Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.

મિત્રો, બાળપણમાં સાંભળેલી વાર્તા આજે ફરી વાંચી ત્યારે એટલી જ તાજી લાગી. તેને ભલે બાળ વાર્તા કહીએ પણ નાના-મોટા  સૌને વાંચવામાં મજા પડે તેવી આ વાર્તા છે. આશા છે કે આપ સૌને ખૂબ ગમશે.

A King

એક હતું શહેર. એનું નામ અંધેરી નગરી. એનો કારભાર પણ એવો ! ચારે તરફ અંધેર ! કોઈ વાતનું ઠેકાણું જ નહિ.

એનો એક રાજા હતો. તદ્દન ગંડુ ! ગાંડિયા જેવો. એનું નામ પણ ગંડુ રાજા. અંધેરી નગરી ને ગંડુ રાજા.

એ નગરમાં બધી ચીજનો એક જ ભાવ હતો. ત્રણ પૈસે શેર શાક ને ત્રણ પૈસે શેર બરફી. ત્રણ પૈસે શેર લોટ અને ત્રણ પૈસે શેર દૂધ. બધું જ ટકે શેર. ટકો એટલે ત્રણ પૈસાનો સિક્કો. કાછિયો ટકાની શેર ભાજી આપે ને કંદોઈ ટકાનાં શેર ખાજાં આપે.

ટકે શેર ભાજી ટકે શેર ખાજાં. જે માગો તે ‘ટકે શેર !’ એવી એ અંધેરી નગરી હતી અને એવો એનો કારભાર હતો.

એ નગરમાં એક વખતે, એક ગુરુ અને બીજો એમનો ચેલો, એમ બે જણ આવી ચઢ્યા. ગુરુ મોટા ને અનુભવી. ડહાપણના ભંડાર. ચેલો જુવાન ને તરંગી. પૂરો ઘડાયેલો નહિ.

ગુરુની રજા લઈ ચેલો અંધેરી નગરીમાં ભિક્ષા માગવા ગયો. ‘અહાલેક ! ભિક્ષા આપો મૈયા !’ એણે ભિક્ષા માગવા માંડી. ઘરમાંથી બાઈ લોટની વાડકી ભરીને નીકળી અને ચેલાની ઝોળીમાં લોટ નાખ્યો.

‘અહાલેક !’ કરતો ચેલો બીજે ઘેર ગયો અને ભિક્ષા માગી. ત્યાંથી પણ આટો મળ્યો. એમ કરતાં એની ઝોળી ભરાઈ ગઈ.

ચેલો બજારમાં આવી પહોંચ્યો. એની નજર એક પાટિયા પર પડી. એના પર લખ્યું હતું : ‘ટકે શેર આટો.’ બીજા પાટિયા પર લખ્યું હતું : ‘ટકે શેર ખાજાં.’

’આ તો મજાની વાત ! ટકે શેર આટો ને ટકે શેર ખાજાં !’ ચેલાને વિચાર થયો. એ તો કંદોઈની દુકાને ગયો.

કંદોઈએ પૂછ્યું : ‘કેમ મહારાજ !શું જોઈએ છે ?’

‘સુખડી કેમ આપી ?’ ચેલાએ પૂછ્યું.

‘ત્રણ પૈસે શેર.’ કંદોઈએ કહ્યું

‘એને બદલે આટો આપું તો ચાલશે ? એનો ભાવ પણ ત્રણ પૈસૈ છે.’

‘હારે ! ખુશીથી ચાલશે. જેટલો આટો આપશો તેટલી જ સુખડી જોખી આપીશું.’

‘આ તો ઘણું સરસ !’ એમ કહીને ચેલાએ આટો આપી સુખડી લીધી. રાજી થતો થતો એ ગુરુજી પાસે ગયો.

‘મહારાજ ! જુઓ તો ખરા હું કેટલી બધી સુખડી લઈ આવ્યો !’ ચેલાએ રાજી રાજી થતાં કહ્યું.

‘ક્યાંથી લાવ્યો ?’ ગુરુએ પૂછ્યું.

ને ચેલાએ બધી વાત માંડીને કહી.

‘બધું જ ટકે શેર ?’ગુરુએ પછ્યું.

‘હા મહારાજ ! ટકે શેર ભાજી ને ટકે શેર ખાજાં. ટકે શેર આટો ને ટકે શેર સુખડી.’

‘જ્યાં બધું જ એક ભાવે વેચાતું હોય ત્યાં રહેવામાં માલ નથી.’ ગુરુએ કહ્યું. ‘ચાલ બેટા ! આપણે બીજે ગામ જઈએ.’

એ સાંભળી ચેલાને નવાઈ લાગી. આવું મઝાનું ગામ, જ્યાં ભિક્ષાનો લોટ આપીને સુખડી, ખાજાં કે ઘેબર લેવાય તે છોડી જવાનું ગુરુજી શાથી કહે છે તે વાત એને સમજાણી નહિ.

‘જો બેટા ! અહીં સારા નરસાની, ચોર કે શાહુકારની એક જ કિંમત હશે.’

પણ ચેલાએ ન માન્યું એટલે ગુરુ એને ત્યાં જ રહેવા દઈ બીજે ગામ ચાલ્યા ગયા.

ચેલાને તો આ શહેરમાં ફાવી ગયું. રોજ સવાર થાય કે ‘અહાલેક’ કરતો એ ભિક્ષા માગવા નીકળી પડે ને જે કૈં મળે તે કંદોઈને આપે ને લાડુ, ઘેબર, મગજ કે સુખડી લઈ આવે ને ખાઈ પીને લહેર કરે.

થોડા દહાડામાં એનું શરીર જાડું તગડા જેવું અલમસ્ત થઈ ગયું. ‘જાડિયો જાડિયો ભીમ !’ છોકરાં એની પીઠ પાછળ બોલતાં ને દોડતાં.

એ શહેરમાં એક ડોશી રહે. એ ડોશીને ચાર દીકરા. એમનો ધંધો ચોરી કરવાનો. રાત પડે ને ચોરી કરવા જાય.

એક વખત એ ચોરી કરવા નીકળ્યા. રસ્તામાં બિલાડી આડી ઉતરી.

‘શુકન સારા નથી થતાં !’ એકે કહ્યું.

‘લે હવે હાલ્ય ! હાલ્ય ! શુકન ઉપર ભરોંસો ના રાખીએ.’ બીજો બોલ્યો.

ચારે ભાઈ છગનશેઠની પછીતે પહોંચ્યા. અંધારી રાત : કોઈ ન બોલે કે ચાલે ! એમણે ગણેશિયું કાઢ્યું ને ભીંત ખોદવા માંડી. થોડુંક ખોદ્યું તો ભીંત હાલી ઊઠી.

‘અલ્યા ભીંત હાલી !’ એકે કહ્યું.

‘ભલેને હાલી ! કરી દે બાકોરૂં.’

જરા વધારે ખોદ્યું ત્યાં તો ધડૂમ ધડૂમ કરતી ભીંત પડી ને ચારે ભાઈ દબાઈ ગયા. એમના પર આખી ભીંત તૂટી પડી હતી.

સવાર પડ્યું પણ દીકરાઓ ન આવ્યા એટલે ડોશી તપાસ કરવા નીકળી. ‘મારા દીકરાઓને ક્યાંય જોયા ?’ એણે ઓળખીતા પાળખીતાને પૂછવા માંડ્યું. કોઈએ એને કહ્યું કે છગનશેઠની ભીંત તૂટી પડી છે ને એની નીચે કોક દબાઈ ગયું છે.

લાકડી ઠબકારતી ડોશી ત્યાં ગઈ. એણે જોયું તો ભીંત તૂટી પડી હતી ને તેની નીચે એના ચારે દીકરા દબાઈ મૂઆ હતા. ચારે દીકરા મરી ગયા તો જોઈને ડોશી ઘણું ઘણું રડી ને છેવટે રાજા પાસે ગઈ.

‘રાજાજી ! મારી ફરિયાદ છે.’

‘શાની ફરિયાદ છે ?’ રાજાએ પૂછ્યું.

‘બાપુ ! મારા ચાર દીકરા છગનશેઠને ત્યાં ચોરી કરતા હતા ત્યારે શેઠના મકાનની ભીંત તૂટી તે દબાઈ મૂઆ. આમાં વાંક છગનશેઠ છે. એણે ભીંત એટલી નબળી રાખી જ શું કામ ?’

‘અરે, કોણ હાજર છે ?’ રાજાએ બૂમ મારી. ‘જાવ, હમણાં ને હમણાં છગનશેઠને પકડી લાવો. એણે એવું તે કેવું ઘર ચણ્યું કે ભીંત તૂટી પડી ને આ ડોશીના ચારે દીકરા દબાઈને મરી ગયા !’

સિપાઈઓ દોડ્યાં ને છગનશેઠને પકડીને લઈ આવ્યા.

‘તમે એવું તે કેવું ઘર ચણ્યું કે ભીંત તૂટી પડી ને આ ડોશીના ચારે દીકરા દબાઈ મૂઆ ! તમને શૂળીએ ચઢાવવા જોઈએ.’

‘પણ બાપુ !’ છગનશેઠ બોલ્યા. ‘ એમાં હું શું કરું ? ઘર તો કડિયાએ ચણ્યું છે. જે કંઈ વાંક હોય તે એનો છે.’

‘ખરી વાત ! ખરી વાત ! કડિયાનો જ વાંક છે. સિપાઈઓ ! છગનશેઠને છોડી દો ને કડિયાને શૂળીએ ચઢાવી દો.’ છગનશેઠ છૂટ્યા. સિપાઈઓ મોતી કડિયાને પકડીને લઈ આવ્યા. રાજાએ એને શૂળીએ ચઢાવી દેવાની સજા કરી.

‘બાપુ ! મેં તો બરાબર ચણેલું પણ ગારો ઢીલો હતો તેથી એમ થયું હશે.’

‘ભલે,’ રાજાજી બોલ્યા. ‘સિપાઈઓ, એને છોડી દો ને ગારાવાળાને પકડી લાવો.’

મોતી કડિયો છૂટ્યો. સિપાઈઓ ગરબડ ગારાવાળાને પકડી લાવ્યા. રાજાએ એને શૂળીએ ચઢાવી દેવાની સજા કરી.

‘પણ બાપુ ! મેં તો બરાબર ગારો કરેલો. વાંક હોય તો પખાલીનો છે. એણે પાણી વધારે રેડ્યું ને ગારો ઢીલો થયો.’

‘એમ છેકે !’ રાજાજી બોલ્યા. ‘સિપાઈઓ, એને છોડી દો ને પખાલીને શૂળીએ ચઢાવો.’

ગરબડ ગારાવાળો છૂટ્યો. સિપાઈઓએ પાંચા પખાલીને પકડ્યો. ‘રાજાજીનો હુકમ છે તે મને શૂળીએ ચઢાવવાનો છે.’

‘તો તો ભારે ગજબ થઈ જાય ! તમે મને રાજા પાસે લઈ જાવ. હું એમને સમજાવીશ. મને તો મારા જીવની પડી છે.’

સિપાઈઓ એને રાજા પાસે લઈ ગયા.

‘કેમ રે પખાલી ! તું કેટલું બધું પાણી નાખી દે છે ? ગારો ઢીલો થયો ને ભીંત બરાબર ન ચણાઈ તે પડી ગઈ ને ચાર ખૂન થયાં.’

‘બાપજી ! એમાં મારો વાંક નથી. હું ગારામાં પાણી નાખતો હતો એવામાં એક મુલ્લો માળા ફેરવતો ત્યાંથી નીકળ્યો, તેથી પાણી વધારે પડી ગયું.’

‘એમ છેકે !’ રાજાજી બોલ્યા. ‘સિપાઈઓ, એને છોડી દો ને મુલ્લાંને શૂળીએ ચઢાવો.’

પાંચો પખાલી છૂટ્યો. સિપાઈઓએ મુલ્લાં ફીદાઅલીને પકડ્યા. મુલ્લાં બિચારા ખુદાનું માણસ. શરીરે પાતળા, સીધા સોટા જેવા.

‘રાજાજીનો હુકમ છે કે તમને શૂળીએ ચઢાવવા.’ સિપાઈઓએ કહ્યું.

‘જેવી ખૂદાની મરજી.’

સિપાઈઓ મુલ્લાંજીને શૂળીએ ચઢાવવા લઈ ચાલ્યા. શૂળીવાળાએ મુલ્લાં ફીદાઅલીને જોયા. એની નજર શૂળી ઉપર ગઈ. આવી તોતીંગ જાડી શૂળી ઉપર મુલ્લાં શોભે ખરાં ? એ વિચારે એણે ડોકું ધૂણાવ્યું. સિપાઈને એણે વાત કરી ને રાજાજી પાસે ખુલાસો પૂછવા મોકલ્યો.

સિપાઈ રાજાજી પાસે ગયો. ‘બાપુ ! શૂળીવાળો કહે છે કે મુલ્લાંજી પાતળા સળેકડા જેવા છે ને શૂળીનું ફળ તો જાડું છે, તે એના પર મુલ્લાં નહિ શોભે માટે તમે કહો એમ કરીએ.’

‘અરે એમાં શું પૂછવા આવ્યો ! છેક સવારથી આ વાતનાં પગરણ માંડ્યાં છે તો ! જા, કોઈ જાડા માણસને શોધી કાઢ ને એને શૂળીએ ચઢાવી દે.’

સિપાઈએ શૂળીવાળાને રાજાજીનો સંદેશો કહ્યો. મુલ્લાં ફીદાઅલી છૂટ્યાં. સિપાઈઓ કોઈ જાડા માણસને શોધવા નીકળ્યાં.

‘પેલા દીપચંદ શેઠ જાડા છે.’

‘એમનાં કરતાં પણ બીજા વધારે જાડા હશે.’

આમ એ વાતો કરતા જતા હતા ત્યાં એમની નજર પેલા ચેલા ઉપર પડી.

‘બરાબર આવો જ જાડો માણસ જોઈએ.’

‘શૂળી ઉપર પણ એ શોભી ઊઠશે.’ અને બેઉએ ચેલાને પકડ્યો.

‘ચાલો, તમને લઈ જવાના છે. રાજાજીનો હુકમ છે કે જાડા માણસને શૂળીએ ચઢાવવાનો છે.’

‘પણ છે શું ? શાથી ?’ ચેલાએ પૂછ્યું.

‘તે તો બાપુ જાણે.’

‘ચાલો, મને રાજાજી પાસે લઈ જાવ.’ સિપાઈઓ ચેલાને રાજાજી પાસે લઈ ગયા.

‘તારા જેવા જાડા માણસો આ નગરમાં રહે છે તેથી ચોર લોકોના મોત થાય છે માટે તને શૂળીએ ચઢાવવો જોઈએ.’

‘પણ બાપુ ! મને થોડી મુદત આપો. મારે મારા ગુરુને એક વખત મળવું છે.’

‘ઠીક છે.’ રાજાજી બોલ્યા. ‘એને હમણાં જવા દો. ચાર દહાડા પછી શૂળીએ ચઢાવજો.’

ચેલો ગયો તેના ગુરુ પાસે ને બધી હકીકત કહી. ગુરુએ એને ધીરજ આપી.

‘મેં તો તને પહેલેથી જ કહ્યું હતું કે એ નગરમાં રહેવામાં માલ નથી. જ્યાં બધી ચીજ ટકે શેર હોય ત્યાં ચોર અને શાહુકારનો ન્યાય પણ સરખો જ થાય.’ ગુરુએ કહ્યું.

‘બાપજી ! મારી ભૂલ થઈ.’

ગુરુએ રસ્તો કાઢ્યો ને શું કરવું તે ચેલાને સમજાવ્યું.

ચાર દહાડા પછી ગુરુ ને ચેલો બેઉ શૂળીવાળા પાસે ગયા. ચેલે કહ્યું : ‘હવે મને શૂળીએ ચઢાવો.’ ગુરુ કહે ; ‘મારા ચેલાને નહિ, મને શૂળીએ ચઢાવો.’ બેઉ જણે જોરદાર રકઝક કરવા માંડી.

શૂળીવાળો ગભરાયો. એણે રાજાજીને ખબર કરી ને રાજાજી ત્યાં આવ્યા.

‘તમે બેઉ શૂળીએ ચઢવાની હોંસાતોશી કેમ કરો છો ?’ રાજાજીએ પૂછ્યું.

‘આ વખતે એવું મુહૂર્ત છે કે જે શૂળીએ ચઢે તેને સ્વર્ગલોકનું વિમાન મળે એમ છે માટે રાજાજી, મને શૂળીએ ચઢાવો.’

‘ના મહારાજ, મને શૂળીએ ચઢાવો.’

રાજાને વિચાર આવ્યો કે આ રીતે સ્વર્ગે જવાનું વિમાન મળતું હોય તો એ પોતે જ શૂળીએ કેમ ન ચઢે ?

‘આ બેઉને પાંચ ગાઉ દૂર લઈ જઈને છોડી મૂકો.’ એણે હુકમ કર્યો. તેનો તરત અમલ થયો.

‘હવે મને શૂળીએ ચઢાવો.’ રાજાએ કહ્યું.

શૂળીવાળાએ રાજાને શૂળીએ ચઢાવ્યો અને અંધેર નગરીમાંથી ગંડુ રાજાનું રાજ પૂરું થયું. ભાજી અને ખાજા એક ભાવે મળતા બંધ થયા.

……………………………………………………………………………………………………………………………………………………..

No Response to “અંધેર નગરી, ગંડુ રાજા (બાળ વાર્તા)” »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment