Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.

narmadashankar-750x422

આજે ૨૪ ઑગસ્ટના રોજ ગુજરાતી ભાષાના મૂર્ધન્ય કવિ શ્રી નર્મદનો જન્મદિન છે. ગુજરાતી ભાષા અને સાહિત્યમાં તેમનું બહુમૂલ્ય પ્રદાન છે. તેમના જન્મદિન નિમિત્તે આ  દિવસ ‘વિશ્વ ગુજરાતી દિવસ’ તરીકે પણ ઉજવાય છે.

નર્મદ માત્ર કવિ જ નહીં પણ નિબંધકાર, આત્મકથાકાર, પિંગળકાર, સંપાદક, કોશકાર અને નાટ્ય સંવાદ લેખક તરીકે પણ પ્રખ્યાત હતા. સુરતની ધરાનું ગુજરાતી સાહિત્યક્ષેત્રે ઊંચું યોગદાન રહ્યું છે. સુરતે અનેક સાહિત્યકારે અને કવિઓ પ્રદાન કર્યા છે. તેમાંનું એક મુઠ્ઠી ઊંચેરું નામ એટલે નર્મદાશંકર લાલશંકર દવે. કવિ નર્મદ. નર્મદ ગુજરાતી સાહિત્યિક ક્ષેત્રના સુધારક ગણાય છે. તેમણે ચીલાચાલુ કવિતાઓથી વિમુખ જઈને કવિતાઓ લખી. સુરતની સાહિત્યિક ભૂમિ પર જન્મ લેનાર વીર કવિ નર્મદની આજે ૧૮૨મી જન્મજયંતી શહેરભરમાં વિવિધ કાર્યક્રમો રૂપે મનાવાશે. એમણે એમની કવિતાઓ અને નિબંધોમાં સમાજ સુઘારણાને મુખ્ય લક્ષ્ય આપ્યું અને કાવ્યોમાં સાહસ અને વીરરસનું નિરુપણ કર્યું. ‘યાહોમ કરીને પડો, ફતેહ છે આગે’ જેવાં કાવ્યોથી તેમણે યુવાનોમાં જોમ અને જુસ્સો પૂરો પાડ્યો છે. ચાલો, તેમની અમર બનેલી રચનાઓને માણીએ.

સહુ ચલો જીવતા જંગ, બ્યૂગલો વાગે;

યા હોમ કરીને પડો ફતેહ છે આગે.

કેટલાંક કરમો વિષે, ઢીલ નવ ચાલે,
શંકા ભય તો બહુ રોજ, હામને ખાળે;
હજી સમય નથી આવિયો, કહી દિન ગાળે,
જન બ્હાનું કરે નવ સરે, અર્થ કો કાળે;
ઝંપલાવવાથી સિદ્ધિ જોઈ બળ લાગે.

યા હોમ.. સહુ ચલો.. યા હોમ…

સાહસે કર્યો પર્શુએ પૂરો અર્જુનને,
તે પરશુરામ પરસિદ્ધ, રહ્યો નિજ વચને;
સાહસે ઈંદ્રજિત શૂર, હણ્યો લક્ષ્મણે,
સાહસે વીર વિક્રમ, જગ્ત સહુ ભણે;
થઈ ગર્દ જંગમાં મર્દ હક્ક નિજ માગે.

યા હોમ.. સહુ ચલો.. યા હોમ…

સાહસે કોલંબસ ગયો, નવી દુનિયામાં,
સાહસે નિપોલ્યન ભીડ્યો યૂરપ આખામાં;
સાહસે લ્યુથર તે થયો પોપની સામાં,
સાહસે સ્કાટે દેવું રે, વાળ્યું જોતામાં;
સાહસે સિકંદર નામ અમર સહુ જાગે,

યા હોમ.. સહુ ચલો.. યા હોમ…

સાહસે જ્ઞાતિનાં બંધ કાપી ઝટ નાખો,
સાહસે જાઓ પરદેશ બીક નવ રાખો;
સાહસે કરો વેપાર, જેમ બહુ લાખો,
સાહસે તજી પાખંડ, બહ્મરસ ચાખો;
સાહસે નર્મદા દેશ-દુ:ખ સહુ ભાગે.

યા હોમ.. સહુ ચલો.. યા હોમ…

………………………………………………………………………………………………………

જય જય ગરવી ગુજરાત !
જય જય ગરવી ગુજરાત,
દીપે અરુણું પરભાત,
ધ્વજ પ્રકાશશે  ઝળળળળ કસુંબી, પ્રેમશૌર્યઅંકીત;
તું ભણવ ભણવ નિજ સંતતિ સઉને, પ્રેમ ભક્તિની રીત –
ઊંચી તુજ સુંદર જાત,
જય જય ગરવી ગુજરાત.

ઉત્તરમાં અંબા માત,
પૂરવમાં કાળી માત,
છે દક્ષિણ દિશમાં કરંત રક્ષા, કુંતેશ્વર મહાદેવ;
ને સોમનાથ  ને દ્ધારકેશ એ, પશ્વિમ કેરા દેવ-
છે સહાયમાં સાક્ષાત
જય જય ગરવી ગુજરાત.

નદી તાપી નર્મદા જોય,
મહી ને બીજી પણ જોય.
વળી જોય સુભટના જુદ્ધરમણને, રત્નાકર સાગર;
પર્વત પરથી વીર પૂર્વજો, દે આશિષ જયકર-
સંપે સોયે સઉ જાત,
જય જય ગરવી ગુજરાત.

તે અણહિલવાડના રંગ,
તે સિદ્ધ્રરાજ જયસિંગ.
તે  રંગથકી પણ અધિક સરસ રંગ, થશે સત્વરે માત !
શુભ શકુન દીસે મધ્યાહ્ન શોભશે, વીતી  ગઈ છે રાત-
જન ઘૂમે નર્મદા સાથ,
જય જય ગરવી ગુજરાત.

આજના વિશેષ દિને ગુજરાતીલેક્સિકન પોતાની વિવિધ ભાષા-પ્રસ્તુતિઓના બહોળા ઉપયોગ માટે સમગ્ર ભાષાપ્રેમીઓને આમંત્રણ આપે છે, જે દ્વારા ગુજરાતી ભાષાનો વિશ્વ સ્તરે વિસ્તૃત પ્રચાર-પ્રસાર થઈ શકે. સમગ્ર ગુજરાતી ભાષા-સાહિત્યપ્રેમી મિત્રોને ‘જય જય ગરવી ગુજરાત” ના નારા સાથે હાર્દિક શુભેચ્છાઓ પાઠવે છે. ચાલો, સૌ સાથે મળી ગુજરાતી ભાષાનું ગૌરવ વિશ્વ સ્તરે વધારીએ.

કવિ શ્રી નર્મદની જન્મજયંતિ ઉજવણી નિમિત્તે સુરત શહેરમાં યોજાયેલ કાર્યક્રમ :

11870809_1123851064296711_2231227364778923460_n

11017878_1123851467630004_8398751111019858643_n 11870757_1123850950963389_6156283660905739304_n

No Response to “જન્મદિન વિશેષ – કવિ શ્રી નર્મદ” »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment