Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.

buildingabridge

 

શૂન્યમાંથી સર્જન કરી સમાજને સમર્પિત થાય તેવા નેતા શાશ્ચત બને છે. પોતે કાંઈ જ ન હોય અને પોતાની પાસે કાંઈ જ ન હોય છતાં સર્વસ્વ અર્પણ કરે તેવા નેતા જુદા ! Even if you have nothing, if you are useful, you are resourceful! તમારી પાસે કશું જ નથી છતાં તમે મદદરૂપ થાય તો તમારી પાસે ઘણું છે ! મદદરૂપ નેતા લોકહૃદયમાં સ્વયંભૂ, શાશ્ચત, સાદર, સદાબહાર, સદાસ્મરણીય સ્થાન પામે છે.

જગતના ઇતિહાસમાં સર્વપ્રથમ અશસ્ત્ર લડાઈથી ભારતને આઝાદી અપાવનાર ગાંધીજી પાસે આમ જુઓ તો એક પોતડી સિવાય બીજું શું હતું ? પોતાના કાર્ય અને જેમના માટે કાર્ય કરે છે તે જનસમૂદાયમાં અતૂટ વિશ્ચાસ કે બીજું કાંઈ ?

શ્રી કૃષ્ણ પાંડવોની સમગ્ર તકલીફો સમયે, જરૂરિયાતને સમયે  વિના કહ્યે, વિના માગ્યે તેમના તારણહાર બની સાથ આપે છે. શ્રી કૃષ્ણની હાજરી પાત્ર પાંડવો માટે મોટો સથિયારો હતો. એ વિશ્ચાસ ખરો ઠરાવવા  માટે શ્રી કૃષ્ણ પાસે કોઈ ખોટો હોદ્દો ન હતો કે ન હતા એવા કોઈ શસ્ત્રસરંજામ. આ જ તો સાચું નેતૃત્વ છે.

હોદ્દાના માન-મરતબા વિના પણ સાચું નેતૃત્વ લાવી શકાય છે. આવું નેતૃત્વ સ્થિતિ બદલી શકે છે. વર્ષો પહેલાંની, 1973 ની, આ વાત છે, બાર્બરા સ્ટેમર એક સામાન્ય 19 વર્ષની યુવતી હતી. તેણે બોયફ્રેન્ડ સાથે સગાઈ કરી, પરંતુ કોઈપણ કારણસર તેણે સગાઈ તોડી નાંખી, તેથી બાર્બરા હતાશામાં સરી પડી. શિક્ષિકાની નોકરી ચાલી ગઈ અને પછી બીજી નોકરી શોધવામાં એનું ડીપ્રેશન આડે આવ્યું, એવામાં બોબી મેરીટ નામના વ્યક્તિની જાહેરાત વાંચી કે નવી ખૂલતી રેસ્ટોરાં માટે માણસ જોઈએ છે.

બોબીને ઓછા પગારવાળું કોઈક જોઈતું હતું, અને, બાર્બરાને નોકરી. બન્નેને અનુકૂળ આવ્યું, બાર્બરા પૂરો સમય રેસ્ટોરાંના કામમાં વ્યસ્ત રહેવા લાગી, દરેક કામમાં મદદરૂપ થવા લાગી. રસોડું, માણસો, હોટેલ મેનેજમેન્ટ બધું જ કોઈના કહ્યા વગર કોઈ મોટી અપેક્ષા વગર કરે ! 19વર્ષ પાછી 1992 માં બોબી મેરીટે એના બધા જ સ્ટાફની મિટીંગ બોલાવી, અને જાહેરાત કરી કે, ‘આજથી બાર્બરા સ્ટેમર આપણી કંપની, સોનિક રેસ્ટોરાં ચેઈનની પ્રેસિડેન્ટ છે. છે.તે સમયે કંપનીમાં 5500 માણસોમાણસો, 130 રેસ્ટોરાં અને વાર્ષિક 160 મિલિયન ડોલરનું ટર્નઓવર હતું.

પ્રેસિડન્ટ બની ત્યાં સુધી બાર્બરાને કોઈ હોદ્દો ન હતો કે ન હતી કોઈ જવાબદારી. છતાં પણ મદદરૂપ સ્વભાવને લીધે બધુ સંભાળી લીધું હતું તદ્પરાંત સાચુ નેતૃત્વ કરનાર ક્યારેય એમ નહીં વિચારે કે મારી પાસે સાધન-સરંજામ, સામગ્રી નથી, કે મને શુ મળશે કે હું કેવી રીતે કરીશ….આ તમામ પ્રશ્નો ગૌણ બની રહે છે – આ હોય તો આમ થાય અને કરી શકાય, ના હોય તો પ્લાનિંગને અસર થાય, રિઝલ્ટ મળે, ના મળે, ધાર્યું ના પણ મળે…આવા કોઈ તર્કનું અસ્તિત્વ સાચા નેતૃત્વમાં નથી હોતું. આંકડાઓની માયાજાળ એટલી બધી અદ્ભુત છે કે સંપૂર્ણ નિષ્ફળતાને સફળતામાં ફેરવી શકાય છે ફરી શ્રી કૃષ્ણ પાસેથી આ સમજીએ.

શ્રી કૃષ્ણ તો એક બાજુ પોતે નિ:શસ્ત્ર અને બીજી બાજુ પોતાની તમામ યાદવ સેના એવી શરત સાથે, નિર્ણય સાથે રહીને યુદ્ધ સ્વીકાર્યું, વિશ્ચસમસ્તમાં આ એકમાત્ર, અદ્વિતીય ઉદાહરણ છે કે કોઈ હોદ્દા વગર, કોઈ પણ સંખ્યાબળ વગર. ફકત પોતાની એકલાની આવડતથી  Available Resources  થી આટલું અતિસંહારક યુદ્ધ નિર્ણાયક ભૂમિકામાં રહીને તેઓ જીતી શક્યા !

બીજા શબ્દોમાં, સાચું નેતૃત્વ એ જ છે કે પોતાની પાસે જે છે, તેનો મહત્તમ ઉપયોગ કરી શકવા સમર્થ છે. ‘જો’ અને ‘તો’ એની નજીક પણ ફરકી શકતા નથી.

કદાચ, માની લઈએ Title વગર, હોદ્દા વગર Resources  વગર, સાધન-સંપદા વગર, કોઈને નેતૃત્વ કરવું છે તો કરી પણ શકશે પણ વ્યક્તિને અંતરમાં આનંદ હોવો એ બાબત અલગ છે. બી.એ.પી.એસ. સંસ્થાના વડીલ સંત સદ્દગુરુ પૂજ્ય ત્યાગવલ્લભદાસ સ્વામીની વાત કરીએ. એક ખૂબ જ પ્રતિભાશાળી વ્યક્તિત્વ. ખૂબ સુખી કુટુંબમાંથી આવે. આફ્રિકાના વતની. સત્સંગની ખૂબ ગહન જાણકારી. સાથેજ અંગ્રેજી અને ગુજરાતી ભાષા ઉપર પણ પ્રભુત્વ. આ બધા સાથે મહત્ત્વનો ગુણ, ખૂબ જ સેવાભાવી પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના ગુરુ પરમ પૂજ્ય યોગીજી મહારાજે તેમને રસોડાની સેવા સોંપેલી. પૂ ત્યાગવલ્લભદાસ સ્વામીએ 10 માણસની રસોઈ કરતાં કરતાં એટલી બધી નિપુણતા હાંસલ કરેલી કે મોટા સામૈયાઓ વખતે બે – બે લાખ માણસો માટે રસોઈની જવાબદારી પણ તેઓ સંભાળી લે. આવા મોટા સમૈયામાં અમે નાના સાધુઓ રસોડામાં હોઈએ ત્યારે સ્વામી અમને બધાને પીરસવા માટે ખાસ આવે. એક વાર અમે પૂછયું, ‘સ્વામી ! તમારા માટે સૌથી આનંદની બાબત કઈ ? ’ જવાબ હતો, ‘સમૈયામાં સાધુઓને જમાડતી વખતે સેવામાં નિમાયેલ 10 સાધુમાંથી કોઈ હાજર ન હોય અને જો હું એકલો જ હાજર હોઉં તો મજા પડી જાય ! અને દસગણી સેવા મળે !’

વડીલ સાધુ એ સદ્દગુરુ સંત છે, નાના સાધુઓની સાથ સહકાર મળે જ છે, છતાં ન કોઈ હોદ્દાની ખેવના, ન કોઈ મદદની અપેક્ષા ! બસ નિસ્વાર્થ સેવા ! આ નેતાનું નિર્બળ લક્ષણ છે ! એમની હાજરી માત્રથી સંતોને સેવાની પ્રેરણા મળે છે !

જો તમારી હાજરી માત્રથી જે તે સમયે પરિસ્થિતિ સારા માટે, સકારાત્મક બની શકતી હોય તો તમે સાચા નેતા અને એ જ સાચુ નેતૃત્વ છે. ઘરમાં પગ મૂકો છો અને કંકાસના વાતાવરણથી કલુષિત થવાના બદલે સમગ્ર ઘટનાક્રમના કારણને દૂર કરી, ફરીથી ઘરને ઘર બનાવી દો તો તમારું નેતૃત્વ સકારાત્મક, પ્રશંસનીય છે. રમતમાં ઝઘડો થાય, ઘરમાં ગેરસમજણ થાય, મિત્રોમાં અવિશ્ચાસ, સગા-વહાલામાં કુસંપ થાય. આ દરેકમાં આપ જો મદદરૂપ થાવ તો એમાં તમારું ચારિત્ર્ય છતું થતું હોય છે. તમારી હાજરીથી સંપ, સુલેહ અને શાંતિ થાય તો નેતૃત્વ સાચું ! પુલ બનો, દીવાલ નહીં ! એકબીજાને જોડે તે નેતા, તોડે તે નહીં.

બરાબર 12 વર્ષ પહેલાં,24 સપ્ટેમ્બર 2002ના ગાંધીનગર અક્ષરધામ પર અમાનવીય આંતકવાદી હુમલા વખતે, સમગ્ર દેશમાં, વિશ્ચમાં ઊંડો આઘાત પહોંચ્યો હતો. ગુજરાતમાં વાતાવરણ તંગ અને ગંભીર હતું. સામાજિક ચિંતકો અને વિચારકો હુલ્લડ અને ગંભીર પ્રત્યાઘાતોની આગાહી કરેલી પણ પરમ પૂજય પ્રમુખસ્વામી મહારાજની હાજરી, સ્થિરતા અને દીવ્યતાને કારણે તેમને મહાદુઃખમાં ક્ષમા, પ્રાર્થના અને શાંતિનો માર્ગ અપનાવ્યો અને સમાજને, ધર્મને, માનવતાને ભાઈચારાના તાંતણે જોડી રાખ્યા !  શાંત રાખ્યા ! સૌને જોડે તે નેતા, કેવળ હાથ જોડે તે નહીં.

……………………………………………………………………………………………………………………………………………………………………..

(વક્તા – સાધુ બ્રહ્મવિહારીદાસ, નિરાળું નેતૃત્વ વિષય પર અપાયેલ પ્રવચનમાંથી સંકલિત, ભાગ 5, સંકલન – ડૉ. પ્રણવ દવે)

No Response to “જીવનમાં બનવું હોય તો પુલ બનીએ, દીવાલ નહીં” »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment