Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.

Teachers Day_Edit

સ્વતંત્ર ભારતના દ્વિતીય રાષ્ટ્રપતિ, પ્રખર ચિંતક, વિચારક, તત્ત્વજ્ઞાની, ભારતીય સંસ્કૃતિના પુરસ્કર્તા,  ભારતરત્ન, ઉત્તમ વક્તા અને ખાસ તો આજીવન શિક્ષક અને  આદર્શ શિક્ષક તરીકે આજે પણ જેમને યાદ કરાય છે એવા ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિન 5 સપ્ટેમ્બર –‘શિક્ષક દિન’ તરીકે જાણીતો છે. સમગ્ર શિક્ષકગણ સમાજમાં મોભો અને પ્રતિષ્ઠા મળે, તે હેતુથી આ દિવસ ઉજવાય છે. 5 મી સપ્ટેમ્બરના ગરિમાયુક્ત દિવસને ભારતભરમાં રાષ્ટ્રીય શિક્ષકદિન તરીકે મનાવાય છે.  મિત્રો, આપણા માનસપટ પર કોઈ આદર્શ શિક્ષક પોતાના અસરકારક વ્યક્તિત્વની ઊંડી અસર છોડી જાય છે. તેને આપણે આજીવન ભૂંસી નથી શકતા. આવા શિક્ષકો પ્રત્યે આપણો આદરભાવ – અહોભાવ વ્યક્ત કરવાનો ખાસ દિવસ એટલે ‘શિક્ષક દિન’.

હું કદી શીખવતો નથી,  હું તો એવા સંજોગો પેદા કરું કે જેમાં વિદ્યાર્થી શીખે. ” આ વાક્યો છે આલ્બર્ટ આઇન્સ્ટાઇનના.જે દરેક  શિક્ષકોને રાહ બતાવે છે. આજના ટેકનોલૉજી-સ્માર્ટ યુગમાં દરેક બાળક સ્માર્ટ છે જ અને શિક્ષકે માત્ર એને રાહ ચીંધવાનો છે. આજના  વિદ્યાર્થી પાસે અગાધ જ્ઞાન છે પણ તેને યોગ્ય રસ્તે વાપરવા માટે શિક્ષકે માત્ર પથદર્શક જ બનવાનું છે. બાળક ભાવિ નાગરિક કે જેના દ્વારા ભાવિ સમાજ ઘડાય અને એ ભાવિ સમાજનો ઘડવૈયો  શિક્ષક છે. વિદ્યાર્થીના માનસિક, શારીરિક, ચારિત્રિક ગુણોનો વિકાસ એ તેની પહેલી ફરજ છે. હકારાત્મકતા વાવીને વિદ્યાર્થીને ઊંચાં સ્વપ્નો જોવડાવી તેને સાકાર કરવાના પ્રયત્નમાં મદદરૂપ થનાર ભોમિયો છે આ અર્થમાં શિક્ષક વિદ્યાર્થીનો મિત્ર, માર્ગદર્શક અને ભોમિયો બની  રાષ્ટ્ર નિર્માણનો પાયો રચનાર  છે.

માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીજી એ તેમના પુસ્તક ‘કેળવે તે કેળવણી’માં લખ્યું છે કે, “ એક મિકેનિક જો ચૂકે તો એક મોટર બગડે, એક ડ્રાઇવર જો ચૂકે તો ગાડીમાં બેઠેલ  ૪ થી ૫ વ્યક્તિની જિંદગી બગડે, પણ જો એક શિક્ષક ચૂકે,  તો એક આખી પેઢી બરબાદ થાય !” આ દૃષ્ટિએ જોતાં આજે જ્યારે માત્ર માહિતીઓ મગજમાં ભરી પરિક્ષાલક્ષી શિક્ષણ બની ગયું છે ત્યારે વ્યવહાર જગત સાથેનો નાતો, ચારિત્ર્ય, પ્રમાણિકતા, નીતિમત્તા, સત્ય, રાષ્ટ્રપ્રેમ, સદભાવના, બન્ધુતાના ગુણોનો વિકાસ કરવો એ આજના શિક્ષકની પ્રથમ અને આજના સમાજની તાતી જરૂરિયાત બની રહી છે. જયપ્રકાશ નારાયણે સાચું જ કહ્યું છે કે, “ કેળવણીનો ઉદ્દેશ જ્ઞાન અને તાલીમ આપવા સાથે એક સર્વસામાન્ય ઉદ્દેશ માણસ બનાવવાનો પણ છે.

પ્રખર જ્ઞાની અને મહાન લોકશિક્ષક પૂ.મોરારીબાપુના શબ્દોમાં, ‘શાળાનો ઓરડો પડી જાય તો વિદ્યાર્થીને વૃક્ષ નીચે ભણાવી શકાય પણ શિક્ષકની પ્રમાણિકતા પડી જશે તો સમાજના તમામ ક્ષેત્રમાં સડો પેદા થશે. સમાજ શિક્ષકના હાથમાં પોતાનું વહાલું બાળક સોંપી, શિક્ષક્ને શ્રદ્ધા અને વિશ્વાસનું પ્રતીક બનાવે છે.‘ કેળવણીકાર અને સમાજસુધારક સંત શ્રી પૂ.પાંડુરંગ શાસ્ત્રીના શબ્દોમાં વિદ્યાર્થીના મતે શિક્ષક દેવ અને શિક્ષક્ને  માટે વિદ્યાર્થી દેવ… આમ “પરસ્પર દેવો ભવ”ની ભાવના દ્વારા ઉભયનું કલ્યાણ થવું જોઈએ. રાધાકૃષણનું જીવનચરિત્ર વાંચીએ તો એક જ પ્રસંગ દ્વારા ખ્યાલ આવે કે શિક્ષક રાધાકૃષ્ણ જેમાં બેઠા હતા એ ઘોડાગાડીના ઘોડાઓને છોડી જાતે ગાડી હંકારનાર શિષ્યોના આંખમાં ગુરુ પ્રત્યેનો આદરભાવ અને એ જોઈ ગુરુની આંખમાંથી એ શિષ્યો માટે વરસતા પ્રેમ અશ્રુ તેમના ગુરુ-શિષ્ય સંબંધો માટેના  ભાવાવરણની યથાર્થતાની સાબિતી આપે છે ત્યારે, “ગુરુનું સરનામું શિષ્યનું મસ્તક અને શિષ્યનું સરનામું ગુરુનું હૃદય !” ઉક્તિ સાર્થક થાય છે.

આમ, શિ-ક્ષ-ક એ શિસ્ત, ક્ષમા અને કરુણાનો એટલે કે ઈશુ, મહાવીર, બુદ્ધનો ત્રિવેણી સંગમ છે. જે દ્વારા સમાજનું, રાષ્ટ્રનું એક મહાન પાત્ર છે…સહુ શિક્ષકોને વંદન સહ શ્રી રાધાકૃષ્ણનના જન્મદિનની  ભાવાંજલિ !!

शिक्षक है : कबीर की वाणी, मीरा का ध्यान
चाणक्य की प्रतिज्ञा, सूफी का ज्ञान

शिक्षक है : धरा का गुरुत्व, चुप आसमान
समुंदर की लहरें, परमाणु विज्ञान

शिक्षक है : पहली बारिश, खमरछठ का धान
बंजर धरती का सफल किसान

शिक्षक है : भौंरे का गुंजन, बंसी की तान
नदियों की कल-कल, परमाणु विज्ञान

– શ્રી યોગેશ અગ્રવાલ (કવિ અને અધ્યાપક)

આ મહત્ત્વપૂર્ણ દિવસે  શાળાઓ-મહાશાળાઓમાં શિક્ષકદિનની ઠેર-ઠેર ઉજવણી થાય છે. કે.જી, બાલવર્ગના વિદ્યાર્થીઓથી માંડીને ધો-12 અને કૉલેજના વિદ્યાર્થીઓ જે-તે વિષયના શિક્ષકના ગૌરવને શોભે તેવાં વસ્ત્રો પહેરી શિક્ષકની ભૂમિકા નિભાવે છે,  તેમના જ સહાધ્યાયીઓ મિત્રો એક દિવસ માટે આ શિક્ષકો પાસેથી શિક્ષણ મેળવશે અને શિક્ષક-વિદ્યાર્થીના આદર્શ સંબંધોને પ્રસ્થાપિત કરે છે.

સૌ ભારતવાસીઓને ગુજરાતીલેક્સિકોન તરફથી શિક્ષકદિનની ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે.

(સંદર્ભસ્રોત – સૌજન્ય : bhujbolechhe.orgmadhuvan1205.wordpress.com)

No Response to “શિક્ષકદિન – આદર્શ શિક્ષકની પ્રતિષ્ઠાનો દિવસ” »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment