Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.

જળ એજ જીવન

March 23rd, 2015 by GujaratiLexicon Team | No Comments »

save-waterભવિષ્યમાં વિશ્વ પાણીની અછતથી પીડાતું હશે એવું આપણે સમાચારપત્રોમાં વારંવાર વાંચીએ છીએ પણ આવા સમાચારોની ગંભીરતાને આપણે સમજતા નથી. આ વાત જ્યારે યુનાઇટેડ નેશન્સ દ્વારા કહેવાઈ ત્યારે વાતને ગંભીરતાથી લેવાનું વિશ્વના દેશોએ શરૂ કર્યુ છે. યુનાઇટેડ નેશન્સ-સંયુકત રાષ્ટ્ર સંઘે વિશ્વને ચેતવણી આપતાં જણાવ્યું છે કે, પ્રવર્તમાન સંજોગોમાં વિશ્વના અમુક પ્રદેશો પાણીની તીવ્ર અછતથી પીડાઈ રહ્યા છે. આગામી સમયમાં આ સ્થિતિને વકરતી અટકાવવા માટે પાણીનો બચાવ કરવામાં નહી આવે તો વિશ્વ માટે એક મોટી મુશ્કેલી ઊભી થઇ શકે તેમ છે. વિશ્વની પાણીની પરિસ્થિતિ અંગેનો અભ્યાસ કરીને સંયુક્ત રાષ્ટ્ર સંઘે અહેવાલમાં નોંધ કરી છે કે, વિશ્વમાં દિવસે ને દિવસે ખોરાકની માંગ અને જળની અછત આવી રીતે જ વધતી જશે તો આવનારા વર્ષોમાં વિશ્વના અમુક દેશો ખોરાક અને પાણી માટે રીતસરના વલખાં મારતા હશે.
સમગ્ર વિશ્વમાં ૨૨, માર્ચને વિશ્વ જળ દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ દિવસ ઉજવવા પાછળનો હેતુ લોકોને પાણી બચાવવા પ્રેરણા આપવાનો, પાણીનું મહત્ત્વ સમજવાનો તેમજ પાણીને વેડફાતું અટકાવીને તેનું યોગ્ય વ્યવસ્થાપન કરવાનો છે. ઈ. સ. ૧૯૯૩ના વર્ષની સંયુક્ત રાષ્ટ્ર સંઘની સામાન્ય સભાએ ૨૨, માર્ચને વિશ્વ જળ દિવસ તરીકે ઘોષિત કરેલો છે.

કહેવાય છે કે જળ એ જ જીવન છે. ત્યારે વાસ્તવિકતા એ છે કે વિશ્વમાં આશરે ૧૨૦ કરોડ લોકોને રોજ પીવાલાયક પાણી મળતું નથી. તો કેટલાક વિસ્તારમાં પાણી મોટાપાયે વેડફાતું હોય છે. એટલા જ માટે પાણીનો કરકસરથી ઉપયોગ કરવાનો સંદેશ આપવા ૨૨ માર્ચે વિશ્વ જળ દિવસ ઉજવવામાં આવે છે.

પાણી પણ લોહી જેવું કુદરતી પ્રવાહી છે. જેને પ્રયોગશાળામાં બનાવી શકાતું નથી. પૃથ્વી પરના સમુદ્રો તથા મહાસાગરોમાં ૧૩૭૦ મિલિયન ઘનફૂટ જળ છે. જે કુલ જળ જથ્થાના આશરે ૯૭.૨૫% જેટલું છે. હિમક્ષેત્રોમાં આશરે ૨.૧% જેટલો જળ જથ્થો છે. જ્યારે ૧% જેટલો જળ જથ્થો વાતાવરણમાં ભેજ અને સપાટી પરના જળ સ્વરૂપે છે. માનવ અને સજીવ સૃષ્ટિ માટે પીવાલાયક પાણી માત્ર ૨% જેટલું જ છે.

બદલાતી જતી જીવનશૈલી અને ખાણી-પીણીની ટેવો કારણે પાણીનો વપરાશ સતત વધતો જાય છે. એક સર્વે મુજબ માંસાહાર કરનારા વિસ્તારોમાં પાણીનો વપરાશ શાકાહારીઓની સરખામણીમાં વધુ જોવા મળે છે. કેટલીક બીનજરૂરી આદતોથી પણ પાણીનો બગાડ થતો હોય છે. ૫ મિનિટના શાવર સ્નાનમાં સરેરાશ ૯૫ લીટર પાણી બગાડે છે. પાણીનાં બેડાં માથે લઈને પાણી શોધવા નીકળતી મહિલાઓના જીવનનો ૨૫ ટકા હિસ્સો પાણીમાં જાય છે. એક સર્વે મુજબ તો સરેરાશ ભારતીય મહિલા દરરોજ ૪ કલાક સમય પાણી સંબંધિત કામગીરી પાછળ વિતાવે છે. દેશમાં વધતા જતા વૉટરપાર્ક દરરોજ કરોડો લીટર પાણી વેડફે છે.

એક શાવર સરેરાશ પ મિનિટ ચાલુ રાખવામાં આવે તો ૯૫ લીટર પાણી વહી જાય છે. નળમાંથી એક સેકન્ડમાં એક ટીપું પાણી ટપકતું હોય તો એક અઠવાડિયામાં ૫૦૦ લીટર પાણીનો બગાડ થાય છે. અનાજ પેદા કરવા માથાદીઠ ૩૦૦૦ લીટર પાણી જોઈએ. વિશ્વમાં પીવાલાયક પાણીનો જથ્થો ર ટકા કરતાં પણ ઓછો છે. વિશ્વમાં પાણીના કુલ વપરાશનો ૭૦ ટકા હિસ્સો ખેતીમાં વપરાય છે. ૨૦ ટકા ઇન્ડસ્ટ્રીઝ અને ૧૦ ટકા ઘરેલું વપરાશ થાય છે.

 માણસની રોજની પીવાના પાણીની જરૂરીયાત ૩ થી ૪ લીટર છે જ્યારે એક દિવસનું ફૂડ તૈયાર કરવામાં ૨૦૦૦ થી ૫૦૦૦ લીટર પાણી વપરાય છે. એક સર્વે પ્રમાણે ૭૦% પાણીનો ઉપયોગ સિંચાઈ માટે થાય છે. આપણે રોજબરોજ દૂધનો વપરાશ કરીએ છીએ પરંતુ એ જાણીને નવાઇ વાગશે કે એક પશુ પાસેથી ૧ લીટર દૂધ મેળવવા માટે ૧૦૦૦ લીટર પાણીનો વપરાશ થાય છે. આ ૧ હજાર લીટર પાણીમાં પશુઓનો પિવડાવવામાં આવતા પાણી ઉપરાંત ઘાસચારો ઉગાડવા અને સાફસફાઈ માટે વપરાતા પાણીનો પણ સમાવેશ થાય છે.

દુષિત પાણીની વાત કરીએ તો ૮૦ ટકા બીમારીઓ દૂષિત પાણી પીવાથી થાય છે. વિશ્વમાં પ વર્ષથી ઓછી ઉંમરના બાળકોના થતા મુત્યુનું સૌથી વધુ કારણ ડાયેરિયા છે. જે એક પાણીજન્ય બિમારી છે. દર વર્ષે ૧૫ લાખ બાળકોનો ભોગ લેતા ડાયેરિયાની બિમારી એઇડ્ઝ અને કેન્સર કરતાં વધુ ખતરનાક છે. દર વર્ષે વિશ્વમાં ૩૫ લાખથી પણ વધુ લોકો પાણીજન્ય બિમારી કમળો,કોલેરા, ડાયેરિયાથી મરે છે.

હોસ્પિટલમાં જોવા મળતા ૧૦ દર્દીઓમાંના આઠની બિમારીનું કારણ ખરાબ પાણી છે. વિશ્વના ચારમાંથી દરેક એક શહેરમાં ૭૯૪ મિલિયન લોકોને કુદરતી હાજત અંગેની યોગ્ય સગવડતા મળતી નથી. જેને કારણે કૉલેરા, મલેરિયા અને ડાયેરિયા જેવા રોગો વારંવાર માથું ઊંચકે છે. ભારતમાં પણ બાળમરણનો આંકડો ઊંચો છે. તેના માટે અસ્વચ્છ પાણી જવાબદાર છે. વિશ્વમાં દર ૧૭ સેકન્ડે એક બાળકનું ડાયેરિયા થવાથી મૃત્યુ થાય છે.

દુનિયાના અન્ય દેશોની સરખામણીએ ભારતમાં વાર્ષિક ભૂગર્ભજળના ખેંચાણનો દર ખૂબ જ વધારે છે અને આ પ્રકારનું ભૂગર્ભજળનું શોષણ પાણીના સ્તરને સતત નીચું લઈ જાય છે. વર્ષ ૨૦૦૫ના વર્લ્ડ બૅન્કના હેવાલ પ્રમાણે જો પાણીના વ્યવસ્થાપન અંગેની પોલિસીમાં ફેરફાર કરવામાં નહી આવે તો આવનારા બે દાયકા બાદ પાણીની ખૂબ જ તંગી હશે. અહીં પાણીના સંદર્ભમાં અર્થતંત્રને સમજવાની જરૂર છે. જેટલું પાણી મળી શકે છે એ પ્રમાણે તેનો કાર્યક્ષમ ઉપયોગ કરવાથી પાણીનો બચાવ થઈ શકે, એ માટે શહેરોમાં દરેક વ્યકિતએ પાણીનો ઉપયોગ કરવાની પોતાની ટેવને બદલવાની જરૂર છે. જ્યાં એક લોટા પાણીથી કાર્ય સંપન્ન થઈ શકતું હોય ત્યાં એક બાલદી પાણી બગાડવાની જરૂર નથી. આ જાતનો અભિગમ અપનાવવામાં આવે તો શહેરોમાં પાણીની તંગીને મહદ્અંશે ઓછી કરી શકાય. આ માટે કોઇ બાહ્યશકિત નહી પણ ફક્ત આંતરિક મક્કમ મનોબળની જરૂર છે જે દરેક સમજદાર વ્યકિત કેળવી શકે !

(લેખ સૌજન્ય : http://hindi.indiawaterportal.orghttp://www.gstv.in/)

No Response to “જળ એજ જીવન” »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment