Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.

04વેદો એ મનુષ્ય જીવનના ઉત્તમ માર્ગદર્શકો છે. વેદો માત્ર પૂજા કરવાને લાયક ધર્મગ્રંથો છે – એક એવો ભ્રમ લોકોમાં ભરેલો છે. ખરેખર એવું નથી. એ તો આપણા રોજબરોજના જીવનની ખૂબ પાસે છે. વેદોમાં ઉપાસનાની સાથે સાથે સમાજ વ્યવસ્થા, આરોગ્ય-ચિંતન, કુટુંબભાવ વગેરે વિષયો પર અનેક બાબતો પ્રગટ થઈ છે. અહીં ઋષિ વિનોબાજી વેદોના સારરૂપ કેટલાક મંત્રો વિશે અત્યંત સરળ ભાષામાં પોતાની વાતો રજૂ કરી છે. યજ્ઞપ્રકાશન દ્વારા પ્રકાશિત થયેલ પુસ્તક ‘વેદામૃત’માંથી આ મંત્રો અને તેના વિચારો સંક્ષિપ્તરૂપે પ્રગટ કરેલ  છે. 

दक्षिणावान ग्रामणीरग्रमेति ।

दक्षिणा – દાન મનુષ્યનું નિત્ય કર્તવ્ય છે. નિત્ય દાનથી સમ્યક વિભાજન થાય છે. જ્યારે દિલ ખોલીને દાન થાય છે, ત્યારે દેનારાના ચિત્તની ઉન્નતિ થાય છે. ભગવાને દરેકને કાંઈક ને કાંઈક આપી રાખ્યું છે. એ કરુણામય કોઈને આપ્યા વગર રહેતો નથી. કોઈની પાસે શ્રમશક્તિ છે, તો કોઈની પાસે બુદ્ધિ, સંપત્તિ, જમીન ! ભગવાને આ રીતના દાનને વિવિધતા માટે રાખ્યું છે. એ વિવિધતામાં વિસંવાદ ન થવો જોઈએ. એટલે દરેકે પોતાની પાસે જે કાંઈ છે, ભગવાને જે કાંઈ દાન આપ્યું છે, તે સમાજને આપી દેવું જોઈએ. દક્ષિણા માલિકી વિસર્જનનું પ્રતીક છે. દક્ષિણા એટલે મારા ખેતરનો માલિક હું નથી, આ ભાવ.

दक्षिणा – દાન એક પવિત્ર ક્રિયા છે, પરંતુ એની સાથે જેટલો ઊંચો ઉદ્દેશ જોડાશે, તેટલું જ ઊંચું પરિણામ આવશે. દાન એટલે ફેંકી દેવાનું નથી, બલ્કે વાવવાનું છે. (જે ઉદારતાપૂર્વક દાનમાં દક્ષિણા આપે છે, કેવળ એ જ ગ્રામવાસીઓનો વિશ્વાસપાત્ર હોય છે. એ જ લોકોનો પ્રેમ, આદર પ્રાપ્ત કરે છે. લોકો સહેજે એનું માન કરે છે અને એને પોતાનો નેતા  ग्रामणी માનવા લાગે છે.)

दमेदमे सप्त रत्नाः दधानः अग्निर्होता नि षसादा यजीयान ।

दम એટલે ઈન્દ્રિયોનું દમન કરવું, સંયમ કરવું. આ મંત્રમાં दम એટલે ઘર છે. ઘરમાં પરિવારજનો સૌ સભ્યો સાથે રહે છે, ત્યારે દરેક જણ સહજ સંયમ અને વિવેકપૂર્વક રહે છે. ઋષિ કહે છે કે दमे दमे सप्त रत्नाः – એટલે કે દરેક ઘરમાં સાત રત્નો હોય (1) સારું ભરપેટ જમવાનું (2) સારાં કપડાં, હકીકતે એવું છે કે સારું ખાવાનું ન મળે તો એકાદ વાર નભી જાય, પરંતુ માણસને કપડાં તો જોઈએ જ કારણ કે એમાં સંસ્કૃતિનો વિચાર છે (3) સારું આંગણવાળું ઘર (4) સારી તાલીમ. જ્ઞાનનાં સાધનો જોઈએ  – પુસ્તકો, ગ્રંથાલય, શિક્ષક, પ્રયોગશાળા જેવાં તમામ જ્ઞાનનાં સાધન જોઈએ (5) દવા-આરોગ્યની સારી વ્યવસ્થા (6) કામ કરવાને સારાં સાધનો અને (7) મનોરંજનનાં સારાં સાધન – આ સાત ચીજો મેળવવા માટે આપણે આપણા વિજ્ઞાનનો પણ ઉપયોગ કરવો જોઈએ. આ સાત રત્નો જ્યારે ઘેરેઘેર વહેંચાશે, ત્યારે ગ્રામ-સ્વરાજ્યની સ્થાપના થશે.

अहं राष्ट्री संगमनी वसूनां चिकितुषी प्रथमा यज्ञियानाम

એક યુગમાં સ્ત્રીઓને પૂર્ણ સ્વાતંત્ર્ય હતું. જે રીતે પુરુષો બ્રહ્મવાદી થઈ ગયા, એ જ રીતે સ્ત્રીઓ પણ બ્રહ્મવાદિની થઈ ગઈ. વેદોમાં સ્ત્રીઓનાં કેટલાંક સૂક્તો પણ આવે છે. એ જમાનામાં સ્ત્રીઓને વેદાભ્યાસનો અધિકાર હતો. ઋગ્વેદમાં અનેક સ્ત્રી-દેવત છે અને અનેક સ્ત્રીઓ ઋષિ પણ છે. સ્ત્રી ઋષિઓમાં અંભૃણી ઋષિની કન્યા વાગાંભૃણી શ્રેષ્ઠ છે. વાક એટલે વાણી. એ વાગાંભૃણીનું આ સૂક્ત છે. દશ હજાર વર્ષોથી મશહૂર એવું આ સૂક્ત છે. એ ઋષિ બ્રહ્મચારિણી હતી. વાગાંભૃણી પરમેશ્વર સાથે એટલી એકરૂપ થઈ ગઈ હતી કે ઈશ્વરનું ગૌરવ કરતાં એ કહે છે કે પરમેશ્વરની કૃતિ મારી જ કૃતિ છે. એ પોતાને રાષ્ટ્રદેવતા માને છે. પોતાનામાં સમસ્ત રાષ્ટ્રનો સમાવેશ કરીને ‘કુલ વિશ્વ હું છું’ – આવી વ્યાપક ભાવના રાખીને બોલી રહી છે. એ કહે છે કે હું સર્વવ્યાપી છું.

આ વેદવાણી પણ એ જમાનાની લોકભાષામાં એટલે કે વૈદિક સંસ્કૃતમાં પ્રગટ થઈ. अहं राष्ट्री संगमनी वसूनाम – હું છું રાષ્ટ્રદેવતા, આખા રાષ્ટ્રની વાણી. સૌના સૌજન્યનું, માંગલ્યનું સંગમ કરનારી – संगमनी । वसु એટલે ભલાઈ. દુનિયાભરમાં જે કાંઈ સૌજન્ય ફેલાયેલું છે, તે મેં ફેલાવ્યું છે. વૈદિક ઋષિ લોકભાષામાં ન ગાતા હોત તો अहं राष्ट्री આવો દાવો ન કરી શકત. ત્યાર બાદ શંકરાચાર્યાદિનાં ભાષ્યોમાં આપણે જે વિચારો જોઈએ છીએ – ‘તમામ વિશ્વો આપણામાં સંનિહિત છે, આપણે વિશ્વવ્યાપક છીએ, એક દેહમાં સીમિત નથી, બધા દેહોમાં આપણે જ છીએ !’ વગેરે અદ્વૈતવિચારનું દર્શન વાગાંભૃણીના આ સૂક્તમાં થાય છે. તાત્પર્ય એ કે સ્ત્રીશક્તિ માટે ભારતમાતા અનુકૂળ છે. એટલે આજના સ્ત્રી-સમાજમાં પણ આવી શક્તિ નિર્માણ થશે, એવી અપેક્ષા મેં રાખી છે. હિંદુધર્મનું મને જેટલું જ્ઞાન છે તે પરથી તો અગાઉ સ્ત્રીઓની ભારે ઈજ્જત હતી અને એને વધારે અધિકારો અપાયા હતા. એને પૂર્ણ સ્વાતંત્ર્ય હતું. લગ્ન ન કરવાનો અધિકાર જેટલો પુરુષને હતો, તેટલો જ સ્ત્રીઓને પણ હતો.

शतं जीव शरदो वर्धमानः शतं हेमंताच्छतमु वसंतान

વૈદિક સંસ્કૃતિમાં સો વર્ષ જીવવાની વાત આવે છે. ઈશાવાસ્ય ઉપનિષદમાં પણ કહ્યું છે – कुर्वन एव इह कर्माणी जिज़ीविषेत शतं समाः – કર્મ કરતાં કરતાં સો વર્ષ જીવવાની ઇચ્છા રાખીએ. પરંતુ વ્યર્થ જીવવાની નહીં, સાર્થક જીવવાની. સાર્થક જીવન એટલે નિરંતર સેવાકાર્ય કરતાં કરતાં જીવવું.

પરંતુ વેદોમાં જે આશીર્વાદ આપ્યા છે, તેમાં બીજી એક વાત છે  – वर्धमानः । ફક્ત આટલું જ નહીં, ‘नित्य वर्धमानः’ કહ્યું છે. તમારી હિંમત, શક્તિ વધતી રહે. ચિત્તવૃત્તિઓ વિકસતી રહે, ચિંતનશક્તિ પાંગરી રહી છે, આવી સ્થિતિમાં સો વર્ષ જીવીએ. શારીરિક આયુષ્ય તો સૌનું વધે છે, પરંતુ એટલાથી સૌને ‘વર્ધમાન’ નહીં કહી શકાય. જેના આત્માનું આયખું વધે છે એ જ ‘વર્ધમાન’ છે. મનુષ્યનું બીજ છે એની બુદ્ધિ, આત્મસ્મૃતિ. એ ઉત્તરોત્તર મજબૂત થવી જોઈએ. અંદરનું ઉત્તરોત્તર પ્રખર, તીક્ષ્ણ થતું જાય અને બહારનું ઉત્તરોત્તર જીર્ણશીર્ણ થતું જાય. વર્ધમાન માણસ મરે છે તો એકદમ ઊંચે ચઢે છે. આવા માણસો દેહની બહાર રહીને પણ જ્ઞાન આપી શકે છે. જૈનોએ મહાવીરને ‘વર્ધમાન’ નામ આપ્યું. વર્ધમાન એટલે નિત્ય વધનારા. આજના કાલે નહીં, રોજેરોજ વિકસનારા. ચિત્તનો વિકાસ, ગુણોનો વિકાસ રોજ થઈ રહ્યો છે, આવી મહાવીરની સ્થિતિ હતી. વેદોમાં આમ પણ કહ્યું છે, भूयश्च शरदः शतम અને अ-दीनाः स्याम शरदः शतम । દીન ન થતાં સો વર્ષ જીવીએ. મહાભારતમાં પણ સૌથી વધારે આયુષ્ય બતાવ્યું છે. ઉપનિષદમાં આવે છે – स ह षोडशं वर्षशतं अजीवत – જે આ રીતે વિચારશે, તે 116 વર્ષ જીવશે.

आ नो भद्राः क्रतवो यन्तु विश्वतः

આખી દુનિયામાંથી ભદ્ર વિચાર, ભદ્ર સંકલ્પ, આપણે ત્યાં આવે. વેદ ભગવાનની આજ્ઞા છે કે આખા વિશ્વમાંથી મંગળ વિચારો આપણી પાસે આવે. આપણે એ સૌ વિચારોને આવકારીએ છીએ. આ વિચાર સ્વદેશી છે કે પરદેશી, પુરાણો છે કે નવો, આવું કશું ન જોતાં એ યોગ્ય છે કે નહીં એટલું જ વિચારીશું. યોગ્ય હોય તો પછી ભલે તે ગમે ત્યાંનો હોય, એ સ્વીકારાશે. પરંતુ જે વિચારો આપણી પાસે છે, અહીંનું જે વિકસિત શાસ્ત્ર છે, એને પણ પારખવાનું છે. અહીંનું હોય છે, તે અહીંની પરિસ્થિતિ અને ચારિત્ર્ય માટે અનુકૂળ હોય છે એટલા માટે આ જરૂરી છે. કોઈ વેપારી પોતાની જૂની મૂડી પર જ આધાર રાખશે તો એનો વેપાર વધશે નહીં, અને પુરાણી મૂડીનો અનાદર કરશે તો પણ વેપાર નહીં ચાલે. એ જ રીતે કોઈ દેશ પોતાની પુરાણી સંસ્કૃતિમાંથી મળેલાં મૂલ્યોની અવગણના કરશે તો એની પ્રગતિ નહીં થાય. એમાંથી ઉત્તમ અંશો સારી રીતે સંઘરવા પડશે, એમાં નવા સદઅંશ જોડવા પડશે. માનવજાતિને જે નવા સારા વિચારો સૂઝતા જશે એનો મોકળા મને સ્વીકાર કરવો જોઈએ. આ રીતે ચાળતાં રહેવાની પ્રક્રિયા સતત ચાલવી જોઈએ.

No Response to “વેદામૃત – પૂજ્ય વિનોબા” »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment