Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.

thinking_jakecaptive

જીવી જવું એ જ માત્ર જીવનનો મકસદ નથી, પરંતુ અંત:પરિપૂર્ણતાને ખોજવી તે જીવનનો ઉદ્દેશ્ય છે. જીવન ભરચક હશે ત્યારે તમે નિષ્ફળતાના શિકાર નહીં બનો. જ્યારે તમે કોઈ સાથે સરખામણી કરશો ત્યારે તમને સામે તમારી નિષ્ફળતાનો માર્ગ દેખાવા લાગશે. કારણ સરખામણીમાં એકનું વધુ સારું હોવું ફરજિયાત છે. એ બહેતર શોધવાની રમત છે, સરખાપણું તારવવાની રીત નથી, હું મને નિષ્ફળ અથવા ઓછો સફળ લાગું છું. કારણ હું સતત સતત Comparison માં જીવું છું….તું કેવી છો અને હું કેવો છું? તારી પાસે શું છે અને  મારી પાસે શુ છે? તને આ કેમ મળ્યું અને મને આ કેમ ન મળ્યું? આ સારું કે પેલું? કાલે વધુ મઝા આવી હતી કે આજે? પિત્ઝામાં જમાવટ થાય કે રોટલામાં? આ પ્રશ્નોનું વાવાઝોડું આપણી આસપાસ ફૂંકાયા કરે છે, જે આપણને આપણી નિષ્ફળતાનો અહેસાસ કરાવ્યા જ કરે છે….પણ આ પ્રશ્નો ક્યાંથી આવ્યા, બહારથી? ના ભાઈ, ના, બહાર પરિસ્થિતિ છે, તેના વિશેના પ્રશ્નો તો અંદરથી આવે છે…બહાર છે તે જીવી જવું છે, અંદરથી જે આવે છે તે અંતઃપરિપૂર્ણતાની પારાશીશી છે !

પરિસ્થિતિ નિષ્ફળતા માટે જવાબદાર નથી જ. આપણું મન નિષ્ફળતાના અહેસાસનું માધ્યમ છે. જ્યારે મારું મન સ્વીકારી લે કે હું નબળો, ત્યારે હું નક્કી નબળો. મન મને અંદરના સ્વર્ગ કે અંદરના નર્ક તરફ દોરી જઇ શકે. છરી ભયાનક નથી, જો તેનાથી શાક સુધારો તો ! પણ એ જ છરી કોઇના પેટમાં હુલાવી દો તો? આપણું મન તો છરી છે. તમને છરીનું મેનેજમેન્ટ કરતા ફાવી જાય તો જીવન સાર્થક…બહાર જે બને છે તેને અંદર કેમ મોકલાય છે? પરિસ્થિતિને જડતાથી, ગુસ્સાથી, દર્દથી, હતાશાથી જોઈ અને સ્વીકારી તો અંદર પણ આ જ જડતા-ગુસ્સો-પીડા-હતાશા પહોંચ્યા…પણ, ‘જે બન્યું તે બન્યું, તેમાં નિયતિ જવાબદાર છે….’ એવું સ્વીકારીને અંદર મોકલ્યું તો મન પણ એ જ બેકગ્રાઉન્ડનો સ્વીકાર કરશે. આ પ્રેકટીસ વારંવાર કરીશું તો આપણા મનને સારપ સ્વીકારવાની ટેવ પડી જશે.

તમારા બોસે તમને ઠપકો આપ્યો, તે તમારું મન કેવી રીતે લે છે? ક્રોધથી, દ્વેષથી, બદલાની ગણતરીથી એ ઠપકાના શબ્દો સ્વીકાર્યા તો અંદર આગ પેદા થશે…. એ જ ઠપકાને સ્પષ્ટતાથી, પ્રેમથી, કશુંક શીખવાની ભાવનાથી લીધો તો સુધરવાની શક્યતા પ્રગટ થશે. જ્યાં સુધી આપણું મન શીખવાની તત્પરતા નહીં દાખવે ત્યાં સુધી આપણે જીવનમાં પ્રગતિ નહીં કરીએ, હા વૃદ્ધ થતાં રહીશું ખરા. પણ એવા ને એવા. વારંવાર નિષ્ફળ જનાર અને પરિસ્થિતિને દોષ દેનાર આપણે ! અનુભવ શું છે? તમને થયેલ પડકારના જવાબમાં તમારી લાગણી એટલે અનુભવ… લાગણી નકારાત્મક તો આગળ પણ નકાર જ નકાર ! Act પછી ReAct પછી પણ Act છે તે ભૂલવા જેવું નથી, વર્તન છે તો વર્તનનું કારણ છે અને વર્તનની અસર પણ છે…. વર્તનની અસર બીજા વર્તનનું કારણ બની શકે! આમ, તમે જોવા – અવલોકવા – અનુભવવા મુક્ત હોતા જ નથી, મુક્ત નથી તે શીખતું નથી, જે શીખતું નથી તે નિષ્ફળ જાય છે….તો મારી નિષ્ફળતા માટે જવાબદાર કોણ? સ્થિતિ, સંજોગો, મિત્રો, બનાવો… કે હું પોતે?

મુલ્લા નસરુદ્દીન ભારે નમ્ર છતાં કડક માસ્તર એક પરીક્ષાખંડમાં સુપરવિઝન કરી રહ્યા હતા, મુલ્લા ઊંચે અવાજે બોલી ઊઠ્યા: ‘પાછલી સીટ પર બેઠેલા વિદ્યાર્થીઓ અંદરોઅંદર ચિઠ્ઠીની લેવડ-દેવડ બંધ કરી દે, આ પરીક્ષા છે, કંઈ તમાશો નથી.’ એક વિદ્યાર્થીએ કહ્યું: ‘સર, આ ચિઠ્ઠીઓ નથી, પણ બાવન પત્તાં છે. અમે પત્તાં રમીએ છીએ.’ મુલ્લાએ નમ્રતાપૂર્વક કહ્યું: ‘તો હું મારી ભૂલ માટે દિલગીર છું….’આપણે મુલ્લા નસરુદ્દીનના ફોલોઅર નથી શું? ’’

(સાભારઃ દિવ્ય ભાસ્કરમાં પ્રગટ થતી કોલમ પ્રશ્ન વિશેષમાંથી, લેખક – ભદ્રાયુ વછરાજાની)

No Response to “મારી નિષ્ફળતા માટે જવાબદાર કોણ ?” »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment