Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.

આરોગ્ય અને આપણે

April 9th, 2015 by GujaratiLexicon Team | No Comments »

Health-is-wealthગુજરાતી ભાષામાં કહેવત છે કે, ‘પહેલું સુખ તે જાતે નર્યા’ એટલે કે તંદુરસ્તી સારી તો સૌ બાબતોમાં સુખ આવે. જો શરીરે ચેન જ ન પડતું હોય તે માણસને પૃથ્વી પરના સ્વર્ગ ગણાતા કાશ્મીરમાં મૂકી આવો તો ય  કાશ્મીરના ઠંડા ગુલાબી વાતાવરણમાંય તેના અંતરમાં તો દુઃખ અને પીડાના ભડકા જ બળતા હોય. એક હકીકત પ્રમાણે સ્વસ્થ શરીરમાં સ્વસ્થ મન વસતું હોય છે અને સ્વસ્થ મન જ આપણને ચોતરફ સુખ – આનંદ અને શાંતિનો અનુભવ કરાવતું હોય છે. તેમાં પાયાની શરત છે સારી તંદુરસ્તી. પ્રસ્તુત લેખમાં તંદુરસ્તી અંગેના કેટલાક માપદંડ અને વિચારો રજૂ કરેલા છે. જે તંદુરસ્ત અને સુખી જીવન જીવવામાં મદદરૂપ થશે.

શ્રી વિનોબા ભાવેનો અનુભવ

આહાર અંગે શ્રી વિનોબા ભાવે પોતાનો અનુભવ જણાવતાં કહે છે કે મારો એવો અનુભવ છે કે આકાશ સેવનથી માણસ ઓછી કેલરીમાંયે ચલાવી શકે છે. પદયાત્રા કરતો ત્યારે મારા આહારમાં કુલ ૧૨૦૦ – ૧૩૦૦ કેલરી રહેતી. ડૉકટરોને બહુ નવાઈ લાગતી કે આટલા બધા શ્રમ છતાં આટલી ઓછી કેલરીમાં કેમ ચાલી શકે છે ? હું કહેતો કે હું સૌથી વધારે આકાશ ખાઉં છું. મારા આહારમાં નંબર એકમાં આકાશ છે. નંબર બે માં વાયુ, નંબર ત્રણમાં સૂર્યકિરણ, પછી ચોથા નંબરમાં પાણી. પાણી ખૂબ પીવું જોઈએ. થોડું થોડું અને વારંવાર પાણી પીવાથી માણસના પ્રાણ બળવાન થાય છે અને સૌથી મહત્ત્વ ચીજ છે અન્ન. વધારેમાં વધારે આકાશ-સેવન ઉપરાંત ચિત્તની પ્રસન્નતા એ ઉત્તમ આહાર છે. હું તો કહીશ કે પ્રસન્નતા એ ઉત્તમ ઔષધ પણ છે. ચિત્તની નિર્વિકારતાનું પરિણામ સહજ સ્વાસ્થ્યમાં દેખાશે.

ટૂંકા નિયમો પાળી લાંબું જીવન જીવો

બને તેટલો વખત ખુલ્લી જગ્યામાં રહો.
રોજ સવારે ઠંડા પાણીથી સ્નાન કરો.
વધુ પડતી વાતચીત પાછળ શક્તિ ન વેડફો.
કામમાં મંદતા જેટલી જ વધુ ઝડપને પણ ત્યાગો.
ચિત્તને ઉત્તેજનારી લાગણીઓ અને વસ્તુઓનો ત્યાગ કરો.
અઠવાડિયે એક દિવસ પૂર્ણ માનસિક આરામ કરો.

સોનેરી સૂત્રો

જીવન ખાવા માટે નથી પરંતુ ખોરાક જીવન માટે છે.
સ્વાદ ખાતર માત્ર ખા ખા કરવા  કરતાં ઔષધની જેમ આહારને પણ યોગ્યતાની કસોટી બાદ લેવો.
ભૂખ વગર કંઈ પણ ખાવું નહીં.
જ્યારે ભોજન કરો ત્યારે અર્ધું પેટ આહાર માટે, પા ભાગનું પાણી માટે અને પા ભાગનું હવા માટે રાખવાનું. અર્ધું નહીં તો પોણાથી વધુ પેટ તો કદી ન ભરવું.
વધારે પડતા મસાલા, મીઠાઈઓ, તળેલી – વઘારેલી ચીજોનો સદંતર ત્યાગ.
પોતાની પ્રકૃતિને અનુકુળ રહે અને જલદી પચી જાય તેવો આહાર લેવો.
આહારમાં શાકભાજી વિશેષ પ્રમાણમાં લેવા.
બે ટંકથી વધુ ભોજન ન કરવું.
સવારના નાસ્તામાં માત્ર દૂધ-છાશ જેવાં હળવાં પીણાં લેવા.
ખૂબ ચાવીને, પ્રસન્નચિત્તથી શુદ્ધ અને સાત્વિક ભોજન જમવું.

આરોગ્ય અંગે…

જે લોકો મગજ પાસે તો કામ કરાવે છે પણ શારીરિક શ્રમથી દૂર ભાગે છે તેની તંદુરસ્તી બરાબર રહેતી નથી. શરીરના દરેક અંગોને યોગ્ય શ્રમ મળવો જોઈએ. જેથી તેની સક્રિયતા અને સુદૃઢતા યથાવત જળવાઈ રહે છે. જેને સખત પરિશ્રમ કરવાનો અભ્યાસ નથી કે મોકો નથી મળતો આરામપ્રિય લોકો પોતાની આળસની ભારે કિંમત ચૂકવે છે. શરીરનું માળખું દુર્બળ કરી નાખે છે. શ્વાસ હંમેશાં ઊંડા લેવા જોઈએ જેથી આખા ફેફસાંમાં સક્રિયતા જળવાય અને શરીરને યોગ્ય પ્રમાણમાં ઑક્સિજન મળતો રહે. જે લોકો ખુરશીમાં વાંકા વળીને બેસતા હોય છે તેના ફેફસાંનો મોટો ભાગ નિષ્ક્રિય પડ્યો રહે છે અને તેમાં ક્ષય, દમ, ખાંસી વિગેરે રોગની વૃદ્ધિ થતી રહે છે. શ્વાસ હંમેશાં નાકથી લેવો જોઈએ અને ચાલતી વખતે બન્ને હાથોને આગળ પાછળ સૈનિકની માફક હલાવીને ચાલવું જોઈએ.

આરોગ્યની કસોટી

ભૂખ બરાબર લાગે છે ?
ગાઢ ઊંઘ આવે છે ?
સાફ ઝાડો આવે છે ?
ચહેરો ચમકદાર છે ?
પેટ છાતીની અંદર છે ?
પગ ગરમ, પેટ નરમ અને માથું ઠંડું રહે છે ?
કામ કરવામાં ઉત્સાહ રહે છે ?
બધા સાથે પ્રેમ અને મીઠાશથી વર્તો છો ?
દરરોજ વ્યાયામ – કસરત – યોગ કરો છો ?
જીવન નિયમિત છે ?

ઉપરના પ્રશ્નોના જવાબ ‘હા’ હોય તો સમજવું કે આપણે તંદુરસ્ત છીએ.

(સંકલિત લેખ)

No Response to “આરોગ્ય અને આપણે” »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment