Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.

મિત્રો, આપ જાણતા જ હશો કે ગુજરાતીલેક્સિકન વેબસાઇટ પર  ‘GL Goshthi ‘ નામે એક પ્રકલ્પ કાર્યરત છે. જે અંતર્ગત  વિવિધ ક્ષેત્રો જેવાં કે – સાહિત્ય, પત્રકારત્વ, શિક્ષણ, રાજકારણ, રમતગમત વગેરેમાં જાણીતા બનેલા ગુજરાતના મહાનુભાવો સાથે ભાષા ગોષ્ઠિ કરવામાં આવે છે; જે દ્વારા તેમનો ભાષાપ્રેમ, ભાષા પ્રત્યેની લાગણીઓ તથા ભાષા પ્રચાર – પ્રસાર અંગેના વિચારો પ્રગટ થાય છે.  જે ગોષ્ઠિને આપની સમક્ષ રજૂ કરતાં અત્રે પસ્તુત છે એક રસપ્રદ વાર્તાલાપ એક જાણીતા ગુજરાતી મહાનુભાવ સાથે…

રઈશ મનીઆર – તબીબ, બાળ માનસશાસ્ત્રી તથા સાહિત્યકાર

જન્મ : 19 ઑગસ્ટ, 1966, જન્મ સ્થળ : કિલ્લા પારડી, જિ. વલસાડ, અભ્યાસ : એમ.ડી., ડી.સી.એચ. (બાળદર્દ, પીડિયાટ્રિક), વ્યવસાય : બાળ માનસશાસ્ત્રી .

રઈશ મનીઆર તબીબ હોવા ઉપરાંત ગુજરાતી ભાષાના સારા કવિ, નાટ્યકાર તથા હાસ્યકાર છે. અનેક મુશાયરાઓ, કવિ સંમેલનો તથા સંગીતના કાર્યક્રમોના લોકપ્રિય સંચાલક રહ્યા છે. અખબારોમાં કટાર લેખન તથા ટીવી, રેડિયો પર અનેક કાર્યક્રમો આપ્યા છે. અનેક વખત વિદેશમાં કાવ્યપઠન તથા અન્ય કાર્યક્રમો કરેલ છે.

તેમણે કુલ 17 પુસ્તકો લખ્યાં છે. તેઓ બાળ મનોવિજ્ઞાનના અભ્યાસુ લેખક છે. બાળઉછેરની બારાખડી, આપણે બાળકોને શા માટે ભણાવીએ છીએ ?, તમે અને તમારું નિરોગી બાળક તેમનાં જાણીતાં પુસ્તકો છે. ગઝલના છંદ એ એમના રસ અને સંશોધનનો વિષય રહ્યો છે. સાહિર, કૈફી, જાવેદ અખ્તર અને ગુલઝારજીની અનેક ઉર્દૂ કવિતાના તેમણે અનુવાદ કર્યા છે.

તેમની વિશેષ સિદ્ધિઓ બદલ અનેક પુરસ્કારોથી સન્માનિત થયા છે. વર્ષ 2000માં આઈ.એન.ટી. તરફથી યુવા ગઝલકાર તરીકે ‘શયદા’ પુરસ્કાર, ગુજરાત સાહિત્ય અકાદમી ઍવોર્ડ તથા 2002માં ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી તેઓ પુરસ્કૃત થયેલ છે.

GL ગોષ્ઠિ પ્રોજેક્ટ અંતર્ગત માતૃભાષા ગુજરાતીના પ્રચાર – પ્રસાર માટે ગુજરાતીલેક્સિકનને તેમણે આપેલા રસપ્રદ ઉત્તરોને ચાલો માણીએ…

માતૃભાષા ગુજરાતીનો એક-બે વાક્યોમાં પરિચય આપવો હોય તો આપ શું આપો ?

મારી ભાષા… પ્યારી ભાષા !

મેં તારા નામનો ટહૂકો અહીં છાતીમાં રાખ્યો છે,

ભૂંસાવા ક્યાં દીધો કક્કો હજુ પાટીમાં રાખ્યો છે,

મલક કંઈ કેટલા ખૂંદ્યા બધાની ધૂળ ચોંટી પણ

હજુયે મારો ધબકારો મેં ગુજરાતીમાં રાખ્યો છે.

આપને ગમતા કોઈ ગુજરાતી ગીતનું નામ જણાવો.

મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…

આપણી ભાષાઃ આપણી સંસ્કૃતિ – આ સૂત્રને આપના વિચારો મુજબ ટૂંકમાં સમજાવશો ?

શોધું છું પુત્રમાં ગુજરાતીપણું,

શું મેં વાવ્યું છે હવે હું શું લણું ?

આ વસીયત લખી ગુજરાતીમાં,

પુત્ર એ વાંચી શકે તો ય ઘણું.

આપને ગમેલું ગુજરાતી ભાષાનું કોઈ ચલચિત્ર ? જેમનો અભિનય ગમ્યો હોય તેવા અભિનેતા ?

ગમતી ફિલ્મ – કેવી રીતે જઈશ

ગમતા અભિનેતા – ઉપેન્દ્ર ત્રિવેદી .

કયું ગુજરાતી નાટક આપને સૌથી વધુ ગમે છે ?

ગુજરાતી નાટક – ગાંધી વિરુદ્ધ ગાંધી, વેલકલ જિંદગી

ગુજરાતી કે અન્ય ભાષાની ટીવી શ્રેણી જોતો નથી.

આપના પ્રિય ગુજરાતી સાહિત્ય સર્જકોનાં નામ જણાવશો ? (કવિ – લેખક – નાટ્યકાર – નવલકથાકાર વગેરે…)

કવિ – રમેશ પારેખ, મરીઝ

લેખક – ઉમાશંકર જોશી, જ્યોતિન્દ્ર દવે

નાટ્યકાર – સિતાંશું યશશ્ચંદ્ર, મધુ રાય

નવલકથાકાર – પન્નાલાલ પટેલ

વિવેચક – જયંત કોઠારી

આપનું મનગમતું ગુજરાતી પુસ્તક કયું છે ?

બૃહદ પિંગળ – રા. વિ. પાઠક

આપને ગમતી એક-બે ગુજરાતી કહેવતો અથવા રૂઢિપ્રયોગો જણાવો.

કોથળામાંથી બિલાડું નીકળ્યું, ભેંસનાં શિંગડાં ભેંસને ભારે

આપણે માતૃભાષાને ચાહીએ છીએ – આ બાબત કેવી રીતે સાબિત કરી શકીએ ?

રોજ એક નવો શબ્દ, નવો રૂઢિપ્રયોગ, એક નવી કહેવત શીખીને

માતૃભાષાના રક્ષણ, પ્રચાર, પ્રસાર માટે શું કરવું જોઈએ ? આપનાં મંતવ્યો જણાવો.

ગુજરાતની શાળાઓમાં યુનિવર્સલ માધ્યમ દાખલ કરીને જેમાં ગણિત, વિજ્ઞાન સિવાયના (નોનટેક્નિકલ) વિષયો ગુજરાતીમાં જ ભણાવાય. અંગ્રેજી માધ્યમમાં ભણતાં બાળકો માટે ગુજરાતીના પ્રાથમિક અને સાહિત્યિક જ્ઞાનને લગતી સ્પર્ધાઓ યોજી શકાય. ગુજરાતી નાટકો અને સંગીતને ઉત્તેજન તથા વાંચવાલાયક પુસ્તકો સરળતાથી અને સસ્તી કિંમતે ઉપલબ્ધ થાય એવું આયોજન.

ગુજરાતી ભાષાના પ્રચાર માટે બહુમૂલ્ય યોગદાન આપનાર એક-બે મહાનુભાવો તથા સંસ્થાઓનાં નામ જણાવશો ?

તમામ ગુજરાતી છાપાંઓ અને સામાયિકો (એમની વિશેષ પૂર્તિઓ), લયસ્તરો, ટહુકો જેવી વેબસાઇટ તથા ગુજરાતી કાર્યક્રમો યોજતી સંસ્થાઓ

આપના પ્રેરણાદાયી વિચારો ગુજરાતી ભાષાના એક-બે સુવિચારો દ્વારા અમારા મિેત્રોને કહો.

જેમ નદીનું પાણી રોજ બદલાય છે પણ નામ બદલાતું નથી, તેમ ભાષા પરિવર્તનશીલ છે. ભાષામાં ઈતર ભાષાના શબ્દો કે અન્ય પરિવર્તનનો છોછ ન રાખીએ. જરૂર પૂરતી પરંપરાને રસપ્રદ રીતે નવી પેઢી સુધી પહોંચાડીએ.

ગુજરાતી ભાષાને લગતી કોઈ યાદગાર ઘટના આપના જીવનમાં બની હોય તો જણાવશો.

ગુલઝારજી અને જાવેદ અખ્તરનાં કાવ્યોનો સમશ્લોકી અનુવાદ જ્યારે મેં ગુજરાતીમાં કર્યો ત્યારે ‘ગુજરાતી ભાષા ગઝલના છંદોને યથાતથ ઝીલી શકે છે’ એ જાણીને આ બન્ને મહાનુભાવોને સાનંદાશ્ચર્યનો અનુભવ થયો હતો.

અમારી ગુજરાતીલેક્સિકન વેબસાઇટમાં કયા વિભાગો આપને વધુ ગમે છે ?

તમામ વિભાગ

માતૃભાષાનાં સેવાકાર્યોને બિરદાવતાં (GL) નો એક-બે વાક્યોમાં પરિચય આપવો હોય તો શું આપો ?

એક જ સ્થળે, સઘળું મળે

જીએલ એટલે ગુજરાતી ભાષાનો મેગા મોલ !

No Response to “ગુજરાતી ભાષાનો મેગા મોલ – ગુજરાતીલેક્સિકન (ભાષા ગોષ્ઠિ)” »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment