Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.

કહેવત કથાઓ

April 20th, 2015 by GujaratiLexicon Team | No Comments »

Gujarati-Kaevat-19ગુજરાતી કહેવતો અને રૂઢિપ્રયોગો એ ભાષાનાં ઘરેણાં કહેવાય. તેના ઉપયોગથી બોલાતી ભાષા દીપી ઊઠે છે, વળી ઘણા શબ્દો અને વાક્યો દ્વારા ન સમજાતી બાબત એક નાનકડા વાક્ય કે શબ્દસમૂહ દ્વારા ખૂબ સારી રીતે અથર્સભરતાથી કહેવાઈ જતી હોય છે. વળી, ક્યારેક આ કહેવતો સાથે કોઈ લોકકથા કે લોકવાયકા પણ સંકળાયેલી હોય છે. તેનો ખ્યાલ આપણે અહીં આપેલ કેટલીક કહેવતોને આધારે મેળવીશું. ગુજરાતીલેક્સિકનના શબ્દકોશ વિભાગમાં ઘણી કહેવતો અને રૂઢિપ્રયોગો આપેલ છે. તેનું વાંચન અને ભાષાપ્રયોગથી આપની ભાષા દીપી ઊઠશે.

બદલાતા સમય અનુસાર આપણાં લખાણોમાંથી કહેવતોનો ઉપયોગ ઓછો થતો ચાલ્યો છે. એનું એક કારણ એ છે કે આપણી ઘણી કહેવતો જાતિલક્ષી હતી. અગાઉના સમયમાં તેનાથી કોઈની લાગણી દુભાતી ન હતી. તે કહેવત કે તેની કથા રમૂજરૂપે ચાલી આવતી. કોઈને ઉતારી પાડવાનો આશય તેમાં ન હતો. સાંપ્રત સમાજમાં છાશવારે લોકોની લાગણી દુભાવાના પ્રસંગો બન્યા કરે છે. સમાજ અતિશય સંકુચિત માનસ ધરાવતો અને આળી લાગણીવાળો થઈ ગયો હોવાથી કોઈ પણ વાતને ખેલદિલીપૂવર્ક સ્વીકારવાનું વલણ લોકોમાં ઘટી ગયું છે. આને લીધે કહેવતોની સાથે જોડાયેલ રોચક – રમૂજ કથાઓથી પણ નવી પેઢી વંચિત થતી ચાલી છે. અહીં રજૂ કરેલ જૂની કહેવત કથાઓમાં બાળકોને પણ રસ પડશે.

હાજર સો હથિયાર : જેનાથી કાર્ય સિદ્ધ થાય તે જ સાચું; હાજર હોય તેને હથિયાર ગણી એનાથી કામ નિપટાવવું, અણીને વખતે હાથ પર હોય તે જ ઉપયોગી બને.

શહેનશાહ અકબરે દરબારમાં પ્રશ્ન કર્યો : ‘ શ્રેષ્ઠ હથિયાર કયું ? ’ દરબારીઓએ જુદા જુદા મત આપ્યા. કોઈ કહે તલવાર, કોઈ કહે ભાલો, કોઈ કહે લાઠી, કોઈ કહે ભેંસ, કોઈ કહે જમૈયો. બીરબલ કહે : આપણી પાસે ખરે ટાણે જે હથિયાર હાજર હોય તે કામનું. ઘેર ભલે ભાલો, તીર કે ચાકું પડ્યાં હોય પણ ખરે ટાણે આપણી પાસે જે હથિયાર હોય તે જ શ્રેષ્ઠ હથિયાર. એ પછી એક વાર એવું બન્યું કે બીરબલ સાંકડી ગલી (નેળ) માંથી પસાર થતો હતો. સામેથી પાગલ હાથી દોડતો આવતો હતો. બચાવનો કોઈ માર્ગ જ ન હતો. બીરબલે આજુબાજુ નજર કરી તો એક કૂતરું ઊભું હતું. બિરબલે તે કૂતરું ઉપાડીને હાથીના મોં પર ફેંક્યું. હાથીએ બધો ગુસ્સો તો કૂતરા પર ઊતાર્યો. બીરબલ હળવેકથી બાજુમાંથી સરકી ગયો.

કોથળામાંથી બિલાડું કાઢવું : ધાર્યા કરતાં કંઈ જુદું જ નીકળ્યું

એક વાણિયો જંગલમાંથી પસાર થતો હતો. રસ્તામાં તેને લૂંટારા મળ્યા. વાણિયા એટલે શાણી પ્રજા. તેણે લૂંટારાઓ પાસે એક દરખાસ્ત મૂકી : એમ કરીએ, હું તમને લોકોને આ રકમ ઉછીની આપું છું. એટલે તમે મને લૂંટ્યો નહીં ગણાય. લૂંટારાઓને થયું : આ તો આપણા હિતની વાત છે. એ જમાનામાં ઉછીનાં નાણાંની આપ-લે માટે કરાતા લખાણ વખતે વચ્ચે સાક્ષી હાજર રાખવામાં આવતો. જંગલમાં આવો કોઈ સાક્ષી મળે નહીં. આમ બધી રીતે વાત લૂંટારાઓના ફાયદામાં હતી. લૂંટારાઓએ તો સાચાં નામઠામ લખાવ્યાં. સાક્ષીમાં વાણિયાએ નજીકમાં ફરતો કાળો રાની (જંગલી) બિલાડો ગણાવીને તેને પકડીને પોતાના કોથળામાં પૂર્યો. થોડા સમય બાદ રકમ પાછી આપવાની વાત આવી એટલે લૂંટારાઓને કાજીનું તેડું આવ્યું. લૂંટારાઓ તો બેફિકર હતા. લૂંટ કરી નહોતી. બિલાડું સાક્ષીમાં કાંઈ બોલી શકે નહિ. આમ ઉછીનાં નાણાં લીધાની વાત સાબિત થાય તેમ નહોતું. વાણિયાએ નાણાં ઉછીનાં લીધાનું લખાણ રજૂ કર્યું અને સાક્ષીમાં તેની પાસેના કોથળામાંથી બિલાડું કાઢ્યું. અસલ જંગલી બિલાડો તો તેણે ક્યારનો છોડી દીધેલો. આ તો પાલતૂ સફેદ બિલાડી હતી. તેને કોથળામાંથી બહાર કાઢતાંની સાથે લૂંટારાઓ બોલ્યા : ખોટું, આ તો સફેદ બિલાડી છે. પેલો તો કાળો બિલાડો હતો. આમ નાણાં લીધાની આડકતરી કબૂલાત થઈ ગઈ. વાણિયાને વ્યાજ સાથે રકમ પરત આપવી પડી.

બનિયા એસા ભોલા કે લવિંગમેં પૈસા તોલા : વાણિયાગત ન્યારી છે.

આગળ જોયું તેમ વાણિયો (વેપારી) ભોળો હોય નહીં. પોતે છેતરાયાની આ વાત છે. એક માએ તેના છોકરાને બે આની આપીને વાણિયાની દુકાનેથી લવિંગ લાવવાનું કહ્યું. વાણિયો પૈસા લઈને લવિંગ તોલવા લાગ્યો અને જાણે ભૂલથી નાખતો હોય એમ એક પાઈનો સિક્કો લવિંગની સાથે તોલમાં નાખ્યો. પછી છોકરાની સામે જોયું. છોકરાને થયું કે ભૂલથી લવિંગની સાથે પૈસોયે આવી જાય છે. આપણે કાંઈ બોલવું નથી. પોતાના ભાવ છુપાવવા તે નજર ફેરવી ગયો અને જલદીથી પડીકું લઈને ઘેર આવ્યો. માને કહે : ‘મા, મા, બનિયા કિતના ભોલા કે લવિંગ મેં પૈસા તોલા’ મા કહે : ‘બેટા, બનિયા ભોલા નહીં હૈ, એના ભારોભાર લવિંગ તેણે બચાવ્યાં છે.’

જીસકી લાઠી ઉસકી ભેંસ (જેની લાઠી તેની ભેંસ) : આ જમાનામાં બળવાન માણસો જ ફાવી જાય છે.

‘બળિયાના બે ભાગ’ એવો અર્થ ધરાવતી આ કહેવતની કથામાં કંઈક અંશે ચતુરાઈની પણ વાત છે. એક છોકરો ગામની બહાર ભેંસ ચરાવતો હતો. ત્યાંથી એક મુછાળો પડછંદ માણસ નીકળ્યો. તેણે પોતાની પાસેની કડિયાળી ડાંગ બતાવીને પેલા છોકરાને કહ્યું : ‘આ ભેંસ આપી દે, નહિતર તારી ખેર નથી.’ બિચારો એકલો છોકરો શું કરે ? તેણે પોતાની ભેંસ આપી દીધી. પણ પછી ચાલાકી વાપરીને કહે : ‘હું ગરીબ બ્રાહ્મણનો દીકરો, તમે મારી પાસેથી એમ ને એમ ભેંસ લઈ જશો તો પાપ લાગશે. એના કરતાં એમ કરો, આ ભેંસના બદલમાં મને તમારી લાકડી આપો, બસ. પછી તમે ભેંસ મફતમાં લીધી નહીં ગણાય.’ પેલાને થયું આ બે પૈસાની લાકડીમાં શું ? તેણે તો લાકડી આપી. છોકરાએ તરત લાકડી તેના પગમાં ફટકારીને ભેંસ મૂકીને ચૂપચાપ ચાલ્યા જવાનું કહ્યું. આમ છોકરાએ ચતુરાઈથી પોતાની ભેંસ પાછી મેળવી અને પેલા માણસે પોતાની લાકડી પણ ગુમાવી.

કહેવતો ભાષાસમૃદ્ધિનો એક ભાગ છે. કાળની ગર્તામાં ઘણી અમૂલ્ય ચીજોનો લય થાય છે. એવું આંશિક રીતે કહેવતોની બાબતમાં બન્યું હોય તો તે હકીકતનો સ્વીકાર કરવો પડશે.

(માહિતી સ્રોત : http://archive.readgujarati.in, લેખક : શ્રી દીવાનરાય બ. પંડ્યા)

No Response to “કહેવત કથાઓ” »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment