Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.

અવનવી જાણકારી

April 2nd, 2015 by GujaratiLexicon Team | No Comments »

મિત્રો, ઘણીવાર આપણી આસપાસ ઘણી એવી ઘટનાઓ બને છે કે બની રહી છે તેનાથી આપણે જાણકાર હોતા નથી. વિવિધ પ્રચાર-પ્રસાર માધ્યમો પોતપોતાની રીતે આવી માહિતી આપણી સામે રજૂ કરે છે. તેમાં આપણી બુદ્ધિ-વિવેક અને ચકાસણી દ્વારા તેમાં માન્યતા દર્શાવી શકીએ. અલબત્ત જે હોય તે ! પરંતુ આવી માહિતી આપણે જરૂર જાણવી જોઈએ. તે સંદર્ભે અત્રે કેટલીક માહિતી રજૂ કરવામાં આવી છે. 

ધન્યવાદ આવા સમાજસેવકને 

સોજીત્રા ગામના વતની અને નડિયાદની આયુર્વેદિક કૉલેજના પૂર્વ આચાર્ય આયુર્વેદિક ચિકિત્સક હિરુભાઈ પટેલ નામના ૭૯ વર્ષના સજ્જને છ મહિના યુ.કે. અને અમેરિકામાં આયુર્વેદનું કન્સલ્ટિંગ કરી તેમાંથી થયેલી આવક શિક્ષણથી વંચિત વનવાસી બાળકો અને મહિલાઓના ઉત્થાન માટે વાપરી રહ્યા છે. છેલ્લાં ચાર વર્ષથી ગુજરાતના કપરાડા, વાંસદા, અરણઈ જેવા જંગલ વિસ્તારમાં વનવાસી બાળકો અને મહિલાઓ માટે છાપરા નીચે ચાલતાં મહિલા વિકાસ કેન્દ્રો અને શાળાઓની જગ્યાએ હિરુભાઈએ સાડા ત્રણ કરોડના ખર્ચે પાકાં બિલ્ડિંંગ અને છાત્રાલયો બનાવ્યાં છે તેમજ વનવાસી બાળકો તેમના વિસ્તારમાં જ ઉચ્ચ શિક્ષણ મેળવી શકે તે માટે અહીંના આહવા, વધાઈ વચ્ચે એક આંતરરાષ્ટ્રીય શાળા બનાવવાનું પણ વિચારી રહ્યા છે.

જમ્યા પછી તરત જ બ્રશ કરનારે ચેતવું

ડેન્ટિસ્ટોએ કરેલા સંશોધન બાદ ચેતવણી આપી છે કે, ભોજન લીધાની ૩૦ મિનિટ બાદ અથવા કૉફી પીધાની ૩૦ મિનિટ બાદ બ્રશ કરવાની ટેવ તમારી દાંતની તકલીફોને આમંત્રી શકે છે, માટે વ્યક્તિએ નિર્ધારિત ગાળાની અંદર જ બ્રશ કરવું જોઈએ. એકેડેમી ઑફ જનરલ ડેન્ટિસ્ટના પ્રમુખ આર. ગેમ્બલ કહે છે કે, ભોજન બાદ તરત જ બ્રશ કરવાથી ઍસિડિક ડ્રિંક અથવા ભોજનમાં રહેલાં તત્ત્વોના કણ બે દાંતની વચ્ચે છેક છેડા સુધી જતા રહે છે અને સૉફ્ટ ડ્રિંક લીધાના અડધો કલાકમાં બ્રશ કરવામાં આવતાં દાંતને વધુ નુકસાન પહોંચે છે અને દાંત ઝડપી કટાઈ જાય છે. જોકે ૬૦ મિનિટના ગાળા બાદ બ્રશ કરવાથી ફાયદો થાય છે.

એવો ટાપુ જ્યાં માણસો કરતાં બિલાડીઓ વધારે

જાપાનના એક ટાપુ પર માણસો કરતાં બિલાડીઓની સંખ્યા વધુ છે. રોયટર્સ એજન્સીમાં પ્રકાશિત સમાચાર મુજબ અહીંનો એક વૃદ્ધ માછીમાર ઉંદરોના ત્રાસને દૂર કરવા કેટલીક બિલાડીઓ લાવ્યો હતો. સમય જતાં ઉંદરોની સંખ્યા તો નિયંત્રણમાં આવી ગઈ, પરંતુ બિલાડીઓની સંખ્યા ૧૨૦ સુધી પહોંચી ગઈ. ઉલ્લેખનીય છે કે, આ ટાપુ પર મોટાભાગે વૃદ્ધ માછીમારો રહે છે. ૯૦૦ ઘરોવાળા આ ટાપુ પર હાલ એક સમયે સારી એવી વસતી હતી, પરંતુ ધીરેધીરે આ વસતી ઘટીને હાલ ૨૨ જ રહી ગઈ છે. એટલે કે અહીંના પ્રતિવ્યક્તિ સામે ૬ બિલાડીઓ છે.

હમારા બજાજ

ભારતની ઑટો-ઇન્ડસ્ટ્રીનો ઇતિહાસ લખવા બેસીએ તો એમાં બજાજ ઑટોના સ્કૂટર ચેતકને આગલી હરોળમાં સ્થાન આપવુ પડે. આ આઇકોનિક સ્કૂટરની હમારા બજાજ ટેગલાઇન  લોકોને આજે પણ યાદ છે, પરંતુ હોન્ડા ઍક્ટિવા જેવા ગિયરલેસ સ્કૂટરની વધતી જતી પ્રસિદ્ધિને કારણે બજાજ ઑટોએ ૨૦૦૯ માં ચેતક સ્કૂટરનું ઉત્પાદન બંધ કરી દીધેલું. બજાજ ઑટોના ચેરમેન રાહુલ બજાજ આ નિર્ણયથી ખુશ નહોતા, જ્યારે તેમના દીકરા રાજીવ બજાજ બાઇક પર પર ફોકસ કરવા માગતા હતા. જોકે તાજેતરમાં બાઇકના વેચાણમાં નોંધાયેલા ઘટાડાને કારણે હોય કે ગમે તેમ, પરંતુ બજાજ ઑટોએ પોતાના ચેતક બ્રાન્ડનેમને ફરી પાછું રજિસ્ટર કરાવ્યું છે. ઇન્ડસ્ટ્રીના નિષ્ણાતો માને છે કે નવા જમાનાનું આ નવું બજાજ ચેતક ગિયરલેસ હશે અને આવતા વર્ષના ઑટો એક્સપોમાં એની પહેલી ઝલક પણ જોવા મળશે.

માંસાહારી શિયાળ મીઠા ભાતનો પ્રસાદ ખાઈને જ શિકાર પર નીકળે છે

કચ્છના જગવિખ્યાત કાળા ડુંગર પરના અનેક દૈવી રહસ્યોમાંનું એક રહસ્ય ભગવાન દત્તાત્રેય અને શિયાળનું છે. વર્ષોથી કાળા ડુંગરની આસપાસ વસતાં માંસાહારી શિયાળ દરરોજ ભગવાન દત્તાત્રેયના મંદિર પાસે આવે છે અને દત્ત ભગવાનના મીઠા ભાતનો પ્રસાદ ખાઈને જ શિકાર પર નીકળે છે. તદ્દન માંસાહારી શિયાળ મીઠા ભાતનો પ્રસાદ કેમ ખાય છે એ હજી સુધી એક રહસ્ય જ છે. કહેવાય છે કે આ વિસ્તારમાં એક સમયે ભયંકર દુષ્કાળ પડ્યો ત્યારે દત્ત ભગવાને ભૂખથી મૃતપાય બનેલા શિયાળને તેમનું માંસ આરોગવા કહ્યું, પરંતુ શિયાળે મસ્તક નમાવી તેનો અસ્વીકાર કર્યો, દત્ત ભગવાને શિયાળની આ ભક્તિને જોઈ મીઠો ભાત રાંધીને ખવડાવ્યો અને વરદાન આપ્યું કે કચ્છના રણમાં આવતા કોઈ પણ જીવ ભૂખે તરસે નહીં મરે. ત્યારથી શિયાળની મીઠા ભાત ખાવા આવવાની પરંપરા ચાલી છે. આજે પણ અહીં રોજ બે ટાઇમ શિયાળ આવે છે અને ભગવાન દત્તનો મીઠા ભાતનો પ્રસાદ આરોગે છે.

નશો કરનારા પોપટ

રાજસ્થાનના ચિત્તોડગઢ જિલ્લામાં અફીણની ખેતી કરી રહેલ ખેડૂતોને એક વિશેષ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. અફીણની ખેતી કપાયા પછી તેમાંથી એક વિશેષ પ્રકારનો પાતળો પદાર્થ નીકળે છે, જેને ચૂસવા માટે મોટી સંખ્યામાં પોપટ ખેતરોમાં આવે છે. ખેડૂતોના કહેવા મુજબ પોપટ તેને ચૂસ્યા પછી એ વૃક્ષો પર બેસી જાય છે અને કલાકો સુધી સૂતા રહે છે. મોટાભાગના અફીણનું સેવન કરી લેવાને કારણે ઝાડ પરથી પડી જાય છે. કેટલાક પોપટ તો મરી પણ જાય છે. કેટલાકને અન્ય પક્ષીઓ મારી નાખે છે. વિસ્તારમાં બીજી જાતિનાં પક્ષી પણ છે પણ લાગે છે કે પોપટ નશીલી વસ્તુઓ તરફ વધુ આકર્ષિત રહે છે.

ખેડૂતોનું કહેવું છે કે પોપટને ડરાવવા જરૂરી પગલાં ઉઠાવવામાં આવે છે, છતાં પણ તેમના પાકના પાંચથી સાત ટકા ભાગ તો પોપટ ખાઈ જાય છે. સુકવારા ગામમાં એક અન્ય ખેડૂતે કહ્યું કે આ પોપટને નિયંત્રિત કરવા મુશ્કેલ છે. તેમને ભગાડવા માટે અમારે કલાકો સુધી ખેતરમાં રહેવું પડે છે. કેટલાક ખેડૂતો ખેતરને ઢાંકવા માટે જાળનો પ્રયોગ કરે છે. કેટલાક ટીન વગાડે છે તો કેટલાક ગુલેલ રાખે છે. અફીણની ખેતી રાજ્યના ચિત્તોડગઢ, બારન, ઝાલાવાર, ઉદયપુર અને ભીલવાડામાં માર્ચ મહિનામાં થાય છે.

ડેન્ગ્યુની જાણ કરતી વૉર્નિંગ સિસ્ટમ

ખતરનાક ગણાતો ડેન્ગ્યુ રોગચાળો ફાટી નીકળવાના સંબંધમાં ઍડ્વાન્સમાં ૧૬ સપ્તાહ પહેલાં સુધી જાણ થઈ શકશે. હવે નવી વૉર્નિંગ સિસ્ટમ તૈયાર કરવામાં આવી રહી છે જે ઍડ્વાન્સમાં સપ્તાહ પહેલાં જ માહિતી આપી શકશે. ડેન્ગ્યુ રોગના ખતરા અંગે ચેતવણી આપી શકાશે. હવામાં પ્રદૂષણ અને હવાના તાપમાન ઉપર ગણતરીના આધાર ઉપર આની આગાહી થઈ શકશે. ડેન્ગ્યુ રોગચાળાથી વારંવાર વિશ્વના ઘણા દેશોમાં ગંભીર સ્થિતિ ઊભી થઈ જાય છે. ડેન્ગ્યુ તાવ એક વાઇરસ દ્વારા ફેલાતા રોગ તરીકે જાણીતો છે.

તાજેતરમાં જ જારી કરવામાં આવેલા નવા આંકડામાં જણાવવામાં આવ્યું છે કે ડેન્ગ્યુ કેસોના સૌથી જોખમી કેસ સપાટી ઉપર આવ્યા બાદ તેને રોકવાની બાબત મુશ્કેલ હોય છે.

સંતાનોને લાલચ ન આપો 

બાળક પાસે કંઈક કામ કરાવવું હોય અથવા તો પ્રોત્સાહન આપવું હોય તો ઘણાં પેરેન્ટ્સ તેને અમુક ચીજો ગિફ્ટ આપવાની લાલચ આપે છે. પ્રોત્સાહન તરીકે ચીજો આપવાની રીત બાળકને લાંબા ગાળે મટીરિયાલિસ્ટિક બનાવી દઈ શકે છે એવું અમેરિકાની યુનિવર્સિટી ઑફ મિઝોરીના રિસર્ચરોનું કહેવું છે કે જે લોકોને બાળપણમાં પડ્યો બોલ ઝીલીને જાતજાતનાં ગેજેટ્સ, સાધનો, સુવિધાઓ ઉપલબ્ધ થઈ જતાં અથવા તો અમુક કામ કરવાના બદલામાં મોંઘી ગિફટ્સ મળતી હતી તેઓ મોટા થયા પછી મોંઘી ચીજો પોતાની પાસે હોવાને સ્ટેટ્સ માનવા લાગે તેવી શક્યતાઓ વધારે હોય છે. બાળપણમાં કોઈ સારું કામ કરવા બદલ તેને મોંઘી ચીજ આપવાની શરત મૂકવામાં આવે છે ત્યારે બાળમન શીખે છે કે મોંઘી ચીજો જ મહત્ત્વની છે અને એ મેળવવા માટે જ શ્રમ કરવો પડે છે.

(માહિતી સ્રોત – સૌજન્ય : સાધના સાપ્તાહિક, ૨૮ માર્ચ, ૨૦૧૫)

No Response to “અવનવી જાણકારી” »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment