Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.

દોસ્તીના નામ પર

April 17th, 2015 by GujaratiLexicon Team | No Comments »

friendship_13દુનિયામાં જ્યારે આપણી ક્યાંય પણ જીત થાય અને જે ગર્વથી એમ કહે કે, ‘ધેટ્સ માય ફ્રેન્ડ’ અને જ્યારે આપણે હારી જઈએ, પરિસ્થિતિ સામે લડતાં-લડતાં થાકી જઈએ અને ત્યારે કોઈ આવીને આપણને એમ કહે કે, ‘આઈ એમ યોર ફ્રેન્ડ’ એ સાચો મિત્ર. જેમ એક રૂપિયો એ એક લાખ રૂપિયા નથી, પરંતુ એ એક લાખ રૂપિયામાંથી એકડો નીકળી જાય તો એ લાખ રૂપિયા પણ લાખ રૂપિયા રહેતા નથી. લાખ રૂપિયામાં જ્યારે કોઈ એક રૂપિયા જેવું મળે એનું નામ મિત્ર. લાખ રૂપિયામાં રહેલી આ એક રૂપિયાની અધૂરપની પૂર્તિ એ દોસ્તી છે.

મિત્ર એટલે કે જે વગર બોલાવ્યે જ આપણી પાસે આવી જાય, આપણે હજી તો એક વાત કહીએ ત્યાં તે સાત વાત કહી દે,આપણી વેફરમાંથી આપણે એને માત્ર એક ચીપ આપીએ અને એ પડાવીને આખું પેકેટ હજમ કરી જાય, દરેક પ્રસંગમાં આપણી વાટ લગાવી દે, જ્યાં ત્યાં ફસાવી દે, પરંતુ જ્યારે કોઈ પણ દુઃખ આવે તો એ વગર બોલ્યે આપણી બાજુમાં આવીને ઊભો રહી જાય.

મિત્રતા સુખને ડબલ અને દુઃખને અડધું કરી નાખે છે. (ઇજિપ્તની કહેવત)

દોસ્તી એટલે જ્યાં આપણે ઊઘડી શકીએ એવી બારી. મિત્રો તો ઘણા હોય છે, પરંતુ એક એવો મિત્ર બનાવવો જોઈએ કે જ્યારે દુનિયાના હજારો માણસો આપણી વિરુદ્ધ હોય ત્યારે તે આપણી સાથે રહીને દુનિયાના હજારો માણસોની વિરુદ્ધ થઈ જાય ! મિત્રો એટલે મુક્ત પંખીઓ, જે આપણી સાથે આકાશમાં પોતાના મધુર ટહુકાઓનું ગુંજન કરીને આપણા આકાશને રળિયામણું બનાવી દે. દોસ્તી એટલે સારા નરસા પ્રસંગોની ઈંટો દ્વારા રચાતું આપણા ભાવોનું વિશ્વ. દોસ્તી એટલે એવો ખભો જ્યાં આપણે ઇચ્છીએ ત્યારે મન મૂકીને રડી શકીએ. અત્યારે એક જ શહેરમાં રહેતા હોવા છતાં મિત્રો માટે સમય નથી કાઢી શકાતો. બશીર બદ્રએ તેના વિશે કહેલો શેર વાંચવા જેવો છે :

ઇસી શહર મેં કઈ સાલ સે મેરે કુછ કરીબી અઝીઝ હૈ/ ઉન્હેં મેરી કોઈ ખબર નહીં, મુઝે ઉનકા કોઈ પતા નહીં.

હવે દોસ્તી માટે સમય જલદી નથી મળતો. વર્ષો સુધી સાથે મોજ-મજા-મસ્તી કરી હોય, એક જ શહેરમાં રહેતા હોઈએ, છતાં એકબીજાની કશી જ ખબર નથી હોતી. દોસ્તી વ્યવહારનાં કામોમાં ક્યાંક અટવાઈ જતી હોય છે, પણ દોસ્તી હંમેશાં જીવંત રહે છે આપણી અંદર. એ પ્રેમથી આગળનું એક પગલું છે.

એક દિવસ પ્રેમ અને દોસ્તી મળ્યાં. પ્રેમે કહ્યું કે, “હું છું ત્યાં સુધી તારી શી જરૂર છે ?” દોસ્તીએ કહ્યું કે, “મારું કામ એ ચહેરાઓ પર સ્મિત લાવવાનું છે, જે ચહેરા પર તું આંસુ છોડી જાય છે.” જ્યાં પ્રેમની હદ પૂરી થાય છે ત્યાં પણ દોસ્તીનો રસ્તો તો આગળ ધપતો જ હોય છે. વિશ્વના આટલા માનવ મહેરામણમાં જે આપણને પ્રેમપૂર્વક ગાળ આપી શકે અને ક્રોધપૂર્વક ચાહી શકે એનું નામ દોસ્તી. દોસ્તી એટલે વરસાદમાં તરતી કાગળની હોડીનું પાણીમાં ડૂબ્યા વગર સતત વહેવું.

રુઝવેલ્ટે કહ્યું છે તેમ દોસ્તી માટે સૌ પ્રથમ આપણી જાત સાથે દોસ્તી બાંધવી જરૂરી છે, કારણ કે આમ ન કરીએ તો વિશ્વમાં આપણે કોઈની પણ સાથે દોસ્તી બાંધી શકીએ નહીં. જેમાં ગુણ અને દોષ ઓગળીને એકરૂપ થઈ જાય તે જ ખરી દોસ્તી સાબિત થઈ શકે. દોસ્તી એક વિશેષ અધિકાર છે. દોસ્તી એટલે જે દીવો બનીને આપણા એકાંતના અને ઉદાસી, વ્યથા તથા પીડાના અંધકારને દૂર કરતું ઓસડ. દોસ્તી એટલે જ્યાં રુચિ-અરુચિનો લોપ થઈ જાય, જ્યાં અસ્તિત્વ પોતે એકાગ્રતા સાધી શકે.

જેને આપણી દરેક ઇચ્છાની અગાઉથી જાણ થઈ જતી હોય તે વ્યક્તિ એટલે મિત્ર. દોસ્તી એટલે રક્ષાકવચ. દોસ્તી એટલે જીવનની બરફીલી ઠંડીમાં હૂંફ આપતી કામળી. દોસ્તી એટલે ખુલાસા વગરનો ખુલાસો. જે માણસ સાથે આપણને રાહત, સગવડ અને સાંત્વના મળી રહે. જે આપણા જીવનના અનાજમાં પડેલાં કાંકરા અને ફોતરાઓને તારવીને અલગ કરી આપે અને આપણને એની ખબર પણ ન પડવા દે તે ઉત્તમ મિત્ર. દોસ્તી એટલે સમજણપૂર્વકનું શબ્દમય મૌન. દોસ્તી એટલે આપણા આંતરિક વિશ્વને ખોલી આપતી ચાવી. હર્ષ અને શોકનાં આંસુઓનું મિશ્રણ જ્યારે સધાય ત્યારે સમજવું કે બે મિત્રો વર્ષો પછી મળ્યા લાગે છે. લોહીમાં જ્યારે વિહ્વળતાની ગાંઠ પડી જાય ત્યારે સમજવું કે લાંબો વખત થતાં દોસ્તીએ ઘન સ્વરૂપ ધારણ કર્યું છે.

હસવાના પ્રસંગે ધરાઈને હસી ન શકીએ અને રડવાના પ્રસંગે ધરાઈને રડી ન શકીએ ત્યારે માનવું કે આપણને અંગત મિત્રની ખોટ સાલે છે. મિત્રો સાથે રહીએ ત્યારે આપણાં તમામ દુઃખો આપોઆપ અડધાં થઈ જાય છે, જ્યારે સુખો બેવડાઈ જાય છે. મિત્રો સાથે હોય ત્યારે નાની-નાની વાતોની પણ બહુ જ મોટી મજા આવે છે. મિત્રો ન હોય ત્યારે ઘણી બધી મોટી વાતો પણ આપણને આનંદ નથી આપી શકતી. અભરાઈ પર ઊંચે મૂકેલી આનંદ અને ખુશીઓથી ભરેલી બરણી ઉતારવામાં જ્યારે પ્રેમની હાઇટ ઓછી પડે ત્યારે જે આ બરણી ઉતારી આપે એનું નામ દોસ્તી.

સાભાર : www.sandesh.com, લેખમાળા – મનની મોસમ, લેખક – શ્રી અનિલ ચાવડા 

No Response to “દોસ્તીના નામ પર” »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment