Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.

અમદાવાદના સાહિત્ય જગતના રસીકજન અને અમદાવાદના સાર્વજનિક જીવનમાં સક્રિય રહેતી ઉપસ્થિ વ્યક્તિ, હું સૌને નમસ્કાર કરું છું. આજે શ્રી રતિલાલ ચંદરયા તૃતિય સ્મૃતિ વ્યાખ્યાન આપવાની મને જે તક મળે છે એ તક આપવા માટે આપ સૌનો આભાર વ્યક્ત કરું છું. ‘ગુજરાતી લેક્સિકન’ – આ કલ્પના મને રોમહર્ષક લાગે છે. ગુજરાતીનું ખોટું અભિમાન મારા દિલમાં નથી, પરંતુ ગુજરાતી માટે તો ખૂબ લાગણી છે. કારણ કે મારા માતા અને પિતા બંને ગુજરાતી બોલતાં જન્મયાં, તેઓ મારો જન્મ થયો ત્યાં સુધી ગુજરાતી બોલતાં હતાં માટે આ મારી માતૃભાષા, અને પિતૃભાષા પણ છે.

Event2016-34

‘ગુજરાતી લેક્સિકન’ આ શબ્દથી હું પુલકિત થાઉ છું. ‘લેક્સિકન’ શબ્દ ગુજરાતી શબ્દ નથી but that is not an issue. ગુજરાતી શબ્દ સૃષ્ટિ કહીએ, શબ્દ વિશ્વ કહીએ ,શબ્દ સંપત્તિ કહીએ, શબ્દ પ્રવૃતિ કહીએ, શબ્દ સંરચના કહીએ, લેક્સિકનનો જે પણ અનુવાદ ગુજરાતીમાં કરવો હોય તે હું સ્વીકારું છું. આ લેક્સિકન સંકલ્પના આટલી અદ્ભુત છે એનું સૌથી મહત્ત્વનું કારણ, કે માનવી ચિત્ત (કોન્સ્યસ્નેસ) અને વિશ્વ, આ બે વચ્ચે બંનેને ભેગું લાવવા માટે, એકઠાં લાવવા માટે માત્ર એક સેતુ છે અને એ સેતુનું નામ છે શબ્દ. શબ્દ ના હોત તો ચિત્ત માટે વિશ્વ પ્રકટ ના હોત. As simple as that.

મરલો-પૉન્ટી (Merleau-Ponty) જેવાએ આટલી હદ સુધી વિધાન કર્યા છે કે શબ્દ ના હોત અને ચિત્ત માટે, જીવવા માટે, અનુભવ ગ્રહણ કરવા માટે, ચિત્તને ગ્રાસવા માટે, ચિત્તને ક્ષોભ આપવા માટે, વિશ્વ ના હોત. મરલો-પૉન્ટી કહે છે કે શબ્દ ના હોત તો ચિત્ત પણ ના હોત. Without the word consciousness doesn’t exist. આપણે ત્યાં ઋગવેદથી માંડીને શબ્દમાંથી વિશ્વ નિર્માણ થયું, આ તો સ્વીકારેલ છે. બાઈબલમાં આવે ચે કે ‘સૌથી પહેલો શબ્દ’ અને ‘જે પણ છે એ સંગઠન શબ્દમાંથી શબ્દએ શબ્દ રૂપે નિર્માણ કર્યું.’ But it is quite a jinx. શબ્દ અને ચિત્ત આ બે ભેગા થાય તો જે જન્મે છે તેથી વધારે અને તેથી ઓછું વિશ્વ નથી.

જ્યારથી અવાજના માધ્યમથી અભિવ્યક્તિની શરૂઆત થઈ (કારણ કે તે પહેલાં અભિવ્યક્તિના વપરાશ માટે સંગીત અથવા તો ટોનાલિટી (tonality) અને આર્વિભાવ અથવા થિયેટરનો વપરાશ થયેલો છે, 5 લાખ વર્ષના ઇતિહાસમાં. પણ અવાજના માધ્યમથી – સાંકેતિક અવાજના માધ્યમથી – જ્યારે અભિવ્યક્તિની શરૂઆત થઈ) એનો સમય છે આશરે 70,000 વર્ષ પહેલાંનો. માનવીના ઇતિહાસમાં 70,000 વર્ષ પહેલાં આ શરૂઆત થઈ, ત્યારે જે વિવિધ અવાજ હતા તે બધાને એકઠાં લાવવાની એક પ્રક્રિયા હજારો વર્ષો સુધી ચાલી. એક સ્વર અને સાથે સંલગ્ન થતાં અન્ય સ્વર ભેગા કરી, તેમાંથી વધારે સંકલુપ્ત (કોમ્પલેક્સ) સાંકેતિક દુનિયા નિર્માણ થતી રહી.

જે રીતે ખેતીના કામ માટે આશરે દસ હજાર વર્ષ પહેલાંથી આશરે 6/7 હજાર વર્ષ પૂર્વે સુધી, ચારેક હજાર વર્ષ મહેનત કરી કરી ખેતીની પદ્ધતિ વિકસાવવામાં આવી – જેથી માનવી ખેતી કરી શકે છે, ખેતીના આધારે જીવી શકે છે – એજ રીતે શબ્દની ખેતી કરવા માટે આશરે 40 હજાર વર્ષ આપવા પડ્યા. 70 હજાર સાલ પહેલાં અવાજમાંથી, ધ્વનિમાંથી અર્થ પ્રતીતિ કરવાનું કામ શરૂ થયું અને એ બધું વર્તમાન કાળની મર્યાદામાં ચાળીસ હજાર વર્ષ સુધી શરૂ રહ્યું. આશરે 30 હજાર વર્ષ પહેલાં ભૂતકાળ વાચક વાક્યની રચના શરૂ થઈ.

ભૂતકાળ એટલે ‘ન-સત્ય, ન પ્રત્યર્થ’ બોલવું. લઘુકથા, કથાનક, નેરેટિવ, નવલ આ જે બધું ભૂતકાળમાં લખાય છે. એક નવી દુનિયાનો વિકાસ, સાંકેતિક દુનિયાનો વિકાસ એમાં કરવામાં આવે છે. જે આંખ સમક્ષ છે, ચક્ષુઓ એવમ્ સત્ય છે, તેથી એ અલગ હોય છે. Any Order Of Reality is Different. ‘ન-સત્ય’ હું ખરાબ અર્થમાં નથી કહેતો, એક નવા પ્રકારનું વાસ્તવ ભૂતકાળ નિર્મિત દ્વારા થાય છે. તે પહેલાં સંપૂર્ણ ભાષાનો વપરાશ માત્ર વર્તમાનકાળવાચક વાક્ય અને અલગ અલગ છૂટાછવાયા સ્વરો દ્વારા થતું હતો, તેની જગ્યાએ શબ્દોનું ઘટન થયું, શબ્દનું બંધન. શબ્દો બંધનમાં આવ્યા, શબ્દની સંરચના થઈ.

RPC Event 2016આ શબ્દોમાંથી ઘણા બધા શબ્દો જે છે એ કેવળ દાર્શનિક રીતે only for the sake of appearance શબ્દ હોય છે. તે ખરેખરના શબ્દો નથી હોતા. વ્યાકરણની ભાષામાં કહું તો જે વ્યક્તિનાં નામ હોય છે એ ખરેખર શબ્દો નથી હોતા. દાખલા તરીકે મારી દિકરી હોય અને હું એનું નામ ‘કૃત્રિમા’ એવું રાખું. તો આપણા માટે લાગે કે તે શબ્દ છે. It’s not a word as such કારણ કે એનું સરક્યુલેશન માત્ર નાના પરિવારમાં હોય છે, સમાજમાં નથી. પણ જે સામાન્ય નામ છે તે સૌથી પહેલાંના શબ્દો. કારણ કે નામ અપાયા વગર દુનિયાનો ખ્યાલ આપણને આવતો નથી. વિશ્વનો ખ્યાલ, સંબોધન વિશ્વ આપણે સંબોધન નથી કરી શકતા જ્યાં સુધી વિશ્વના દરેક ખૂણાને, દરેક વસ્તુને દરેક ફેઇઝ માટે કોઈક કે બીજું નામ આપણે નથી આપતા. હવે ધીમેધીમે આ જે નામ છે, નામ વાચક શબ્દ છે, સામાન્ય નામ છે. (આ શબ્દોની એક ટેવ હોય છે, તે they are colonizers, they are great colonizers) આ શબ્દો અર્થની વધારે અને વધારે દુનિયા વ્યાપ્ત કરવાનો પ્રયત્ન કરતાં રહે છે. એટલે નામવાચક શબ્દ ધીમેધીમે ક્રિયા તરફનું વલણ લે છે, ક્રિયાવાચક રૂપમાં સામે આવે છે. એટલે ઘણાં બધાં નામ ‘વર્ડસ’ બની જાય છે. આ પ્રકારે એક શબ્દના અનેક અર્થ તૈયાર થવા, અથવા માનવી ચિત્ત ને દુનિયાને આવરી લેવા માટે જે થોડી ઘણી અનકારા છે તેમાં, એક સામ્ય, અને સામ્ય ન હોવું, આ બંને વસ્તુ ધ્યાનમાં આવવાની એક કળા છે. લાઇકનેસ અને ઓપોઝિટસ જેથી સમાન અર્થના શબ્દો અને વિરુદ્ધાર્થ શબ્દો નિર્માણ કરવાની કસબ, કળા આપણા પાસે રહેલી છે.

એક એક શબ્દ આખી ડિક્શનરી હોય છે. એક એક શબ્દ આખો દુનિયાનો ઇતિહાસ પણ હોય છે. એક એક શબ્દ એક સંપૂર્ણ નવલકથા હોય છે. સંપૂર્ણ કવિતા હોય છે. (જો હું થોડી મેટાફિજિકલ ભાષા વાપરું અને તે માટે માફી હશે તો) દરેક શબ્દનો એક શરીર અને આત્મા; અને શરીર પરકાયા પ્રવેશ કરી શકે છે અને આત્મા પણ પરકાયા પ્રવેશ કરી શકે છે. બંને સાથે પણ જીવે છે અને અલગ અલગ પણ જીવે છે. આ પ્રકારની તાકાત એક એક શબ્દમાં હોય છે. શબ્દના સૌંદર્યની ઉજવણી કરવા માટે એકથી એક મહાન કવિઓએ આખી એમની જિંદગી વીતાવેલી છે. અને ખરેખર જો શબ્દ ના હોય તો માનવી અને અન્ય પ્રાણી, આ બે વચ્ચે જરા પણ ફેર નથી. We are just the same, except that we are not one species.

આ બધું હોવા છતાં ય પણ આપણા સમયમાં એવું લાગે છે કે આપણી આંખ સામે, આપણી સમક્ષ – જે રીતે કોઈ એક મહાન મોટા વૃક્ષ પરથી પંખીઓ ઊડી જાય છે – એવી રીતે આપણા ભાષાઓના શબ્દ ઊડીને ક્યાં દૂર જઈ રહ્યા છે. જે પાછા ક્યારે ય એ વૃક્ષ ઉપર વિસામો લેવા માટે આવશે કે નહીં એનો વિશ્વાસ આપી નથી શકતા.

થોડાં વર્ષો પહેલાં મારાં પત્નીએ અને મેં એક ઘર બનાવ્યું, વડોદરામાં. એનું નામ આપવા માંગતા હતાં. વરસાદનું આકર્ષણ છે તો અમે વિચાર્યું ‘પરજન્ય’ નામ રાખીશું. પરજન્ય. અમારા પડોશી હતા, એક લેફટીસ્ટ અને એક રાઈટીસ્ટ. બન્ને પડોશીએ પૂછ્યું કે પરજન્ય એટલે શું ? એક બંગાળના છે, બીજા ગુજરાતના છે. પરજન્ય એટલે શું? એટલે મને લાગ્યું કે પડોશીને જો ખબર ના હોય તો પોસ્ટમેનને કઈ રીતે ખબર પડશે, અને દૂધવાળાને ને શાકભાજીવાળાને. એટલે અમે પરજન્ય શબ્દ ડેસ્કની અંદર ખૂણામાં મૂકી દીધો અને મકાનને નામ આપ્યું નહીં.

હું તેજગઢમાં એકવાર – તેજગઢ વડોદરાથી 10 કિમી દૂરી પરનું ગામ – ત્યાં યુવાનો સાથે વાત કરો હતો. અહીં આદિવાસી વસે છે, અને મારે કહેવું હતું કે “આપણી ક્ષિતિજો વિકસાવવાની જવાબદારી આપણી પોતાની છે.” હું વાક્ય તો બોલ્યો, પછી મને થયું કે આ ભાઈઓને સમજણ પડે છે કે નહીં? એટલે મેં પૂછ્યું કે ‘ક્ષિતિજ એટલે શું ?’ તો બધા આમતેમ જોવા લાગ્યા, તો ‘ક્ષિતિજ’ જતું રહ્યું. સંવાદમાંથી ક્ષિતિજ શબ્દ જતો રહ્યો, પરજન્ય જતો રહ્યો. લગભગ ભૂલાઈ ગયેલા ગુજરાતીના શબ્દોની યાદી કરવી હોય, વીથ રેફરન્સ ટુ ગોવર્ધનરામ, આજ સુધી અથવા ઝવેરચંદ મેઘાણીથી આજ સુધી તો આશરે વીસેક હજાર શબ્દો તો મળતા રહેશે. The lexicon of the forgotten. And when we write that, it has to be written with our tears and our pain.

આ સ્થિતિ માત્ર ગુજરાતીની નથી, મરાઠીની સ્થિતિ ગુજરાતીથી વધારે ખરાબ છે. વધારે શબ્દો ત્યાં ઘાયલ થયેલા છે. વધારે શબ્દો ગુમનામ થયેલા છે, ખોવાઈ ગયેલા છે. બાળપણમાં ત્યાં ખેતીમાં જ્યારે મારો સંબંધ હતો, એ ખેતીના શબ્દો આજના ત્યાંના શેતકરી મંડળી માટે બિલકુલ અજાણ્યા બન્યા છે. આ સ્થિતિ માત્ર મરાઠી કે ગુજરાતીની નથી, હિન્દીની, અંગ્રેજીની પણ સ્થિતિ આ જ છે.
અંગ્રેજીમાં શેક્સપિયર આજે વાંચવો એટલે સૌથી મોટી punishment [સજા]બની છે આજની પેઢીમાટે. They don’t follow what Shakespeare was writing. કથાનકની વાત નથી કરતો, નાટ્યત્મકતાની પણ નહીં, શબ્દોની વાત કરું છું. એટલે સુધી કે 19મી સદીના અંત સુધીની જે અંગ્રેજી હતી, વિક્ટોરિયન અંગ્રેજી. એ આજે ભાગ્યે જ કોઈ સો ટકા પૂરેપૂરી સમજે છે. પોર્ટુગીઝ અને ફ્રેન્ચ ભાષાની પણ આવી હાલત છે. ફ્રેન્ચ લોકોએ તો એક ખાસ કમિટી નિમેલી છે, અને ભૂલાયેલા શબ્દોની યાદી કરવાનું કામ ત્યાં શરૂ છે.
આ શું થયું? કેમ થયું? આપણા સમયમાં કેમ થયું? આ માટે જવાબદાર કોણ છે? આ બધા પ્રશ્નો યુનેસ્કો એ પહેલીવાર ઉપસ્થિત કર્યા 1990માં. હવે આ વર્ષ પણ બહુ ઇન્ટરેસ્ટીંગ છે, કારણ કે લગભગ તે સમયમાં મિસીસ થાચર ઇંગ્લેન્ડમાં એક નવા અર્થશાસ્ત્ર (એ અર્થશાસ્ત્ર જ કહેતાં એટલે હું ય અર્થશાસ્ત્ર કહું છું.) સાથે નેતૃત્વ કરતાં થયાં; અને લગભગ ગણતરીનાં વર્ષોમાં બર્લિનની દિવાલ જતી રહી અને મિસીસ થાચર અથવા રોનાલ્ડ રેગનની ઈકોનોમિક બુદ્ધિમતા દુનિયા ઉપર રાજ્ય કરવા લાગી. ત્યારે યુનેસ્કોએ આ પ્રશ્ન ઉપસ્થિત કર્યો કે શબ્દલોપ આપણા સમયમાં કેમ? જવાબદાર કોણ છે? અને ઘણી બધી જવાબદાર એજન્સી અથવા પ્રવૃત્તિઓનાં નામ તૈયાર કરવામાં આવ્યાં. એમાં એક એજન્સીએ નોંધ્યું કે ભાષાઓ જાય છે એનું એક કારણ કે નિશાળમાં ભણાવતા નથી, માતૃભાષાનું શિક્ષણ નથી. બીજું કારણ કે સરકાર અમુક ભાષાને ટેકો આપતી નથી, રક્ષણ આપતી નથી. ત્રીજું કારણ હતું કે અંગ્રેજી જેવી ભાષાઓનો દુનિયા ભરમાં ફેલાવો થાય છે, જેથી દેશી ભાષાઓને નુકશાન થાય છે, વગેરે.

આ ત્રણયે કારણો યોગ્ય તો છે પણ અંતિમ કારણો નથી. છેવટે આ એક ફાઈનલ રિઝન નથી, આ માત્ર આંખ સામે જોવા મળે છે, એ કારણો છે. સૌથી અંતિમ, સૌથી મૂળનો, સૌથી ઊંડાણમાં જે કારણ છે તે એ કે દુનિયામાં ભાષાઓનો ખતમો થાય છે, કત્લેઆમ થાય છે, ભાષાઓનું નિકંદન થઈ રહ્યું છે, જેમાં બધી ભાષા આવી. જેમાં અંગ્રેજીથી લઈને દિલની ભાષા સુધી, તમામ ભાષાઓનું નિકનંદન આજના સમયમાં થઈ રહ્યું છે. અને આપણા ઉપર એક નિ:શબ્દતા થોપવામાં આવી રહી છે. એનાં સૌથી મહત્ત્વનાં કારણ વિશે થોડું હું વર્ણન કરવા માંગું છું, આજના વ્યાખ્યાનના વિષયને ધ્યાનમાં લઈને.

આપણા સમયના દસ હજાર વર્ષ પહેલાં, એકવાર આવું જ થયું હતું એવું લિંગવિષ્ટ – ભાષા તજજ્ઞ કહે છે. અને તે સમયે આર્થિક કારણો માટે જેને પેસ્ટોરલ અથવા હન્ટિગ ગેધરીંગ, શિકાર કરવાવાળા સમાજની જગ્યા ખેતી કરવાવાળો સમાજ ઉત્પન્ન થતો હતો, વધતો હતો તે સમયમાં પહેલાંની બધી ભાષાઓ જતી રહી અને તેની જગ્યાએ નવી ભાષાઓ આવી તેવું સ્વીકારવામાં આવે છે. આપણા સમયમાં બે મહત્ત્વના બદલાવ ધ્યાનમાં લેવા જરૂરી છે. થોડું વિસ્તારમાં કહીશ જેથી મારા કહેવાનો કોઈ ભૂલભર્યો અર્થ ન થાય. સ્મૃતિ આ આપણા દિમાગની મૂળ પ્રવૃત્તિ નથી. It is not an impulse, strength or capacity of the human brain.

ભાષાનું નિર્માણ થયું, ત્યારપછી જે પ્રકારની સ્મૃતિ માનવી પાસે છે એ પ્રકારની સ્મૃતિનો વિકાસ થયો. ઇન્દ્રિયોના અનુભવથી જે સ્મૃતિ આવેલી હોય છે, બાયોલોજિકલ મેમરી બધા જ પ્રાણીઓમાં હોય છે; પણ માનવીમાં એથી વધારે પડતી અલગ પ્રકારની સ્મૃતિની ક્ષમતા છે. ભાષા આવ્યા પછી અને ભૂતકાળવાચક વાક્યરચનાની શરૂઆત થયા પછી જ્યારે માનવી એ અત્યારનો સમય અને આ પછીનો સમય આ પ્રકારે વર્ગીકરણ શરૂ કર્યા. ભૂતકાળ, વર્તમાનકાળ, ભવિષ્યકાળવાચક વાક્ય ના હોય તો આ પ્રકારે ભૂતકાળ અને ભવિષ્યકાળ અને અત્યારનો કાળ આ બધી સંકલ્પના પણ ગ્રહણ કરવી શક્ય ન થાત. જે પ્રકારની સ્મૃતિ માનવી એ મેળવી તે સ્મૃતિ ઇન્દ્રિયો દ્વારા. ઇન્દ્રિયો ગોચર સ્મૃતિથી જો અતિરિક્ત સ્મૃતિ હતી એ બધી એકઠી કરી એ સ્મૃતિને સામાજિક રૂપ આપવામાં આવ્યું, જે અન્ય પ્રાણીઓએ કર્યું નથી. આ સામાજિક સ્મૃતિ(કલેકટીવ મેમરી)નાં જે દૃશ્ય સ્વરૂપ છે એ છે નિશાળ, મ્યુઝિયમ અને લાયબ્રેરી. લાયબ્રેરીમાં શું હોય છે, દરેકે મેળવેલા અણમોલ અનુભવે પુસ્તક ગ્રંથોમાં ગ્રંથિત કરેલ હોય છે. અક્ષરોમાં લેખિત કર્યા હોય છે એ લાયબ્રેરી એ સ્મૃતિ સ્થળ છે. મ્યુઝિયમ સ્મૃતિ સ્થળ છે. આ (કલેકટીવ મેમરી) સંગ્રહ કરેલી સ્મૃતિ માનવીની વિદ્યાશાખાઓનું સ્વરૂપ નક્કી કરે છે. યુરોપમાં એ પ્રકારે 17મી સદીમાં વિદ્યાશાખાઓનું વર્ગીકરણ થયું, આપણા સમયમાં માનવીએ એવું નક્કી કર્યું એવું લાગે છે, કહેવું જરૂરી છે કે માનવીએ હવે પછી સ્મૃતિ જતન કરવાનું કાર્ય છોડી દીધું છે અને જાણે કે કોઈ એક બાહ્ય એજન્સીને આઉટસોર્સ કર્યું છે. જેવી રીતે સિક્યુરિટી એજન્સી હોય છે, એમ.

દરેક પાસે મોબાઇલ હોય છે, આ મોબાઇલની અંદર એક મેમરી ચીપ છે. એક સમય હતો કે મને મારા વડોદરાના લગભગ દોઢસો બસો ટેલિફોન નંબર મોઢે હતા. અત્યારે તો મારા પત્નીનો અને દીકરીનો નંબર મને યાદ નથી, મારો પોતાનો નંબર પણ યાદ રાખવું મુશ્કેલ થયું છે, કારણ કે મારો ટેલિફોન મારા માટે સ્મૃતિ શરવવાનું કામ કરી રહ્યો છે. Humans are moving out of the phase of memory અને જગત ભરની ભાષાઓમાં ભૂતકાળવાચક વાક્યો ક્ષીણ બની રહ્યા છે. Time is going out of human languages. Tense is going out of human languages.

હવે આ પ્રકારની નવી ભાષા કમ્પ્યૂટર દ્વારા શક્ય થાય છે. ત્યાં તમે સર્ફિંગ કરી શકશો. હું કમ્પ્યૂટરને અભિનંદન આપવા માટે નથી કહેતો, ભાષાઓની સ્થિતિનું વર્ણન કરવા માટે કહી રહ્યો છું. આજે સાઇબરનેટિક્સ (Cybernetics) નામનું જે શાસ્ત્ર છે, જે વ્યક્તિનાં નામ પરથી એ શાસ્ત્ર આવ્યું છે એ ગ્રીક ખલાસી હતા અને દરિયામાં બિલકુલ સાવચેતીથી ગમે તેટલાં વાદળો હોય, તોફાન હોય તો ત્યાં તે સારી રીતે પોતાની નાવ સ્થિર રાખી શકતા હતા. તેમનું નામ કાઇબેરનિટ્સ હતું. અત્યારે ચિત્ત અને વિશ્વનો સંબંધ છે તે ઘણા બધા પરિબળોથી ઘેરાયેલ છે અને એમાં સ્થિરતા રાખવા માટે ચિત્ત બ્રાઉઝિંગ કરી રહ્યું છે, સર્ફિંગ કરી રહ્યું છે અને નવા વિશ્વ સાથે સંબંધ બાંધી રહ્યું છે.

અનેક દિશાઓથી અનેક પ્રકારથી, આપણી સામે આ નવા વિશ્વની વસ્તુ સ્થિતિ મૂકવામાં આવે છે. આ વર્ષનું ફિજીક્સ નોબલ પ્રાઈસ જેને આપવામાં આવ્યું, એ ફિજીક્સમાં એક ન્યુમેટર, નવો પ્રદાર્થ કે જેનાથી નવું વિશ્વ બની શકશે. ડાયસન સેલ (Dyson shell) નામથી જે સંકલ્પમાં છે. જેથી અમર્યાદ એનર્જી / ઉર્જાનો વપરાશ આપણે કરી શકીશું આટલી મર્યાદા વગરના ઉર્જાના વપરાશથી અહીંથી મંગળ ઉપર જવું અને પાછું આવવું એક ક્ષણાર્ધમાં શક્ય બનશે, કદાચ એથી ય વધારે ઝડપથી. કદાચ ભવિષ્યમાં માનવી માટે બહુ-સ્થલ અને બહુ-કાલત્વ જરૂરી બનશે.

અરવિંદ ઘોષ એવું કહેતાં હતાં કે, one new consciousness will arise which will allow us to belong to many planets, many stars at the same time. સાંજે કોઈ નક્ષત્ર તરફ તમે જુઓ અને એનો પ્રકાશ જ્યારે તમારી આંખને ભીડશે, તે નક્ષત્ર 450 લાઈટ વર્ષ આપણાથી દૂર છે, એ જાણ્યા પછી તમે શું કહેશો કે તમે 450 વર્ષ પહેલાંના છો ? કે નક્ષત્ર તમારા સમયનું છે? આ બંને પ્રશ્નો નિરર્થક છે, ખરેખર They make no sense. કારણ કે આપણા સમયનો અનુભવ, આપણી સમયની સંકલ્પના તે માનવીએ બનાવેલી આપણા ભાષાના ફ્રેમવર્કમાં બનાવેલી સંકપ્લના છે, સમયની અને સ્થળની પણ. અને બહુસ્થલપણું અને બહુકાલપણું સ્વીકારેલું નવું કોન્સશ્યસનેસ, નવું ચિત્ત નવી ભાષામાં કામ કરશે. હવે નવી ભાષા એટલે ગુજરાતીથી અંગ્રેજી કે અંગ્રેજીથી ફ્રેન્ચ જેવી નવી નથી.
આ નવી ભાષા વિશે વૈજ્ઞાનિકો કશુંક કહી રહ્યા છે. તે એવું કહી રહ્યા છે કે માનવી મગજ human brain recursive, જે પોતાના ચિંતન વિશે ચિંતન કરી શકે છે એને recursive કહેવામાં આવે. અન્ય પ્રાણી માત્ર દુનિયા વિશે વાત કરી શકે છે, વિચારી શકે છે, અનુભવી શકશે, પણ માનવી પોતાના અનુભવનો પણ અનુભવ કરી શકે છે, પોતાની વાત વિશે વાત કરી શકે છે, પોતાના ચિંતન વિશે ચિંતન કરી શકે છે. એને રિર્કસિવ બ્રેન કહેવામાં આવે છે. રિર્કસિવ બ્રેનમાં, લગભગ સામાન્ય શબ્દોમાં કહું તો મગજ ઉપર લીટીઓ આવતી રહે છે અનુભવની. મગજ ઉપર જે લીટીઓ આવે છે એ બધાના ભારથી આજે મગજનો જે ડાબી બાજુનો હિસ્સો છે, બ્રોકાસ સ્ફીયર (Broca’s sphere), એ બ્રોકાસ સ્ફીયર હિસ્સામાંથી દુનિયાનું આકલન ભાષા દ્વારા કરવાની આપણને તક મળી હતી. એ બ્રોકાસ સ્ફીયરથી હવે પછી દર્શન, એબ્સ્ટ્રેકશન, ફિલોસોફી તૈયાર કરવા, અને યોગ્ય નિર્ણય લેવા, યોગ્ય સૂક્ષ્મતાથી દુનિયાનો અનુભવ લેવો અને તે વિશેની તાત્ત્વિક સમજણ વધારવી આ કામ pre frontal vortex દ્વારા થવાની શરૂઆત થઈ છે, ઉત્ક્રાન્તિની પ્રક્રિયામાં, એવું સાયન્ટીસ્ટ માનવા લાગ્યા છે અને ખાસ કરીને ડિસલેક્ટીક, (ડિસલેક્ટીક એટલે જે બાળકો સારી રીતે ભાષા વાપરી નથી શકતાં) એવાં બાળકો આપણા બધાના સો વર્ષ આગળનાં છે, ના કે આપણા પાછળનાં, એવું માનવા લાગ્યા છે. There is a beautiful book called ‘Proust and Squid’. એક નિષ્ણાત પ્રાધ્યાપિકા જે ઇંગ્લેન્ડમાં ભણાવે છે, એમનું આ પુસ્તક છે. તે માને છે ઉત્ક્રાંતિની પ્રક્રિયા પર આપણો કોઈ અધિકાર નથી. આપણો કંટ્રોલ નથી. જેમ કે કોઈ ગાલિબ કહે કે પ્યાર પર જોર નહીં હૈ, એવી જ ઉત્ક્રાંતિ છે, શરૂ છે અને શરૂ રહેવાની. અને એ પ્રક્રિયામાં માનવી માટે એક નવું આહ્વાન સામે આવી રહ્યું છે. એ આહ્વાન છે નિ:શબ્દતાની દુનિયામાં પહોંચવું અને દૃશ્યતાની દુનિયામાં જીવવાનું શીખવું, જેમાં અનેક કાળપણું અને અનેક સ્થળપણું ભોગવવું, એ આપણા આગળના ભવિષ્યમાં નક્કી થયેલું છે. એ ઉત્ક્રાંતિ આપણે સાથે લઈ જવી રહી. આ આખી વાત શાસ્ત્રજ્ઞ પણ કરી રહ્યા છે. ટેક્નોલોજીનો જે વિકાસ થઈ રહ્યો છે તે આ દિશામાં છે, એમાં કમ્પ્યૂટર તો આજનું રહ્યું. (આજ કા ખિલોના હૈ વો, ચલા જાયેગા.) પણ એક નવા પ્રકારની સ્મૃતિ જે અનેક સ્થળપણું અને અનેક કાળપણું આપણને આત્મસાત કરાવશે, એ પ્રકારે વિકસાવવાની જરૂર છે. હવે આ બધાથી એક નિ:શબ્દતા આપણ પર આવવાની છે. Aphasia અથવા Loss of Speech, પણ આ સંપૂર્ણ Loss of Speech હશે નહીં કારણકે જે રીતે હું હાથ હલાવું છું, (જે આ પાંચ લાખ વર્ષ પહેલાંની ભાષા હતી.) જે રીતે અત્યારે હું, હસું છું (આ ત્રણ લાખ વર્ષ પહેલાંની ભાષા હતી) એ રીતે શબ્દોની ભાષા અમુક શબ્દો રહેશે, લાક્ષણિક રૂપમાં રહેશે, કદાચ રિચ્યુઅલના રૂપમાં રહેશે. અત્યારે પણ ઘણા બધા મંત્રો વગેરે સાંભળીએ છીએ, બોલીએ છીએ જે રિચ્યુઅલના રૂપમાં હોય છે. Neither I understand them, not you understand them, I suppose તો this is one kind of Nishabdata, હવે બીજી નિ:શબ્દતા આપની સામે જ છે, પડકાર તરીકે.

બીજા પ્રકારની નિ:શબ્દતા એ છે કે સમાજમાં આજે ભાષાનો સંવાદ માટેનો વપરાશ કરવાની ઇચ્છા ઓછી થતી જાય છે. અમુક ફલેટસમાં કે પછી જે પહેલાં મુંબઈમાં ચાલ હતી, એ ચાલમાં આજે બે બાળકો સામસામે અથવા એકબીજાની નજદીક ઊભા રહીને ટેક્સટીંગ કરે છે. ટ્રેનમાં પહેલાં અલગ અલગ પ્રકારની ભાષા સાંભળવા મળતી હતી, એટલેતો રેલવેનો પ્રવાસ આપણા માટે મોટું શિક્ષણ હતું, પણ હવે માત્ર રીંગટોન અલગ અલગ સાંભળવામાં મળે છે. We are becoming a silenced society. કારણ કે દરેક વ્યક્તિને એ વ્યક્તિનું વ્યક્તિપણું individualism, individuality થ્રેટંડ લાગે છે, આજે. અને એક કે બીજા નેટર્વકમાં ગુંચવાઈ, એક કે બીજા નેટર્વકના આધારે આપણે જીવી રહ્યા છીએ. સ્વના આધારે નહિ, સંભાષણના આધારે નહિ અને સંવાદના આધારે નહીં. આ એક સાયલેન્ટ સોસાયટીનો શ્રાપ આપણા સમય માટે માનવીને – અને તેથી એક બીજી નિ:શબ્દતા.

અને ત્રીજી નિ:શબ્દતા : માત્ર એક જ પ્રકારની અર્થનીતિ અપનાવવાવાળા જો બધા જ દેશ હશે, અને એને વૈકલ્પિક અન્ય કોઈ પણ અર્થનીતિ ના હોય તો એવા દેશોમાં આ અર્થનીતિના તર્કશાસ્ત્રથી, લોજિકથી પ્રજાતંત્ર હોવા છતાં ય પણ એક પ્રકારના જ મુખત્યાર તંત્રનો ફેલાવો થાય છે. આ ફ્રાન્સમાં પણ થયું છે. Democracy all over the world are becoming dictatorial. ગ્રેનોબલ જ્યાં ફેન્ચ રાજ્યક્રાંતિની શરૂઆત થઈ ત્યાં હું જોઉં કે ડેમોન્સ્ટ્રેસન્સ સામે પોલીસે કોર્ડન કરીને સર્જકોનાં એક જૂથને ચૂપ બેસાડેલ, મેં આંખથી આ જોયું છે, આ ઘટના 2016ની છે. આવું જ ઈજિપ્તમાં થયું છે, આ અમેરિકામાં થઈ રહ્યું છે અને આપણે ત્યાં પણ થયું છે. આ કોઈ પક્ષની વાત નથી, હું ભા.જ.પ.ની સામે કે કોંગ્રેસની સામે કે કોમ્યુનિસ્ટની સામે કે એમની તરફેણમાં વાત નથી કરતો. કારણ કે આ પક્ષોથી વધારે મહત્ત્વની વાત ક્યારેક કરવાની હોય છે. આ સમય વાત કરવાનો તથ્યોની, તત્ત્વોની, સત્યની. લોકતાંત્રિકતા જ્યારે અધિકારશાહી સામે નમે છે કારણ કે અન્ય કોઈ અર્થનીતિ ઉપલ્બધ નથી ત્યારે અભિવ્યક્તિ પર બંધન આવે છે. આ તામિલનાડમાં છે, આ કર્ણાટકમાં પણ છે અને મહારાષ્ટ્રમાં પણ. આ ત્રણ રાજ્યોના ફંકશનમાં અલગ અલગ પક્ષો છે એટલે કોઈ વ્યક્તિ કે પક્ષ સામે વાત નથી. એક વધારે મહત્ત્વની વાત, એક વ્યક્તિથી અને એક પક્ષથી હજારગણી વધારે મહત્ત્વની વાત કરી રહ્યો છું.

આમ ત્રણ પ્રકારની નિ:શબ્દતા : એક રાજ્યકીય અને આર્થિક પરિસ્થિતિથી સર્વત્ર દુનિયામાં; બીજી નિ:શબ્દતા સામાજિક જે ટેક્નોલોજી ડ્રીવન. આજે માબાપને ફોન નથી કરતાં બાળકો, અને બાળકોને ફોન નથી કરતાં માબાપ; માત્ર ઈમેલ જે અવાજ વગરનો શબ્દ છે, ધ્વનિહીન શબ્દ છે, અડધો શબ્દ છે, છાયા છે શબ્દની, શબ્દોનો અંગ નથી, વસ્તુ નથી, shadow છે, શેડો દ્વારા શેડો-સંવાદ શરૂ છે. અને ત્રીજી નિ:શબ્દતા : જે ઉત્ક્રાંતિની પ્રક્રિયામાં બધી ભાષા જવાની તૈયારી શરૂ થયેલી છે,

નિ:શબ્દતા આપણા સમયનો કેન્દ્ર સ્વભાવ, કેન્દ્રબિંદુ. એક કેન્દ્રમાં આવેલું અંદરથી જે રીતે સો વર્ષ પહેલાં વિલ્યમ બટલર ચેટ્સ, ટી. એસ. એલિયટ, એઝરા પાઉન્ડ અથવા તો આપણાં મરાઠી, ગુજરાતી, હિન્દી, બંગાળી કવિઓ માટે એકલાપણું, એલિનિયેશન (alienation), અર્થહીનતા વગેરે અંગો હતા, એ રીતે આપણા સમય માટે – માત્ર લેખકો, સર્જકો, કવિઓ માટે જ નહીં, માત્ર ચિંતકો, તાત્ત્વિક ચર્ચા કરવાવાળા, શિક્ષકો માટે જ નહીં, માત્ર વેપારીઓ કે ખેડૂતો માટે જ નહીં – પણ સંપૂર્ણ દુનિયા, એટલે ઘરડાંથી બાળકો સુધી, શબ્દહીનતા આપણાં જીવનનાં કેન્દ્ર સ્થાને રહેતો એક અનુભવ બનતો રહે છે. આ સમયમાં નવા ચિહ્નો પ્રગટ કરવા, નવા પ્રકારે હુકમશાહી સામે એક લોકતાંત્રિક અથવા અભિવ્યક્તિનું કામ કરવું રહ્યું, દરેકની પદ્ધતિ અલગ અલગ હોય છે; કોણ કયા પ્રકારે કરશે એ વાત અલગ છે. It can be done in one million different ways. અભિવ્યક્તિ આપણને માનવીના રૂપમાં જીવતી રાખશે, અને શબ્દહીનતા આપણને માનવીથી અન્ય કોઈ જાનવર, પ્રાણીની સ્થિતિ સુધી લઈ જશે.

આપણી સામે બે રસ્તા છે, માત્ર બે જ. એક શબ્દહીનતા સ્વીકારવી અને પ્રવાહપતિત બનવું અને બીજો માર્ગ, અભિવ્યક્તિ જીવતી રાખવી. જે સાહિત્ય દ્વારા હશે, નાટક દ્વારા હશે, સિનેમા દ્વારા હશે, ન બોલવા દ્વારા પણ અભિવ્યક્તિ હોઈ શકશે. Not speaking can also be speech. મૌન – વિરોધ દ્વારા થઈ શકશે, વિક્ષોભ દ્વારા થઈ શકશે. ઉદ્રેક, પ્રક્ષોપ દ્વારા હોઈ શકશે, પણ we must live on the side of અભિવ્યક્તિ. અભિવ્યક્તિની સાથે રહીને અને નિ:શબ્દતાથી પસાર થતી નવી દુનિયાના, નવા ચિત્તવૃત્તિના ઘડતર દરમ્યાન, આ પહેલાંનું 70હજાર સાલથી આવ્યું તે છોડી નહીં જવાનું, પણ આ બધું સંચિત સાથે લઈને આગળ નીકળવું છે, આપણા સામે એક નવું આહ્વાન છે. એ માત્ર આપણા સમયનું છે, એ આપણાં પહેલાંના સમય, આ સમયના પહેલાં કોઈએ આ આહ્વાન જોયું નથી, ને સમજી નથી શકવાના કારણ કે એમના માટે ન હતું. આપણા માટે આહ્વાન છે. We must face it. અને આહ્વાન આજે લેક્સિકન અર્થાત શબ્દ જીવતાં રાખીને કરવું હોય તો it’s a great way. લેક્સિકન ગુજરાતી છે, એટલે બે ભાષાના શબ્દ ભેગા લઈને પણ બંને ભાષા જીવતી રહેતી હશે, તો પછી બે કુટુંબોમાંથી વ્યક્તિ આવીને લગ્ન થાય છે અને બે કુટુંબોની વૃદ્ધિ થાય છે, તે પ્રકારની વૃદ્ધિ થાય તો પણ ચિંતા નથી. Purity is not the ultimate condition of language. Pollution is the ultimate rule of continued existence of language. જે ભાષા pollute નથી, એ ભાષા જીવતી નથી રહેતી અને એની વૃદ્ધિ નથી થતી. એટલે વધુમાં વધુ ભાષાને pollute કરવી, જેથી એ સમૃદ્ધ થશે. કાલપરત્વે ન બદલતાં શબ્દોમાંથી ભાષાનું બ્રાહ્મણપણું વધશે. જે પગથી ભાષાની જમીન તૈયાર થાય છે, એ જમીન જતી રહેશે, કામ જતું રહેશે, અને માત્ર શબ્દ – અર્થ વિનાના શબ્દ – આપણી પાસે રહેશે.

શબ્દોની હાલની સ્થિતિ જોઈને ગભરાવવાની કોઈ જરૂર નથી. પરંતુ આપણી જે ચાલચલગત છે એને સુધારવા માટે આ સમજવું જરૂરી છે. જ્યાં સુધી આપણે તે નથી સમજતા ત્યાં સુધી ખોટા વિવાદોમાં અને વાદોમાં આપણે ઊલઝાયેલા રહીશું, સંડોવાયા જ રહીશું. શબ્દ પણ સમજીએ અને શબ્દ હીનતા પણ સમજીએ. આટલી વિનંતી સાથે, અને મને બોલવાની તક આપી અને ખૂબ શાંતિથી મારે જે બે-ચાર વાત કહેવાની હતી સાંભળી લીધી, તે માટે ફરી એકવાર બધાને ધન્યવાદ આપું છું.
[3614 words]
અમદાવાદ, 08 ઑક્ટોબર 2016

No Response to “નિ:શબ્દતાથી શબ્દના સર્જનની સફર” »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment