Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.

Gandhi Jayanti

આ હિન્દતણી, ફૂલવાડી, તેને એક મળ્યો’ તો માળી

પુષ્પ મધુરા ખીલ્યા અધૂરા, માનવ મનના પાક્યા પૂળા

માનવતાના પુષ્પ ખીલવવા મથી રહ્યો એ માળી……

સદા યાદ રહે એ માળી…..

ભારતની આંખો ભીની બની ગઈ, નંદનવાડી સૂની બની ગઈ,

લાખ ખરચતાં કદી ન મળશે, એ તો પોરબંદરનો માળી…..

સદા યાદ રહે એ માળી…..

આ હિન્દતણી ફૂલવાડી, તેને એક મળ્યો’ તો માળી

યુગ પ્રવર્તક દૃષ્ટા તેમજ વિશ્વમાનવ તરીકે નામના પ્રાપ્ત કરનાર ભારતીય સપૂત પૂજ્ય મહાત્મા ગાંધીનું જીવન એટલે ખુલ્લી કિતાબ, નવતર પ્રયોગશાળા અને જીવનના જ્ઞાન-વિજ્ઞાનનો ખજાનો. આ વિશ્વપુરુષે વિશ્વબંધુત્વની ભાવનાને ચરિતાર્થ કરવા માટે ઉત્તમ શિક્ષણ ચિંતન કર્યું.  તેઓના મતે બાળકના શિક્ષણનું  માધ્યમ માતૃભાષા જ હોવી જોઈએ આમ છતાં રાષ્ટ્રભાષા તરીકે હિન્દીનો અને આંતરાષ્ટ્રીય ભાષા તરીકે અંગ્રેજીનો સ્વીકાર તેઓએ પોતાના જીવનકાળ દરમ્યાન કર્યો હતો. આજે સમગ્ર વિશ્વ શિક્ષણના માધ્યમની ભાષા સંદર્ભે મૂંઝવણ અનુભવી રહ્યું છે. ત્યારે તે મૂંઝવણનો ઉકેલ ‘ગાંધી શિક્ષણ દર્શન’ માંથી પ્રાપ્ત થાય છે. ગાંધીજીની એક કેળવણીકાર તરીકેની ઓળખ પણ એટલી જ વિરાટ છે ! વિશ્વ વિચારક ‘ટોફલરે’ પણ  ગાંધીજીના વિરાટપણાને સ્વીકારતાં કહ્યું છે;

“21 મી સદી ટેકનોલોજીની દૃષ્ટિએ સેટેલાઈટનો ઉપયોગ કરતી હશે અને માનવમૂલ્યોની દૃષ્ટિએ ગાંધીને  અનુસરતી હશે.”

ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના મહાનાયક મોહનદાસ કરમચંદ ગાંધી, વિશ્વ માનવ હતા. મહાત્મા ગાંધી નામે વિશ્વભરમાં જાણીતા થયેલા ભારતની આઝાદીની ચળવળના નેતા હતા અને રાષ્ટ્રપિતા છે. તેમણે બ્રિટિશ રાજમાંથી આઝાદી મેળવવાની ભારતની ચળવળને દુનિયાના નક્શા પર મૂકી. તેમના આદર્શો ભારતમાં અને અન્ય દેશોમાં પણ શાંતિમય પરિવર્તનની ચળવળ માટે પ્રેરણાદાયક રહ્યા છે.

આત્મકથાકાર, નિબંધકાર, પત્રલેખક, સામયિક સંપાદક, અનુવાદક રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો જન્મ ગુજરાત રાજ્યના પોરબંદરમાં 2જી ઑક્ટોબર ઈ.સ. 1869 માં થયો.રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાંથી મેટ્રિક, શામળદાસ કોલેજ, ભાવનગરમાં પહેલું સત્ર પૂરું કર્યા પછી ૧૮૮૮માં લંડન પહોંચ્યા અને ૧૮૯૧માં બેરિસ્ટર થઈ પાછા ફર્યા. રાજકોટની અને મુંબઈની અસફળ વકીલાત પછી ૧૮૯૩માં આફ્રિકા ગયા. ૧૮૯૪માં ત્યાંના હિંદીઓના હક્કો માટે નાતાલ ઇન્ડિયન કોંગ્રેસની સ્થાપના કરી. સંઘર્ષ દરમિયાન રસ્કિન અને તોલ્સતોયના સાદગી અને સ્વાશ્રયના સિદ્ધાંતોને આધારે નવા જીવનપ્રયોગ માટે ૧૯૦૪માં ફિનિક્સ આશ્રમની અને ૧૯૧૦માં તોલ્સતોય ફાર્મની સ્થાપના કરી. ૧૯૦૪થી ૧૯૧૪ સુધી દક્ષિણ આફ્રિકામાં ‘ઇન્ડિયન ઓપિનિયન’ સાપ્તાહિકનું સંપાદન કર્યું. ૧૯૧૫માં હિંદ આવ્યા પછી એમણે અમદાવાદમાં ‘સત્યાગ્રહ આશ્રમ’ની સ્થાપના કરી. ૧૯૧૭માં બિહારના ચંપારણમાં ગળીની ખેતી કરતા હિન્દીઓ માટે એમણે અંગ્રેજો સામે પહેલી લડત આપી. પછી અમદાવાદના મિલમજૂરોની હડતાલને બળ પૂરું પાડ્યું. ૧૯૧૮માં ખેડા સત્યાગ્રહ આદર્યો. ૧૯૧૯માં રોલેટ એક્ટની સામે દેશભરમાં વિરોધસભાઓ અને પ્રાર્થના-ઉપવાસની હાકલ કરી. ‘નવજીવન’ અને ‘યંગ ઇન્ડિયા’નું સંપાદન માથે લીધું. ૧૯૨૦માં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ મારફતે સંપૂર્ણ અસહકારનું આંદોલન શરૂ કર્યું. એ જ વર્ષમાં અસહકારના કાર્યક્રમના ભાગરૂપે ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી. ૧૯૨૨માં અંગ્રેજો દ્વારા રાજદ્રોહનો આરોપ મુકાયો અને એમની ધરપકડ થઈ, પણ ૧૯૨૪માં એમને છોડી મુકાયા. ૧૯૨૪-૨૫ દરમિયાન એમણે અસ્પૃશ્યતાનિવારણ અને ખાદી અંગેનું રચનાત્મક કાર્ય ઉપાડ્યું. પછીથી ‘હરિજન’, ‘હરિજનસેવક’ ને ‘હરિજનબંધુ’ વૃત્તપત્રોનું સંપાદન પણ હાથ ધરેલું. ૧૯૨૮માં બારડોલી સત્યાગ્રહને માર્ગદર્શન આપ્યું. ૧૯૩૦માં પૂર્ણ સ્વાતંત્ર્યની પ્રતિજ્ઞા સાથે એમણે મીઠાના સત્યાગ્રહ માટે વિશ્વવિખ્યાત દાંડીકૂચ આરંભી. ૧૯૩૬માં અમદાવાદ મુકામે ભરાયેલા ગુજરાતી સાહિત્ય પરિષદના બારમા અધિવેશનના પ્રમુખ રહ્યા. ૧૯૪૨માં અંગ્રેજોને ‘હિંદ છોડો’ની હાકલ કરી. છેવટે ૧૯૪૭ની ૧૫મી ઓગસ્ટે ભારત સ્વતંત્ર થયું પણ એમની ઇચ્છા વિરુદ્ધ ભારતના ભાગલા પડ્યા અને કોમી રમખાણો ફાટી નીકળ્યાં. અંતે મુસ્લિમો તરફની એમની સમભાવનીતિથી છંછેડાયેલા ગોડસે નામના એક હિન્દુ મહાસભાવાદીએ દિલ્હીમાં પ્રાર્થના સ્થળ પર તેમની હત્યા કરી અને ‘હે રામ’ના ઉદગાર સાથે એમણે પ્રાણ છોડ્યા.

આમ ગાંધીજી અહિંસા અને સત્યને જ ઈશ્ચર ગણતા હતા. તેમના મતે અહિંસા અને સત્ય જ વ્યક્તિને ઉન્નતિનાં શિખરો સર કરાવે છે.

કવિવર શ્રી ઉમાશંકર જોશીએ તેમને ઉદ્દશીને લખ્યું છેઃ

મારું જીવન એ જ સંદેશ

મારું જીવન એ જ મારી વાણી, બીજુ એ તો ઝાકળ પાણી,
મારા શબ્દો ભલે નાશ પામો, કાળ ઉદર માંહી વિરામો.
મારું જીવન o

મારા કૃત્ય બોલી રહે તો ય, જગે કેવળ સત્યનો જય !
મારો એ જ ટકો આચાર, જેમાં સત્યનો જયજયકાર !
મારું જીવન o

સત્ય ટકો, છો જાય આ દાસ, સત્ય એ જ હો છેલ્લો શ્વાસ,
એને રાખવાનું કોણ બાંધી, એને મળી રહેશે એના ગાંધી;
જન્મી પામવો મુક્ત સ્વદેશ, મારું જીવન એ જ સંદેશ.
મારું જીવન o

તેઓ એક સાચા માનવ હતા અને માનવતાના પૂજારી હતા. તેમને મન નાતજાતના ભેદ ઓગળી ગયેલા હતા. હિંદુ-મુસ્લિમ પ્રત્યે તેઓ સમભાવ રાખતા. તે કોઈકને ગમ્યું નહિ હોય; તેથી ઉશ્કેરાઈને તેણે 1948 ના જાન્યુઆરીના તેમના બૉમ્બ ફેંકયો ! સદ્ભાગ્યે તેઓ બચી ગયા. તેમણે હુમલાખોરને ક્ષમા આપી, પણ 30 મી જાન્યુઆરીએ તેઓ જ્યારે સાંજની પ્રાર્થનાસભામાં જઈ રહ્યા હતા ત્યારે નથુરામ ગોડસે એ તેમણે ગોળીઓથી વીંધી નાખ્યા ! બે હાથ જોડેલા રાખીને “ હે રામ !’’ બોલીને આપણા રાષ્ટ્રપિતા આ ફાની દુનિયાને અલવિદા કહી ગયા. રામનારાયણ વી. પાઠકે ગાંધીજીને અંજલિ આપતાં કહ્યું  છે,

     સાતમાં પરણામ, ઓલ્યા મહાત્મા ને કહેજો રે,

           ઢોરના કીધા જેણે મનેખ.

ગાંધીજીનું વ્યક્તિત્વ જ અનોખું હતું. ભારતના પ્રત્યેક ક્ષેત્રમાં તેમના વ્યક્તિત્વની છાપ ઉપસી છે. તેમણે લખેલી આત્મકથા ‘સત્યના પ્રયોગો’ વિશ્વની આત્મકથા તરીકે પંકાઈ છે; આદર્શ આત્મકથા ગણાઈ છે.  ‘સત્યના પ્રયોગો’ ના પાનામાં મહાત્મા ગાંધીજીના જીવનનો વિનમ્રતાથી નીતરતો પરિચય મળે છે. સામાન્ય મનુષ્યમાંથી એક મહામાનવનું પ્રાગટય એટલે મહાત્મા ગાંધીજી ! ગાંધીજી એ પોતાની આત્મકથામાં પોતાના જીવનની સારી-નરસી પ્રત્યેક વાતોને વણી લીધી છે. તેમાં કંઈ પણ છુપાવ્યું નથી. તે જ તેમની સત્ય  પ્રિયતાની સાક્ષી છે. તેમનું આદર્શ જીવન જ એક ઉપદેશ છે. તેમના વિષે ટૂંકમાં કહેવું હોય તો –

એના મુખમાં જો કે રમતું રામ કેરું નામ છે,

ઓષ્ઠ પર એના સદા આદર્શના પૈગામ છે,

રાતના અંધારમાં મળશે જુદા સ્વરૂપમાં,

ઊજળું દેખાતું જીવન એનું ધામ છે.

ગાંધીજીએ કહ્યું હતું કે, “ મારે દુનિયાને નવું કશું શીખવાનું નથી, સત્ય અને અહિંસા અનાદિ કાળથી ચાલ્યાં આવે છે” અને છેલ્લે એ પણ કહી દીધું કે “મને વિસરી જાઓ, મારા નામને ના વળગો, તમારી પ્રત્યેક હિલચાલને ગજથી માપો અને આગળ ઉપર આવનારા દરેક પ્રશ્નોનો નિર્ભયપણે જવાબ આપો.”

ગાંધીજયંતી નિમિત્તે ગુજરાતીલેક્સિકોન આ મહામાનવ – વિશ્વમાનવ – યુગવિભૂતિના દેશપ્રેમ, દેશસેવા, માનવસેવા અને દેશ માટેની સમર્પણ ભાવનાને વંદન કરતાં અનહદ ગૌરવ અનુભવે છે.

 

 

 

 

No Response to “ગાંધી જયંતી – મહાત્મા ગાંધીજીનો જન્મદિન” »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment