Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.

ratilal_anil_2ગુજરાતી ભાષાના મૂર્ધન્ય કવિ રતિલાલ મૂળચંદદાસ રૂપાવાળા કે જેઓ રતિલાલ ‘અનિલ’ના ઉપનામથી ગુજરાતી કવિતા જગતમાં પ્રસિદ્ધ થયા છે. તેમનો આજે ૨૩ ફેબ્રુઆરીના રોજ ૯૭મો જન્મદિન છે. ગુજરાતી કવિતા તથા ગઝલ વિશ્વમાં તેમનું પ્રદાન બહુમૂલ્ય છે. ચાલો, તેમને જન્મદિનની હાર્દિક હૃદયાંજલિ પાઠવતાં તેમની અમર કૃતિઓનો આસ્વાદ માણીએ…

શહેરોમાં રહે છે, જંગલોમાં જાય છે રસ્તો,

કહીં સંસાર માંડે, ક્યાંક સાધુ થાય છે રસ્તો .

અહીંથી સાવ સીધો ને સીધો આ જાય છે રસ્તો,
તમારા ધામ પાસે કેટલો વંકાય છે રસ્તો !

નથી પડતાં કદમ, તારા મિલન માટે નથી પડતાં,
વિના વાંકે બિચારો વિશ્વમાં નિંદાય છે રસ્તો.

પ્રણયના પંથ પર ક્યારેક લ્હેરાતો હતો પાલવ,
નજર સામે હવે મૃગજળ રૂપે દેખાય છે રસ્તો.

નહિતર ખીણમાં એ સોંસરો આવી નહીં પડતે,
મુસાફરને શું દેવો દોષ, ઠોકર ખાય છે રસ્તો !

મુસાફર નહિ, નદીમાં એ ન ડૂબી જાય તે માટે,
બને છે પુલ, સામે પાર પ્હોંચી જાય છે રસ્તો .

હું ઈશ્વરની કને તો ક્યારનો પ્હોંચી ગયો હોતે,
અરે, આ મારાં ચરણોમાં બહુ અટવાય છે રસ્તો !

નથી જોતા મુસાફર એકબીજાને નથી જોતા,
નજરને શું થયું છે કે ફકત દેખાય છે રસ્તો !

ન જાણે શી શરમ કે બીક લાગે ચાલનારાની,
કહીં સંતાય છે રસ્તો, કહીં ગુમ થાય છે રસ્તો .

લખે છે વીજળીનો હાથ કંઈ આકાશમાં જ્યારે,
ઘણીએ તેજરેખામાં ક્ષણિક દેખાય છે રસ્તો !

વિહંગો શી રીતે સમજી શકે આ મારી મુશ્કેલી,
કદમ આગળ વધે છે ત્યાં જ અટકી જાય છે રસ્તો !

મનુષ્યો ચાલે છે ત્યારે થાય છે કેડી કે પગદંડી,
કે પયગમ્બર જો જાય તો થઈ જાય છે રસ્તો !

ઊભું છે પાનખરમાં વૃક્ષ ડાળીઓની રેખા લઈ,
હથેળીઓની રેખાઓનો એ વર્તાય છે રસ્તો !

‘અનિલ’ મારા જીવનની પણ કદાચિત્ આ હકીકત છે,
રહી પણ જાય છે પાછળ ને આગળ જાય છે રસ્તો !

નથી એક માનવી પાસે બીજો માનવી હજી પ્હોંચ્યો,
‘અનિલ’, મેં સાંભળ્યું છે ક્યારનો બંધાય છે રસ્તો !

…………………………………………………………………………

સત્ય પણ ક્યારેક કડવું જોઇએ,

જાતની સાથે ઝઘડવું જોઇએ !

બ્હારના સમરાંગણોની વાત શી ?
ભીતરે કે લમણે લડવું જોઇએ !

એ રહ્યો ઇશ્વર, ખપે એને અરૂપ;
માનવી છું, મારે ઘડવું જોઇએ !

આમ આવ્યા ને ફક્ત ચાલ્યા જવું,
રાહ છે તો કૈંક નડવું જોઇએ !

આ વિશેષણના વળી શણગાર શા ?
રૂપ છે નીતર્યુ તે અડવું જોઇએ !

કૈંક તો અસ્તિત્વનું એંધાણ હો !
ખાલીપાએ પણ ખખડવું જોઇએ !

પ્રેમમાં ઔંદાર્ય તો હોવું ઘટે!
આળ જેવું કૈંક ચડવું જોઇએ !

સૂર્યની ક્યારેક તો ઝાંખી હશે,
ભીના ભીના રહી શું સડવું જોઇએ ?

ધૂળધોયાનું મળ્યું જીવન `અનિલ`,
એય તક છે, કૈંક જડવું જોઇએ !

 

ratilal_anil_1

(જીવનયાત્રા: ૨૩-૦૨-૧૯૧૯  થી ૨૯-૦૮-૨૦૧૩)

રતિલાલ મૂળચંદદાસ રૂપાવાળા. સુરતના જૈફ શાયર. ફક્ત બીજા ધોરણ સુધીનો જ અભ્યાસ. ચાંદરણા અને મરકલાં માટે બહુખ્યાત.  ‘આટાનો સૂરજ’ માટે ભારતીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર. ૯૪ની ઊંમરે પણ માઇક પર આવે તો નવયુવાનને શરમાવે એવા બળકટ અવાજે સુરતી ક્ષત્રિય લહેકાવાળી બાનીમાં નકરી યાદદાસ્તના આધારે એક કલાક સુધી પોતાની રચનાઓ સંભળાવી શકે એવી ક્ષમતા…

આભારઃ (કવિતા સંદર્ભ સ્રોત) gujaratikavitaanegazal.wordpress.com, layastaro.com

No Response to “જન્મદિન વિશેષઃ શ્રી રતિલાલ ‘અનિલ’” »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment