Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.

મિત્રો, બાળવાર્તાના શીર્ષક હેઠળ મળેલી આ એક વાર્તા મને ખરેખર ગમી . આ વાર્તાની રજૂઆત અને શૈલી ભલે બાળવાર્તાની લાગે. પણ મને તો આ એક સરસ સામાજિક વાર્તા લાગી. આજથી 70 – 80 વર્ષ પહેલાંનો કૌટુંબિક સમાજ, તેમાં ઘરમાં વડીલોની મર્યાદા, મોભો જળવાતો. મોટા ભાગે આ મર્યાદાઓનું, નીતિ-નિયમોનું સૌ કોઈ પાલન કરતા. આ સામાજિક સંબંધોમાં સાસુ-વહુના સંબંધો ખાસ ધ્યાન ખેંચે તેવા હતા. સાસુની સત્તાઓ અને વહુની મર્યાદાઓ તેમાં વિશેષ ધ્યાન દોરે દોરે તેવી હતી. તેના પર રમજૂભર્યો કટાક્ષ કરતી આ વાર્તા છે. ચાલોવ વધારે ચર્ચામાં પડ્યા વગર વાર્તાની મજા માણીએ. 

એક નાનું સરખું ગામ હતું. ગામમાં સાસુ વહુ રહે. ખાધે પીધે સુખી. ધરમ ધ્યાન અને પૂજા પાઠ કરે. બન્ને જીવના ઉદાર એટલે એમના ઘરે કોઈ બ્રાહ્મણ, અભ્યાગત કે માગણ આવે તો જરૂર કંઈ ને કંઈ મદદ લઈને જાય. વહુ બિચારી ભોળી અને સીધી સાદી પણ સાસુનો રોફ ભારે. સાસુનાં કપડાં જાજરમાન. પોતાના મોભાનો બરાબર ખ્યાલ રાખે. કોઈની તાકાત છે કે એને બે વેણ સંભળાવી જાય. બોલવામાં તો બહુ આકરાં.

આ ગામથી ચાર ગાઉ દૂર બાજુના ગામમાં એક ગરીબ બ્રાહ્મણ રહે. અવારનવાર ચાલતો આ સાસુ વહુના ઘરે આવે અને ખપજોગું સીધું-સામાન માગીને લઈ જાય. સાસુ વહુ પણ તેને પ્રેમથી જે ચીજ જોઈતી હોય તે આપે.

એક દિવસ બન્યું એવું કે સાસુને કંઈ કામસર બાજુના ગામમાં જવાનું થયું. બીજી બાજુ પેલા ગરીબ બ્રાહ્મણને લોટની જરૂર પડી એટલે તે ડબ્બો લઈને આ સાસુ વહુના ગામે લોટ માગવા આવ્યો. સાસુ તો હતાં નહિ એટલે વહુ પાસે લોટ માગ્યો.

વહુ કહે : ‘ઊભા રહો મહારાજ ! અબઘડી તમારો ડબ્બો ભરી આપું છું.’

વહુ અંદર રસોડામાં જઈને જુએ તો લોટ બધો ખલાસ થઈ ગયેલો. ઘરમાં જરી પણ લોટ ન મળે. બહાર આવીને કહે ‘મહારાજ ! લોટ તો બધો ખલાસ થઈ ગયો છે. આજ તો મળે તેમ નથી. તમે એકાદ-બે દિવસ પછી આવો તો આપું.’

બ્રાહ્મણ તો નિરાશ થઈ ગયો. તેને લોટની બહુ જરૂર હતી. એને મનમાં એવી શંકા પણ થઈ કે કદાચ વહુએ ખોટેખોટી ના પાડી હશે. સાસુ ઘરે હોત તો મને ચોક્કસ લોટ મળત. પણ એ કંઈ બોલ્યા વિના પાછો પોતાને ગામ ગયો.

એ ચાર ગાઉ ચાલીને પોતાને ગામ પાછો આવ્યો તો ત્યાં અચાનક તેનો સાસુ સાથે ભેટો થઈ ગયો. સાસુને જોઈને કહે : ‘આજે તમારે ઘેર લોટ માગવા ગયો હતો પણ લોટ ન મળ્યો. વહુ કહે છે કે ઘરમાં લોટ ખલાસ થઈ ગયો છે.’

આ સાંભળી સાસુનો મિજાજ છટક્યો. કહે, ‘એવું તે હોય કાંઈ. ચાલો મારી સાથે. વહુ એના મનમાં સમજે છે શું ? વહુથી ના પડાય જ કેમ ? ’

બ્રાહ્મણ તો બિચારો રાજી થઈને ફરી સાસુની સાથે ચાર ગાઉ ચાલીને એ બન્નેનાં ઘરે ગયો. સાસુ બ્રાહ્મણ પાસેથી રોફભેર ખાલી ડબ્બો લઈને લોટ ભરવા રસોડામાં ગયા. પણ જઈને જુએ તો વહુની વાત સાચી હતી. રસોડામાં જરા પણ લોટ ન હતો. પણ સાસુ એ સાસુ. લીધેલી વાત છોડે એ બીજા. બહાર આવીને કહે : ‘આ અમારી વહુને તે કાંઈ ખબર પડે છે ? સાવ નાદાન છે. હું બેઠી હોઉં ત્યાં સુધી વહુથી ના પડાય જ કેમ ? ના પાડવાનો હક્ક તો ફક્ત મારો છે. લ્યો ચાલો હવે હું ના પાડું છું કે ઘરમાં લોટ નથી એટલે તમને આપી શકાય તેમ નથી.’

બ્રાહ્મણ તો બિચારો મોં વકાસીને જોઈ જ રહ્યો. એને થયું કે ‘હે ભગવાન ! હું ફરી વાર ચાર ગાઉ ચાલીને આવ્યો અને તે પણ વહુના બદલે સાસુના મોઢેથી ના સાંભળવા માટે !’

 

No Response to “વહુથી ના પડાય જ કેમ ! – સામાજિક વાર્તા” »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment