Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.

Navaratri1

નવરાત્રી ઉત્‍સવ એટલે નવ રાતોનો મહોત્‍સવ, નવરાત્રી એટલે ગુજરાતની અસ્‍મિતા, ઓળખાણ. આ ઉત્‍સવ દરમ્‍યાન ગુજરાતીઓ શેરીઓમાં – પોળોમાં – મેદાનોમાં ગરબે ઘુમવા ઉમટી પડે છે.‘જયાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદા કાળ ગુજરાત‘ કવિની આ કાવ્‍ય પંક્‍તિને અનુરૂપ ફક્‍ત ગુજરાતમાં જ નહીં, પરંતુ જયાં જયાં ગુજરાતીઓ વસેલા છે, ત્‍યાં ત્‍યાં તેમણે આ ઉત્‍સવની મહેંક પહોંચાડી દીધી છે. નવરાત્રી આદ્યશક્તિ મા અંબાની ઉપાસનામાં ઉજવવામાં આવે છે. જેનાં ઘણાં રૂપો છે. દેવી એ શક્તિનું રૂપ છે. જે બુરાઇનો નાશ કરે છે. શિવની પત્‍ની પાર્વતીનાં પણ ઘણાં રૂપો છે. નવરાત્રીના નવ દિવસ દેવી-દેવતાઓને પ્રસન્‍ન કરવા માટે પૂજાપાઠ અને ચંડીપાઠ કરવામાં આવે છે.

યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્‍થિતા 
નમસ્‍તસ્‍યૈ નમસ્‍તસ્‍યૈ નમસ્‍તસ્‍યૈ નમો નમઃ

નવરાત્રી એ એકતા અને અસત્‍ય પર સત્‍યનો વિજયનો પ્રતીકરૂપ તહેવાર છે. નવરાત્રી ઉત્‍સવ માનવીને પોતાની ભૂલો સમજીને તેને સુધારવાની તક આપે છે. માનવીય સ્‍વભાવમાં ત્રણ પ્રકારના ગુણો આવેલા છે. જે તમોગુણ, બીજો રજો ગુણ અનેત્રીજો ગુણ સત્‍વગુણ .આ ત્રણેય ગુણો પર વિજય મેળવવા માટે ત્રણ ત્રણ દિવસ મા શક્તિની આરાધના કરવામાં આવે છે. નવરાત્રી દરમિયાન શ્રદ્ધાળુઓ માતાને રાજી કરવા માટે અને દુનિયામાં શાંતિ સદ્ભાવનું વાતાવરણ બનતું રહે તે માટે પ્રાર્થના કરે છે. દશમા દિવસે અસત્‍ય પર સત્‍યની જીતના પ્રતીક રૂપે વિજયા દશમી તહેવાર ઉજવવામાં આવે છે.

નવરાત્રિ એક એવો તહેવાર છે જેમાં માતાના નવરૂપનું પૂજન કરવામાં આવે છે. આમ તો હિન્દુ ધર્મમાં મુખ્યત્વે ગણપતિ, મહાદેવ, ભગવાન વિષ્ણુ, સૂર્ય, આદ્યશક્તિ મા દુર્ગા, વગેરેનું સ્થાન ઉપર છે. દરેક જીવાત્માના જીવનમાં પિતા કરતાં માતાનું સ્થાન ઊંચું હોય છે. પિતા કરતાં માતાનું મહત્ત્વ પણ વધુ હોય છે. માતા એ જનની છે. બાળકનુ પાલન-પોષણ કરે છે. માતા જ બાળકને સંસ્કાર પણ આપે છે. તેવી જ રીતે હિન્દુ ઘર્મમાં પણ માતાની ઉપાસનાનું વિશેષ મહત્ત્વ છે.

ૐ શક્તિ ૐ શક્તિ ૐ શક્તિ ૐ 
બ્રહ્મ શક્તિ, વિષ્ણુશક્તિ શિવશક્તિ ૐ 
આદિશક્તિ મહાશક્તિ પરાશક્તિ ૐ 
ઇચ્છાશક્તિ ક્રિયાશક્તિ જ્ઞાનશક્તિ ૐ

ગુજરાતમાં નવરાત્રી ઉત્‍સવ આસો સુદ 1 થી આસો સુદ 9 સુધી ઉજવાય છે અને આસો સુદ 10 વિજયાદશમી ને દિવસે માતાજીને વિદાય અપાય છે. પરંતુ દેવી સંપ્રદાય પ્રમાણે વર્ષમાં ચાર નવરાત્રી હોય છે –
ચૈત્ર સુદ 1 થી ચૈત્ર સુદ 9
અષાઢ સુદ 1 થી અષાઢ સુદ 9
આસો સુદ 1 થી આસો સુદ 9
મહાસુદ 1 થી મહાસુદ 9
આ ચારે નવરાત્રીઓમાં દેવી સંપ્રદાય વાળા એક સરખી રીતે ભક્‍તિ ઉપાસના કરે છે, પરંતુ આ ચારેયમાં બે નવરાત્રીઓનું મહત્‍વ વધુ છે – ચૈત્ર સૂદ 1 થી ચૈત્ર સુદ 9, આસો સુદ 1 થી આસો સુદ 9.
યોગાનુયોગ આ બન્ને નવરાત્રી દરમિયાન મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામ નો ઉલ્લેખ થાય છે. ચૈત્ર નવરાત્રીની સમાપ્તિ ચૈત્ર સુદ 9 એટલે ભગવાન શ્રી રામનો પ્રાર્દૂભાવનો દિવસ. અને દેવી ભાગવત અનુસાર આસો સુદ 1 થી આસો સુદ 9 ના દિવસોમાં ભગવાન શ્રીરામે આદ્યશક્‍તિ માતાની ઉપાસના કરીને વિજયાદશમીને દિવસે રાવણ સાથે યુદ્ધ કરવા લંકા જવા સમુદ્ર તટથી પ્રયાણ કર્યું હતું.

ગુજરાતમાં નવરાત્રીનો તહેવાર નવ દિવસ સુધી ઉત્‍સાહ અને ઉમંગની સાથે ઉજવવામાં આવે છે. તે નૃત્ય અને ભક્તિનો અનોખો મેળ છે. આ તહેવાર ભારતભરમાં ઉજવવામાં આવે છે. પણ ગુજરાત જેવા ગરબા કયાંય રમાતા નથી. નવરાત્રીના તહેવારની રાહ ગુજરાતીઓ જ નહિ, પરંતુ તેમની સાથે વસતા અન્‍ય પ્રદેશવાસીયો પણ રાહ જુએ છે. ગુજરાતીઓ માટે તો નવરાત્રી એક મહોત્‍સવ જ છે, જે દર વર્ષે ગુજરાતીઓને ઘેલા કરી મુકે છે. એક સરખા નવ દિવસ સુધી રાત્રે ગરબે ઘુમવું એ એક અણમોલ લ્‍હાવો છે, જે ગુજરાતીઓ દર વર્ષે મનભરીને માણે છે.

દર વર્ષે ઉજવાતી નવરાત્રીના સંગીત, નૃત્‍ય, પોશાકમાં નવીનતા જોવા મળે છે. આ નવીનતાની સાથે નવરાત્રીની પરંપરા અને સંસ્‍કૃતિ પણ અકબંધ રહે છે.

ગુજરાત ‘નવરાત્રી જ્યાં જીવન તહેવારોના રૂપે જીવાય છે.’ ઉજવે છે. આ નવ દિવસ દરમિયાન નૃત્‍ય અને સંગીતની ધૂમ ચાલે છે. નવરાત્રી ગુજરાતના ધાર્મિક મૂલ્‍ય, સમૃદ્ધ ઇતિહાસ, સંસ્‍કૃતિ, પરંપરાની ઝાંખી કરાવે છે. નવરાત્રી દરમિયાન પ્રવાસીઓ એક ઉજળા, સુંદર, ધાર્મિક અને પવિત્ર ગુજરાતની છાપ લઈને જાય છે.

…………………………………………………………………………………………………………………………………………………………….

ગુજરાતીલેક્સિકોન ગુજરાત તથા વિશ્વભરમાં વસેલા સૌ ઉત્સવપ્રેમી ગુજરાતીઓ જે નવરાત્રીનો ઉત્સવ ધામધૂમથી ઊજવે છે તેમને નવરાત્રીની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ પાઠવે છે.

 

 

 

No Response to “નવરાત્રી – ગરવી ગુજરાતનો ગૌરવવંતો ઉત્સવ” »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment