Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.


children1

ગુજરાતી સાહિત્યમાં અન્ય સાહિત્ય પ્રકારની સરખામણીએ બાળસાહિત્યનું સર્જન ઓછું થયું છે, તેમ છતાં જે સર્જન થયું છે અને થતું રહે છે તેનું પ્રદાન બહુમૂલ્ય છે. કોઈ પણ ભાષા-સંસ્કૃતિના ઘડતરમાં બાળસાહિત્ય પાયો ગણી શકાય. બાળપણમાં સાહિત્યનો જે આસ્વાદ માણ્યો તે જીવનભરનું ભાથું બનીને સાથે રહે છે. જેમકે, વર્ષો પહેલાં માણેલાં બાળજોડકણાં – ચાંદો સૂરજ રમતા’તા, બાળકાવ્ય – નાની મારી આંખ…આજે પણ એટલાં જ તાજગીસભર લાગે છે. આ વાતના સમર્થનમાં સુશ્રી રક્ષાબેન દવેએ બાળસાહિત્યક્ષેત્રે વિપુલ સાહિત્યસર્જન કર્યું છે. આ માટે તેમને ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ તરફથી ‘શ્રી ગિજુભાઈ બધેકા સુવર્ણ ચંદ્રક’ એનાયત કરવામાં આવ્યો છે. તેમણે ગુજરાતી સાહિત્યને અનેક બાળવાર્તાસંગ્રહો અને બાળકાવ્યોના સંગ્રહો આપ્યા છે. તેમના પુસ્તક ‘તબડક તબડક’, ‘ધીન ધીન’, ‘માણુંમીઠું’ અને ‘છુકછુક ગાડી’ માંથી કેટલાંક બાળકાવ્યો અત્રે સાભાર પ્રસ્તુત છે :

ચકીબહેનને આમંત્રણ

આવો ચકીબહેન ! આવો ચકાભાઈ !
મારે તે ઘેર માળો મૂકવાને.
ફઈબાએ છાબડી ટાંગી છે ઊંચે
તમારા માળાને ઝૂલવાને.

મમ્મીએ અભરાઈ પર તપેલું ઊંધું
થોડું અધૂકડું મૂક્યું છે;
એને પોલારિયે તરણાંઓ મેલો
નાનકડાં ઈંડાં મૂકવાને…. આવો….

જેજેબાપાના ઝાઝેરા ફોટા
પપ્પાએ ઢળતા ટાંગ્યા છે;
એની પછવાડે તરણાંઓ મેલો
વ્હાલાં બચુડિયાંને રહેવાને…. આવો….

સૂવાના ખંડમાં કે ભોજનના ખંડમાં
કે પછી રૂપાળે બેઠકને ખંડ,
જ્યાં મન માને ત્યાં બાંધોને માળો
ચોખા દઈશ તમને ચણવાને… આવો….

ના લટકા

ક – ‘ક’ને કોઈ નહીં સંગાથે;
‘ક’ને કાંઈ નહીં ક.

કા – ‘ક’એ લાકડી લીધી હાથે;
‘ક’ને કાનો કા.

કિ – ‘ક’એ જમણે ઓઢ્યો ખેસ;
‘ક’ને હસ્વઈ કિ.

કી – ‘ક’એ ડાબે ઓઢ્યો ખેસ;
‘ક’ને દીર્ઘઈ કી.

કુ – ‘ક’એ વાળી છે પલાંઠી;
‘ક’ને હસ્વઉ કુ.

કૂ – ‘ક’એ લાંબો કીધો પગ;
‘ક’ને દીર્ઘઊ કૂ.

કે – ‘ક’એ માથે ખોસ્યું પીંછું;
‘ક’ને એક માતર કે.

કૈ – ‘ક’ને સસલા જેવા કાન;
‘ક’ને બે માતર કૈ.

કો – ‘ક’એ માથે ઓઢી ટોપી….
ને હાથમાં લીધી સોટી;
‘ક’ને કાનો માતર કો.

કૌ – ‘ક’એ ટોપી ઉપર પીંછું ખોસી
હાથમાં લીધી સોટી;
‘ક’ને કાનો, બે માતર કૌ.

કં – ‘ક’એ માથે કીધું ટીલું;
‘ક’ને માથે મીંડું કં.

ક: – ‘ક’એ કાંઈ સુશોભન કીધાં !
પડખે બે ફૂમતડાં ટાંક્યાં;
‘ક’ને આગળ બે મીંડાં ક:
‘ક’ને વિસર્ગ લાગે ક:.

મીની ! મીની !

મીની ! મીની ! મ્યાઉં મ્યાઉં, આવ દૂધ પાઉં.

પપ્પા ગ્યા છે ઑફિસ, મીની ! મમ્મી ગઈ બજાર,
ભાઈ ગયો છે સ્કૂલ, દીદી દર્પણમાં મશગૂલ.
કોઈ જુએ ના મારી સામું, જે માગે તે આપું.
ઘોડા પરના ડબરા સઘળા કેમ ભરેલા રાખું ?
મેવા, મીઠાઈ, મોટા પાઉં, મીની ! મીની ! મ્યાઉં મ્યાઉં

ઘીની બરણી આજ ભૂલી ગઈ મમ્મી પિંજરમાં,
દહીંની મટકી આંબી ગઈ હું છોને શીંકામાં,
પપ્પાનાં છે થોથાં મોટાં મૂકું ઉપરાઉપરી,
તો પણ મટકી આઘી રહે તો મૂકું મારી પોથી,
મેવા, મીઠાઈ, મોટા પાઉં, મીની ! મીની ! મ્યાઉં મ્યાઉં

પીપી ખાઉં, બિસ્કિટ ખાઉં, આવ તને પણ દઉં,
દૂધની ઝારી, ઘીની ઘારી, માખણ-મિસરી દઉં,
આપું તાજાં ખાજાં, આજે હું છું ઘરમાં રાજા –
-જાણી કાળો કાગો બોલે : કાઉ-કાઉ-કાઉ.
મેવા, મીઠાઈ, મોટા પાઉં, મીની ! મીની ! મ્યાઉં મ્યાઉં

પરબ

મારે બાગે બદામડી
બદામ ડાળે પરબડી
પરબમાં કાંઈ પંખીડાં
ન્હાતાં ગાતાં ઘેલુડાં
પીએ થોડું ને ઢોળે બહુ
તો ય મને તે ગમતાં બહુ.

પરબ ફરતાં તોરણિયાં
ટાંગ્યાં જાણે ઝૂલણિયાં !
હીંચકા ખાતાં ચકલાંઓ,
પારેવાં ને લેલાંઓ
કલબલ કલબલ કલબલતાં
પરબનો ‘જયજય’ કરતાં.

એઈ, બધાં તમે મૂંગા રહો,
કેદારભાઈ, રોતા નહીં હો !
પોપટ પીવા આવ્યો છે,
મારે મન બહુ ભાવ્યો છે.
વાહ પરબડી, વાહ રે વા !
પોપટ તો ઊતર્યો ન્હાવા.

(સાભાર : પ્રો. ડૉ. રક્ષાબહેન પ્ર. દવે)

No Response to “બાળકાવ્યો – પ્રો. ડૉ. રક્ષાબહેન પ્ર. દવે” »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment