Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.

TH-RAIN-3_1314942g

મિત્રો, અકળાવનારી ગરમી પછી મન અને વાતાવરણને ઠંડક અને રાહત આપનાર ઝરમર વરસાદનો લાભ તો આપણે લઈ લીધો , 21 જૂન મંગળવારના રોજ ઋતુ પ્રમાણે ચોમાસું પણ બેસી ગયું છે.

સ્વાસ્થ્ય જાળવણી માટે વરસાદની આ ઋતુ સંવેદનશીલ ગણાય છે. આ માટે વરસાદની સૌથી પ્રાચીન ચિકિત્સા પદ્ધતિ આયુર્વેદમાં આ ઋતુમાં બીમારીઓથી બચવા માટે કેટલીક મહત્ત્વપૂર્ણ સાવધાનીઓ બતાવવામાં આવી છે. આયુર્વેદમાં માન્યતા છે કે વર્ષા ઋતુમાં આપણા શરીરમાં વાયુનો વિશેષ પ્રકોપ તથા પિત્તનો સંચય થાય છે.

વર્ષાઋતુમાં વાતાવરણના પ્રભાવના કારણે સ્વાભાવિક રૂપે આપણી ભૂખ અને ભોજનને પચાવવાની શક્તિ મંદ પડી જાય છે. આ મંદ પાચનશક્તિને કારણે અજીર્ણ, તાવ, વાયુદોષનો પ્રકોપ, શરદી, ખાંસી, પેટના રોગો, કબજિયાત, અતિસાર, સંધિવા વગેરે રોગો થવાની સંભાવના છે. આથી જ ચોમાસાની ઋતુમાં ખાવા-પીવામાં ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે.

આ રોગોથી બચવા માટે તથા પેટની પાચકશક્તિ જઠરાગ્નિને સંભાળવા માટે આયુર્વેદ અનુસાર હલકું ભોજન અને ઓછી માત્રામાં ભોજન કરવું એ જ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આપણે અહીં જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો – આ પાંચ માસમાં વરસાદ ઓછાવત્તા પ્રમાણમાં ચાલતો હોય છે. આ દરમિયાન ખાવાપીવામાં ફેરફાર ના કરવામાં આવે તો વાયુ અને પિત્તના રોગો થવાની સંભાવના વધી જાય છે. શરૂઆતના પ્રથમ ૩ માસમાં વાયુના અને પછીના ૨ માસમાં પિત્તના રોગો થતા જોવા મળે છે.

આ ઋતુમાં વાયુ વધતો હોવાથી તેને ઘટાડવા ખાટો અને ખારો રસ છૂટથી ખાવો જોઈએ. સિંધવ મીઠું, લીંબુ, આમલી, આમળાં, ટામેટાં, છાસ, અથાણાં, ચટણી વગેરે જરૂરી માત્રામાં ખાઈ શકાય. મધુર આહાર પણ વાયુનો નાશ કરે છે તેથી ગોળ, ઘી, ઘઉં, ચોખા, તલ, તેલ, કેળાં, સૂકો મેવો માફક આવે અને પચે એ રીતે ખાઈ શકાય.

ચોમાસામાં ભેજને કારણે અને વાયુ વધી જવાથી મોટે ભાગે જઠરાગ્નિ મંદ પડી જતો હોય છે. જેથી ખોરાક ગરમ અને હળવો લેવો. રાંધેલું જ ખાવું તથા બહુ ઠાંસી ઠાંસીને જમવું નહિ. વાયુનો ગુણ રુક્ષ, લઘુ, શીત હોવાથી તેનાથી વિરુદ્ધ ગુણવાળો એટલે સ્નિગ્ધ – તેલ વાળો, ગરમ ખોરાક સારો…તલનું કે સરસવનું તેલ, ઘી, ઘઉં, ગોળ સારાં.

વર્ષાઋતુ માં વરસાદ પડવાથી તથા આકાશમાં વાદળાં ઘેરાયેલાં હોવાથી લીલાં શાકો સૂર્યપ્રકાશ ઓછો મળવાના કારણે પિત્ત કરનારા અને પચવામાં ભારે બની જાય છે. તેમાંય ભાજી અને મૂળા તો ક્યારેય ના ખવાય. ચણાની બનાવટો વાયુકારક હોવાથી ચણા, દાળિયા, ગાંઠિયા, ભજિયાંથી દૂર રહેવું. આ ઋતુ માં મગફળી નવી નવી આવે છે પણ તે પચવામાં ભારે, અગ્નિ મંદ કરનારી અને ચામડીના રોગો કરનારી હોવાથી બહુ પડતી ખાવી સારી નહીં.

કાકડી આ ઋતુ માં ટ્રેક્ટર ભરી ભરીને માર્કેટમાં અને હોટલો માં સલાડમાં પીરસાય છે પણ નવા પાણીમાં પેદા થયેલી કાકડી ભાદરવામાં પિત્ત વધારી તાવ લાવે છે. બીજો નંબર ફળાહારી લોકોનાં વ્હાલાં કેળાં….પાકાં હોય તો એકાદ બે સવારે ખાવાં બાકી કેળાવેફર વગેરે ખાવામાં સંયમ રાખવો. મૂળા કુમળા અને તાજા ખાઈ શકાય, બાકી ઘરડા મૂળા તાવ અને એસીડીટી લાવી શકે છે.

શું શું ખાઈ શકાય

ઘઉં, ચોખા, અડદ, તલતેલ, આદુ, લસણ, મેથી, રાઈ, અજમો, કઢી, કાળી દ્રાક્ષ, ખાટાં ફળો, ઘી, દૂધ, માખણ, દીવેલ, ડુંગળી, છાસ, ગોળ, ખાંડ, સૂકો મેવો,દહીં, પરવળ, પાપડ, મગ, મરી, મરચાં, લવિંગ, રીંગણ, લીંબું, સફરજન, સૂરણ, સરગવો, સુવા, હળદર વગેરે વગેરે પાચનશક્તિ મુજબ લેવાં. આ ઋતુમાં નવું પાણી દુષિત હોવાથી તથા પાચન શક્તિ મંદ હોવાથી તાવ, ઝાડા, મરડો, પેટના રોગો વગેરે થઈ શકે છે. જેથી કાચું પાણી ના પીવું, આર્ધુ બાળેલું અને સૂંઠના ટુકડા નાખી ઉકાળેલું પાણી પીવું જોઈએ. ઠંડા કે બરફ વાળાં પીણાં, ફ્રીજનું પાણી ના પીવું. સરબત પીવાનું મન થાય તો લીંબુ સરબત પીવું, આદુનો રસ, સિંધવ, મધ, ધાણાજીરું, મરી નાખેલી લસ્સી, આદુ-આમળાં કે કોકમનું સરબત પી શકાય.

વર્ષાઋતુમાં આરોગ્ય જાળવવા શું કરશો ?

વર્ષાને આયુર્વેદની દૃષ્ટિએ વાતપ્રકોપની ઋતુ માનવામાં આવે છે. આથી વાયુ કરે એવા અહારવિહાર આ ઋતુમાં ઓછાં કરવા અથવા તો છોડી દેવા. વાલ, વટાણા, ચણા, ચોળા, પાપડી, ગુવાર, વાલોળ અને બટાટા જેવા પદાર્થ વાયુ કરે છે, આથી એનો ઉપયોગ ઓછો કરવો અથવા વાયુનો કોઈ રોગ થયો હોય તેવી વ્યક્તિએ સદંતર બંધ કરવો.

ઉજાગરા, વધુ પડતો પ્રવાસ, વધારે પડતા ઉપવાસ, અતિશય શ્રમ કે વ્યાયામ, અતિ મૈથુન, ચિંતા અને શોકથી પણ વાયુ વધે છે.

લસણ, મેથી, હિંગ, સરગવો, લીંબુ, ફૂદીનો, તલનું તેલ, છાશ અને સિંઘવ જેવા પદાર્થો વાયુનું શમન કરતા હોવાથી વર્ષાઋતુમાં તેનો ઉપયોગ વધારવો. પચવામાં ભારે હોય તેવો-દુર્જર કે વાસી ખોરાક ન ખાવો. જમતાં પહેલાં જો આદુના ટૂકડામાં લીંબુનો રસ તથા મીઠું મેળવીને ચાવી જવામાં આવે તો ખોરાક પ્રત્યેની રુચિ વધે છે અને પાચનતંત્ર વ્યવસ્થિત રહેવાથી વાયુના કે બીજા કોઈ રોગો થતાં નથી.

આમવાત, સંધિવા, કમરનો દુખાવો, રાંઝણ, ઝાડા, મરડો, અજીર્ણ, પેટનો દુખાવો, કાનમાં સણકા, શરદી કે આચંકી જેવા રોગો ચોમાસામાં ખાસ જોવા મળે છે. આથી આવો કોઈ રોગ ન થાય તેની કાળજી રાખવી અને થાય તો સાદા-નિર્દોષ ઔષધો દ્વારા જ એને મૂળમાંથી દૂર કરવા કોશિશ કરવી. ચોમાસામાં સૂંઠ, આદું, લસણ, લીંબુ, તુલસી અને પીપરી મૂળ (ગંઠોડા) જેવા સાદાં ઔષધોનો ઉપયોગ ખાસ કરવો.

જાંબુ એ વર્ષાઋતુનું સર્વ સુલભ ફળ છે. પણ એ અતિશય વાયુ કરનાર હોવાથી સમજી વિચારીને ખાવાં અને ગેસ-કબજિયાત જેવા રોગો થયા હોય તેણે કે વાત પ્રકૃતિવાળી વ્યક્તિઓએ ન ખાવાં. ઝાડા, લોહીવા અને શ્વેતપ્રદર જેવા રોગોમાં જાંબુ ઉપયોગી છે. મધુપ્રમેહ હોય તેવી વ્યક્તિને જાંબુના ઠળિયાનું ચૂર્ણ હળદર અને આમળાંના ચૂર્ણ સાથે મેળવીને સવાર-સાંજ એક-એક ચમચી આપવાથી લાભ થાય છે. મધુપ્રમેહના રોગી માટે ચોમાસામાં ખાસ જોવા મળતું શાક કારેલાં હિતકર છે.

વર્ષાઋતુમાં મકાઈના ડોડા પણ ખૂબ જ વેચાતા હોય છે. આયુર્વેદની દૃષ્ટિએ તે દુર્જર છે અને તેથી વધુ પ્રમાણમાં ખાવામાં આવે તો પેટમાં ભાર જેવું લાગે છે અને વાયુ પણ કરે છે. આમ છતાં માપસર ખાવાથી તે ઋચિકર પણ લાગે છે.

આ ઋતુ દરમિયાન પાણી ગાળેલું, ઉકાળેલું અને માપસર જ પીવું. સૂંઠનો ટૂકડો નાખીને ઉકાળેલું પાણી જો પીવામાં આવે તો શરદી, ઝાડા, અપચો અને આમવાત જેવા રોગો થતા નથી અને થયા હોય તો સરળતાથી દૂર થાય છે. ચોમાસાના કારણે ઘરની આસપાસ, રસ્તા પર, ઝૂપડપટ્ટી વાળા વિસ્તારમાં પાણી ભરાય છે અને કીચડ પણ થાય છે. કીચડના કારણે મચ્છર અને માખીનો ઉપદ્રવ પણ વધે અને મલેરિયા તથા કોલેરા જેવા રોગો ઝડપથી ફેલાવા લાગે છે. આવા સમયમાં તુલસી-મરીનો ઉકાળો પીવામાં આવે તો શરદી, ફ્લુ અને મલેરિયા સામે રક્ષણ મળે છે.

(લેખ સંદર્ભ – સૌજન્ય : http://desais.net/, ગુજરાત સમાચાર)

 

 

 

 

No Response to “વર્ષાઋતુમાં આરોગ્ય જાળવણી” »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment