Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.

જીવનપલટો (વાર્તા )

July 6th, 2015 by GujaratiLexicon Team | No Comments »

Dakuબુંદેલખંડનો એક ભયંકર ડાકુ મોહનસિંહ આખા પ્રદેશમાં ત્રાસ વર્તાવી રહ્યો હતો. રાજ્યની પોલીસ એને પકડી શક્તી ન હતી. તેણે પોતાની એક ટોળી બનાવી હતી. એ નવજુવાન હતો. તેના વતનના ગામના નગરશેઠે જૂના લેણા પેટે એની જમીન-જાગીર પડાવી લીધી અને તેના બાપને ખૂબ હેરાન કરેલો તેથી મરતી વખતે એના બાપને જીવ જતો ન હતો એ વખતે મોહનસિંહ એની પથારી પાસે બેઠેલો. તેણે પ્રતિજ્ઞા કરી કે : ‘એ વ્યાજખાઉ વાણિયાનું જડાબીટ કાઢી નાખીશ, તમે જીવ ગતે કરો.’ એટલે એના બાપે પ્રાણ છોડ્યા.

પોતે લીધેલી પ્રતિજ્ઞા પૂરી કરવા સોળ વરસનો મોહનસિંહ નગરશેઠે અને એના બે દીકરાને ઠાર મારી બહાર નીકળી ગયો. પછી તો ખૂનની પરંપરા ચાલી. એણે ટોળી બનાવી. એમાં એની જેવા જ જુવાનો ભળ્યા. લૂંટફાટ અનેર મારમારીનો એનો ધંધો થઈ ગયો. એના નામથી આખો મધ્યપ્રદેશ ધ્રૂજવા લાગ્યો. નાના રજવાડાની શક્તિ ઓછી પડી એટલે પડોશના બે-ત્રણ રાજા એની મદદે આવ્યા. ખૂબ ભીંસ થવા લાગી. ડુંગરા અને જંગલમાં રખડતા એ લૂંટારાઓને રાતદિવસ નાસભાગમાં રહેવું પડતું. કોઈ જગ્યાએ નિરાંતે રાતવાસો થતો નહીં. ટોળીના બે-ચાર જુવાનો ઝડપાયા ગયા એટલે બહારવટિયાનું બળ તૂટવા માંડ્યું. મોહનસિંહ બહાદુર અને કાબેલ હતો, છતાં એ મુંઝાયો. આખરે એણે હિમાલયનો માગ લીધો. બે-ત્રણ રાજ્યની પોલીસને થાપ આપીને એ હિમાલયમાં નાસી ગયો.

ઋષિકેશથી સો-ધોઢસો માઇલ દૂર નરેન્દ્રનગર જમનોત્રી અને ગંગોત્રીને રસ્તે ઉત્તર કાશી પહોંચ્યો. સાધુનો વેશ લઈને ત્યાં ગંગાકિનારે એક કુટિયા બનાવીને રહ્યો.

ચોમેર ઊંચા ઊંચા પહાડો અને ઊંડી ખીણમાં ગંગાનો પવિત્ર પ્રવાહ વરી રહ્યો હતો. એક નાની પહાડીના પેટાળમાં હારબંધ પંદર-વીસ કુટિરો આવેલી હતી. તેમાં સાધુ-સંન્યાસીઓનો નિવાસ હતો. ધર્મ-ધ્યાન, પાઠ-પૂજા, ઈશ્વરચિંતનમાં સૌ નિમગ્ન હતા, વાતાવરણમાં ઊંચા પ્રકારની સાત્વિકતા હતી.

મોહનસિંહ એ વાતવરણમાં ધીમે ધીમે રંગાતો ગયો. બ્રાહ્યમુહૂર્તમાં વહેલી સવારે સાધુ-સન્યાસીઓ જાગી ઊઠતા અને મોટે અવાજે સ્તોત્ર ગાતા, વેદ, ઉપનિષદ અને સ્તુતિગાનના હિમાલયના પહાડોમાં પડઘા પડતા. ચોમેર અલૌકિક આનંદ છવાઈ જતો. અંતરમાં આપોઆપ ભગવાન જાગી ઊઠે એવું પ્રેરક વાતાવરણ ખડું થતું.

મોહનસિંહ કોઈની સાથે ભળતો નહીં. કોઈની સાથે વાતચીત કરતો નહીં. પોતાની દુનિયામાં મસ્ત રહેતો. એના મનમાં ઊંડે ઊંડે એમ હતું કે થોડો વખત અહીં ગાળું એટલામાં રાજ્યની ભીંસ ઓછી થઈ જશે, પછી બુંદેલખંડ પહોંચી જઈશ. એના બીજા સાથીઓ જીવતાં કે મરેલા પકડાઈ ગયા હતા એટલે એને કોઈની આશા રહી ન હતી. કદાચ નવો પ્રદેશ અને નવી ટોળી શોધવાં પડે. થોડા દિવસ તો એને ક્યાંઈ ચેન પડ્યું નહીં. એકાંત વસમું લાગ્યું, પણ ધીમે ધીમે એને ખબર ન પડે તેમ એ ટેવાઈ ગયો. સવારે ગંગાનાં ઠંડા પાણીમાં નહાવાની પણ આદત પડી. મંદિરમાં દર્શને જવા લાગ્યો. એક સાધુ રામનારાયણના દોહા-ચોપાઈ મધુરકંઠે ગાતા. તેમની કથામાં જઈને બેસવા લાગ્યો, છતાં મનમાં હજી ઘાટ ઘડ્યા કરતો હતો.

એમ કરતાં એક એવો અણધાર્યો બનાવ બન્યો કે એના જીવનનું એકાએક પરિવર્તન થઈ ગયું. સંસારનાં સુખ તરફની એની દષ્ટિ જ બદલાઈ ગઈ.

હિમાચલ પ્રદેશનો એક રાજા હતો. એની પુત્રીને માટે વર શોધવા પતિની પસંદગી કરવાની હતી. રાજાએ વિચાર કર્યો કે સ્વયંવર કરીએ, પણ પુત્રીએ ના પાડી તેથી દીવાનસાહેબને શોધમાં મોકલ્યા.

ગઢવાલ પ્રદેશના રાજાને એકની એક લાડકી દીકરી હતી. પુત્રી જુવાન થઈ એટલે એને પરણાવવાનો વિચાર કર્યો. રાજાએ દીવાનને કહ્યું કે આપણી કુંવરી માટે તમે રાજકુમાર શોધી લાવો. રાણીના મનમાં એમ કે કોઈ મોટા સમૃદ્ધ દેશનો રાજકુમાર મળે તો સારું, પરંતુ રાજકુમારી નાનપણથી ધાર્મિક વાતાવરણમાં ઊછરી હતી. દેવદર્શન અને પૂજા-પાઠ કરતી. મીરાંબાઈનાં ભજન ગાતી. એનું ચિત્ત ભગવાનમાં લાગેલું હતું. સંસારનાં સુખનો એને મોહ ન હતો. તેથી રાજાએ દીવાનને કહ્યું કે રાજકુંવરીનો સ્વયંવર રચવો નથી, પરંતુ એની ઇચ્છા મુજબ વર પસંદ કરવાનો છે.

રાણીએ એક વાર રાજકુંવરીને પૂછ્યું કે, તારે કેવો વર જોઈએ ? પહેલાં તો તેણે પરણવાની જ ના પાડી, પણ રાણીયે બહુ આગ્રહ કર્યો અને એકલાં જિંદગી જશે નહિ, એમ કહ્યું ત્યારે રાજકુંવરીએ કહ્યું કે મારે તો કોઈ ભગવાનનો ભક્ત સાધુવૃત્તિનો પતિ જોઈએ. તેથી રાણીએ દીવાનને એવો પતિ શોધી લાવવા આજ્ઞા કરી.

દીવાનજી મોટાં મોટાં તીર્થધામોમાં ફરતાં ફરતાં હરદ્વાર, ઋષિકેશ અને ત્યાંથી ઉત્તર કાશી પહોંચ્યા. અનેક સાધુ-સંન્યાસીઓને મળ્યા. છેવટે જ્યાં પેલો લુંટારો સાધુનો વેશ પહેરીને કુટિર બનાવી વસતો હતો ત્યાં આવ્યા. પ્રાત:કાળમાં સ્નાન કરીને કુટિરમાં વસતા સાધુઓ પ્રભુભજન કરી રહ્યા છે, એ વખતે દીવાનજી ત્યાં આવ્યા. તેમણે રાજાનો પરિચય આપ્યો, રાજકુમારીની ઇચ્છા દર્શાવી અને આવી પ્રભુપરાયણ વૃત્તિની રાજકુમારીને સાથોસાથ આખું રાજ્ય પણ મળશે એમ કહ્યું કારણ કે રાજાને પુત્ર નથી અને આ એકની એક પુત્રી છે.

પરંતુ દરેક સાધુએ રાજકુમારી કે રાજ્યની લાલચ રાખ્યા વિના દીવનજીને સ્પષ્ટ જવાબ આપ્યો કે, અમે સંસારનાં સુખ છોડીને અહીં આવેલા છીએ. અમને આ સાધુજીવનમાં ખૂબ સંતોષ છે.

લગભગ બધા જ સાધુઓએ આવો જ જવાબ આપ્યો. છેલ્લે જ્યારે સાધુ બનેલા લુંટારાનો વારો આવ્યો ત્યારે તેણે હા કે ના કશું કહ્યું નહિ. એ મનમાં વિચારતો રહ્યો કે, રાજકુમારી કે રાજ્ય બંનેમાંથી એકે ય વસ્તુની ઇચ્છા ન રાખનાર આ સાધુના સહવાસમાં મને આનંદ છે. કદાચ હું એ લાલચમાં પડી જઈશ તો આ સુખ ગુમાવી બેસીશ. છતાં એ ચોખ્ખી ના પાડી શક્યો નહીં અમે મૂંગો રહ્યો.

દીવાનજી પાછા આવ્યા. રાજારાણીને વાત કરી કે હું ભારતના પ્રસિદ્ધ તીર્થોમાંફરી આવ્યો. સ્વરૂપવાન, જ્ઞાની અને તેજસ્વી નવજુવાન સાધુસંતોને મળ્યો, પણ કોઈએ રાજકુમારીને પરણવાની હા ન પાડી. ઉત્તર કાશીની કુટિરોમાં એક જુવાન સંન્યાસી એવો મળ્યો કે જેણે ‘હા’ કે ‘ના’ ન પાડી. એ ખૂબ તેજસ્વી છે, રૂપાળો છે, ભરયુવાન છે અને આપણી રાજકુમારીને માટે યોગ્ય છે અને રાજ્ય ચલાવવાની શક્તિ એનામાં હોય એવું લાગે છે. અને મારા અનુભવ પ્રમાણે એ કોઈ ક્ષત્રિય જ્ઞાતિનો જણાય છે.

રાજાએ પૂછ્યું કે : ‘તો પછી એની સંમતિ શી રીતે મેળવવી ?’

દીવાને કહ્યું : ‘એનો એક રસ્તો છે. આપ અને રાણીજી રાજકુમારીને લઈને જાઓ અને એને સમજાવો તો કદાચ હા પાડે.’

રાજા કહે : ‘ભલે.તમારે પણ સાથે આવવાનું છે અને આપણે આવતીકાલે નીકળવાનું છે.’

રાજા, રાણી, રાકજુમારી અને દીવાન સૌ ઉત્તર કાશી પહોંચ્યા. બીજા સાધુસંન્યાસી અંગે તો પૂછવાપણું હતું નહીં એટલે સીધા મોહનસિંહની કુટિર ઉપર ગયા. રાજારાણીએ પ્રણામ કર્યાં. રાજકુમારી નીચું જોઈને જરા દૂર ઊભી રહી એટલે રાણીએ કહ્યું : ‘બેટા ! મહારાજને પગે લાભ અને તેમના આશીર્વાદ મેળવ.’

દીવાનજી બોલ્યા : ‘મહારાજ ! થોડા દિવસ પહેલાં હું આવ્યો હતો અને આપને વિનંતી કરેલી. એ જ આ મહારાજ સાહેબ, મહારાણી અને રાજકુમારી. તેઓ જાતે આપને વિનંતી કરવા આવ્યા છે.’

મોહનસિંહના મનમાં ભારે મંથન ચાલ્યું. એ મનમાં વિચારવા લાગ્યો કે : ‘હું તો બનાવટી સાધું છું. કોઈ મને પકડી ન લે એટલા માટે આ સાધુનો વેશ ધારણ કર્યો છે તો પણ આવા મોટા મહારાજા અને મહારાણી પોતાની સ્વરૂપવાન પુત્રીને લઈને સામે ચાલીને અહીં આવ્યા છે અને તેમનું આખું રાજ્ય પણ અર્પણ કરી રહ્યા છે. જો માત્ર દેખાવ પૂરતો ઉપરનો સાધુવેશ ધારણ કરવામાં પણ આટલું બધું દુનિયાનું સુખ સામેથી આવીને મળ્યું છે તો હું અંદરથી ખરેખરો સાધુ થાઉં અને આ બધા સંન્યાસીઓની જેમ ભગવાનમાં મારું ચિત્ત પરોવું તો મને કેટલું બધું સુખ મળે ? મારો જન્મ સફળ થઈ જાય.’

આમ તેણે વિચાર કર્યો અને જોતજોતામાં નિર્ણય થયો. મન મજબૂત તો હતું. સંકલ્પશક્તિ પણ હતી અને સાધુસંન્યાસીઓને સમાગમ થયો. સંગનો રંગ લાગ્યો હતો.

થોડી વારે એણે આંખો ખોલી અને રાજારાણીને કહ્યું : ‘હું તો સંન્યાસી છું. મેં સંસાર છોડ્યો છે. રાજકુમારી કે રાજ્યની મને ઇચ્છા નથી. હું તો ભગવાનનાં દર્શન કરવા તલસી રહ્યો છું. મને બીજી કશી ઇચ્છા નથી. તમે સૌએ જે આશા રાખેલી તે મિથ્યાં છે.’ આમ કહી મોહનસિંહ ઊભો રહી કુટિરમાં ચાલ્યો ગયો.

સત્સંગનો સ્પર્શ થાય છે ત્યારે માણસની દષ્ટિ બદલાય છે. એને દુનિયાનાં સુખ ઝાંઝવાના જળ જેવાં લાગે છે, જેમ મહર્ષિ નારદના સમાગમથી વાલીઓ ભીલ લુંટારો મટીને વાલ્મીકિ ઋષિ બન્યા હતા. એવો સત્સંગનો મહિમા છે.

(સાભાર : દૃષ્ટિ તેવી સૃષ્ટિ, લેખક – રામનારાયણ નાગરદાસ પાઠક, અક્ષરભારતી પ્રકાશન)

 

No Response to “જીવનપલટો (વાર્તા )” »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment