકોમાં એ લાગણી પ્રબળ થવા લાગી કે હવે તો દેશ સ્વતંત્ર થયો, આપણું રાજ છે તો પછી ભાષાવાર રાજ્યો શા માટે નહીં? આ ભાષાવાર રાજ્યો મેળવવા માટે આંદોલન શરૂ થયા. સૌથી પ્રબળ આંદોલન આંધ્રપ્રદેશમાં થયું, વર્ષ 1951માં અહીંના વિજયવાડા વિસ્તારમાં શ્રી રામુલુ નામના કૉંગ્રેસના જ આગેવાને ઉપવાસ આંદોલન શરૂ કર્યાં પણ મદમસ્ત હાથી જેવી સરકારે આ ઉપવાસ આંદોલનની અવગણના કરી. આ કોંગી આગેવાને લગભગ 52 દિવસ સુધી ઉપવાસ કર્યા અને પોતાનો જીવ ગુમાવ્યો. આ ઘટના પછી આંધ્રમાં તોફાનો શરૂ થયાં. આ તોફાનોના કારણે સરકાર સફાળી જાગી કે હવે તો દેશમાં ભાષાવાર રાજ્યોની રચના કરવી જ પડશે. આ માટે સરકારે એક કમિશનની પણ સ્થાપના કરી. જેના રિપોર્ટના આધારે સરકારે 1લી ઑગષ્ટ, 1956ના દિવસે નવી રાજ્ય વ્યવસ્થા લાગુ કરવામાં આવ આ નવી વ્યવસ્થામાં બોમ્બે પ્રેસિડેન્સી તોડી તેનું વિભાજન કરીને બૃહદ્ મુંબઈની રચના થઈ.. આ બૃહદ્ મુંબઈમાં સૌરાષ્ટ્ર, કચ્છ, ગુજરાત, મહારાષ્ટ્ર, મુંબઈ અને, કર્ણાટકનો કેટલોક ભાગ હતો. આ વિશાળરાજ્યની રચનામાં મોરારજી દેસાઈનો ભાગ મહત્ત્વનો હતો.

બૃહદ્ મુંબઈની આ જાહેરાત ગુજરાત માટે એક આંચકા સમાન રહી. લોકોને લાગ્યું કે અમારી સાથે અન્યાય થયો છે. આથી આ નિર્ણયના 8માં દિવસે એટલે કે 8મી ઑગષ્ટના દિવસે અમદાવાદની ગુજરાત કૉલેજના કેટલાંક વિદ્યાર્થીઓએ, કૉલેજ પરિસરમાં આવેલા સ્વ. શ્રી વિનોદ કિનારીવાલાની પ્રતિમા આગળથી મહાગુજરાત આંદોલનની શરૂઆત કરી. આ વિદ્યાર્થીઓએ કૉંગ્રેસભવન સામે મહાગુજરાતની માંગણી સાથે દેખાવો કર્યા. તે સમયે પોલીસે આ વિદ્યાર્થીઓ પર ‘થ્રી નોટ થ્રી’ ગોળીઓથી ફાયરિંગ કર્યું. જેમાં કેટલાંક નિર્દોષ વિદ્યાર્થીઓનો ભોગ લેવાયો. આમ છતાં વિદ્યાર્થીઓનો જુસ્સો ઓછો ના થયો. બીજા દિવસે પણ તેઓ કૉલેજ પરિસરમાં એકઠાં થયા. અહીંયા તેમનો ભેટો વિખ્યાત આંદોલનકારી શ્રી ઇન્દુલાલ યાજ્ઞિક સાથે થયો જેમણે આ વિદ્યાર્થીઓ દ્વારા શરૂ કરાયેલ મહાગુજરાત આંદોલનની આગેવાની સંભાળી. આ દિવસોને યાદ કરતાં જાણીતા લેખક અને પ્રત્રકાર યશવંત મહેતાએ જણાવ્યું કે, “ઇન્દુચાચાના માર્ગદર્શન હેઠળ લગભગ આખા ગુજરાતમાં આંદોલન થયાં હતાં. ગુજરાતની જનતાએ પણ આ આંદોલનને એટલો જ સહયોગ આપ્યો. એક સમયે આ વિરોધ રોકવા માટે તત્કાલિન મુખ્યપ્રધાન શ્રી મોરારજી દેસાઈ પોતે લાલદરવાજા પાસે ઉપવાસ પર બેઠાં હતાં. છતાં લોકોએ મહાગુજરાત આંદોલન યથાવત રાખ્યું હતું.” ગુજરાતની સ્થાપના માટેનું આ આંદોલન લગભગ 4 વર્ષ ચાલ્યું જેમાં 300 આસપાસ વિદ્યાર્થીઓના મોત થયાં. આ આંદોલન કદાચ હજી વધારે ચાલ્યું હોત પણ મહારાષ્ટ્રમાં ચાલેલા આંદોલને સરકારને ભાગલાં પાડવા માટે મજબૂર કર્યા. તે સમયે ગુજરાત કરતાં વધારે ઉગ્ર બળવો મહારાષ્ટ્રમાં થયો. આથી સરકારે બૃહદ્ મુંબઈના ભાગલાં પાડીને બે જુદી ભાષા બોલતાં બે અલગ રાજ્યોની રચના કરી.

આ આંદોલન પછી પણ ગુજરાતમાં નવનિર્માણ આંદોલન થયું, જેની શરૂઆત પણ યુવાનોથી જ થઈ હતી. આના ઉપરથી અત્યારના યુવાનોને એટલું ચોક્કસ કહેવાનું મન થાય કે, “કદમ જેના અસ્થિર છે તેને રસ્તો નથી મળતો અને અડગ મનના માનવીને હિમાલય નથી નડતો.” આ દેશને અને રાજ્યને હજી પણ તરવરિયા યુવાનોની આજે પણ જરૂર છે તો આજથી જ રાષ્ટ્રનિર્માણમાં લાગી જઈએ.

આપના અમૂલ્ય પ્રતિભાવો અમને [email protected] ઉપર મોકલી શકો છો અથવા 079 – 48 90 97 58 ઉપર જણાવી શકો છો.

No Response to “ગુણવંતી ગુજરાત” »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment