Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.

જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત.

ગુજરાતી પ્રજાના કંઠે વસી ગયેલી અને અહર્નિશ ગુંજી રહેલી કવિ ખબરદારની આ પંક્તિઓ કેટલી બધી સાર્થક લાગે છે કે જ્યારે આપણે એમ જાણીએ કે આજે દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગની બાજુમાં આવેલા લિનેશિયામાં શ્રી ભારત શારદામંદિરની ભવ્ય ઇમારત ધરાવતી શાળામાં મેઇન સ્ટ્રીમના બધા વિષયોની સાથોસાથ દરેક વર્ગમાં શ્વેત, અશ્વેત અને ઘઉંવર્ણા તમામ વિદ્યાર્થીઓને ગુજરાતી શીખવવામાં આવે છે અને સહુ વિદ્યાર્થીઓ આનંદભેર અભ્યાસ કરતા હોય છે. એના મુખ્ય શિક્ષિકા ભગવતીબહેને ગુજરાતી વિષયનો અભ્યાસક્રમ તૈયાર કર્યો છે અને ત્યાંના ગુજરાતીઓનો પોતાની માતૃભાષા માટેનો પ્રેમ જોઈ અંતર ગદ્ગદિત થઈ જાય તેવું છે.
સિંગાપોરમાં તો દર શનિ-રવિવારે વિદ્યાર્થીઓથી ઉભરાતા ગુજરાતીના વર્ગો પ્રત્યક્ષ નિહાળ્યા છે અને ત્યારે છેલ્લા પચાસ વર્ષથી ચાલતી આ શાળામાં આજે બસો વિદ્યાર્થીઓ ગુજરાતી વિષયનો અભ્યાસ કરી રહ્યા છે. દક્ષિણ આફ્રિકાના ડરબન શહેરમાં પ્રો. ઉષાબેન દેસાઈ હિંદુ સંસ્કૃતિ કેન્દ્ર દ્વારા ડરબનની શાળાઓના વિદ્યાર્થીઓને ગુજરાતી શીખવે છે, તો પોર્ટુગલના લિસ્બન શહેરના હિન્દુ મંદિરમાં ગુજરાતી ભાષાની શાળા ચાલે છે, વળી ન્યૂયોર્કમાં સ્વામીનારાયણ મંદિર દ્વારા અને લૉસ એન્જેલિસના જૈન સેન્ટરમાં ગુજરાતી ભાષા શિક્ષણના વર્ગો લેવાય છે. બધે જ પોતાના બાળકોને હોંશે હોંશે શાળામાં મૂકવા આવતા ગુજરાતી વાલીઓ જોવા મળે છે.

આ દેશોમાં ગુજરાતી ભાષા શિક્ષણના ભેખધારી ડો. જગદીશ દવેએ ગુજરાતી ભાષાને વિદશની ધરતી પર જીવંત રાખવા માટે મહાપુરુષાર્થ કર્યો છે. રોમ યુનિવર્સિટીમાં છ દિવસમાં જ ગુજરાતી લિપિ શીખીને પાઠ વાંચી બતાવનારા ઇટાલીયન વિદ્યાર્થીઓ અમને યાદ રહી ગયા છે. તો લંડનમાં રાત્રે સાડા અગિયાર વાગે ફોન કરી અનુસ્વાર અંગે ચર્ચા કરનાર શિક્ષક બિપિન પટેલ પણ મળે છે.

પૂર્વ આફ્રિકાના બેનોની ગામમાં એકવાર ગુજરાતી ભાષીઓની જાહેરસભા યોજાઈ. આમાં ત્યાંના અગ્રણી ગુજરાતી ડો. હીરાકુટુંબ સંચાલિત વર્ગમાં પહેલા વીસ શિક્ષકોને એમણે ભાષાશિક્ષણની તાલીમ આપી. એ પછી વાલીઓએ આવીને કહ્યું કે અમે બપોરે વ્યવસાયમાં રોકાયેલા હોવાથી આ તાલીમવર્ગોમાં હાજર રહી શકીએ તેમ નથી. આથી પ્રો. જગદીશ દવેએ રાત્રે આઠ વાગે એ જ સ્થળે વાલીઓ માટેના વર્ગો રાખ્યા. વાલીઓને પણ વર્ગકામ (હોમવર્ક) આપવામાં આવતું અને તેઓ નિયમિત રીતે જેટલા દિવસ શિક્ષકોના તાલીમવર્ગો ચાલ્યા એટલા દિવસ રાત્રે અભ્યાસ માટે આવવા લાગ્યા. ગુજરાતી ભાષાપ્રેમી જગદીશ દવે દુનિયાભરમાં જ્યાં જાય, ત્યાં ગુરુદક્ષિણામાં એક જ માગણી કરે છે અને તે છે ‘ઇચ વન, ટીચ વન’ એટલે તમે જે ગુજરાતી ભાષા શીખ્યા છો, તે અન્ય કોઈ એકને શીખવજો. આ મારી ગુરુદક્ષિણા. આજે પણ પૂર્વ આફ્રિકાના ડૉ. હીરાના માતુશ્રી આ ગુરુને પત્ર લખતાં કહે છે, ‘‘હવે અમે બીજા વાલીઓને પણ ગુજરાતી ભાષા શીખવીએ છીએ. તમે અમને જે આપ્યું છે, તે અમારે ઉગાડવું જોઈએ.’’

બ્રિટનમાં બીજી પેઢીના લોકો આર્થિક અને અન્ય રીતે સ્થિર થવા માગતા હતા, ત્યારે એમણે અંગ્રેજીમાં કૌશલ્ય આવે તે માટે શાળામાં ગુજરાતી ભાષામાં નહીં બોલવાનો આગ્રહ રાખ્યો. આવા બ્રિટનમાં ૧૯૬૩માં લિસ્ટર શહેરમાં ઇન્ડિયા લીગ દ્વારા ચાર્નવૂડ પ્રાયમરી સ્કૂલમાં નિવૃત્ત અધ્યાપક જગદીશ દવેએ ગુજરાતી શિક્ષણ આપવાનો પ્રારંભ કર્યો. વીસેક વિદ્યાર્થીઓથી શરૂ થયેલી આ સંસ્થા આજે તો વટવૃક્ષ બની ગઈ છે. આજે બ્રિટનમાં નાની મોટી થઈને પાંચસો જેટલી શાળા કે સંસ્થામાં શનિ- રવિવારે ગુજરાતી ભાષા શીખવવામાં આવે છે. આમાં જ્ઞાતિ સંસ્થાઓ અને ધાર્મિક સંસ્થાઓ પણ મહત્ત્વનું યોગદાન આપે છે. બ્રિટનમાં વિપુલ કલ્યાણી અને વિનોદ કપાસી જેવા પણ આગવું યોગદાન કરે છે. મહત્ત્વની ઘટના એ છે કે ગુજરાતી ભાષાશિક્ષણના કાર્ય માટે પ્રો. જગદીશ દવેને બ્રિટનની મહારાણીએ એમ.બી.ઇ.ના ખિતાબથી નવાજ્યા છે.

આજે જગદીશ દવે પાસેથી ગુજરાતી ભાષા શિક્ષણની તાલીમ પામેલા ૨૦૦૦થી વધુ શિક્ષકો વિદેશોમાં ગુજરાતી ભાષાનું શિક્ષણ આપી રહ્યા છે. એમણે અમેરિકા, બ્રિટન કે આફ્રિકા તો બરાબર પરંતુ પોર્ટુગાલ, મલેશિયા, શારજાહ અને ઇટાલીમાંપણ ગુજરાતી ભાષાના તાલીમ વર્ગો લીધા છે. દરેક સ્થળે ચંદરયા ફાઉન્ડેશન દ્વારા એમના પ્રવાસની વ્યવસ્થા થાય છે. એ સિવાય શીખવાની કોઈ ફી નહીં અને પુરસ્કારની કોઈ વાત નહીં. વિદેશમાં જુદા જુદા કારણોસર વ્યક્તિઓ ગુજરાતી ભાષા શીખવા આવતી હોય છે. કોઈની ઇચ્છા દુભાષિયા બનવાની હોય તેથી એને ગુજરાતી ભાષા શીખવી હોય છે, કોઈનો લગ્નસંબંધ ગુજરાતી વ્યક્તિ સાથે જોડાતો હોય તો એ ગુજરાતી ભાષા અને સંસ્કૃતિ શીખવા પ્રયત્ન કરે છે, કોઈ ગુજરાતનો પ્રવાસ ખેડવા માંગતું હોય એટલે ગુજરાતી ભાષાનો અભ્યાસ કરે છે. ‘ગાંધી’ ફિલ્મથી પ્રભાવિત થયેલા કેટલાક અમેરિકનોએ એ જાણ્યું કે મહાત્મા ગાંધીજીએ એમની આત્મકથા ‘સત્યના પ્રયોગો’ ગુજરાતી ભાષામાં લખી અને એ કૃતિ અનુવાદકો દ્વારા બીજી ભાષાઓમાં અનુવાદિત થઈ. આથી મૂળકૃતિનો આસ્વાદ લેવા પણ ગુજરાતી શીખવા આવતા અમેરિકનો જોવા મળે છે.

મહાત્મા ગાંધીજીનું સ્મરણ થતાં એક બીજી વાત પણ યાદ આવે છે. પ્રો. જગદીશ દવે નિશાળમાં અભ્યાસ કરતા હતા ત્યારે એકવાર ગાંધીજીની પ્રાર્થનાસભામાં ગયા હતા. પ્રાર્થનાસભા પૂરી થયા પછી એમણે પોતાની હસ્તાક્ષરપોથીમાં ગાંધીજીના હસ્તાક્ષર માગ્યા. ગાંધીજીએ કહ્યું, ‘તારે હરિજનફાળામાં કંઈક આપવું પડશે, તો હસ્તાક્ષર મળે.’
જગદીશભાઈએ કહ્યું, ‘હું ભણું છું. વિદ્યાર્થી છું.’
‘શું ભણે છે ?’
જગદીશભાઈએ કહ્યું, ‘ગુજરાતી.’
‘ભલે, ગુજરાતી ભણજે અને ભણાવજે.’ એમ કહીને મહાત્મા ગાંધીજીએ એમની હસ્તાક્ષરપોથીમાં ‘મો. ક. ગાંધીના આશીર્વાદ’ એવી સહી કરી આપી.
વિભૂતિઓ આશીર્વાદ તો અનેકને આપે છે, પણ એને આચરણથી સાકાર કરનારા અને એને માટે જીવન સમર્પણ કરનારા જગદીશભાઈ જેવા વિરલા જ હોય છે. આ જગદીશભાઈને મુંબઈની કલાગૂર્જરી સંસ્થાએ એમની માતૃભાષા માટેની વૈશ્વિક પ્રવૃત્તિને કારણે શ્રી સી. જે. શાહની રાહબરી હેઠળ શ્રી હેમચંદ્રાચાર્ય સુવર્ણચંદ્રક એનાયત કર્યો, ત્યારે ગુજરાતી ભાષા માટે ૧૯૫૦થી ૨૦૦૯ સુધી કરેલા એમના વિરાટ કાર્યની સહુને ઝાંખી થઈ.
એમણે વિદેશીઓ માટે સરળ બને તેવી ગુજરાતી કક્કો શીખવાની નવી પદ્ધતિ શોધી કાઢી. જેમાં પહેલા અંગ્રેજી ‘એસ’ બતાવે અને કહે કે અંગ્રેજી ‘એસ’ એટલે ગુજરાતી ‘ડ’. એમાં વચ્ચે લીટી કરો એટલે થાય ‘ક’. આવી રીતે એમણે મૂળાક્ષર શીખવાની એક વિશિષ્ટ પદ્ધતિ શોધી કાઢી. અંગ્રેજી દ્વારા ગુજરાતી પાઠો શીખવાનું ‘લર્ન ગુજરાતી’ દ્વારા આયોજન કર્યું. દ્વિભાષી શબ્દકોશ તૈયાર કર્યો. વિદેશના બાળકો માટે બોલચાલનું ગુજરાતી શીખવાનું કામ શરૂ કર્યું. ૧૨થી વધુ ગુજરાતી ભાષા શિક્ષણના પુસ્તકો લખ્યાં અને એ રીતે ભારતમાં અનુસ્નાતક કેન્દ્રના અધ્યક્ષ અને આચાર્ય રહીને લંડન યુનિવર્સિટીના સુવાસ લેંગ્વેજ સેન્ટરના અધ્યાપક તરીકે નિવૃત્ત થયા પછી જગદીશ દવેએ વિશ્વભરમાં માતૃભાષાની વિદ્યાયાત્રાનો પ્રારંભ કર્યો અને આજે એંસી વર્ષે પણ દુનિયાભરમાં ઘૂમીને અંતરની ઉલટથી ગુજરાતી ભાષાનું શિક્ષણ આપે છે.

ક્ષણનો સાક્ષાત્કાર

જે અત્યંત ચંચળ અને પરિવર્તનશીલ છે, એને માનવી જીવનમાં સુદ્રઢ અને સ્થિર કરવાનો સતત મરણિયો પ્રયાસ કરે છે. એને જે કંઈ ક્ષણિક અને અલ્પકાલીન પ્રાપ્ત થયું છે, તે ક્ષણિકને શાશ્વત અને અલ્પકાલીનને ચિરંજીવ બનાવવા ચાહે છે. એ પહેલાં કશુંક મેળવે છે, અને પછી એ મેળવેલું સદાકાળ ટકે એવી અપેક્ષા રાખે છે.
કોઈ યશસ્વી કાર્ય કરે અને એનાથી એને કીર્તિ પ્રાપ્ત થાય, તો એ પોતાની કીર્તિને અહર્નિશ રાખવા ચાહે છે. એ જાણતો નથી કે આજે એને કીર્તિ પ્રાપ્ત થઈ છે અને એમાં આવતીકાલે અપકીર્તિ પણ પ્રાપ્ત થાય. એને કોઈની ચાહના કે સ્નેહ પ્રાપ્ત થાય છે અને પછી એ વિચારે છે કે જીવનભર એ જ સ્નેહ કે પ્રેમ એને મળતો રહે. એને યૌવન પ્રાપ્ત થાય છે અને એ સમયે એવી આકાંક્ષા સેવે છે કે આ યૌવન સદાકાળ ટકી રહે. એના પર ધીરે ધીરે પડતા વૃદ્ધત્વના પડછાયા એને સહેજે ય પસંદ નથી. આથી એ પહેલા પોતાના વૃદ્ધત્વને સ્વીકારવા તૈયાર હોતો નથી અને પછી ઘણી મથામણ બાદ એના એકાદ અંશને સ્વીકારવા તૈયાર થાય છે. જે પરિવર્તનશીલ છે એને સ્થાયી માનવાની વ્યર્થ ધારણાઓ કરતા માનવીને એના જીવનમાં એને કારણે કેટલીય હતાશા, દોડાદોડ, આતુરતા અને નિરાશા સહન કરવાં પડે છે

Courtesy : Gujarat Samachar – પારિજાતનો પરિસંવાદ – ડૉ. કુમારપાળ દેસાઈ

No Response to “ગુજરાતી ભાષાશિક્ષણ માટે બ્રિટનની મહારાણીનો ખિતાબ ! – ડૉ. જગદીશ દવે” »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment