Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.

sam_pitroda_080910ભારતમાં ટેલિકમ્યુનિકેશન એટલે કે આપણે જે એક સ્થળેથી બીજી સ્થળે ટેલિફોન દ્વારા સંદેશાવ્યવહાર કરી શકીએ છીએ ને તેને ભારતમાં વિકસાવવામાં સામ પિત્રોડાએ સિંહફાળો આપ્યો છે. સામ પિત્રોડાનું આખું અને સાચું નામ સત્યનારાયણ ગંગારામ પિત્રોડા છે. ૪ મે, ૧૯૪૨ના રોજ ઓરિસ્સામાં જન્મેલા પિત્રોડા મૂળે તો ગુજરાતી છે, પરંતુ તેમનાં માતા-પિતા વર્ષોથી ઓરિસ્સામાં સ્થાયી થયાં હતાં અને પિત્રોડાનો જન્મ પણ ઓરિસ્સામાં થયો હતો. વડોદરામાંથી ભૌતિકશાસ્ત્રના વિષયમાં માસ્ટર ડિગ્રી મેળવનારા પિત્રોડા અમેરિકાની ઇલીનોસિસ યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરની ડિગ્રી મેળવી હતી. ૧૯૭૫માં તેમણે ઇલેક્ટ્રોનિક ડાયરીની શોધ કરી હતી. વિશ્વની પહેલી ડિજિટલ સ્વિચની કંપની તેમણે સ્થાપી હતી.

૧૯૮૪માં રાજીવ ગાંધીની સાથે મળીને ભારતને ટેલિકમ્યુનિકેશનના ક્ષેત્રમાં વેગવંતું બનાવવા પ્રયત્નો હાથ ધર્યા હતા. તેમના પ્રયત્નોના પરિણામે આજે ભારતનાં મોટાભાગનાં મહાનગરો અને નગરો ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પણ દૂરસંચારની વ્યવસ્થા સુચારુ રીતે સંચાલિત થાય છે. તેઓ નેશનલ નૉલેજ કમિશનના સભ્ય છે. આ કમિશન ભારતમાં શૈક્ષણિક સ્તર ઊંચું લાવવા માટે કાર્ય કરે છે.  મે ૨૦૧૧ માં પિત્રોડાને ઇન્ટરનેશનલ ટેલિકમ્યુનિકેશન યુનિયન દ્વારા વર્લ્ડ ટેલિકમ્યુનિકેશન ઍન્ડ ઇન્ફર્મેશન સોસાયટી ઍવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત તેમને ૨૦૦૯માં પદ્મભૂષણ ઍવોર્ડ, એ જ વર્ષે રાજીવ ગાંધી ગ્લોબલ ઈન્ડિયન ઍવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આજે ૪ મે ના રોજ તેમનો જન્મદિન હોઈ તેમની સ્મૃતિ કરતાં મહાન ભારત અને તેના યુવાધન વિશેના તેમના પ્રેરક વિચારોને જાણીએ…

…………………………………………………………………………………………………………………………………………………………………….

‘હું ૧૯૪૨માં ઓડિસાના એક નાના વનવાસી ગામમાં જન્મ્યો અને ઊછર્યો. મારાં ગુજરાતી માતાપિતા ઓડિસાના આ એવા ગામમાં સ્થાયી થયાં હતાં કે જ્યાં ન વીજળી હતી, ન પાણી હતું, ન તો વિદ્યાલય હતું કે ન રુગ્ણાલય ! એટલે ટીવી કે ટેલિફોનનો તો પ્રશ્ન જ નહોતો. આવા સુવિધાવિહીન ગામમાં મારી માતાની કૂખે આઠ સંતાનોનો જન્મ ઘરમાં જ થયો હતો. પ્રસૂતિગૃહનો એક પૈસાનો પણ ખર્ચ થયો નહોતો ! અમે આઠેય સંતાનો શારીરિક અને માનસિક રીતે સંપૂર્ણત: સ્વસ્થ હતા અને બધા જ અમેરિકા ગયા, કેમ કે તે સમયે અમારી નિર્ધનતા દૂર કરવાનો એ એક માત્ર માર્ગ હતો.

‘સુથારીકામ કરીને પેટિયું રળતા મારા પિતાજી માંડ થોડું ઘણું ભણ્યા હતા; પરંતુ બધા જ ભારતીય મા-બાપની જેમ, તે પણ તેમના સંતાનોને સારું શિક્ષણ મળે તે જોવા આતુર હતા. અહીં હું એક વાત સ્પષ્ટ કરવા માગું છું કે ભારતનાં મા-બાપ પોતાના સંતાનોના શિક્ષણ પાછળ જેટલાં નાણાં, સમય અને સંસાધનો ખર્ચે છે તેટલા તો વિશ્નના કોઈ પણ દેશનાં મા-બાપ ખર્ચતાં નથી.

003.jpgજ્યારે મેં ભૌતિક વિજ્ઞાનમાં અનુસ્નાતક પદવી પ્રાપ્ત કરી ત્યારે મારા વાંચવામાં આવ્યું કે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખે ચંદ્ર ઉપર માનવીને મોકલવાનું નક્કી કર્યું છે, આમેય તે સમયે હું ઉત્સાહી હતો અને કંઈક અંશે ‘ગાંડો’ પણ હતો. તેથી મેં તરત જ અમેરિકા જવાનું ઠરાવ્યું ! ખિસ્સામાં તો ફૂટી કોડી પણ ન હતી તેથી ગમે તેમ કરીને ધનસંગ્રહ કરીને હું મુંબઈથી સમુદ્રમાર્ગે જીનોવા પહોંચ્યો. ત્યાંથી ટ્રેન દ્વારા લંડન અને પછી વિમાન દ્વારા ન્યૂયૉર્ક પહોંચ્યો. ત્યાંથી બસ દ્વારા શિકાગો પહોંચ્યો. ત્યાં સૌ પ્રથમ વાર મેં હિમપ્રપાતનાં દર્શન કર્યાં અને હાડ ગાળી નાખે તેવી ઠંડી શું હોય છે તે મેં સૌ પ્રથમ વાર જાણ્યું. અહીં મારું અગાધ અજ્ઞાન આશીર્વાદરૂપ ઠર્યું, કેમ કે મેં તો વગર વિચાર્યે Ph.D.ની ડિગ્રી પ્રાપ્ત કરવાનું ઠરાવ્યું હતું, પરંતુ મને જ્યારે જ્ઞાન લાધ્યું કે તે માટે મારે સાત વર્ષ અભ્યાસ કરવો પડશે ત્યારે મેં તે વિચાર પડતો મૂક્યો અને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં અનુસ્નાતકની પદવી મેળવવાનું નક્કી કર્યું, કેમ કે તે માત્ર ૧વર્ષનો અભ્યાસક્રમ હતો.

ટેલિફોનનો સૌ પ્રથમવાર ઉપયોગ મેં અમેરિકામાં કર્યો ! ટીવી પણ મેં સૌ પ્રથમ વાર અમેરિકામાં જોયું ! તે પછી એક પછી એક એમ મારા પરિવારના સભ્યોને મેં અભ્યાસ માટે અમેરિકામાં બોલાવી લીધા. અથાક પરિશ્રમ કરીને મેં ત્યાં ૧૯૭૪માં મારા વેપારધંધાની સ્થાપ્ના કરી. ૧૯૭૯માં બધું જ વેચીને ૧૯૮૦માં ભારતમાં પરત ફર્યો; ત્યારે મેં સૌ પ્રથમ વાર દિલ્હી જોયું ! ત્યાંથી મેં મારી પત્નીનો ફોન દ્વારા સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો, અવિરતપણે, સતત પ્રયત્નો કર્યા પરંતુ મારી પત્નીનો ફોન દ્વારા સંપર્ક કરવામાં મને નિષ્ફળતા જ મળી ! અને તે જ ક્ષણે મેં નિર્ધાર કર્યો કે હું આ સમસ્યાનો અંત લાવીને જ જંપીશ !’

‘જો હું ભારત પાછો ફર્યો ન હોત તો સાચું ભારત શું છે તે હું ક્યારેય જાણી શક્યો ન હોત ! મારા ધ્યાનમાં આવ્યું કે આ અવિકસિતપણાને આપણે અવસરમાં પલટી નાખવો જોઈએ. જો તમારી પાસે અગાધ જ્ઞાન હોય તો પણ ઘણી વખત તમે પાછા પડો છો ! હું તરત જ અમેરિકા પાછો ફર્યો અને શિકાગો સ્થિત મારી પત્નીને મારો નિર્ધાર જણાવ્યો, ‘આગામી દસ વર્ષ હું ભારતની ટેલિફોન સેવા પાછળ ખર્ચવાનો છું. હા, આ બધું હું કેવી રીતે અને કોની સાથે કરીશ એ વિશે હું કશું જ જાણતો નથી.’

‘મિત્રો, એક વાત ધ્યાનથી સાંભળો. આપણી પાસે લખલૂટ સંસાધનો છે અને અત્યંત સામર્થ્યવાન યુવાધન છે. આ યુવાધન ૨૦ વર્ષોમાં આપણા દેશને વર્તમાન દુર્દશામાંથી ઉગારી શકે તેમ છે. આજે સમગ્ર વિશ્વ ભારતને વિશ્વગુરુના સ્થાને જોવા માટે થનગની રહ્યું છે.’

……………………………………………………………………………………………………………………………………………………………………

માહિતી સ્રોત – સૌજન્ય : સાધના સાપ્તાહિક (2014-01-04), www.sandesh.com

No Response to “જન્મદિન વિશેષ (૪ મે) – સામ પિત્રોડા (પ્રખ્યાત ટેક્નોક્રેટ અને ડિઝિટલ ક્રાંતિના પ્રણેતા)” »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment