Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.

KK2

સમયનો મિજાજ વિચિત્ર હોય છે. સમયની ફિતરત અવળચંડી છે. સમય કાયમ માટે મિત્ર પણ હોતો નથી અને હંમેશ માટે શત્રુ પણ હોતો નથી. સમય કયારેક સાથીદારના રૂપમાં મોજૂદ હોય છે તો ક્યારેક એ જ સમય હરીફ બનીને સામે આવીને ઊભો રહી જાય છે. સમય આપણને ચેલેન્જ આપતો રહે છે. પડકારને જે સ્વીકારી નથી શકતો એને સમય હરાવી દે છે. પડકારને જે પ્રેમ કરે છે એની પાસે સમય શરણાગતિ સ્વીકારી લે છે. સમય સામે ફરીયાદ ન કરો. સમય સામે સવાલ ન કરો. સમયને સવાલ નહીં, જવાબ જોઈતા હોય છે. આપણે જવાબ આપવાની ક્ષમતા કેળવવાની હોય છે.

હા, ઘણી વખત એવું બનતું હોય છે કે આપણું ધ્યાન ન પડે. વિચાર્યું હોય કંઈક અને થઇ જાય સાવ જુદું જ. સમય આપણા મનસૂબા ઉથલાવી નાખે છે. સમય વિશે આપણે એવું પણ કહીએ છીએ કે સમય આપણને એમનો અનુભવ કરાવી દે છે કે કોણ આપણા છે અને કોણ પરાયા છે. કોણ નજીક છે અને કોણ દૂર છે. કોણ સ્પર્શે છે અને કોણ ભડકે છે. નજીક હોય એ જોજનો દૂર ચાલ્યા જાય છે અને જે દૂર સુધી દેખાતા ન હોય એ પાસે આવી જાય છે.

સમય માત્ર ખરાબ અનુભવે કરાવે એવું જરૂરી નથી. સમય સારા અને ઉમદા ઉદાહરણો પણ પૂરા પાડતો હોય છે. બે મિત્રો હતા. બંને વચ્ચે બચપણથી જ જીગરજાન દોસ્તી. ફ્રેન્ડશીપ હોય ત્યારે બધા એવું જ વિચારતા હોય છે કે આપણા સંબંધો આવાને આવા રહે. જો કે એવું થતું નથી. સંબંધોમાં પણ અપડાઉન આવતા રહે છે. આ બંને મિત્રો વચ્ચે પણ એક બાબતે અંટસ પડી ગઇ. બંને દૂર થઈ ગયા. રોજ મળનારા મિત્રો વચ્ચે અબોલા થઈ ગયા. દોસ્તી માત્ર સ્મરણોમાં સચવાઈને રહી ગઈ. લીસોટા સમય સાથે ઝાંખા પડતા હોય છે. સ્મરણો પણ ધીમેધીમે ભૂંસાતાં હોય છે. જો કે સ્મરણો ક્યારેય મરતાં નથી. થોડા સમય માટે એ સુષ્ત થઇ જતાં હોય છે. સ્મરણો અચાનક સજીવન થઈ સામે આવી જાય છે. સંબંધો જીવંત થઈ જાય છે. સંબંધોની સક્રીયતાને સ્વીકારવાની આપણી તૈયારી હોવી જોઈએ. એક મિત્ર મુશ્કેલીમાં મુકાયો. સંજોગો એવા સર્જાયા કે એ મિત્ર દરેક રીતે નીચોવાઈ જાય. માણસ નીચોવાતો હોય ત્યારે એને ભીનાશની જરૂર પડે છે. તરબતર હોય એ પણ તરસ્યો થઈ જાય છે. બધા હોય છતાં એ એકલો પડી જાય છે. મારો મિત્ર તકલીફમાં છે એની જાણ એના મિત્રને થઈ. મારા મિત્રને મારી જરૂર છે એવું એને લાગ્યું. સવાલ એ હતો કે સંપર્ક કઈ રીતે કરવો ? કયા મોઢે એની સાથે વાત કરવી ? એને એવું તો નહીં લાગે ને કે એની મજબૂરી વખતે હું સહાનુભૂતિની વાત કરી એને મારી જરૂરિયાત મહેસૂસ કરાવું છું ? એ મારી વાત નહીં સાંભળે તો ? ઘણીવખત જેની સાથે વાત કરવા માટે કોઈ શબ્દો શોધવાની જરૂર નથી હતો એની સારી જ વાત કરવા માટે ભૂમિકા વિચારવી પડે છે ! શું વાત કરું ? કેવી રીતે શરૂઆત કરું ?

આખરે તેણે પોતાના મિત્રને એક પત્ર લખ્યો. હું તને યાદ કરું છું.તારી સાથે વાત કરવા ઇચ્છું છું. તારી સાથે થોડો સમય રહેવા માંગુ છું. એટલા માટે નહીં કે તું અત્યારે ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. એટલા માટે પણ નહીં કે તારે કોઈ સહારાની જરૂર છે. એટલા માટે કે જ્યારે હું મુશ્કેલીમાં હતો ત્યારે તારી હાજરીએ મને હિંમત આપી હતી. તારા શબ્દોએ મને શકિત આપી હતી. તારા સ્પર્શે મને ફરીથી ઊભો કરી દીધો હતો. મને ખબર છે કે તું મારાથી નારાજ છે. સાચું કહ્યું તો હું પણ તારાથી નારાજ છું. આપણે આપણી આ નારાજગી થોડાં સમય માટે ભૂલી ન શકીએ. એ દોસ્ત, ચાલ થોડો સમય આ કડવાશ ભૂલી જા. કડવાશ આપોઆપ ઓગળતી નથી. કડવાશને હટાવવી પડે છે. મિત્રએ પત્રના જવાબમાં એટલું જ લખ્યું કે, ‘આવ હું તારી રાહ જોઉં છું.’ પ્રેમ, લાગણી, સ્નેહ, હૂંફ, આત્મીયતા તો દરવાજા બહાર જ હોય છે. આપણે માત્ર બારણું ઉઘાડવાનું હોય છે.

અઘરા સમયમાં ઘણું બધુ પરખાઈ જતું હોય છે. જે સંબંધ અધૂરો હોય એ પૂરો થઈ જતો હોય છે. ઘણીવખત જે પૂરો થઈ ગયેલો માની લીધો હોય છે એ સોળે કળાએ ખીલીને સામે આવી જાય છે. આપણો પ્રોબલેમ એ હોય છે કે આપણે અઘરા સમયના અયોગ્ય ઉદાહરણોને જ વાગોળતા રહીએ છીએ. મારે જરૂર હતી ત્યારે કોઈ હાજર ન હતું. આ સમયમાં બધા ઓળખાઈ ગયા. આપણા ખરાબ સમયમાં જે હાજર હોય છે એને આપણે કેટલા એપ્રિસીએટ કરતા હોય છે. એક વ્યકિત તકલીફમાં મુકાયો. એ સમય પૂરો થયો ત્યારે તેણે કહ્યું કે, ‘મારા ખરાબ સમયમાં કેટલા બધા લોકો મારી સાથે હતા ! મને તો ખબર પણ ન હતી કે આટલા બધા લોકો મારી નજીક છે. હું તો દુનિયાને સ્વાર્થી સમજતો હોત. બધા મતલબી જ હોય છે એવું માનતો હતો.જો કે એવું નથી પણ જે નજીક હતા એ નજીક જ છે એનો અહેસાસ અદભુત હોય છે.’

ખરાબ સમયમાં માત્ર બીજાની જ ઓળખ થાય એવું નથી હોતું. આપણને આપણો પણ પરીચય થતો હોય છે. આપણે આપણને પણ વધુ ઓળખતાં થતાં હોય છે. ખરાબ સમય ઘણીવખત આપણને પણ એ સમજાવી જાય છે કે બધુ તું માને છે એવું જ હોતું નથી. ઘણું બધું જુદું હોય છે. બધું જ ખરાબ પણ નથી હોતું, કંઈક સારું પણ હોય છે. આપણે આપણા ખરાબ સમયની સારી બાજુઓ જોઈ શકીએ છીએ ? એક સરસ કહેવત છે કે દરેક કાળા વાદળને સોનેરી કિનાર હોય છે. આપણે કાળા વાદળને જ જોતા રહીએ છીએ તો શું થાય ? સોનેરી કિનાર જોવાની ફૂરસદ કે દાનત આપણને હોય છે ખરી ?

જિંદગી ભી અજિબ દરિયા હૈ, જિંદગી ભર ઉસી કી પ્યાસ રહે,

આજ હમ સબ કે સાથ ખુબ હંસે, ઔર ફિર દેર તક ઉદાસ રહે.

-બશીર બદ્ર

સારામાં થોડુંક ખરાબ પણ હોય છે. ખરાબમાં કંઈક સારું પણ હોય છે. સરવાળે તો આપણે જે શોધીએ એ જ આપણને મળતું હોય છે.  -કેયુ.

(સાભાર : ‘દિવ્ય ભાસ્કર’, કળશ પૂર્તિ, તા. 16 સપ્ટેમ્બર 2015, બુધવાર. ‘ચિંતનની પળે’ કોલમ, લેખક – કૃષ્ણકાંત ઉનડકટ)

 

No Response to “થોડા સમય માટે કડવાશને ભૂલી જઈએ” »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment