Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.

BG Articleમિત્રો, ગઈકાલે તા. ૨૪ મે, ૨૦૧૫  રવિવારના રોજ સંદેશ, સંસ્કાર પૂર્તિની ચિંતનની કોલમ હેઠળ શ્રી કૃષ્ણકાંત ઉનડકટનો ઉપરોક્ત શીર્ષક હેઠળ ખૂબ જ સુંદર લેખ વાંચ્યો. માણસમાં જન્મજાત રહેલી ભાગેડું વૃત્તિ અને તેની તે સ્વભાવગત ખામીને લીધે તે વારંવાર અન્યને દોષિત ઠેરવતો રહે છે, પરિણામે તે ક્યાંય આનંદમાં રહી શકતો નથી કે સુખી થઈ શકતો નથી. આ બાબત પર ખૂબ પ્રેરક રીતે પ્રકાશ પાડતો આ લેખ રજૂ કરું છું. એકવાર વાંચશો તો તમને જરૂર જણાશે કે ન વાંચ્યો હોત તો કંઈક મેળવવાનું રહી જાત…

ચિનગારિયોં કો શોલા બનાને સે ક્યા મિલા,

તૂફાન સો રહા થા, જગાને સે ક્યા મિલા,

તુમને ભી કુછ દિયા હૈ જમાને કો સોચના,

શિકવા તો કર રહે હો જમાને સે ક્યા મિલા.

– મંઝર ભોપાલી

દરેક માણસમાં એક ‘ભાગેડું’ જીવતો હોય છે. દરેક વખતે એ ભાગી જવા, છોડી દેવા અને બળવો કરવા પ્રેરતો રહે છે. આપણી અંદરનો એ ભાગેડું આપણને ફરિયાદ કરતો રહે છે. શું મતલબ છે આ બધાનો ? કોઈને તારી કદર ક્યાં છે ? ક્યાં સુધી તારે આ સ્થિતિમાં જ પડયું રહેવું છે ? અહીંથી બહાર નીકળ ! તારાં સપનાં આટલાં નાનાં હોઈ ન શકે ! તારો જન્મ તો કોઈ મોટા, મહાન અને યાદગાર કામ માટે થયો છે. માણસને પોતાની વર્તમાન પરિસ્થિતિ સામે ઓલવેઝ ફરિયાદો રહેવાની જ છે.

ઑફિસમાં વર્કિંગ એટમોસ્ફિયર નથી. ઘરમાં શાંતિ મળે એવું વાતાવરણ નથી. શહેર રહેવા જેવું લાગતું નથી. સમાજની માનસિકતા સહન થતી નથી. મિત્રો સ્વાર્થના જ સગા છે. સગાંસંબંધીઓ વાંક જ કાઢે છે. સાથે કામ કરતા લોકો ટાંટિયા ખેંચમાં જ પડ્યા રહે છે. પત્ની સાથે વેવલેન્થ મળતી નથી. બાળકો સમજતાં નથી. મા-બાપને ઢગલાબંધ અપેક્ષાઓ છે. માણસ તો દેશને પણ છોડતો નથી. આવો તે કંઈ દેશ હોય ? એકેય સિસ્ટમ સરખી કામ કરતી નથી. રસ્તા કેવા ભંગાર છે ? રસ્તા સારા છે ત્યાં ટ્રાફિકનો પ્રોબ્લેમ છે. હા, આ બધું જ છે. જે છે એ કાયમ રહેવાનું પણ છે.

માણસ પરિસ્થિતિથી ભાગી જાય છે. નવી જગ્યાએ પહોંચે પછી એને ત્યાં પ્રોબ્લેમ દેખાવા માંડે છે. એક યુવાનની આ વાત છે. સારા એજ્યુકેશન પછી એણે જોબ શરૂ કરી. એને સેલરી પૂરતી લાગતી ન હતી. આ દેશમાં આવડતની કોઈ કિંમત જ નથી. વિદેશમાં નોકરી શોધવા લાગ્યો. અમેરિકામાં જોબ મળી ગઈ. ખૂબ સારો પગાર હતો. એક વર્ષ પછી પાછો આવ્યો. મિત્રએ તેને પૂછ્યું કેવું છે યુએસએમાં ? તેણે ફરિયાદોનો મારો શરૂ કર્યો. પગાર તો સારો છે પણ બીજું ત્યાં કંઈ નથી. લાઇફ જેવું જ લાગતું નથી. કામનું પ્રેશર બહુ રહે છે. ફેમિલી લાઇફ જ નથી. વેધર પણ વિચિત્ર છે. ઇન્ટિમસી જેવું પણ તમને ફીલ ન થાય. મિત્ર હસવા લાગ્યો. તેણે કહ્યું કે તું અહીં હતો ત્યારે તને અહીંની ફરિયાદો હતી. હવે તું ત્યાં છો એટલે ત્યાંની ફરિયાદ છે. તો પછી તારામાં ફરક શું પડ્યો ? તને કેમ કોઈ સ્થિતિથી સંતોષ નથી ? તારો પ્રોબ્લેમ એ છે કે તારે બધું તને અનુકૂળ હોય એવું જ જોઈએ છે અને તું લખી રાખજે એવું તો તને ક્યાંય નથી મળવાનું ! તને તો સ્વર્ગમાં મોકલી આપવામાં આવે તોપણ તું ત્યાંથી વાંધા શોધી કાઢે !

સુખી અને ખુશી રહેવા માટે એ જરૂરી છે કે આપણે પરિસ્થિતિને અનુકૂળ થઈએ. હા, આપણાથી જેટલું બને એટલું કરીને પરિસ્થિતિને આપણી અનુકૂળ કરવાનો પ્રયાસ કરીએ એ વાજબી છે, પણ કોઈ પરિસ્થિતિ હન્ડ્રેડ પર્સન્ટ તો આપણી અનુકૂળ થવાની જ નથી. એરકન્ડિશનર લગાવીને તમે તમારો રૂમ કૂલ કરી શકો, પણ બહારનું વાતાવરણ બદલી ન શકો. જેને વાંધા કાઢવા હોય એને મળી જ આવે છે. કેટલી બધી ગરમી છે ? ચામડી બળી જાય છે ! અરે પણ તું તો આખો દિવસ એસીમાં રહે છે. ઘરે એસી છે. ઑફિસમાં પણ એસી છે. કારમાં પણ એસી છે. તને ક્યાં કંઈ પ્રોબ્લેમ છે. એક મજૂર માણસને પૂછ્યું કે આ ગરમીમાં કામ કરવું અઘરું પડે છેને ? તેણે કહ્યું, માત્ર ગરમીમાં ? કામ કરવું તો ઠંડીમાં પણ અઘરું પડે છે અને વરસાદમાં પણ આકરું પડે છે. ગરમીનો વિચાર આવે ત્યારે હું એવું વિચારું છું કે, તું ગરમી દૂર કરી શકવાનો છે ? નથી કરી શકવાનો તો પછી એ ગરમીને અનુકૂળ થઈ જા. હું સવારે ઠંડક હોય ત્યારે કામ કરું છું. બપોરે ઝાડ નીચે સૂઈ જાઉં છું. સાંજે ફરીથી કામે ચડું છું. ચાલી જાય છે, વાંધો નથી આવતો. મને ગરમી સાથે કોઈ ફરિયાદ નથી! આપણે ક્યારેય એવું વિચારીએ છીએ કે આપણી પાસે કેટલું બધું છે ? ના, કેટલું નથી એના જ વિચાર આવે છે. માત્ર બેડરૂમમાં એસી છે, હોલમાં એસી હોતને તો ટીવી જોવાની મજા આવત ! સુખ ગરીબ કે અમીર નથી હોતું, આનંદ સસ્તો કે મોંઘો નથી હોતો, લાઇફ ઇઝી કે હાર્ડ નથી હોતી, આપણે જેવા હોઈએ અને આપણે આપણને જેવા માનીએ એવું જ બધું હોય છે. જે છે એ છે, તમે તેને એન્જોય કરી શકો છો ? તો તમે સુખી છો.

જિંદગી માટે સુંદર સપનાં હોવાં જોઈએ. સાથોસાથ સપનાંની સમજ પણ હોવી જોઈએ. આંધળુંકિયાં કરવાથી સપનાં પૂરાં થઈ જવાનાં નથી. સપનાંને પણ પાકવા દેવાં પડતાં હોય છે. કોઈ ફૂલ રાતોરાત ઊગી જતું નથી. કોઈ ફળ તરત જ પાકી જતું નથી. બધું જ મહેનત માગી લે છે. આપણે ઉતાવળા થઈ જતાં હોઈએ છીએ. તમે અત્યારે જે કામ કરો છો એનાથી ખુશ છો ? મોટાભાગના લોકોને નોકરી બદલવી છે. સારો ચાન્સ અને ગળે ઊતરે એવો ગ્રોથ હોય ત્યારે માણસ નોકરી બદલે એ વાજબી છે, પણ બધાને તો અત્યારની પરિસ્થિતિથી છૂટવું છે. એક માણસે ચાર નોકરી બદલી હતી. તેને કારણો પૂછ્યાં તો ખબર પડી કે એકમાં ટાઇમિંગના પ્રોબ્લેમ હતા, બીજી નોકરીમાં સાથી કર્મચારીઓ વાયડા હતા, ત્રીજી કંપનીની એચઆર પોલીસી બરાબર ન હતી અને અત્યારે કામનું વધુ પ્રેશર છે. એ યુવાનને પૂછ્યું કે હવે પાંચમી જગ્યાએ જઈશ ત્યાં કંઈ પ્રોબ્લેમ નહીં હોય એવું તું માને છે ? જો આવું માનતો હોય તો એ ભૂલ છે. ત્યાં વળી પાંચમી જાતનો પ્રોબ્લેમ હશે. પ્રોબ્લેમ કામમાં કે કંપનીમાં હોતો નથી, પ્રોબ્લેમ મોટાભાગે આપણામાં જ હોય છે. એક કંપનીમાં અસંખ્ય લોકો કામ કરતા હોય છે, તેમાંથી કેમ અમુકને જ પ્રોબ્લેમ હોય છે ? કારણ કે એ મોટાભાગે પ્રોબ્લેમ જ શોધતા હોય છે !

સંબંધોમાં પણ માણસ ઘણી વખત આવું જ કરતો હોય છે. એક યુવાનની વાત છે. તેણે લવમેરેજ કર્યાં હતાં. મેરેજ બાદ થોડા જ સમયમાં તેને પત્ની સાથે વાંધા પડવા લાગ્યા. કોઈ હિસાબે એ પત્ની સાથે અનુકૂળ જ થઈ શકતો ન હતો. આખરે બંનેએ ડિવોર્સ લઈ લીધા. એ યુવાન પછી એક છોકરી સાથે લીવ-ઇનમાં રહેવા લાગ્યો. થોડો સમય બધું બરાબર ચાલ્યું. આખરે એની સાથે પણ વાંધા પડવા લાગ્યા. આના કરતાં તો મારી પહેલી વાઇફ સારી હતી, એવું વિચારી એ ફરીથી તેની પાસે ગયો. એણે હજુ મેરેજ કર્યા ન હતા. યુવાને તેને કહ્યું કે ચાલ આપણે પાછા સાથે રહેવા માંડીએ. એ છોકરીએ કહ્યું કે, ના. તને થોડા સમયમાં મારી સાથે પણ મજા નહીં આવે. તું અત્યારે જેની સાથે લીવ-ઇનમાં રહે છે એને હું ઓળખું છું. એ છોકરી સારી છે. એનામાં કોઈ પ્રોબ્લેમ નથી. પ્રોબ્લેમ તારામાં છે. તું પ્રેમથી રહી જ ક્યાં શકે છે ? તને ફરિયાદો જ હોય છે. વધુ ફાંફાં મારવા કરતાં અત્યારે જેની સાથે રહે છે એને પ્રેમ કર. બાકી ત્રીજી શોધીશ તોપણ તને પ્રોબ્લેમ જ થવાના છે. થોડોક તો તું તને ઓળખવાનો પ્રયાસ કર !

પરિસ્થિતિ, સંજોગો, વાતાવરણ અને નસીબ એ બધાં ભાગવાનાં બહાનાં હોય છે. આ બધાંથી ભાગીને તમે ક્યાંય પહોંચવાના નથી. માણસે સૌથી પહેલાં તો પોતાના સુધી પહોંચવાનું હોય છે. જે ક્યાંય અનુકૂળ થઈ શકતો નથી અને કોઈને અનુકૂળ થઈ શકતો નથી એ પોતાની જાત સાથે ક્યારેય અનુકૂળ રહી શકવાનો જ નથી !

છેલ્લો સીન :

પરિસ્થિતિ, સંજોગો, નસીબ, તકદીર જેવા શબ્દોનો ઉપયોગ ઘણી વાર આપણે આપણી જ જાતને છેતરવા માટે કરતાં હોઈએ છીએ.

(સાભાર :  કૃષ્ણકાંત ઉનડકટ, ‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ, તા. ૨૪ મે, ૨૦૧૫ . રવિવાર. ‘ચિંતનની પળે’ કોલમ)

No Response to “પરિસ્થિતિથી ભાગશો તો ક્યાંય નહીં પહોંચો !” »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment