Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.

purushottam masસ્નેહીમિત્રો, પુરુષોત્તમ માસ તા ૧૭ જૂનથી શરૂ થઈ ગયો છે અને ૧૬ જુલાઈને બુધવારના રોજ પૂર્ણ થાય છે. બુધવારથી શરૂ થયેલા અષાઢ અધિક માસનું શસ્ત્રોમાં અનેરું મહત્ત્વ માનવામાં આવ્યું છે. સનાતન ધર્મમાં પંંચાંગના આધારે ધાર્મિક તહેવારો વ્રત, ઉપવાસ અને જપ-તપ વગેરેનો એક આધાર જાણવા મળે છે. ચંદ્ર માસ અને સૌર માસમાં દર ત્રણ વર્ષે ૨૩ થી ૨૭ દિવસના વધારાની પૂર્તિ કરવા માટે અધિક માસ ગણવામાં આવે છે. જે સૂર્ય પૂર્ણ મહિના દરમિયાન પોતાની રાશિ બદલે તેને અધિક માસ ગણવામાં આવે છે. આ વખતે અષાઢ અધિક મહિનો ફાગણ માસથી આસો માસ સુધી આવતો અધિક માસ અધિક પુણ્યશાળી માનવામાં આવે છે. 

આ મહિના દરમિયાન દાન પુણ્ય ઉપવાસ, જપ તપ વગેરે કરવાથી અધિક પુણ્યની પ્રાપ્તિ થાય છે. માસમાં પુષ્ટમાર્ગી તથા સ્વામિનારાયણ મંદિરોમાં પુરુષોત્તમ પારાયણ તથા હિંડોળા મહોત્સવોના આયોજન કરવામાં આવે છે. એક મહિના સુધી ભાવિકો રોજ સવારે વિષ્ણુ ભગવાનનાં દર્શન પૂજન કરીને આશીર્વાદ મેળવશે છે.  દિવસો દરમિયાન પૈતૃક વિધિ જ્યાં થાય છે તેવા સ્થળોએ ધર્મકાર્યો કરવાથી વિશેષ લાભ થાય છે. ચાલો,  વિસ્તારપૂર્વક જાણીએ પુરુષોત્તમ માસ મહિમા.

જ્યોતિષની ચંદ્રગણનામાં જ્યારે સૂર્યની એક જ સંક્રાંતિમાં બે અમાસ આવી જાય છે ત્યારે બીજી અમાસવાળા મહિનાની વૃદ્ધિ થઈને તે મહિનો અધિક માસ બની જાય છે. આને પુરાણવિદોએ ‘પુરુષોત્તમ માસ’ કહ્યો છે. ભવિષ્યપુરાણ અનુસાર ચંદ્ર અને સૌર મહિનાના અંતરને અધિક માસ કહે છે.

ભારતીય પરંપરામાં મહિનાઓની ગણના કંઈક આવી રીતે કરવામાં આવી છે : દર ત્રણ વર્ષે બાર મહિના ઉપરાંત પુરુષોત્તમ માસનો સંયોગ થાય છે. જેના લીધે આ મહિનો પૂર્ણ રીતે ધર્મ-કર્મ પ્રતિ સમર્પિત રહે જેથી વ્યકિત જાણે-અજાણ્યે થયેલી ભૂલોનું પ્રાયિશ્ચિત કરી શકે અને પોતાનાં કર્તવ્યોને પૂરાં કરી શકે.

પદ્મપુરાણમાં આ માસની કથા પણ કહી છે. તે અનુસાર એક વખત અતિ દુ:ખી થઈને અધિક માસ ભગવાન વિષ્ણુ પાસે જઈને પ્રાર્થના કરે છે, ‘ હે પ્રભુ, ક્ષણ, મુહૂર્ત, પક્ષ, માસ, દિન, રાત્રિ, નક્ષત્ર, રાશિઓ વગેરે પોતાના સ્વામીની આજ્ઞાથી ભયરહિત આનંદરત છે, પરંતુ મારું ન કોઈ નામ છે, ન તો મારા કોઈ આશ્રયદાતા છે. દરેક દેવતા મારો અનાદર કરે છે. સંસારના લોકો પણ મારા સમયમાં કોઈ માંગલિક કાર્ય કરતા નથી. તેથી હું મરવા ઇચ્છું છું. અધિક માસની પીડાને સમજીને શ્રીહરિ વિષ્ણુએ કહ્યું, ‘ આજથી હું તને મારું ‘પુરુષોત્તમ નામ’ પ્રદાન કરું છું. સાથે મારી શક્તિઓ પણ અર્પણ કરું છું. જે લોકો પુરુષોત્તમ માસમાં જપ, તપ, સ્નાન, દાન, તીર્થાટન, હવન વગેરે કર્તવ્ય કર્મ કરશે તે આ જન્મમાં સુખ ભોગવી અંતે સદ્ગતિને પ્રાપ્ત કરશે.

આ પ્રકારે આ મહિનામાં કરેલાં પુણ્યકાર્યો અનેક ગણાં ફળદાયી ગણવામાં આવે છે. ભાગવત, ભવિષ્યપુરાણ, મનુસ્મૃતિ, ગર્ગસંહિતા, શ્રીમદ્ ભાગવત આદિમાં પુરુષોત્તમ માસનું વર્ણન છે, તે બતાવે છે કે આ માસ પુણ્યકર્મની દૃષ્ટિએ બહુ ફળદાયી છે.

આ માસમાં કરવા યોગ્ય કર્મ :

પુરુષોત્તમ માસમાં તીર્થસ્નાનનું મહત્ત્વ દર્શાવ્યું છે. સાથે-સાથે જો કોઈ અસાઘ્ય રોગથી પીડિત હોય તો તેણે રોગથી મુક્તિ માટે રુદ્રાભિષેક કરાવવો જોઈએ. સ્નાન, દાન, ઘ્યાન, પૂજા-આરાધના, ગોવર્ધન પરિક્રમા, ભાગવત કથા શ્રવણ, કીર્તન, અનાથ, અસહાય અને સાધુ-સંતોની નિષ્કામ ભાવથી સેવા, ધાર્મિક કે જાહેર સ્થાનનો જીર્ણોદ્ધાર, સાફ-સફાઈ વગેરે મોક્ષ પ્રદાન કરનાર સદ્કર્મો છે.

નિષેધ કાર્ય :

ધર્મશાસ્ત્રોમાં આ સમયમાં કૂવો ખોદવો, વાવનું નિર્માણ કરવું, દેવ પ્રતિષ્ઠા, ઉદ્યાન નિર્માણ, વિવાહ, ઉત્સવ, વધૂનો ગૃહપ્રવેશ જેવાં માંગલિક કાર્યોનો નિષેધ કરવામાં આવે છે.

કેવી રીતે કરશો પાઠ :

આ માસ દરમિયાન ઘરમાં પૂજાસ્થાને દીવો, અગરબત્તી, ફૂલ, ધૂપ, નૈવેદ કરી ઊનના આસન પર પૂર્વાભિમુખ સીધા બેસીને ઘ્યાન, જપ અને હવન વગેરે કરવું. નિયમિત રીતે રોજ પુરુષોત્તમ માસની કથા કે પારાયણ કરવી જોઈએ. પાઠનો આરંભ ગણપતિ સ્તોત્ર કે આરાધનાથી કરવો. માળાને ગૌમુખીમાં કે સ્વચ્છ વસ્ત્રથી ઢાંકીને જપવી.

કાર્યસિદ્ધિના ઉપાય :

જો પતિ-પત્નીમાં પરસ્પર પ્રેમ વધારવા ઇચ્છતા હો તો તુલસીના ક્યારામાં શાલિગ્રામ મૂકીને તેમના પર જળ ચઢાવવું જોઈએ અને તુલસીપત્ર અર્પણ કરવાં. આવું આખો મહિનો કરવું જોઈએ. જો ઉત્તમ સંતાનની કામના હોય તો આ માસ ફળદાયી છે, કારણ કે આમાં ભગવાન શ્રીકૃષ્ણની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે. વ્રતની સાથે રોજ આ શ્લોકની માળા કરવી : કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને|પ્રણત: ક્લેશનાશાયે ગોવિંદાય નમો નમ: ||

એવી જ રીતે ગ્રહો દ્વારા પીડા-મુશ્કેલીમાંથી મુક્તિ મેળવવા ગિરિરાજની ઝાંખીનું ઘ્યાન ધરવું અને આપેલ શ્લોકની એક માળા રોજ કરવી : કૃષ્ણ કૃષ્ણ મહાભાગ ત્વન્નાથં ગોકુલં પ્રભો|ત્રાતુ મહીર્સ દેવાન્ન: કુપિતાદ ભક્ત વત્સલે||

પુરુષોત્તમ માસ ક્યારે-ક્યારે :

વિક્રમ સંવત મુજબ વૈશાખમાં પુરુષોત્તમ માસ સંવત ૨૦૧૦, ૨૦૨૯, ૨૦૪૮માં આવ્યો હતો, જ્યારે હવે પછીનો વૈશાખ પુરુષોત્તમ માસ સંવત ૨૧૧૩માં આવશે. આ સિવાય સંવત ૨૦૬૯માં ભાદરવો, ૨૦૭૨માં અષાઢ, ૨૦૭૫માં જેઠ, ૨૦૭૭માં આસો, ૨૦૮૦માં શ્રાવણ, ૨૦૮૩માં જેઠ, ૨૦૮૬માં ચૈત્ર, ૨૦૮૮માં ભાદરવો, ૨૦૯૧માં અષાઢ, ૨૦૯૪માં જેઠ, ૨૦૯૬માં આસો અને ૨૦૯૯માં ભાદરવા મહિનામાં પુરુષોત્તમ માસ આવશે.

આ સાથે સૌ ધર્મપ્રેમી મિત્રો, સ્નેહીબંધુઓને પુરુષોત્તમ માસની હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવે છે.

(સાભાર, લેખ સંદર્ભ  : http://www.divyabhaskar.co.in, http://religion.divyabhaskar.co.in, kids.baps.org)

No Response to “પુરુષોત્તમ માસ મહિમા” »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment