Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.

અંગ્રેજી લેખક એઈલીન કૅડીના પુસ્તક ‘Opening Doors Within’ નો ગુજરાતી અનુવાદ એટલે ‘ઊઘડતાં દ્વાર અંતરનાં.’ રોજનો એક એમ ૩૬૫ દિવસના સુંદર વિચારમોતીઓનો સમાવેશ આ પુસ્તકમાં કરવામાં આવ્યો છે. જીવનમાં હતાશા દૂર કરીને નવી તાજગી આપતું આ સુંદર પુસ્તક છે. તેમાંના કેટલાક વિચારો આજે આપણે માણીશું. Picture-132

શા માટે તમારી આંખોને બીડેલી અને મનને બંધ રાખીને ફરો છો અને એમ કરીને તમારો સાચો વારસો પિછાણવાનું ચૂકી જાઓ છો ? બરોબર સમજી લો કે શાણપણ, જ્ઞાન અને સમજ માટે તમારે બહાર શોધ કરવાની જરૂર નથી. એ બધું તમારી અંદર જ છે; તમે એને બહાર લઈ આવો તેની રાહ જુએ છે. તમે એ વિશે સભાન થાઓ પછી તમને ક્યારેય એમ નહિ લાગે કે એક જણ બીજા કરતાં વધારે બુદ્ધિમાન છે. તમને જાણ થશે કે, પોતાની અંદર ઊંડાણમાં બધું જ રહેલું છે એ વિશે લોકો સભાન બનતાં જશે ત્યારે તેઓ બધી જ બાબતો કરી શકશે, બધી જ બાબતો સમજી શકશે. હકીકતમાં એક આખું નવું જગત તેમને માટે ખુલ્લું થશે. તમે પોતે જ તમારામાં એક જગત છો, એવું જગત, જે સઘળો પ્રકાશ, પ્રેમ, શાણપણ, સત્ય અને સમજ ધારણ કરી રહેલું છે; એને બહાર કોઈ ખેંચી લાવે તેની રાહ જોઈ રહ્યું છે. એટલે બહાર એની શોધ કરવાનું છોડો, શાંત-સ્થિર થાઓ અને તમારી અંદર જ એને પામો. તમને પોતાને સમજતાં શીખો. એમ કરતાં તમે બીજાંઓને પણ સમજવા લાગશો, જીવનને, મને (પરમાત્માને) સમજવા લાગશો.

હું તમને જ્યારે એમ કહું છું કે ‘એકમેકને ચાહો’, ત્યારે એનો અર્થ એવો નથી કે તમારે એકબીજાંને સહી લેવાનાં છે અથવા એકબીજાંને પ્રેમ કરવા માટે સખત પ્રયત્ન કરવાનો છે. પણ તમે જ્યારે તમારું હૃદય ખુલ્લું કરશો અને એને પ્રેમાળ સુંદર વિચારોથી ભરી દઈ શકશો ત્યારે તમને પોતાને જ જણાશે કે તમે જે જે લોકોના સંપર્કમાં આવો છો તે સઘળાં લોકોને ચાહવાનું તમને મન થાય છે, ભલેને તેઓ ગમે તે હોય ! એ મારા વૈશ્વિક પ્રેમનો મુક્ત પ્રવાહ છે, જે કોઈ ભેદભાવ પિછાણતો નથી, કોને ચાહવાં ને કોને નહિ, તેવી પસંદગી કરતો નથી. મારો પ્રેમ દરેકેદરેક જણ માટે સમાન છે. એમાંથી તમે કેટલું સ્વીકારવા તૈયાર છો એનો આધાર તમારી પર છે. આ પ્રેમને અભિવ્યક્ત કરતાં ડરો નહિ. એ વ્યક્તિપણાથી પર છે. એ ઉચ્ચતમનો પ્રેમ છે. તમારું હૃદય સાવ ખુલ્લું કરી દેતાં શીખો, અને એકમેક માટેનો પ્રેમ દર્શાવતાં કદી શરમાઓ નહિ. વિશ્વમાં પ્રેમ એ સૌથી મોટું જોડનારું તત્ત્વ છે, એટલે ચાહો, ચાહો, ચાહો.

જીવો અને કામ કરો, પણ તે સાથે રમવાનું, જીવનમાં મઝા કરવાનું, માણવાનું કદી ભૂલી જતાં નહિ. તમારે બધી બાબતોમાં સમતુલા જાળવવી જોઈએ. અતિશય વધારે કામ અને રમતનો સાવ અભાવ, એવી જિંદગી તો એકાંગી બની જાય, નીરસ અને સુસ્ત બની જાય. તમે જે કાંઈ કરો તેમાં સંપૂર્ણ સમતુલા જાળવવાનો પ્રયત્ન કરો, પછી જિંદગી તમને ખરેખર આનંદમય લાગશે. જીવનમાં વૈવિધ્ય જોઈએ, તો શા માટે ચીલો ચાતરીને કંઈક નવું ને જુદું જ કરવાની કોશિશ ન કરવી ? એટલા માટે નહિ કે તમે જે કરો છો તેનાથી કંટાળી ગયાં છો કે એનાથી ભાગી છૂટવા માગો છો, પણ એટલા માટે કે પરિવર્તનની જરૂર તમને સમજાય છે. કોઈ પણ અપરાધની ભાવના વિના તમે જ્યારે એ કરી શકશો ત્યારે તમને જણાશે કે તમે એક નવા જ દષ્ટિકોણથી તમારું કામ કરી શકો છો, અને વળી એ સાચા આનંદથી તમે કરી શકશો. જીવનનો શો અર્થ છે, સિવાય કે તમે એનો આનંદ માણો અને જે કંઈ હાથમાં લો તેમાં તમને મઝા આવે, પછી એ કામ હોય કે ખેલ હોય !

તમારું જીવન સરળપણે ચાલે છે ? તમે જે કરો છો તેનાથી તમને સંતોષ છે ? દુનિયા સાથેનો તમારો સંબંધ શાંતિપૂર્ણ છે કે પછી તમારું જીવન ખાડાટેકરાથી ભરેલું છે ? તમે જે રીતે જીવો છો અને જે કામ કરો છો તેનાથી તમે અસંતુષ્ટ છો ? તમારી આસપાસ જે લોકો છે તેની સાથે મેળ સાધવાનું તમને અઘરું લાગે છે ? તમારાં અસંતોષ અને અતૃપ્તિ માટે તમે પરિસ્થિતિ અને સંજોગોને તથા તમારા સંપર્કમાં રહેલાં લોકોને દોષી ગણો છો ? તમને એમ લાગે છે કે તમે બીજા કોઈક સ્થળે હોત તો બધું બરોબર હોત અને તમને શાંતિ હોત ? તમારા અંતરના ઊંડાણમાં જ્યારે પૂર્ણ શાંતિ હોય ત્યારે તમે ક્યાં છો, કોની સાથે છો અને તમે કેવું સામાન્ય સાંસારિક કામ કરી રહ્યાં છો તે બાબત મહત્વની રહેતી નથી. તમે અંદરથી પૂર્ણપણે સંતુલિત અને સંવાદી છો એટલે કોઈ જ વસ્તુ તમને વિચલિત નહિ કરી શકે, તમારી સમતુલા નહિ ખોરવી શકે. સંજોગો સામે લડવાને બદલે તેની સાથે વહેતાં શીખો અને એ રીતે અંતરના ઊંડાણમાં જે શાંતિ અને સમજ છે તે પ્રાપ્ત કરો.

પાણીની બહાર આવી પડેલી માછલીની જેમ આમતેમ પછડાટા નાખવામાં અને તમારી પરિસ્થિતિ અને સંજોગો માટે બીજાને દોષ દેવામાં વખત ન બગાડો. માત્ર એટલું જાણી લો કે, એ બધું તમારા જ હાથમાં છે. એટલે, જ્યારે તમે સમય કાઢીને અંદરની શાંતિ ને સ્થિરતા પ્રાપ્ત કરો અને મારી સમીપ રહો ત્યારે તમે જાતે જ, બીજા કોઈનીયે મદદ વિના એ પરિસ્થિતિમાં સુધારો કરી શકશો. તમે જ્યારે બધું જ મારી સમક્ષ ધરી દેશો અને મારી ઈચ્છા પ્રમાણે, ફક્ત મારી જ ઈચ્છા પ્રમાણે કરવા ચાહશો ત્યારે તમારાથી કશું જ ગુપ્ત રાખવામાં નહિ આવે. બહુ કષ્ટાઈને પ્રયત્ન ન કરો; લગામ ઢીલી છોડી દો, હળવાં થાઓ અને હૃદય અને મનની એ શાંતિ પ્રાપ્ત કરો જે સઘળાં દ્વાર ઉઘાડે છે અને સત્યનો પ્રકાશ પ્રગટ કરે છે. તમે જોશો કે તમે જ્યારે હળવાં થાઓ છો અને બધું મારા હાથમાં સોંપી દો છો, ત્યારે તમે ઘણું વધારે સિદ્ધ કરી શકો છો. પછી ચુપચાપ મારી સમીપ રહો અને તમારે પક્ષે કશા આયાસ વિના, બધું મુક્તપણે, સ્વાભાવિકપણે વહેવા દો; અને એમ કરીને એને પૂર્ણ સ્વરૂપે પ્રગટ થાવા દો.

No Response to “ઊઘડતાં દ્વાર અંતરનાં – ઈશા કુન્દનિકા (અનુવાદક)” »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment