ક્રોધ-માન-માયા-લોભ વગેરે આંતરશત્રુઓને દૂર હટાવનાર – આત્માને નિર્મળ બનાવનાર અને આત્મા સાથે જોડતું પર્યુષણ પર્વ પર્વાધિરાજ તથા શિરોમણિ પર્વ છે.
આથી જ પર્યુષણને અનેક ઉપમાઓ આપી છે; જેમકે અમૃતની (ઔષધમાં શ્રેષ્ઠ), જેમ કે કલ્પવૃક્ષની (વૃક્ષમાં શ્રેષ્ઠ), જેમ કે ચંદ્રની (તારાઓમાં શ્રેષ્ઠ).
જેમ સુગંધ વગર ફૂલ કામનું નથી અને શીલ વિના નારી શોભતી નથી. તેમ પર્યુષણ પર્વની આરાધના વિના સાધુ કે શ્રાવકનું કુળ શોભતું નથી. આજે આપણે આવા ક્ષમાધર્મના વાહક એવા પર્વાધિરાજ પર્યુષણને મોતીથી વધાવીએ. કાળામેશ બનેલા મલિન આત્માને સાફસૂફ કરવાનો પર્યુષણ પર્વ એક મહાન અવસર છે. પર્યુષણ પર્વ પણ આપણને હાકલ કરે છે…” હે દાનવીરો, ત્યાગવીરો, ધર્મવીરો જાગો…”
આમ, પર્યુષણ પર્વ ખરેખર મહાન છે,પર્વ શિરોમણિ છે.
પાંચ કર્તવ્યો
પર્યુષણ દરમિયાન પાંચ કર્તવ્યો કરવાનું શાસ્ત્ર-વિધાન છે. આ પાંચ કર્તવ્યો આ પ્રમાણે છે :
- અમારી પ્રવર્તન : કોઈને મારવું નહિ એટલે કે અહિંસા.
- સ્વામી વાત્સલ્ય : સમાન ધર્મ પાળનાર પ્રત્યે સ્નેહ વહાવવો, તેની સેવા કરવી.
- અઠ્ઠમ તપ : સળંગ ત્રણ દિવસના ઉપવાસ કરવા.
- ચૈત્ય-પરિપાટી : ચૈત્ય એટલે દેરાસર, દેરાસરે જઈને પ્રભુદર્શન કરવું.
- ક્ષમાપના : પોતાના દોષોનું પ્રાયશ્ચિત્ત કરીને ક્ષમા માગવી અને બીજાઓના દોષોને ઉદાર હૈયે ક્ષમા આપવી.
પર્યુષણનું સર્વોચ્ચ શિખર ક્ષમાપના છે
જૈનોમાં પ્રતિક્રમણ આવશ્યક કર્તવ્ય ગણાય છે. પ્રતિક્રમણ પાંચ પ્રકારનાં હોય છે.
દરરોજ સવારે ઊઠીને ‘રાઈ’ પ્રતિક્રમણ કરવામાં આવે છે, જેમાં નિદ્રા દરમિયાન અજાણતાંય પાપકૃત્ય થયું હોય તો તેનું પ્રાયશ્ચિત્ત કરાય છે. દરરોજ રાત્રે ‘દેવસિ’ પ્રતિક્રમણ કરીને દિવસ દરમિયાન થયેલાં પાપકૃત્યોનું પ્રાયશ્ચિત્ત કરવાનું હોય છે. આ ન થઈ શકે તો પાક્ષિક અને ચાતુર્માસિક પ્રતિક્રમણ કરવામાં આવે છે. એ પણ શક્ય ન હોય તો સાંવત્સરિક (વાર્ષિક) પ્રતિક્રમણ-પર્યુષણના છેલ્લા દિવસે કરવામાં આવે છે. ક્ષમા માગવા અને ક્ષમા આપવાનું તો જગતનો દરેક ધર્મ કહે છે, કિન્તુ ક્ષમાપના માટે જ એક ખાસ દિવસનું આધ્યાત્મિક પર્વ ઊજવવાની પરંપરા માત્ર અને માત્ર જૈન ધર્મમાં જ છે. સાંવત્સરિક પ્રતિક્રમણ વખતે જૈનો ‘મિચ્છામિ દુક્કડમ્’ કહે છે. તેનો અર્થ છે – મિથ્યા મે દુષ્કૃતમ્, અર્થાત્ મારાં તમામ દુષ્કૃત્યો મિથ્યા – ફોગટ થાવ, જગતના સર્વ જીવો સાથે મૈત્રી કરવાનું આ પર્વ છે. સંવત્સરી તો સાત્ત્વિક અને આત્મિક મૈત્રીનું પર્વ છે ! – પ્રો. નૌતમભાઈ વકીલ (ધર્મતત્વ ચિંતક)
……………………………………………………………………………………………………………………………………………………………….
મૂર્તિપૂજક જૈનોના પર્વાધિરાજ પર્યુષણ પર્વનો પ્રારંભ થઈ ગયો છે. સમગ્ર ગુજરાતના જૈન દેરાસરોમાં તડામાર તૈયારીઓ થઈ. તપ, ત્યાગ અને આરાધનાનો માહોલ પર્યૂષણ પર્વમાં જોવા મળે છે. પર્યુષણ પર્વ માટે દેરાસરોને રંગબેરંગી રોશનીના શણગાર અને સુશોભનથી સજાવવામાં આવ્યા છે.
પર્યુષણ પર્વ દરમિયાન દરરોજ જીનાલયોમાં સ્નાત્રપૂજા અને પ્રભુજીની ભવ્ય આંગી રચાશે. રાત્રે ભક્તિ સંગીતના કાર્યક્રમો યોજાશે. પર્યુષણ પર્વની આરાધનામાં તપ જેમ મહત્ત્વનું અંગ છે તેમ અહિંસાનું પાલન પણ એટલું જ જરૂરી છે. વિવિધ જીનાલયોમાં જૈનોનો પૂજા અને દર્શન માટે મેળાવડો જામશે.
જૈનશ્વેતાંબર મૂર્તિપૂજક પરંપરામાં પર્યુષણ મહાપર્વ તા. 10 સપ્ટેમ્બર ગુરુવારથી પ્રારંભ થઈ રહ્યો છે. વિમલસાગરસૂરીશ્વરજી મ.સા તથા મુનિ પદ્મવિલસાગરજી મ.સાના સાંનિધ્યમાં મીરાંબિકા-નારણપુરા ખાતે પર્યુષણ મહાપર્વની મોટા પાયે વિશિષ્ટ રીતે ઉજવણી કરવામાં આવશે. માટે ‘શ્રી બુદ્ધિ-વીર વાટિકા’ના વિશાળ મંડપમાં ભવ્ય તૈયારીઓ ચાલી રહી છે. જ્યાં દરરોજ ત્રણ હજારથી વધારે ભાવિકો સાધના આરાધનામાં જોડાશે.
ધર્મથી અપરિચિત એવા હજારો નવયુવક યુવતીઓ અહીં વિશેષ રૂપે લાભાન્વિત થશે. આચાર્ય વિમલસાગરસૂરીશ્વરજી મ.સા દ્વારા મનોવૈજ્ઞાનિક શૈલીમાં પ્રસ્તુત કરાતી ધર્મની વાતો તેમને સુંદર માર્ગદર્શન પૂરું પાડશે. પાંચ દિવસ કલ્પસૂત્ર વાંચન દ્વારા જૈનધર્મ, પરંપરા અને વ્યવહારની અનેક અવનવી વાતો ભાવિકોને ભાવિભોર બનાવશે.
(સંદર્ભ સ્રોત : www.sadhanaweekly.com, www.divyabhaskar.co.in, ww.divyabhaskar.co.in)
No Response to “પર્વાધિરાજ પર્યુષણ” »
No comments yet.
RSS feed for comments on this post. TrackBack URI
Leave a comment