Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.

૪૦ વર્ષ પહેલાં ‘‘સરિતા’’ નામ પાડવા બદલ એને મા પર ગુસ્સો આવતો. ખાબોચિયા જેવું પોતાનું જીવન અને નામ સરિતા! એને પોતાના લટકતા હાથ અને લંગડાતા પગની ચીડ ચડતી.

પહેલાં ક્યારેક થતું કે કશો ચમત્કાર થશે અને પોતાના હાથ-પગ સાજા-સમા થઈ જશે. કલ્પ્નાનું મોરપીંછ એના અંગેઅંગ ફરી વળતું અને અનેરા ઉત્સાહથી એને રોમાંચિત કરી દેતું, પરંતુ કલ્પ્ના જોતજોતામાં ઊડી જતી અને મોરપીંછને કાંટા ઊગતા. વાસ્તવિકતા ત્યારે વધુ વિકરાળ બની જતી. નાની બહેનનો ને ભાઈઓનો સંસાર જેમ જેમ મહોરતો ગયો, તેમ તેમ એને પોતાની પાનખર વધુ વસમી લાગવા માંડી.

નવમે વર્ષે સખત તાવમાં એનો એક હાથ અને પગ લબડી ગયો. પછી ઓશિયાળાપણું એને કઠતું. છતાં હિંમત ન હારી. બુદ્ધિ તેજ હતી. ભણી. સ્નાતક થઈ. સારી નોકરી યે મળી.

પરંતુ અપંગતાની વરવી વાસ્તવિકતા અવારનવાર ભોંકાતી રહી. ઑફિસની જવાબદારીઓ ઉપાડવામાં અમુક મર્યાદાઓ આવી જ જતી. પુરુષો સહવાસ ઇચ્છતા, હલાવતા-દુલાવતા, પણ હાથ પકડવાની તૈયારી કોઈ ન બતાવતું. કોઈએ એક પાત્ર સૂચવ્યું : ‘ભણેલો છે, સારું કમાય છે, પણ પગ જરીક લંગડાય છે.’ બંને મળ્યાં એકમેકને પસંદ પડ્યાં, પણ છોકરાનાં મા-બાપ કહે, ગરીબની છોકરી ચાલશે, કાળીનોયે વાંધો નહીં, પણ બંને અપંગ કેમ ચાલે?

આવું બે-ત્રણ વાર બન્યું. એણે મનોમન નક્કી કરી નાખ્યું કે એકલી જ જીવી જઈશ. ભાઈ-બહેનનાં છોકરાંમાં એણે જીવ પરોવવા માંડ્યો. છોકરાં સાથે ભારે હળી ગઈ. છોકરાંનેય માસીબા અને ફઈબા વિના ઘડીકેય નહોતું ચાલતું.

નાનકો નીતિન કહે, ‘માસીબા! મોટો થઈને દાક્તર બનીશ, તાલા પગને સલસ કલી દઈશ. પછી મમ્મીની જેમ તુંય તપ તપ ચાલીશ. માસીબા હું મોતો ક્યાલે થઈશ?’

‘મારો રાજ્જા બેટા ઝ….ટ…. મોટો થઈ જશે,’ કહી સરિતાએ એને બચી કરી છાતીસરસો ચાંપ્યો.

એટલામાં તો સંધ્યા બોલી, ‘અરે ગાંડાભાઈ! ફઈબાના પગ કોઈ દાક્તર સારા નહીં કરી શકે. પપ્પા મારી મમ્મીને કહેતા હતા. એટલે હું તો જાદુગર થઈશ…. જંતર મંતર, જાદુમંતર કહીને ફૂંક મારીશ!’

છોકરાંવ વચ્ચે સરિતાને એકલતા સાલતી નહીં. એમની સાથે એ પરીઓના દેશમાં જતી, રાજમહેલના રાજકુંવરને મળતી, કેદ થયેલ રાજકુંવરીઓને છોડાવતી, પણ એકલી પડતાં મન ફરી ચકડોળે ચઢતું….. આ બધાં બાલપંખીઓ તો પાંખ આવતાં ઊડી જશે, પોતપોતાના માળા બાંધશે….. હું રહી જઈશ એકલી…..

તેવામાં આજે બસમાં ચઢતાં જરીક સમતુલા ગુમાવી. એક ભાઈએ સમયસર હાથ દીધો. ‘બહેન, આવું સાહસ કરશો નહીં. તમારા જેવાએ તો વધારે સંભાળીને….’

હા, ઉંમર વધતાં શક્તિયે ક્ષીણ થતી જશે…… સરિતા આખો દિવસ બહુ ખિન્ન રહી. સાંજે ઘેર આવી એણે છોકરાંને ભેળાં કરી વાર્તા માંડી :

‘એક હતો ચકો ને એક હતી ચકી. બંને દાણા લાવવા દૂર દૂર સુધી ગયાં. ત્યાં ચકી દેખાતી બંધ થઈ. ચકો રઘવાયો રઘવાયો તેને શોધવા લાગ્યો. છેવટે જોયું તો એક તારમાં ચકીનો પગ ભેરવાઈ ગયેલો. ચકાએ બહુ મહેનતે તાર તોડી નાખ્યો. ચકી મુક્ત થઈ, પણ એનો એક પગ મરડાઈ ગયો. પાંખેય એક કપાઈ ગઈ…..’

‘પછી આગળ કહો ને ફઈબા!’

‘પછી શું? ચકી રડતી રહી, હું ઊડી શકતી નથી, હું ઊડી શકતી નથી.’

‘છટ્! આવી કેવી વાર્તા!’

ત્યાં તો સંધ્યા બોલી, ‘અરે! હું કહું, પછી શું થયું….. તેવામાં એક પરી આવી. બોલી, ચકીબાઈ! ચકીબાઈ કેમ રડે છે?….. ચકી કહે, મારી પાંખ કપાઈ ગઈ, મારો પગ મરડાઈ ગયો….. પરી બોલી, હત્તારીની! એટલું જ ને!….. પરીએ તો મંત્ર ભણ્યો, ચકીના પગે ને પાંખે હાથ ફેરવ્યો. પછી હાથ હલાવી છૂ…… કર્યું અને ચકી તો સરસરાટ ઊડી ગઈ…..’

છોકરાં તો તાળીઓ પાડતાં નાચવા લાગ્યાં. સરિતા અન્ય-મનસ્ક થઈ ગઈ હતી. એની આંખ સામે ઘડીકમાં પરી તો ઘડીકમાં બસ દેખાતી હતી.

(મરાઠી લઘુકથા, લેખક – સુમન કર્વે, ગુજરાતી અનુવાદ  – હરિશ્ચંદ્ર) 

…………………………………………………………………………………………………………………………………………………………………………………

 

 

One Response to “લઘુકથા – વાત એક પાંખે કપાયેલ ચકીની” »

  1. Comment by durgesh oza — November 14, 2017 @ 6:31 pm

    રચનાત્મક લઘુકથા. લેખક તેમ જ બ્લોગના સંચાલકને અભિનંદન. અહીં બીજી મહત્વની એ વાત એ કે મોટા કદાચ ખોડ,નકારાત્મકતા.બાહ્ય વસ્તુ પહેલાં કે વધુ જૂએ, પણ બાળકોના મનમાં એવું કશું ન હોય. એ ખોડ નહીં, કોડ જૂએ..એને વ્હાલ કરો એટલે એ એમાં એટલે તલ્લીન કે એને આવું બીજું કશું દેખાય જ નહીં. ને કોઈ આવી ખોડ કાઢે તો એમણે એ ગમે પણ નહી. બાળક ફક્ત નર્યો સ્નેહ, પાવન હ્રદય જૂએ છે.. બીજું આડુંઅવળું કશું નહીં. તે ઉમર,ખોડ,જાતિ…એવું કશું નહીં જૂએ. બસ મંગળ લાગણીના વરસાદમાં ભીંજાશે ને બીજા એવા સહ્રદયીને ભીંજવશે.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment