મહાભારતના યુદ્ધ માટે કુરુક્ષેત્રની ભૂમિ જ કેમ પસંદ કરાઈ…?
જ્યારે મહાભારતનું યુદ્ધ ટાળવાનું અશક્ય થઈ પડ્યું ત્યારે યુદ્ધ માટે યોગ્ય સ્થળ શોધવાનું ભગવાન શ્રીકૃષ્ણને કહેવામાં આવ્યું. મહાભારતનું યુદ્ધ ધર્મ માટે હતું. ભગવાન શ્રીકૃષ્ણ નહોતા ઇચ્છતા કે કૌરવો અને પાંડવો વચ્ચે લાગણીવશ કોઈ સંધિ થાય, માટે શ્રીકૃષ્ણે પોતાના દૂતોને અનેક દિશામાં અતિ ક્રૂર ઇતિહાસ ધરાવતી ભૂમિ શોધવા દોડાવ્યા. પરત આવ્યા બાદ એક દૂતે કુરુક્ષેત્ર પર એક ભાઈ દ્વારા અન્ય ભાઈ પર આચરેલી ક્રૂરતા વિશે સંભળાવ્યું. જે મુજબ કુરુક્ષેત્રમાં એક મોટા ભાઈએ તેના નાના ભાઈને ખેતરમાંથી વહી જતું વરસાદી પાણી રોકવા માટે પાળ બાંધવાનું કહ્યું, જેને લઈને બંને વચ્ચે ઝઘડો થયો અને ગુસ્સામાં આવી મોટા ભાઈએ નાના ભાઈની છરા વડે હત્યા કરી દીધી. એટલું જ નહીં તેણે ક્રૂરતાની તમામ હદ પાર કરી નાના ભાઈના મૃતદેહને ઢસડી, વહી જતા પાણીવાળી જગ્યાએ લઈ ગયો અને મૃતદેહને પગથી કચડી વહી જતા પાણીવાળી જગ્યા પર નાખી અને તેની પાળ બાંધી દીધી અને પાણી રોકી દીધું. આ સાંભળી શ્રીકૃષ્ણે તરત જ કુરુક્ષેત્ર પર જ આ ધર્મયુદ્ધ લડાશેની જાહેરાત કરી. મહાભારતની આ કથાથી સ્પષ્ટ થાય છે કે, શુભ અને અશુભ વિચારો અને કર્મોના સંસ્કાર ભૂમિ કે સ્થાન પર લાંબા સમય સુધી રહેતા હોય છે.
આ પવિત્ર ઉપવેદમાંથી જ વાસ્તુશાસ્ત્ર ઉદ્ભવ્યું છે
હિન્દુ ધર્મમાં ચાર વેદ છે, જેમાંનો એક અથર્વવેદ છે. તેનો એક ઉપવેદ છે ‘આપત્યવેદ’. આ ઉપવેદ જ હાલના વાસ્તુશાસ્ત્રનો આધાર મનાય છે. બ્રહ્માજીના માનસપુત્ર શ્રી વિશ્ર્વકર્માએ જે વાસ્તુ સંસાર માટે કહ્યું તે જ વાસ્તુશાસ્ત્રને આધારે ભગવાન શ્રીકૃષ્ણે મથુરાવાસીઓ માટે એક નવું નગર વસાવવાનો વિચાર કર્યો હતો. ત્યારે ભગવાન વિશ્ર્વકર્માએ દ્વારિકાનું નિર્માણ કર્યું જેના તમામ મહેલો અને ઘરો સોનાનાં હતાં.
ચીનમાં હરેકૃષ્ણા હરે હરે…
ચીન સરકારે ચીનને નાસ્તિક દેશ જાહેર કર્યો છે. ચીનના ૭૦ ટકા લોકો પોતાને નાસ્તિક તરીકે ઓળખાવે છે ત્યારે અહીંની રાજધાની બીજિંગ એક ફાઇવ સ્ટાર હોટલમાં હરેકૃષ્ણ પંથના અનુયાયીઓ દ્વારા ભજન-કીર્તનનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્રણ કલાક સુધી ચાલેલ આ અનુષ્ઠાનમાં ૨૫૦થી પણ વધુ લોકોએ ભાગ લીધો હતો અને ૧૦૦થી વધુ ચીની મહિલાઓ પરંપરાગત ભારતીય પોશાકમાં હરેકૃષ્ણ હરે… હરે…ના જાપ કરી રહી હતી. અહીંના લોકોને ‘ભગવદ્ ભજન’ની ચાઈનીઝ નકલ પણ મફતમાં વહેંચવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે નાસ્તિક ચીનમાં આ પ્રકારના ધાર્મિક કાર્યક્રમ યોજાય અને એમાં સારી એવી સંખ્યામાં લોકો ભાગ લે એવું ભાગ્યે જ બને છે.
ફિલ્મ જોતી વખતે રડી પડશો તો સારું લાગશે
લાગણીશીલ થઈ જવાથી રડવું આવે એવી શક્તિ માત્ર માણસોને જ મળી છે. જો આંસુ સારી લેવામાં આવે તો એ પછી તમારો મૂડ સારો થઈ જાય છે. નેધરલેન્ડસની યુનિવર્સિટી ઓફ ટિલબર્ગના રિસર્ચરોનું કહેવું છે કે માણસ રડીને હળવો થઈ જાય તો એનાથી થોડીક વાર પછી તેને ઘણું સારું ફીલ થતું હોય છે. અભ્યાસ માટે રિસર્ચરોએ ૬૦ લોકોને લાગણીશીલ કરી દે એવી ફિલ્મ બતાવી હતી.
રિસર્ચરોએ નોંધ્યું હતું કે ફિલ્મ જોતી વખતે કોણ રડ્યું હતું અને કોણ નહીં ? ૨૮ પાર્ટિસિપન્ટ્સની આંખમાંથી ગંગા-જમના વહી હતી અને ૩૨ લોકોએ એમ જ કોરી આંખે ફિલ્મ જોઈ લીધી હતી.
ભારતીયો લાંબુ જીવે છે પરંતુ માંદગી પર વધુ ખર્ચ કરે છે
તાજેતરમાં જ કરવામાં આવેલા નવા રસપ્રદ અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતીય લોકો વધારે જીવે છે, પરંતુ માંદગી પર તે વધારે નાણા ખર્ચ કરે છે. માત્ર ભારતમાં જ નહીં બલ્કે વિશ્વમાં હવે લોકો વધુ આયુષ્ય ધરાવતા થયા છે, પરંતુ સૌથી નિરાશાજનક બાબત એ છે કે તેમના પર માંદગીના કરાણે બોજ વધી રહ્યો છે. જુદી-જુદી સામાન્ય માંદગી પર વધારે રકમ ખર્ચ કરવામાં આવે છે. માંદગીમાં ડાયાબિટીસ અને સાંભળવાની શક્તિ ગુમાવી દેવાની બાબત સામેલ છે. આંતરરાષ્ટ્રીય સંશોધકો દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતમાં ડાયાબિટીસ અને અન્ય સ્નાયુ સંબંધિત વિકારના કારણે લોકો વધારે પરેશાન થયેલા છે. તેઓ વધારે નાણા બીમારી પર ખર્ચ કરી રહ્યા છે. આરોગ્યના કારણે લોકોના બજેટમાં વધારો થાય છે. વર્ષ ૧૯૯૦ અને ૨૦૧૩ વચ્ચેના ગાળામાં ડાયાબિટીસ સાથે ગ્રસ્ત મહિલામાં વિકલાંગતા વધી રહી છે.
(સંદર્ભ સ્રોત – સૌજન્ય : સાધના સાપ્તાહિક)
No Response to “અવનવી જાણકારી” »
No comments yet.
RSS feed for comments on this post. TrackBack URI
Leave a comment