મિત્રો, આજે ૧૩ ઑગસ્ટના રોજ જાણીતા કવિ શ્રી વિનોદ જોશીનો જન્મદિન છે. તેમના જન્મદિનની શુભેચ્છા પાઠવતાં ચાલો, તેમના જીવન, કાર્ય અને સાહિત્યિક પ્રદાનની આછી ઝલક મેળવીએ….
જન્મ
૧૩ ઑગસ્ટ, ૧૯૫૫, ભોરિંગડા, વતન – બોટાદ, જિ. – અમરેલી
કુટુંબ
પિતા – હરગોવિંદદાસ જોશી, પત્ની – વિમલ; પુત્ર – અનિરુદ્ધ
અભ્યાસ
૧૯૭૭ – એમ.એ., ૧૯૮૦ – પી.એચ. ડી.
વ્યવસાય
ભાવનગર યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક અને ગુજરાતી વિભાગના અધ્યક્ષ
પ્રદાન
૨૨ સર્જનાત્મક અને વિવેચનાત્મક પુસ્તકો લખ્યાં છે. લય ઢાળની મધુરતાથી ભરેલાં સ્ત્રીની સંવેદનાને વાચા આપતી કવિતાઓ તેમની લાક્ષણિકતા છે. સોનેટ પણ લખ્યા છે. સંપાદન અને વિવેચન કાર્યમાં પણ ગતિશીલતા દાખવી છે.
મુખ્ય કૃતિઓ
કવિતા– ઝાલર વાગે જૂઠડી, પરંતુ, શિખંડી, દીર્ઘ કાવ્ય – તુણ્ડિલ તુણ્ડિકા, નાટક – રેડીયો નાટક : સ્વરૂપ અને સિદ્ધાંત, વિવેચન – સોનેટ, અભિપ્રેત, નિવેશ, ‘અમૃત ઘાયલ’–વ્યક્તિમત્તા અને વાંગ્મય; સંપાદન – આજ અંધાર ખૂશબો ભર્યો લાગતો, રાસ તરંગિણી, ચિંતનાત્મક – વીજળીને ચમકારે
જીવન
ઉચ્ચ શિક્ષણની પ્રત્યેક પરીક્ષા પ્રથમ નંબરે પસાર કરી છે. અમૃત ઘાયલ’ તેમના ગઝલની દુનિયાના માર્ગદર્શક, ગુજરાતીના શિક્ષક અને પ્રાધ્યાપક, યુનિ. ગ્રાન્ટ્સ કમીશન અને યુ.પી.એસ.સી.માં સભ્ય, સુગમ સંગીતના અનેક ગાયકોએ તેમની રચનાઓ લયબધ્ધ કરી છે, હવાની હવેલી’. ‘મોરપિચ્છ’, ‘ખોબામાં જીવતર’ જેવી લોકપ્રિય કટારોના લેખક, મુશાયરાઓ અને વ્યાખ્યાનોમાં પ્રભાવક વક્તા
સન્માન
ઉમાશંકર જોશી ઍવોર્ડ, જયન્ત પાઠક પારિતોષિક
તેમની જાણીતી રચનાઓ
આપી આપીને તમે પીંછું આપો
સજન ! પાંખો આપો તો અમે આવીએ…
ચાંદો નીચોવી અમે વાટકો ભર્યો
ને એને મોગરાની કળીએ હલાવ્યા,
આટલા ઉઝરડાને શમણું ઓઢાડી
અમે ઊંબરની કોર લગી લાવ્યાં
આપી આપી ને તમે ટેકો આપો
સજન ! નાતો આપો તો અમે આવીએ…
કાગળની કાળઝાળ રેતી વિંઝાય
અને લેખણમાં છોડી છે લૂ;
આંગળિયું ઓગળીને અટકળ થઈ જાય
અમે લખીએ તો લખીએ પણ શું ?
આપી આપી ને તમે આંસું આપો
સજન ! આંખો આપો તો અમે આવીએ…
…………………………………………………………
ટચલી આંગલડીનો નખ
લટમાં પરોવી હું તો બેઠી, સજન!
મુંને એકવાર કાગળ તો લખ.
કૂંપણ ગોતું ને જડે ઝાકળનું ઝૂમખું,
વ્હાલમજી બોલ, એવા અંજળનું નામ શું?
ચૂમી ચૂમીને કરી એંઠી, સજન!
હવે લૂછી દે પાંપણનાં દખ.
છાતીમાં સૂનમૂન પાળ્યાં રે પારેવડાં,
પાતળિયા પૂછ, એના પડછાયા કેવડા?
છાલક ના જાય જરી વેઠી, સજન!
મુંને ઘોળી દે ઘૂઘવતાં વખ.
(માહિતી સ્રોત – સૌજન્ય : sureshbjani.wordpress.com, layastaro.com)
No Response to “જન્મદિન વિશેષ : કવિ શ્રી વિનોદ જોશી” »
No comments yet.
RSS feed for comments on this post. TrackBack URI
Leave a comment