Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.

Picture-094

લઘુકથા એ સાહિત્યનું ખૂબ જ સૌમ્ય સ્વરૂપ છે. જો કે તે પડકારરૂપ પણ છે. ધૂમકેતુ લખે છે કે, ‘કહે નહીં પણ કતલ કરી નાખે એ ટૂંકી વાર્તા…’ ટૂંકી વાર્તાના લઘુ સ્વરૂપ જેવા લાગતા લઘુકથા સાહિત્ય સ્વરૂપ વિશું શું કહી શકાય ?

શ્રી મોહનલાલ પટેલ લઘુકથાના આદ્યજનક ગણાય છે. તેમનું એક પુસ્તક છે ‘લઘુકથા પરિચય ‘ તેમાં તેમણે લઘુકથાના સાહિત્ય સ્વરૂપને ખૂબ જ કુશળતાથી સમજાવ્યું અને ઓળખાવ્યું છે. તેમણે આ પુસ્તકમાં લખ્યું છે :

લઘુકથાને શબ્દસંખ્યા કે પૃષ્ઠસંખ્યા જેવા સ્થૂળ કદવાચક માપદંડોમાં કેદ ન કરી શકાય. તે બે ચાર વાક્યથી માંડીને બે ચાર પાના સુધી વિસ્તરી શકે છે. એટલે લઘુકથામાં લાઘવની અપેક્ષા ખરી પણ એને શબ્દોના સીમાડામાં બંધી શકાય નહીં. લાઘવ એ લઘુકથાનું નિર્ણાયક બળ બની શકે નહીં. રચના અને શૈલીના લાઘવ માત્રથી લઘુકથા બની શકે નહીં.

લઘુકથામાં સંવેદન અને વાતાવરણ ભાવકને વિશિષ્ટ પરિસ્થિતિમાં મૂકીને જે તે જીવનરહસ્યને ભાવકના ચિત્તમાં પ્રત્યાયિત કરી આપનારાં પરિબળો છે. આ બે પરિબળોનું આલેખન જેટલું વધારે પ્રભાવક એટલું ભાવપરિસ્થિતિનું નિર્માણ વધારે અસરકારક….

(વિશેષ માહિતી માટે ‘લઘુકથા પરિચય ‘ પુસ્તક વાંચવું રહ્યું.)  ચાલો, તેના સાહિત્ય સ્વરૂપની ચર્ચાને જરા કોરે રાખી લાઘવપૂર્ણ લઘુકથા માણીએ…

વેલ પ્લેડ સુગમ !  

ઓપનીંગ બેટ્સમેન સુગમ પહેલે જ દડે આઉટ થઈને પેવેલિયન તરફ પાછો ફરી રહ્યો હતો ! આખા સ્ટેડીયમમાં સન્નનાટો છવાઈ ગયો ….

સુગમ તેની ટીમનો એક આધારભૂત બેટ્સમેન હતો . આખી સીઝન દરમિયાન તેનું ફોર્મ ઉત્તમ હતું . જુદી જુદી મેચોમાં જ્યારે સુગમે અનેક રેકોર્ડ સ્થાપિત કર્યાં ત્યારે તેના પિતાએ આજની કસોટીરૂપ મેચમાં રમવા ઠેઠ ઇગ્લેંડથી મંગાવી એક કીમતી બેટ સુગમને ભેટ આપ્યું હતું. આજની મેચમાં ખેલાડીઓનું ફોર્મ જોયા પછી પરદેશ જનારી ટીમની પસદંગી થવાની હતી અને ત્યારે જ સુગમ પહેલે જ દડે આઉટ થઈને પાછો ફરી રહ્યો હતો અને તે પણ પાછો સતવાદી થઈને !…

બન્યું એવું કે પહેલો જ દડો ફેંકાયો અને સુગમના બેટને સહેજ માત્ર ટચ કરતો વિકેટકીપરના હાથમાં ઝીલાઈ ગયો, પણ દડો બેટને ટચ થયો છે તેવી કોઈને ખબર જ નહોતી પડી અને કોઈએ અપીલ પણ નહોતી કરી , પણ ‘જે પોતાની જાતને પણ વફાદાર નથી તે પોતાની ટીમને તો ક્યાંથી વફાદાર રહેવાનો હતો ?’ એવું પળભર વિચારી બોલર બીજો દડો ફેંકે તે પહેલાં સુગમ પેવેલિયન તરફ ચાલવા જ લાગ્યો !

પેવેલિયનમાં દાખલ થતાં જ સુગમને તેની ટીમનો કપ્તાન અને મિત્રો દોરી વળ્યા અને આવી રીતે ‘શહીદ’ થવા માટે તેની ટીકા કરવા લાગ્યા। સુગમને પણ હવે પોતાના પળભરના આવેશ માટે વિચારો આવવા લાગ્યા હતા પણ ત્યારે જ ‘વેલ પ્લેડ, સુગમ’ એ શબ્દો સુગમે સાંભળ્યા। પાછળ ફરીને જોયું તો તેના પિતા સુગમે જાણે આજે સેંચ્યૂરી ફટકારી હોય તેમ તેની પીઠ થાબડી રહ્યા હતા ….

સુગમનો રહ્યોસહ્યો રંજ પણ ઊડી ગયો હતો …..

વૃક્ષારોપણ 

બપોરે વિદાય લેવા હરકિશન બાપની પાસે ગયો ત્યારે જેરામ મિસ્ત્રી ફળિયામાં આસોપાલવના ઘેઘૂર વૃક્ષની નીચે ખાટલો નાખીને બેઠા હતા. આસપાસ ગામનાં થોડા છોકરાં છાયામાં રમતાં હતાં. એકાદ ઢોર વાગોળતું પૂંછડાથી માંખો ઉડાડી રહ્યું હતું અને બપોરથી ગરમીથી બચવા પંખીડાં વૃક્ષમાં ભરાઈને બેઠાં હતાં.

જેરામ મિસ્ત્રીની હઠ આગળ અંતે હરકિશનને નમવું પડ્યું હતું. હરકિશન તો પિતાને હવે મુંબઈ જ રાખવા માંગતો હતો. પણ ‘ના ભાઈ, મને અહીં ગૂંગળામણ થાય’ એ રટને જ જેરામ મિસ્ત્રી વળગી રહ્યા. હરકિશન તો પિતાની દરેક ઇચ્છાને પૂરી કરવા માંગતો હતો અને તેમાં કંઈ નવાઈ પણ ન હતી. જેરામ મિસ્ત્રીએ પેટે પાટા બાંધીને મા વગરના હરકિશનને ઉછેર્યો હતો. હરકિશન આ બધું જ જાણતો હતો તેથી તો કોન્ટ્રાકટરના ધંધામાં બે પૈસા થતાં જ બાપાને મુંબઈ બોલાવી લીધા હતા. પણ એક મહિનામાં તો બાપાને હરકિશનના એ એરકન્ડીશન્ડ બંગલામાં પણ ગૂંગળામણ થવા લાગી ! હરકિશનને બાપાની હઠ પર થોડી ખીજ પણ ચડવા લાગી હતી, પણ અંતે વૃદ્ધ પિતાની ઇચ્છાને આધીન થઈને ગામડે મુકવા આવ્યો હતો અને આજે તે મુંબઈ પાછો ફરતો હતો.

“જા ભાઈ, સાચવીને જજે અને સાચવજે. તને તો ખબર જ છે કે મેં જીવન દરમિયાન ફળિયામાં બે જ વસ્તુ ઉછેરી છે એક આ આસોપાલવ અને બીજો તું ! આ આસોપાલવને જો, નાનો છોડ હતો ત્યારે થોડું પાણી પાયું હશે, તેમાં જો તો ખરા કેટલા બધાને છાંયો પાથરે છે ! નથી કોઈનું કંઈ ખાઈ જતો કે નથી કરતો ગોલમાલ ! તારી કમાણી પણ આવી રીતે છાંયો આપતી થશે એટલે તારું ઘર પણ મારે મન આસોપાલવ જ છે હોં ! તું કઈ મારો થોડો મટી જવાનો છો ?’ કોન્ટ્રાકટર પુત્રની અનૈતિક કમાણીની સમૃદ્ધિથી છેલ્લા એક મહિનાથી અકળામણ અનુભવતા જેરામ મિસ્ત્રીને આજે આસોપાલવની શીતલતાએ જાણે વાચા આપી હતી. અને પછી “લે ભાઈ ઊઠ હવે, તારી ગાડીની વ્હીસલ પણ સંભળાણી જો !’ છતાં હરકિશન હલ્યો જ નહીં. સાધનશુદ્ધિ માટે પુત્રને પણ નાખુશ કરી શકતા ભાગ્યે જતા ગામડા ગામના એ અવશેષ સમાન જેરામ મિસ્ત્રીને અનિમિષ નયને તે જોઈ જ રહ્યો. તેને આમ અવાચક બનીને ઊભેલો જોઇને જેરામ મિસ્ત્રી પણ વિચારમાં પડી ગયા.

જેરામ મિસ્ત્રીને તો ખબર પણ નહોતી કે તેણે આજેય એક આસોપાલવ વાવ્યો હતો !

(માહિતી સ્રોત : www.ghardivda.comparamujas.wordpress.com, સાભાર ‌: લઘુકથાકાર શ્રી ઈજ્જતભાઈ ત્રિવેદી)

 

No Response to “લઘુકથા – સાહિત્યનું સંવેદનશીલ સ્વરૂપ” »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment