Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.

Mahavir Jayanti

જૈન ધર્મના ચોવીસમા તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીએ ઈ.સ. પૂર્વે ૫૯૯માં કુંડલપુર વૈશાલી (બિહાર)ના ક્ષત્રિય પરિવારમાં સિદ્ધાર્થ અને ત્રિશલાદેવીને ત્યાં ચૈત્ર સુદ તેરસે ત્રીજા સંતાનરૂપે જન્મ લીધો હતો. તેમનાં માતા-પિતા જૈન ધર્મના ૨૩મા તીર્થંકર પાર્શ્વનાથ કે જેઓ મહાવીર સ્વામીથી ૨૫૦ વર્ષ પહેલાં થઈ ગયા તેમનાં અનુયાયી હતાં. મહાવીર સ્વામીનું બાળપણનું નામ વર્ધમાન રાખવામાં આવ્યું હતું. જ્યારે વર્ધમાન શિશુ અવસ્થામાં હતા ત્યારે ઇન્દ્ર અને દેવતાઓએ તેમને સુમેરુ પર્વત પર લઈ જઈને પ્રભુનો જન્મ કલ્યાણક મનાવ્યો હતો.

વર્ધમાનનું બાળપણ રાજમહેલમાં વીત્યું હતું. યુવાવસ્થામાં યશોદા નામની એક રાજકુંવરી સાથે તેમના વિવાહ થયા તથા પ્રિયદર્શના નામની એક પુત્રી પણ થઈ. જ્યારે વર્ધમાન ૨૮ વર્ષના હતા ત્યારે જ તેમનાં માતા-પિતાનો દેહાંત થઈ ગયો હતો. મોટા ભાઈ નંદીવર્ધનના આગ્રહને કારણે વર્ધમાન બે વર્ષ સુધી ઘરમાં રહ્યા,પરંતુ ૩૦ વર્ષની ઉંમરે તેમણે માગસર વદ દસમના દિવસે દીક્ષા ગ્રહણ કરી. વર્ધમાને ૪૨ વર્ષની અવસ્થામાં ઝુભિકા નામના ગામમાં ઋજુકુલા નદીના કિનારે ઘોર તપસ્યા કરી. ઘણી લાંબી તપસ્યાના અંતે મનોહર વનમાં સાલના વૃક્ષ નીચે વૈશાખ સુદ દસમની પાવન તિથિમાં તેમને કૈવલ્ય જ્ઞાાનની પ્રાપ્તિ થઈ. ત્યારબાદ તેઓ વર્ધમાનમાંથી મહાવીર બન્યા. ભગવાન મહાવીરે આ અવધિમાં તપ, સંયમ અને સામ્યભાવની સાધના કરી અને પંચ મહાવ્રતરૂપી ધર્મ ચલાવ્યો. તેમને એ વાતનો અનુભવ થઈ ગયો હતો કે ઇન્દ્રિયો એટલે કે વિષય-વાસનાઓનું સુખ બીજાને દુઃખ પહોંચાડીને જ મેળવી શકાય છે, તેથી તેમણે સૌની સાથે પ્રેમનો વ્યવહાર કરતાં-કરતાં દુનિયાભરને અહિંસાનો પાઠ ભણાવ્યો.

સમગ્ર વિશ્વને અધ્યાત્મનો પાઠ ભણાવનારા ભગવાન મહાવીરે ૭૨ વર્ષની ઉંમરે આસો વદ અમાસની રાત્રિએ પાવાપુરી નગરીમાં મોક્ષ મેળવ્યો. ભગવાન મહાવીરના નિર્વાણ સમયે ઉપસ્થિત અઢાર રાજાઓએ રત્નોના પ્રકાશથી તે રાત્રિને અજવાળી ભગવાન મહાવીરનો નિર્વાણોત્સવ મનાવ્યો. આ દિવસ ભારતભરમાં દર વર્ષે દિવાળી તરીકે દીવાઓ પ્રગટાવીને મનાવવામાં આવે છે. ભગવાન મહાવીરને વર્ધમાન, વીર, અતિવીર અને સન્મતિ વગેરે નામોથી પણ ઓળખવામાં આવે છે.

જૈન શ્રદ્ધાળુઓ ભગવાન મહાવીરની જન્મતિથિને મહાવીર જયંતી તરીકે પરંપરાગત રીતે હર્ષોલ્લાસ અને શ્રદ્ધાભક્તિપૂર્વક મનાવે છે. જૈન ધર્મીઓનું માનવું છે કે વર્ધમાને કઠોર તપસ્યા દ્વારા પોતાની ઇન્દ્રિયો પર વિજય મેળવી લીધો હતો, તેને કારણે જ તેમને મહાવીર કહેવામાં આવ્યા. મહાવીર જયંતીના દિવસે શ્રદ્ધાળુઓ તેમની મૂર્તિ પર અભિષેક કરે છે અને ફળ, ચોખા, જળ, સુગંધિત દ્રવ્ય વગેરે અર્પણ કરે છે.

મહાવીર સ્વામીનાં  અમૃત વચનો 

સંસારમાં બધાં જ પ્રાણી એકસમાન છે, કોઈ પ્રાણી નાનું કે મોટું નથી.

બધાં જ પ્રાણીઓ પોતાના આત્માના સ્વરૂપને ઓળખીને સ્વયં ભગવાન બની શકે છે.

જો સંસારનાં દુઃખો, રોગો, જન્મ-મૃત્યુ, ભૂખ-તરસ વગેરેથી બચવા માંગતા હો તો પોતાના આત્માને ઓળખી લો. દુઃખોથી બચવાનો આ એક જ ઇલાજ છે.

બીજાની સાથે એવો વ્યવહાર ક્યારેય ન કરો જે આપણને પણ ન ગમતો હોય.

જે વસ્ત્ર કે શૃંગાર જોનારના હૃદયને વિચલિત કરી દે એવાં વસ્ત્ર-શૃંગાર સભ્ય લોકોનાં નથી, સભ્યતા વ્યક્તિની સાચી ઓળખ છે.

કોઈ પણ પ્રાણીને મારીને બનાવવામાં આવેલાં પ્રસાધનનો પ્રયોગ કરનારા લોકોને એટલું જ પાપ લાગે છે જેટલું કોઈ જીવને મારવાથી લાગે છે.

સંસારના દરેક પ્રાણી મૃત્યુથી ડરે છે, જે રીતે આપણે જીવવા માંગીએ છીએ તે જ રીતે સંસારનાં બધાં જ પ્રાણીઓ જીવવા માંગે છે, તેથી ‘સ્વયં જીવો અને બીજાને જીવવા દો.’

આત્મા ક્યારેય મરતો નથી, આત્માનો નાશ નથી થતો, આત્મા તો અજર-અમર છે.

(લેખ સંદર્ભ – સૌજન્ય : sandesh.com, મહાવીર સ્વામી વિશે અન્ય વિશેષ લેખ વાંચો : jainshakti.weebly.com)

One Response to “જૈન ધર્મના ચોવીસમા તીર્થંકર : મહાવીર સ્વામી” »

  1. Comment by D Shah — November 9, 2015 @ 8:57 am

    Really liked this compact yet very informative article on Bhagwan Mahavir.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment