Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.

15596_569464536401706_1069319877_n

આધ્યાત્મિક ગુરુ પૂજ્ય મોરારિબાપુ હિંદુ ધર્મ અને સંસ્કૃતિની મહાન ધરોહર સમા મૂલ્યવાન ધર્મગ્રંથ રામાયણના આધારે આદર્શ, સુસંસ્કૃત અને ચરિત્રવાન સમાજના નિર્માણ માટેના સઘન પ્રયાસો પોતાનાં ઉપદેશવચનો દ્વારા  કરી રહ્યા છે. તેમના એક પુસ્તક આનંદરાહ બતાવે રામાયણમાંથી એક પ્રકરણ અત્રે પ્રસ્તુત કરાયું છે. ચાલો તે વાંચનરૂપી જ્ઞાનગંગામાં ડૂબકી મારી પાવન થઈએ. 

………………………………………………………………………………………………………………………………………

માણસની દુઃખી થવાની પૂર્વતૈયારી જ તેને દુઃખી કરે છે. જો તમે દિલ પથ્થર જેવું રાખશો તો બીજાની તમારા તરફ ફેંકેલી ચિનગારી તેને સળગાવી નહિ શકે અને તમે દુઃખી નહીં થાવ. પણ જો તમારું દિલ ઘાસથી ભરેલું હશે તો તમારા તરફ બીજાની ફેંકેલી ચિનગારી ભડકો જ કરશે તેમાં શંકા નથી. જે દુઃખી થવાની તૈયારી સાથે બેઠો છે તેને કોઈ સુખી નથી કરી શકતો અને જેને દુઃખી નથી જ થવું તેને ઈશ્વર પણ દુઃખી નથી કરી શકતો.

મારે ત્રણ વાત કહેવી છે.
[૧] આપણે સુખ સ્વરૂપ છીએ છતાંય દુઃખી થઈએ છીએ. એનું કારણ છે આપણી ઈર્ષ્યા અને દ્વેષ.
[૨] બીજું, લોભ પ્રકૃતિ. લોભને કારણે આપણા મનમાં આવતી લુચ્ચાઈ.
[૩] જેનો રોટલો ખાતા હોઈએ એને દગો દેવાની વૃત્તિ.
આવું જીવો. પછી ભલેને દુનિયા તમને થ્રી ઈડિયટ કહે ! એની ચિંતા કરશો નહીં, અમુક દુઃખો આપણે જ ઉપજાવ્યા છે. પરમતત્વ પૂરેપૂરો આપણાં હૃદયમાં બિરાજમાન હોય છતાંય આપણે દુઃખી કેમ છીએ એ જેને સમજાય તેના હાથમાં સુખી થવાની કુંચી આવી જાય અને દુઃખી થવું મુશ્કેલ થઈ જાય. થોડી મૂઢતા ને અહંકાર મૂકીએ તો આપણાં જીવનમાં સુંદર રજવાડું પ્રગટે. ગમે તેવી પરિસ્થિતિને વિવેકથી સવળી કરવાના પ્રયત્નો કરો તો દુઃખી થવું અઘરું છે. જો કે સુખી થવાની સમજણ મેળવતા પહેલા દુઃખનાં કારણો સમજી લેવા પડશે. જીવ દુઃખી કેમ છે ? એ બહુ મોટો પ્રશ્ન છે. જીવતાં આવડે તો દુઃખી થવું અઘરું છે, સુખી થવું અઘરું નથી. સુખ તો આપણો સ્વભાવ છે. આનંદ આપણો સ્વભાવ છે પરંતુ આપણે દુઃખી થઈએ છીએ એનાં મુખ્ય કારણો નીચે મુજબ છે :

[૧] કાળ
ઘણીવાર કાળ આપણને દુઃખ આપે; જેમ કે શિયાળામાં બહુ ઠંડી પડે. માણસ કાળ પરિવર્તન કરી શકતો નથી. પણ જીવન પદ્ધતિમાં પરિવર્તન કરી શકે છે. બહુ ઠંડી પડે તો ધાબળો ઓઢો અને ગરમી હોય તો એનો ઉપાય કરાય. પણ સ્વભાવ માણસને દુઃખી કરે છે. આપણા દુઃખનું એક કારણ તો કાળ છે. ભગવાન કૃષ્ણે એને દુઃખાલય કહી દીધું. આ દુઃખનું આલય છે, આમાં તમે ગમે તેટલા ફાંફા મારો, દુઃખ જ રહેવાનું. કાળથી દુઃખ આવે, ધરતીકંપ થાય ને દુઃખ આવે, એમાં આપણે શું કરવાનું ? પંખાનું બટન ફેરવ્યું ને ધરતીકંપ થયો એવું થોડું છે ? કાળજનિત દુઃખ છે. અતિવૃષ્ટિ થઈ, કાળજનિત દુઃખ છે. અનાવૃષ્ટિ થઈ, કાળ દ્વારા કોઈ રોગ એક સાથે ફેલાઈ જાય, આખી દુનિયામાં દુકાળ પડે, એ બધું કાળ આધારિત છે. એમાં આપણું કંઈ ન ચાલે, તો આવા કાળ આધારિત દુઃખ માટે માણસે અફસોસ નહિ કરવો જોઈએ. હરિ ભજતાં ભજતાં એને સહીએ. એના માટે એમ કહીએ કે આમ કેમ ? એ ખોટી અજ્ઞાનતા છે.

[૨] કર્મ 
બીજું દુઃખ કર્મ આધારે છે. આપણે જેવું કર્મ કરીએ એવું ફળ મળે. હવે કેટલાંક કર્મો એવાં છે કે આપણને યાદ હોય કે આ જન્મમાં આવાં કોઈ કર્મો કર્યાં નથી, છતાંયે દુઃખ મળે, તો એનો અર્થ એ છે કે જન્મજન્મનાં કર્મો પડ્યાં છે, એનું ફળ આવે છે, એમાંયે આપણું કંઈ ચાલે એમ નથી, કોઈ કર્મના ફળ હશે એ ભોગવીએ છીએ.

[૩] ગુણ
દુઃખનું ત્રીજું કારણ છે ગુણ – જે વસ્તુની બનાવટ જ ભેળસેળવાળી હોય, એ વસ્તુ સુખ આપી શકે નહિ. ‘बिधि प्रपंच गुन अवगुन साना’ (1-6/4) સાના એટલે માટીમાં જે પાણી ભળી જાય, પછી એના પિંડામાંથી માટલું બનાવો, જે ઘાટ ઘડવો હોય તે ઘડાય. જેમ માટી અને પાણી ભળી શકે, સાનાનો અર્થ થાય છે એકબીજામાં ઓતપ્રોત થઈ જવું. આ બ્રહ્માની સૃષ્ટિ જ ભેળસેળવાળી છે અને મૂળમાંથી જ જે ભેળસેળ હોય, એ આપણને સુખ શું આપી શકે ? ગુણ જન્ય દુઃખ મૂળ ધાતુના ગુણ ઉપર આધાર રાખે છે. પિત્તળના વાસણમાં છાશ રાખીએ તો તે કટાઈ જાય. આ મૂળ ધાતુ જન્ય ગુણ છે. ગુણ જન્ય દુઃખ મૂળ ધાતુના ગુણના લીધે ઉત્પન્ન થયેલ દુઃખ છે. સત, રજો અને તમો આ ત્રણ મૂળ ધાતુ ગુણ છે. સારા સગવડવાળા પલંગમાં ઊંઘ આવે એ તમોગુણ યોગ્ય છે, પણ કથા શ્રવણમાં ઊંઘ આવે તો તે તમોગુણ યોગ્ય નથી. રજોગુણ હોય તો જ આપણે પ્રવૃત્તિ કરીએ. કામના સમયે રજોગુણ યોગ્ય છે પણ ઊંઘવાના સમયે જો રજોગુણ આવે તો ઊંઘ ન આવે. આ દુઃખ છે. પૂજાપાઠ સમયે સતોગુણ ઉપયોગી પણ જો આ સમયે જો રજોગુણ કે તમોગુણ આવે તો તે યોગ્ય નથી. આમ રજો, તમો અને સતગુણ જો તેના યોગ્ય સ્થાને હોય તો તે યોગ્ય જ છે પરંતુ ભેળસેળ થાય એમાંથી દુઃખ જન્મે.

[૪] સ્વભાવ
દુઃખનું જે ચોથું કારણ છે, તે આપણા કાબૂની વસ્તુ છે. અને આપણે એમાં ફેરફાર કરી શકીએ. તુલસીદાસજી દુઃખનું ચોથું કારણ કહે છે સ્વભાવ. સ્વભાવ દ્વારા જે દુઃખ ઊભું થાય, એ આપણા હાથની વાત છે. એમાં આપણે ફેરફાર કરી શકીએ. ઘણાં માણસો એવા હોય છે કે દુઃખ હોય તોયે સ્વભાવને લીધે સુખ બનાવી દે. ઘણાં એવા હોય કે બધી રીતે સુખ હોય, પણ સ્વભાવને લીધે દુઃખ બનાવી દે. એને તમે શું કરો ? બધી રીતનું સુખ હોય, શાંતિ હોય, કોઈ રીતનું દુઃખ ન હોય તોયે બબડતાં હોય કે….મરી ગયાં… આમ થઈ ગયું… તેમ થઈ ગયું…. તો હવે આવા દુઃખનો જવાબદાર તો એ જ છે, બીજો કોઈ હોઈ શકે જ નહિ. સ્વભાવગત છે. આમાં કોઈ દેશ, ભાષા, સંપ્રદાય ન કારણ બની શકે, પણ સ્વભાવ દ્વારા દુઃખ ઉત્પન્ન થાય, એ આપણા કાબૂની વાત છે. ઘણાં માણસો દુઃખી હોઈ, એકલા હોય તો વાંધો નહિ. આપણી સાથે રહી આપણા પર ઢોળી નાંખે, દુઃખ વહેંચતો જાય. આ સ્વભાવનું કારણ છે.

[૫] પ્રભાવ
બીજાનો પ્રભાવ જે આપણાથી સહન નથી થતો, એમાંથી દુઃખ જન્મે છે. બીજાના પ્રભાવનું આપણને દુઃખ હોય છે અને એમાંય સમક્ષેત્રમાં તો બહુ જ. એક ગાયક હોય ને, બીજો પણ ગાયક હોય. એમાં એક ગાયક કરતાં બીજા ગાયકનો પ્રભાવ શ્રોતાવર્ગ ઉપર વધારે થાય તો પેલાને દુઃખ થાય. બીજાનો પ્રભાવ મારા ને તમારા જીવનમાં દુઃખ જન્માવે. આ માણસ આટલો પ્રભાવશાળી ? આ માણસ આટલો મહિમાવંત ? જ્યાં જાય ત્યાં એનો પ્રભાવ પડે. ગમે ત્યાં જાય એનો હોકો પડે એ આપણાંથી સહન નથી થતું. આ દુનિયા બહુ સમજુ છે. મેં જોયું છે ઘણી વખત દીકરાનો પ્રભાવ બાપાથી સહન નથી થતો કે મારો દીકરો આટલો મહાન થયો. એનો પોતાનો બાપ સહન નથી કરી શકતો. પતિનો પ્રભાવ પત્ની સહન ન કરી શકે કે પતિની જ વાહ વાહ થાય એ પત્નીથી સહન ન થાય. કોઈક ઘરમાં પત્નીનો એટલો બધો પ્રભાવ હોય તો પતિ સહન ન કરી શકે. બીજાનો પ્રભાવ જોઈને થતી જલન, દ્વેષ, ઈર્ષ્યા એ આપણા દુઃખનું કારણ હોય છે. કોઈ પણ ક્ષેત્રમાં આવું બને. ઘર, કુટુંબ, સમાજ, વ્યવસાય એમ દરેક ક્ષેત્રમાં વ્યક્તિ બીજાનો પ્રભાવ સહન કરી શકતો નથી. કોઈની સહેજ પ્રશંસા થાય કે ઈર્ષાથી સળગી ઊઠે. આમ, પ્રભાવ સહન ન થવો તે આપણાં દુઃખનું કારણ બને છે.

[૬] અભાવ
દુઃખનું અન્ય એક કારણ છે અભાવ. અમારી પાસે આ વસ્તુ નથી. કપડાં નથી, રોટી નથી, મકાન નથી, ઉત્સવ હોય ત્યારે અમે ફરી શકતાં નથી. અમે અમારા છોકરાંને બરાબર ભણાવી શકતાં નથી. કોઈ બીમાર પડે તો દવા, અમુક વસ્તુઓનો અભાવ એ દુઃખનું કારણ છે. એની પાસે છે એટલું અમારી પાસે હોત તો અમે આમ કરત, તેમ કરત. અભાવ, પણ મારી દષ્ટિએ બધા પ્રાથમિક સૂત્રો છે. બુદ્ધનું આર્યસત્ય સમજવા માટેનું કદાચ પહેલું પગથિયું છે. અભાવ દુઃખ આપે. સમયનો અભાવ દુઃખ આપે, પૈસાનો અભાવ દુઃખ આપે, કોઈ પણ અભાવ દુઃખ આપે.

[૭] નિભાવ
નિભાવ પણ દુઃખનું એક કારણ છે. નિભાવ નથી થતો. અમે આટલી ભલાઈ કરીએ છીએ પણ અમારી ભલાઈની કોઈ અસર થતી નથી. સમયનો નિભાવ થતો નથી, સંબંધનો નિર્વાહ નથી થતો. અમે આટલો સંબંધ રાખ્યો પણ સામાવાળા બસ સંબંધને નિભાવતા જ નથી. આ નિભાવમાંથી દુઃખ જન્મે. નિભાવ નથી થતો. પતિ-પત્ની, ભાઈ-ભાઈ આ બધા વચ્ચે જેટલાં દ્વંદ્વો દેખાય છે તેનું કારણ છે નિભાવ. લોકો કહે ભાઈ અમારે ઘણું કરવું પણ સમય નથી મળતો, સમય નિભાવી શકતાં નથી, સંસ્કારોનો નિર્વાહ કરી શકતાં નથી.

[૮] કામના
ઈચ્છાઓનાં અનંતપણાથી દુઃખોનો જન્મ થાય છે. ઈચ્છા સદા સગર્ભા હોય છે. યોગીઓમાં પણ ઈચ્છા હોય છે, પણ તેનું સર્ગભાપણું દૂર કરી તેનો ગર્ભપાત કરાવી નાખે છે. ઈચ્છામુક્ત થઈ જાય છે. નિરપેક્ષ અને અનપેક્ષ થઈ જાય છે. બાકી ઈચ્છા તો દુઃખને જ જન્મ આપે છે. ખરેખર, જેટલી ઈચ્છા વધારે કરો, પછી રામ વનવાસ જઈને જ રહેશે. સુખ મેળવવાની ચાહના જ દુઃખ આપે છે. સુખ મેળવવા માટે જ દુઃખ પેદા થાય છે. સુખના પ્રયત્નો કરવા જતાં જ દુઃખ આવે છે. અતિત દુઃખ આપે છે, ભવિષ્ય ચિંતા ઉપજાવે છે જ્યારે વર્તમાન જ માણસને વ્યવહારુ બનાવે છે. એક સત્યને ભૂલવું નહીં કે સુખનો અતિરેક અંતે દુઃખમાં જ પરિણમે છે. દૂધપાકનો એક પ્યાલો પીએ તો સુખ મળે. બે-ત્રણ પીએ તો પણ સુખ મળે, પણ જો દસ-બાર પ્યાલા પીએ તો કદાચ બીમાર પણ પડી જઈએ. જીવનનું પણ આવું જ છે. સુખની અનંતકામનામાંથી દુઃખનો જન્મ થાય છે.

[૯] ભૂલ
ભૂલના કારણે દુઃખ આવે છે. ભૂલના કારણે જે દુઃખ આવે છે, તે ભૂલ મટવાથી સમાપ્ત થઈ જાય છે. તમે વ્યપારી છો. હિસાબમાં ભૂલ થાય છે, તો તમે દુઃખી થઈ જાવ છો. આ દુઃખનું નિવારણ ફિલ્મ, સંગીત કે કથા નથી. ત્યારે ટીવી ચાલુ હશે તો પણ સુખ નહીં મળે. પણ મુનિમજી આવીને ભૂલ બતાવશે કે સુધારી દેશે, તો તરત તમે સુખી થઈ જશો. કહેશો-ટીવી ઓન કરો. હિસાબ બરાબર થઈ ગયો. તમે સુખી થઈ ગયા. આપણા જીવનના મોટા ભાગનાં દુઃખો ભૂલનું જ પરિણામ હોય છે. ક્યાંક હિસાબમાં ગરબડ છે. આ દુઃખો ટકાઉ નથી. ભૂલ સુધરી. દુઃખ ગયું. અસત્ય બોલ્યા, ભૂલ કરી, તે ભૂલનું ફળ સત્ય બોલો તો દુઃખ ગયું. દુઃખ ભોગવો છો તો તે તમારા વિલંબના કારણે છે. ભૂલ સુધરી, દુઃખ ગયું. આ પાકું સૂત્ર છે. આ બધાં સૂત્રો નિંભાડામાંથી નીકળેલ પાકી ઈંટો છે. તેનાથી તો પ્રસાદ (ભવન) બની શકે છે.

[૧૦] ભય
તમે જાણો છો કે આ કરવા જેવું નથી, છતાં તમો કરો છો તેથી તમને દુઃખ થાય છે. શું બધા નથી જાણતા કે ખરાબ નજર કરવી બરાબર નથી ? છતાં બધા કરે છે. સમજદારી સાથે જે ભૂલ થાય છે, તે દુઃખ ઉત્પન્ન કરે છે. અધર્મ દ્વારા જે ધન ઉપાર્જન કરો છો તો ધન ભય જ આપશે. તમારી દષ્ટિમાં તે સુખ હોઈ શકે, પણ ભય તો કરશે જ. ટ્રેનમાં જે ટિકિટ જોવા આવે છે, તે જો કોઈ પાસેથી વધારાના કે ખોટા પૈસા લેશે તો તે ભયભીત રહેશે. પણ કુલીને કોઈ ભય નહીં હોય. પૈસા વધારે લેવાવાળો અધર્મ કરે છે, તો સૂક્ષ્મ ભય તેના પાછળ હોવાનો જ. ચેન નહીં મળે. અધર્મના આશ્રયથી કરેલ ભોગ બે વસ્તુ આપશે : રોગ અને અપયશ. અધર્મની છાયામાં ધર્મ પણ કરશો, તો તે પણ વિનાશ જ કરશે. અધર્મના આશ્રયથી આવેલ ધન તમે પુણ્યમાં લગાવશો, છતાં હિસાબ પૂરો નહીં થાય. તે આપણામાં જડતા, વિકાર, અનિત્યના વગેરે ગરબડો પણ ઊભી કરશે. આપણે દૃષ્ટા નથી. જે દૃષ્ટા બને છે તેમનું દુઃખ સમાપ્ત થઈ જાય છે.

……………………………………………………………………………………………………………………………………

No Response to “દુઃખનાં કારણો – પૂજ્ય મોરારિબાપુની નજરે” »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment