Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.

ઇજનેરી, સાહિત્ય અને સમાજસેવાના ત્રિવેણી સંગમ સમા આદરણીય શ્રી બળવંતભાઈ વાઘજીભાઈ પટેલ બી. વી. પટેલના હુલામણા નામથી ઓળખાય છે અને અનેરો આદર અને લોકચાહના ધરાવે છે.

બળવંતભાઈએ કર્મચારીઓના નગર તરીકે ઓળખાતા ગાંધીનગરની સામાજિક, સાંસ્કૃતિક અને સાહિત્યિક ઓળખ ઊભી કરવામાં પાયાની ભૂમિકા ભજવી. ગાંધીનગરની ઓળખ સમી અનેકવિધ સંસ્થાઓની સ્થાપનામાં તેમનું યોગદાન અમૂલ્ય કહી શકાય તેવું છે.

મૂળ ધર્મજના વતની એવા બળવતંતભાઈ શાળા જીવનથીજ હોશિયાર હતા. બી.ઈ. કર્યા બાદ રાજ્યના માર્ગ અને મકાન વિભાગમાં સેવા પ્રવૃત્ત થયા. રાજ્યના માર્ગ અને મકાન વિભાગમાં સેવાઓ દરમ્યાન રાજ્યના વિકાસ અને ગાંધીનગરની રચનામાં ઇજનેરી તજજ્ઞતા થકી એક આગવી ઓળખ ઊભી કરી હતી. ગાંધીનગરમાં વિધાનસભા ગૃહ સહિતના અનેકવિધ સ્થાપત્યોની રચના અને નિર્માણમાં તેમનું યોગદાન રહ્યું છે. વર્લ્ડ બેંક પ્રોજેક્ટ અંતર્ગત ભારતમાં ગ્રામીણ રસ્તાઓના નિર્માણમાં તેમજ કેન્યા સરકારને હાઇવે ઇન્ફ્રાસ્ટ્રકચર નિર્માણમાં માર્ગદર્શક રહ્યા હતા.

bvpatel

તેઓ સાહિત્યમાં પણ આગવી રૂચિ ધરાવતા હતા. તેમના ગુજરાતી ભાષાની જોડણી અંગેના પુસ્તક ફર-અફરને બહોળું સન્માન અને પ્રશંષા પ્રાપ્ત થયેલી. આ ઉપરાંત તેમણે સંયુક્ત રાષ્ટ્રસંઘ પરિચયાત્મક આલેખ પુસ્તિકા, વાદ વિના વિવાદ, ઉત્ક્રાંતિકારક ‘લોક-1’ ઘઉંના સંશોધક ડૉ. ઝવેરભાઈ એચ. પટેલની ‘સંશોધનગાથા’ને પુસ્તક સ્વરૂપે ઉજાગર કરી. આ ઉપરાંત નવદંપતિ માટેના આધુનિક મંગલાષ્ટકો ‘ધન્યો-ગૃહસ્થાશ્રમ’, યજ્ઞોપવિત ધારણ કરી વિદ્યાભ્યાસ માટે ગુરુના આશ્રમે જતા બટુકને વડીલો કેવા વચનોથી વિદાય આપતા હશે તેની કલ્પના કરતી કવિતા ઉક્તિઓ ‘ચિરંજીવીને દ્વિજત્વ ટાણે’, ચૂંટણી કાવ્યો સહિતની અનેક આગવી કાવ્ય રચનાઓ પણ આપી.

સ્વ. શ્રી રતિલાલ ચંદરયા સાથે મળીને ગુજરાતી ભાષાના સીમા ચિહ્ન સમાન ઓનલાઇન સંદર્ભ કોશ ‘ગુજરાતીલેક્સિકન’ની  સ્થાપનામાં નોંધપાત્ર યોગદાન આપ્યું. તેમના આ યોગદાનને ટાંકી ટ્રસ્ટી મંડળના મોવડી શ્રી વિપુલભાઈ કલ્યાણીએ તેમના એક દાયકા કરતાં વધુ સમયના યોગદાનને સંભારીને શ્રદ્ધાંજલિ પાઠવી. જ્યારે ગુજરાતીલેક્સિકનના માર્ગદર્શક શ્રી અશોક કરાણિયા તેમના શોક સંદેશમાં જણાવે છે કે ગુજરાતી ભાષા અંગેની ચળવળમાં બળવંતભાઈનું યોગદાન અવિસ્મરણીય છે અને રહેશે. ગુજરાતીલેક્સિકન તથા કોમ્પ્યૂટરની ક્લિકે – ગુજરાતી ભાષાની પહેલી ડિજિટલ ડિક્શનરીના સંપાદન સહિતના અનેક પ્રોજેકટ થકી તેઓ સદા અમર રહેશે. આ ઉપરાંત ગુજરાતીલેક્સિકના દરેક નવા પ્રકલ્પ વખતે તેમના સૂચનો એક દીવાદાંડી સમાન રહ્યા છે. ભગવદ્ગોમંડલ પ્રોજેક્ટમાં તેમણે લખી આપેલ શબ્દકોશના ઉદ્ભવ અને વિકાસનો લેખ કોઈ પણ વ્યક્તિને ગુજરાતી ભાષાના શબ્દકોશના ઉદ્ભવ અંગેની સચોટ માહિતી આપે છે. (http://www.bhagwadgomandal.com/gu/index.php?action=history) લેખક તરીકે તેમણે વિવિધ દૈનિક, સાપ્તાહિક વર્તમાન પત્રો, માસિકોમાં તેમના અભ્યાસલેખો અને કોલમો દ્વારા નીતિ ઘડતર અને સમાજ ઘડતરની દિશાઓ સૂચવી.

વ્યક્તિગત હિત કરતાં કુટુંબ, પરિવાર અને સમાજના હિતને વધારે મહત્ત્વ આપવું એવા ધ્યેય સાથે કુટુંબ વત્સલ અને પ્રેમાળ સ્વભાવની હૂંફ પરિવાર તેમજ સમાજને હંમેશા મળતી રહી. પરિવારના વંશવૃક્ષનું સંસ્કાર સિંચન કરવામાં ધર્મપત્ની ભાનુબહેન સંગાથી રહ્યા. તેમના મોટા પુત્ર શ્રી સુનિલભાઈ પટેલે પ્રતિષ્ઠિત બિલ્ડર તરીકે નામના મેળવી જ્યારે અમેરિકા સ્થિત નાના પુત્ર સંજય પટેલ, સોફટવેર એન્જિનયર તરીકે વિશ્વની અગ્રણી એવી આઈ.બી.એમ. કંપનીમાં ઉચ્ચ હોદ્દા ઉપર ફરજ બજાવી રહ્યા છે. પૌત્ર સોહમ સુનિલ પટેલ ગાંધીનગર ખાતે ડૉક્ટર તરીકે સેવાઓ આપી રહ્યા છે, જ્યારે નીલ તેમજ અંશ સંજય પટેલ અમેરિકા ખાતે અભ્યાસમાં પ્રવૃત્ત છે.

અધિક્ષક ઇજનેર તરીકે સેવા નિવૃત્ત થયા બાદ નગરના નાગરિક જીવનના પ્રશ્નોને વાચા આપવા, તેના ઉકેલ તેમજ નાગરિક જીવનના ઘડતર માટે ગાંધીનગર શહેર જાગૃત નાગરિક પરિષદ સંસ્થાની સ્થાપનામાં મહત્ત્વની ભૂમિકા ભજવી. ગાંધીનગર લાયન્સ કલબની સ્થાપના કરવામાં પણ તેમનો અમૂલ્ય ફાળો રહ્યો. શહેરી જીવનમાં સાહિત્ય, સંવેદનાઓ અને સંસ્કાર ઘડતર માટે ગાંધીનગર સાહિત્ય સભા સહિતની અનેક સંસ્થાઓનો પાયો નાખવાનું કાર્ય કર્યું. તેમની આ દૂરંદેશીને કારણે આજે ગાંધીનગરને એક આગવી ઓળખ મળી છે.

આપણા આ લોકલાડીલા બળવંતભાઈ તા. 11 માર્ચના રોજ તેમના ગાંધીનગર મુકામે દેહાવસાન પામ્યા. આ દુખદ અવસરે નગરના અગ્રણીઓ, સાહિત્યકારો સહિત બહોળી સંખ્યામાં લોકોએ અંતિમ યાત્રામાં જોડાઈને સદ્ગતને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી. વિવિધ સંસ્થાઓ તેમજ તેમના હોદ્દેદારોએ પણ તેમના યોગદાનને યાદ કરીને શ્રદ્ધાંજલી સંદેશ પાઠવ્યા. ‘સન્ડે ઇમહેફિલ’ના મુખ્ય સંપાદક શ્રી ઉત્તમ ગજ્જર તેમને ઉદ્યમી અને વિદ્યાવ્યાસંગી તરીકે યાદ કરીને તેમનું યોગદાન હંમેશા સ્મરણમાં રહેશી તેવી ભાવાંજલી અર્પે છે.

Content Courtesy : Mintoo Dave & Maitri Shah

No Response to “બળવંતભાઈ પટેલ : ઇજનેરી, સાહિત્ય અને સમાજસેવાનો ત્રિવેણી સંગમ” »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment