Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.

Sadhna Magazine Coverગુજરાતી ભાષાના પ્રસિદ્ધ સાધના સાપ્તાહિકમાં ગત ૧૫ નવેમ્બરના અંકમાં ગુજરાતીલેક્સિકોનની ખૂબ સુંદર કવર-સ્ટોરી છપાઈ. પોતાના વિવિધ શબ્દકોષ, ગુજરાતી સાહિત્ય તથા અન્ય ગુજરાતી પ્રકલ્પો દ્વારા ગુજરાતી ભાષાની અમૂલ્ય સેવા બજાવનાર ગુજરાતીલેક્સિકોન વેબસાઈટની મુક્ત કલમે પ્રસંશા થઈ છે. સાધન સાપ્તાહિકના મદદનીશ એડિટર તથા લેખક – પત્રકાર શ્રી રાજ ભાસ્કરની કલમે કોતરાયેલ ગુજરાતીલેક્સિકોનની શબ્દરૂપ પ્રતિમા અત્રે પ્રસ્તુત કરું છું.
…………………………………………………………………………………………………..
ગુજરાતી ભાષાને નેટ પર અવતારવા માટે સર્વસ્વ અર્પણ કરનારા રતિલાલ ચંદરિયાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે લેક્સિકોન પરિવાર એમના સપ્નાને ચાર ચાંદ લગાડવા માટે નવી પ્રસ્તુતિ લઈને આવ્યો છે. ગુજરાતી ભાષા માટે રતિલાલે કરેલો સંઘર્ષ અને લેક્સિકોનની નવી નવી પ્રસ્તુતિઓ વિશે જાણીએ…
ગુજરાતીલેક્સિકોન એટલે ગુજરાતી શબ્દકોશનું ઇન્ટરનેટ અથવા ડિજિટલ સ્વરૂપ. અહીં તમને ગુજરાતીથી ગુજરાતી શબ્દ અને અર્થ ગુજરાતીથી અંગ્રેજી શબ્દ, અંગ્રેજીથી ગુજરાતી શબ્દ, ગુજરાતી થિસોરસ, ગુજરાતી વિરુદ્ધાર્થ શબ્દ અને ગુજરાતી રૂઢિપ્રયોગ કોમ્પ્યુટર પર ક્લિક કરવાથી મળે છે. જે ગુજરાતીઓ ઓન લાઇન લખે-વાંચે છે એમના માટે આ એક અત્યંત સરળ અને ઉપયોગી સુવિધા છે. તેને ઓફ લાઇન પણ વાપરી શકાય છે. તેની સીડી ઉપલબ્ધ છે. હવે એની મોબાઇલ એપ્લિકેશન પણ આવી છે.
સાદી ભાષામાં, ગૂજરાત વિદ્યાપીઠના શબ્દકોશ અને જોડણીકોશ, કે. કા. શાસ્ત્રીના ‘બૃહદ ગુજરાતી કોશ’, પાંડુરંગ દેશપાંડેના ગુજરાતી-અંગ્રેજી અને અંગ્રેજી-ગુજરાતી શબ્દકોશ, નરહરિ ભટ્ટના ગુજરાતી વિનયન શબ્દકોશ, પ્રબોધ પંડિતના ફોનેટિક એન્ડ ર્મોફેનિક ફ્રિક્વન્સી ઓફ ગુજરાતી લેંગ્વેજ, શાંતિલાલ શાહના વિરુદ્ધાર્થ શબ્દકોશ તથા ઈશ્ર્વર દવેના થિસોરસમાંથી કેટલીક સામગ્રી અહીં ઉપલબ્ધ છે. ઉપરાંત એમાં ‘ભગવદ્ ગો મંડળ’નો સમાવેશ થાય છે જે 2.81 લાખ શબ્દો, 8.22 લાખ અર્થો અને 9200 પાનાંઓનો ગુજરાતી ભાષાનો અદ્ભુત ગ્રંથ છે.

20કોઈ પણ ભાષાની માવજત ના થાય તો ભાષા મરી પરવારે છે. ભાષાને જીવાડવી હોય તો એને આવનારી પેઢીને અનુરૂપ રૂપમાં ઢાળવી અનિવાર્ય છે. જમાનો એકસો ને એંસીની ડિગ્રીએ કરવટ લઈ ચૂક્યો છે. આઠ ઈંચના સ્ક્રિનમાં અત્યારે ઢગલાબંધ પુસ્તકો સમાવતી લાઈબ્રેરી બની શકે છે, તમામ ભાષાના શબ્દકોશનો સમાવેશ પણ થઈ શકે છે.
પણ આવા પરિવર્તન બહુ મોટો ભોગ માંગે છે, ભાષાની ગંગાને પૃથ્વી પર ઉતારી જીવંત અને વહેતી રાખવા માટે ભગીરથ કાર્ય કરનારા ભગીરથ જોઈએ. અને ગુજરાતી ભાષા માટે એ ભગીરથ કાર્ય કર્યું છે રતિલાલ ચંદરિયાએ. આજથી પચ્ચીસ કે ત્રીસ વર્ષ પહેલાં જ્યારે કોમ્પ્યુટર અને નેટ એ ‘બડે લોગોંકી બાત’ ગણાતું ત્યારે આ માણસે સમય પારખી લીધો હતો. એમને ખબર હતી કે એક દિવસ શેરીના છોકરાઓના હાથમાં પણ નેટ સાથેનો મોબાઈલ હશે અને એ પેઢીને જો ભાષા શીખવવી હશે તો એની જબાનમાં જ વાત કરવી પડશે. નવી પેઢીની જબાન એટલે નેટ. આવી દૂરંદેશી દાખવીને રતિલાલે વરસો પહેલાં ગુજરાતી ભાષાને નેટ પર ઉતારવાના ભગીરથ કાર્યનો પ્રારંભ કરી દીધો હતો. અને જિંદગીના પચ્ચીસ કરતાં પણ વધારે વર્ષ આ ભાષાને જીવાડવામાં ખર્ચી નાંખ્યાં. આજે નેટજગતમાં ગુજરાતી લેક્સિકોન ડોટ કોમ નામની સાઈટ ગુજરાતી ભાષાનું ગૌરવ બનીને મહોરી રહી છે એ એમનું પ્રદાન છે.
વર્ષ 2013માં વિજ્યાદસમીના દિવસે તેમનું અવસાન થયું. આ વર્ષે તેમની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે ગુજરાતી લેક્સિકોન પરિવારે ભાષાને જીવાડવા માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કર્યું છે ઉપરાંત તેમના સ્મૃતિપર્વ નિમિત્તે ભાષાના સંવર્ધન માટેની કેટલીયે નવી પ્રસ્તુતિઓ કરી છે.
આજની નેટસેવી પેઢી માટે શબ્દકોશ આંગળીના ટેરવે રમતો કરી દેનારા રતિલાલ ચંદરિયા અને એમના ભગીરથ કાર્ય વિશે થોડી વાત કરીએ. ગુજરાતી લેક્સિકોન શું છે? નેટજગતમાં ગુજરાતી ભાષાના પ્રચાર-પ્રસાર માટે કેવાં કેવાં કાર્યો કરે છે એ બધી વાત માંડીને કરીએ.

ભાષાની ભાગીરથીનું નેટની ધરતી પર અવતરણ કરાવનારા ભગીરથ રતિલાલ Ratikaka
રતિલાલ સામાન્ય અને સરળ માણસ. પણ એમણે કામ અસામાન્ય અને અટપટું કરી બતાવ્યું. આપણે અનેકવાર ગુજરાતી લેક્સિકોનનો ઉપયોગ કમ્પ્યૂટર કે મોબાઈલ પર કરતાં હોઈએ છીએ. પણ બહુ ઓછા લોકોને ખ્યાલ હશે કે આ સવલત માટે રતિલાલ નામના કોઈ મહાનુભાવે જિંદગી ખર્ચી નાંખી છે.

ચંદરિયા પરિવાર મૂળ જામનગરનો પણ ધંધાર્થે બધા દરિયાપાર વસેલા. રતિલાલ ર4મી આક્ટોબર, 1922ના રોજ નૈરોબીમાં જન્મેલા અને ત્યાં જ પ્રાથમિક શિક્ષણ મેળવ્યું. બીજા વિશ્ર્વયુદ્ધ દરમિયાન ભારત પરત આવી ગયેલા અને ત્યારબાદ કેન્યા ગયેલા. એ અરસા દરમિયાન તેઓ ભારતમાં રહ્યા ત્યારે એક જૂનું ટાઈપ રાઈટર ખરીદીને ટાઈપ શીખેલા. ભાષા પ્રત્યે પહેલેથી જ એટલો લગાવ હતો કે આ બધા કામમાં એમને મજા આવતી. કેન્યા પાછા ગયા પછી એ ધંધામાં ડૂબી ગયા પણ ટાઈપરાઈટરની ખટખટ સાથે પેલા ગુજરાતી શબ્દો મગજમાંથી ખસતા નહોતા. એ કંઈક કરવા માંગતા હતા. ધીમે ધીમે ધંધામાં નવી પેઢી તૈયાર થતી ગઈ. રતિલાલ પોતે સાઈઠની ઉંમર પાર કરી ગયા. એ ઉંમરે જ્યારે મોટાભાગના લોકો આરામની માનસિકતા ધરાવતા હોય છે અથવા તો બીમાર પડીને ખાટલો પકડી લેતા હોય છે ત્યારે રતિલાલે ગુજરાતી ભાષાના પ્રચાર-પ્રસાર માટે કામ કરવાનું શરૂ કર્યું.
એમના મનમાં રોજ એક જ વિચાર આવતો હતો. જમાનો ઝડપથી બદલાઈ રહ્યો છે. વીસ-પચ્ચીસ વર્ષમાં કોમ્પ્યૂટરની ક્રાંતિ થઈ જશે. નવી પેઢી એક જ ભાષા જાણતી હશે અને એ હશે નેટની ભાષા. એને કોઈ પણ ચીજ શિખવાડવી કે સમજાવવી હશે તો નેટ અનિવાર્ય બની જશે. લોકો એમની આ વાત સાંભળતા અને પીઠ પાછળ હસતા. કહેતા કે, ‘હંઅ! એવી તે કંઈ ક્રાંતિ આવતી હશે!’ પણ પરિણામ આપણી સામે છે.

રતિલાલ એમના વિચારો સાથે મક્કમ રીતે વળગી રહ્યા. એમણે વિચાર્યું કે મોટભાગના દેશો ભાષાને જીવાડવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે. નેટ પર ભાષા શ્ર્વસતી રહે એ માટે પ્રયત્નો થઈ રહ્યા છે જ્યારે આપણી ભાષા ક્ષેત્રે આ પ્રકારનું કામ કરનારા લોકોમાં મોટું મીંડું જ હતું.
હવે શું કરવું. ઉંમર થઈ ગઈ હતી પણ હૃદય જવાન હતું. એમણે ગુજરાતી ભાષાને કોમ્પ્યુટર પર ઉતારવાનો મક્કમ નિર્ધાર કરી લીધો. એ અરસામાં ઈલેક્ટ્રોનિક ટાઈપ રાઈટર નવાંસવાં આવ્યાં હતાં. રતિકાકાને થયું કે મેન્યુઅલ ટાઈપરાઈટરને ઈલેક્ટ્રોનિક ટાઈપરાઈટરમાં ફેરવી નાંખીએ. તેઓએ ખાંખાખોળાં શરૂ કરી દીધાં. આઈબીએમને ગોલ્ફ બોલ માટે અને સ્વીડિશ અને જર્મન ફર્મને નાણી જોઈ. પરંતુ કોઈએ મદદ ના કરી.
પણ રતિકાકા હાર્યા નહીં. એ એમના કાર્યને વળગી જ રહ્યા. સમય જતાં કમ્પ્યૂટર આવ્યાં અને ઈલેક્ટ્રોનિક ટાઈપરાઈટરો ભુલાઈ ગયાં.
કમ્પ્યૂટર પર ભાષા ઉતારવાનું તો વળી બધાથી કઠિન હતું. રતિકાકાએ જોયું કે કમ્પ્યુટરમાં તો ઘણા બધા ફોન્ટ આવે છે. કેટકેટલી ભાષાઓના ફોન્ટ. પણ એમાં ગુજરાતી ફોન્ટ જ નહોતા. મતલબ સાફ હતો. ગુજરાતી ચોપડીઓમાં અને શબ્દકોશોમાં જ સીમિત થઈને રહી જવાની હતી. એને આધુનિક રંગ નહોતો ચડી શકાવાનો.
એમણે વધારે ઝનૂનપૂર્વક કામ શરૂ કર્યું. સૌ પ્રથમ એમણે ટાટા કંપ્નીનો સંપર્ક કરી જોયો. પણ એમને ગુજરાતી ફોન્ટ બનાવવામાં રસ નહોતો. ફરતાં ફરતાં એક ફ્રેન્ચ મહિલા સાથે સંપર્ક થયો. એ ફોન્ટ બનાવવા તૈયાર થઈ. બનાવી પણ આપ્યા. પણ ખાટલે મોટી ખોટ પડી જોડાક્ષરોની. જોડાક્ષરો વિના તો ગુજરાતી ભાષા સંભવી જ કેવી રીતે શકે? ફ્રેન્ચ મહિલાએ જોડાક્ષરો માટે બહુ મોટી રકમ માંગી. કાકાને ભાષા માટે ખર્ચ કરવામાં કોઈ વાંધો નહોતો. એ તો વરસોથી જાત ઘસતા આવ્યા હતા. પણ એમને વ્યવહાર યોગ્ય ના લાગ્યો. વેપારની રીતરસમ યોગ્ય ના લાગી.
ફરીવાર એ પોતાની ઝોળી લઈને ઘૂમવા માંડ્યા. ઘૂમતાં ઘૂમતાં મધુ રાયનો સંપર્ક થયો. આ ધુરંધર સાહિત્યકારના ફોન્ટ એમને પસંદ આવી ગયા. ફોન્ટ પસંદ આવવાથી કંઈ પતતું નહોતું. એમનું કાર્ય બહુ મોટું હતું. હજુ તો સ્પેલ ચેકર પણ બનાવવાનું હતું.
એમને ખબર પડી કે પૂનામાં બે યુવાનોએ હિન્દી સ્પેલિંગ ચેકર બનાવ્યું છે. રતિલાલ એમને મળવા માટે પૂના ગયા. બંનેને ગુજરાતી સ્પેલ ચેકર બનાવી આપવાની તૈયારી બતાવી.
હવે પ્રશ્ર્ન આવ્યો ટાઈપ્નો. આખો શબ્દકોશ ટાઈપ કરવાનો હતો. ગુજરાતી ટાઈપ જાણે એવા લોકો મળતા નહોતા. રતિલાલના ખાંખાખોળાંને અંતે મુંબઈના એક ગુજરાતી સમચાર પત્રના બે પાર્ટ ટાઈમ કંપોઝર મળી ગયા. એ પછી રતિલાલના સેક્રેટરી, બે ડ્રાઇવર અને બીજા ત્રણ જણને પણ ગુજરાતી ટાઈપ શિખવાડી દેવામાં આવ્યું અને સાચા અર્થ સારા કાર્ય માટે ધંધે લગાડી દીધા. ઉપરાંત એ પોતે તો ખરા જ. બધાએ ભેગા મળીને ગાંધીજીના ખિસ્સાકોશ અને ગુજરાતી સાર્થ જોડણીકોશને કી-બોર્ડ વાટે કમ્પ્યૂટરમાં ઉતારવા માંડ્યું. વરસો સુધી આ કાર્ય ચાલ્યું અને આ રીતે શરૂઆત થઈ ગુજરાતી ભાષાનું સંવર્ધન કરતી સાઈટ ગુજરાતી લેક્સિકોન ડોટકોમની.
આજે આ સાઈટ ગુજરાતી વાંચતા, લખતા, શીખતા લોકોની માનીતી સાઈટ છે. એ પછી તો આ સાઈટ પર જાતભાતની સુવિધાઓ ઉપલબ્ધ થઈ. સ્પેલચેકથી માંડીને વિરોધી શબ્દો, સાર્થકોશ, લોકકોશ, બાળકો માટેની રમતો, કિવઝ અને મોબાઈલ એપ્લિકેશન્સ ગુજરાતી ઓન લાઈન અને ઓફ લાઈટ ડિક્શનરી ઉપરાંત સમગ્ર ભગવદ્ ગો મંડળ પણ આ સાઈટ પર ઉપલબ્ધ છે.
આ ભગીરથ કાર્ય કરનારા રતિલાલ ચંદરિયાએ ભાગ્યે જ કોઈ કરી શકે તેવું કાર્ય કર્યું છે. ભાષાના સંવર્ધન માટે રેલીઓ કાઢતા અને પોતાના સંતાનોને અંગ્રેજી મીડિયમમાં ભણાવતા મહોરાબાજ સાહિત્યકારો કરતાં આ માણસ ઊંચો સાબિત થયો છે.
એમણે કેટલું મોટુ કાર્ય કર્યું છે એ જાણવું હોય તો એકવાર શબ્દકોશમાંથી એક શબ્દનો અર્થ શોધી જોજો. ખબર પડી જશે. શબ્દકોશમાંથી શબ્દ શોધવો હોય તો પહેલાં તો કક્કો અને બારાક્ષરી આવડવા જોઈએ. અને ધીરજ જોઈએ એ જુદી.
પણ અહીં તો આંગળીના ટેરવે બધું જ છે. માત્ર એક શબ્દ ટાઈપ કરો એટલે આંખના પલકારામાં તમને એનો અર્થ, એનો વિરોધી શબ્દ, પર્યાય બધું જ હાજર થઈ જાય. અરે ભગવદ્ ગો મંડળમાં આપેલા વિગતવાર અર્થ પણ આંગળીના ટેરવે જ મળી જાય.

રતિકાકાએ જીવનનાં અમૂલ્ય 25 વર્ષ કરતાં વધુ સમય આ પ્રકલ્પ પાછળ આપ્યો છે. તેમની પ્રથમ પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં ગુજરાતી લેક્સિકોન પરિવાર તથા સમગ્ર ભાષાપ્રેમીઓ ખૂબ જ આદર, સન્માન અને અહોભાવની ભાવના વહાવે છે. તેમના સ્મૃતિપર્વ નિમિત્તે ગુજરાતીલેક્સિકોન કેટલીક પ્રસ્તુતિઓ આપણી સમક્ષ રજૂ કરે છે.
સ્વાહિલીલેક્સિકોનની રજૂઆતfront_logo

સ્વાહિલી ભાષા આફ્રિકાના દક્ષિણ-પૂર્વીય ભાગના દેશો કેન્યા, ટાન્ઝાનિયા, યુગાન્ડા, રવાન્ડા, બરુન્ડી, મોઝામ્બિક વગેરે દેશોમાં બોલાતી ભાષા છે. કેન્યા, ટાન્ઝાનિયા, યુગાન્ડા અને કોંગો – આફ્રિકા સંઘના આ ચાર દેશોની અધિકૃત માન્ય ભાષા ગણાય છે. શરૂઆતનાં વર્ષોમાં આ ભાષા અમુક મર્યાદિત પ્રદેશમાં જ બોલાતી હતી પણ વૈશ્ર્વિક ફેલાવાની સાથે સાથે ભાષાનો વ્યાપ પણ વધવા લાગ્યો.
જે દેશમાં આપણે રહેતા હોઈએ તે દેશમાં બોલાતી ભાષા તે દેશની વ્યક્તિ માટે અનિવાર્ય ભાષા હોય છે. આજે સેંકડો વર્ષોથી ગુજરાતી પ્રજાનો પૂર્વ આફ્રિકાની ધરતી સાથે ઘનિષ્ઠ સંબંધ છે. ધંધા-ઉદ્યોગ, નોકરી કે અન્ય કારણોસર સ્વાહિલી ભાષા બોલાતા પ્રદેશોમાં ઘણા ગુજરાતી લોકો વસ્યા છે અને તેમાંની ઘણી વ્યક્તિઓ ‘કામચલાઉ’ સ્વાહિલી ભાષા જાણે છે.
સ્વાહિલી – ગુજરાતી, ગુજરાતી – સ્વાહિલી મુજબ ભાષાવ્યવહારમાં વપરાતા અગત્યના શબ્દો તથા વાક્યોની વેબસાઇટ અને મોબાઈલ એપ્લિકેશન દ્વારા અહીં રજૂઆત કરવામાં આવી છે. આજે જ અહીં આપવામાં આવેલી લિંક વડે આ વેબસાઇટની મુલાકાત થઈ શકશે. તથા તમારા એન્ડ્રોઇડ ફોનમાં આ એપ્લિકેશન ડાઉનલોડ કરી સ્વાહિલી ભાષાનો પરિચય મેળવી શકાશે.
Web: http://www.swahililexicon.com/
મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક : https://play.google.com/store/apps/details?id=com.arnion.swahilidict
ગુજરાતીલેક્સિકોન દ્વારા બે નવીન મોબાઈલ એપ્લિકેશનની રજૂઆત (1) સાર્થ ગુજરાતી જોડણીકોશ (2) કેમેરા એપ્લિકેશન.

સાર્થ જોડણીકોશ23

ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા પ્રકાશિત સાર્થ જોડણીકોશ ગુજરાતી ભાષાનો સૌથી પ્રમાણભૂત જોડણીકોશ ગણાય છે. ગુજરાતી શબ્દોની સાચી જોડણી જોવા માટેનો આ પ્રમાણિત કોશ છે. 68467 શબ્દો ધરાવતો આ શબ્દકોશ ઘણો જ સમૃદ્ધ તથા ઉપયોગી છે. ગૂજરાત વિદ્યાપીઠના સૌજન્યથી ગુજરાતીલેક્સિકોન દ્વારા એન્ડ્રોઇડ પ્લેટફોર્મ પર કાર્યરત તેની મોબાઈલ એપ્લિકેશનની રજૂઆત આપ્ની સમક્ષ રજૂ થઈ રહે છે. ગુજરાતી ભાષાના અભ્યાસ, સંશોધન અને લેખન વગેરે સંદર્ભે મોબાઈલના માધ્યમથી આ એપ્લિકેશન આપ્ને ખૂબ ઉપયોગી બનશે.
મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક : https://play.google.com/store/apps/details?id=com.arnion.sarthdict

કેમેરા એપ્લિકેશન24

અંગ્રેજી ભાષા ન જાણતાં અથવા આ ભાષાનું અલ્પજ્ઞાન ધરાવતા લોકો માટે આ મોબાઈલ એપ્લિકેશન ઘણી ઉપયોગી છે. આ એપ્લિકેશનની મદદથી કોઈ પણ અંગ્રેજી શબ્દનો આપ્ના મોબાઈલ દ્વારા ફોટો પાડો, ત્યારબાદ તે ફોટાને એપ્લિકેશનની મદદથી સ્કેન કરાવો અને પછી એપ્લિકેશનમાં આપેલ ભાષા રૂપાંતરણની મદદથી તે અંગ્રેજી શબ્દનો ગુજરાતી અર્થ આપ્ને ત્યાં જોવા મળશે. રોજબરોજના વ્યવહારુ તથા વ્યાવસાયિક કાર્યોમાં ભાષાના કારણે ઊભી થતી મુશ્કેલી આ એપ્લિકેશન દ્વારા સરળતાથી ટાળી શકાશે. ગુજરાતીલેક્સિકોનની આ નવીન મોબાઈલ એપ્લિકેશન આપ સૌને ઘણી ઉપયોગી સાબિત થશે.
મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક https://play.google.com/store/apps/details?id=com.arnion.glcamera

સુવિચાર વોલપેપર26

ગુજરાતીલેક્સિકોન વેબસાઇટ પર હવે તમે વિવિધ પ્રેરણાદાયી વિષયો અને મહાનુભાવોના પ્રેરક જીવનમાંથી વીણેલાં મોતી જેવા સુવિચારોના આકર્ષક વોલપેપર મેળવી શકો છો. આ વોલપેપર તમે વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી અને વિવિધ સોશિયલ મીડિયા પર તમારા મિત્રો સાથે શેર પણ કરી શકો છો.
વોલપેપર ડાઉનલોડ કરવા માટેની લિંક : http://www.gujaratilexicon.com/glwallpapers

27ગત વરસે રતિલાલની વિદાય થઈ ત્યારે માતૃભાષા જરૂર પોક મૂકીને રડી હશે. પણ એમના આ ભગીરથ કાર્યને જીવંત રાખવા માટે એમના ગયા પછી પણ લેક્સિકોન ટીમ ખૂબ જ જહેમત ઉઠાવી રહી છે અને અવિરત રીતે નવું નવું કંઈક કરતી રહે છે. હાલમાં તેમની વાર્ષિક પુણ્યતિથિ ઉજવાઈ રહી છે ત્યારે આ કાર્યનો વિકાસ કરીને લેક્સિકોન ટીમ એમને સાચી શ્રદ્ધાંજલિ આપી રહી છે. આપણે ખુદ ગુજરાતી ભાષાને મજબૂત કરીએ, નવી પેઢીને માતૃભાષાનું મહત્ત્વ સમજાવીએ અને ભાષાની માવજત કરી સ્વ. રતિલાલને સાચી શ્રદ્ધાંજલિ આપીએ. લેક્સિકોન ગુજરાતી ભાષાની પાઘડીની કલગી બની રહે એવી શુભેચ્છાઓ…
વર્ષ 2010માં ચતુર્થ વિશ્વ ગુજરાતી સમાજના સંમેલનમાં રતિલાલે કહેલા શબ્દો

21‘હું તો સંન્યાસ આશ્રમમાં પ્રવેશી ચૂક્યો છું.’ લેખક, સાહિત્યકારો કે કવિ બની શક્યો નથી. પણ દિલના ઊંડાણથી ગુજરાતી ભાષાને ચાહનારો પ્રેમી બન્યો છું. ‘ગુજરાતી ભાષા મરી રહી છે’ તેવી વાહિયાત વાતો સામે આ સાયબરનેટના જમાનામાં આપણું આ ગુજરાતીલેક્સિકોન એક અસરકારક, શાશ્ર્વત ઉપાયકારક પ્રદાન ગણાયું છે. પચીસ વરસની મહેનત, પાંત્રીસ લાખથી વધુ શબ્દો, વિશ્ર્વભરમાંથી કુલ ચાલીસ લાખ લોકો અને રોજના ત્રણ હજાર લોકોની મુલાકાત. ગુજરાતી પ્રજાને મહેણું હતું કે, તેને ભાષા અને પુસ્તકોમાં રસ નથી. શબ્દકોશોમાં તો જરાય નહીં પણ આ આંકડા જોતાં હવે કોણ કહી શકે કે મારી માતૃભાષા ગુજરાતી મરવા પડી છે?’
***
વર્ષ 2005માં ગુજરાતીલેક્સિકોનની શરૂઆત વખતે રતિલાલે કહેલું, ‘આ આખા કાર્યક્રમ પાછળ મારી ઉમ્મીદ તો ફક્ત ભવિષ્યની ગુજરાતી પેઢી માટે કંઈક કરવાની જ છે. મેં આ કામ પાછળ પંદર વર્ષનો સમય ગાળ્યો છે. આ સ્પેલિંગ ચેકર પાછળ જ ચાર વર્ષ તો થયાં. 75 વર્ષની વયે આવતાં હવે આ કામ ચાલુ રાખવાની ધીરજ ખૂટતી રહી છે અને અઘરું જણાય છે. પણ એક વાત નિશ્ચિત છે કે નવી પેઢીની રુચિ ગુજરાતી તરફ કેળવવી હોય તો કોમ્પ્યુટર કે જેમાં શબ્દકોશ અને ઓટોમેટિક જોડણી સુધારવાની વ્યવસ્થા હોય તે દ્વારા જ શક્ય છે. આ કાર્ય સંપૂર્ણ થાય તો આવતીકાલના ગુજરાતીઓ ગૌરવ સાથે ગુજરાતી શીખી શકશે.’
…………………………………………………………………………………………………..
ગુજરાતી ભાષાનો પ્રચાર – પ્રસાર અને પુરસ્કાર કરવામાં સદાય તત્પર રહેલ ગુજરાતીલેક્સિકોનનાં સેવાકાર્યોને પોતાના સામયિક માધ્યમ દ્વારા બિરદાવી ગુજરાતી ભાષાને સદાય જીવંત, સાહિત્ય અને સંસ્કૃતિની સુવાસ અનંકકાળ સુધી ફેલાવતી રાખવાના ભગીરથ કાર્યને વેગવાન બનાવવામાં સાધના સાપ્તાહિક પરિવારનો ખૂબ ખૂબ આભાર.

No Response to “સાધના સાપ્તાહિક કવરસ્ટોરી – માતૃભાષા ગુજરાતી હવે આંગળીના ટેરવે” »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment