Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.

નામ : શાંતિભાઈ આર. ગાલા

જન્મતારીખ : તા. 29/06/1942

હોદ્દો : ડાયરેક્ટરશ્રી – નવનીત એજ્યુકેશન લિમિટેડ, અમદાવાદ તથા મુંબઈ

શ્રી શાંતિભાઈ ગાલા ‘નવનીત એજ્યુકેશન લિમિટેડ’, આ સંસ્થાના પાયાની ઈંટ સમાન છે. આજથી લગભગ 54 વર્ષ પહેલાં આ સંસ્થા શરૂ થઈ ત્યારથી સખત પરિશ્રમ દ્વારા શ્રી શાંતિભાઈએ જૂની પ્રિન્ટોલૉજીમાંથી અદ્યતન કોમ્પ્યૂટરાઇઝ્ડ પ્રિન્ટોલૉજી પર સંસ્થાને વિકાસોન્મુખ કરી પ્રગતિના શિખરે પહોંચાડી છે. આજે આ સંસ્થા અસંખ્ય શૈક્ષણિક પ્રકાશનો કરતી તથા 800 કરોડનું ટર્નઓવર ધરાવતી વિશાળ અને વિરાટ વટવૃક્ષ સમી બની છે. એના મૂળમાં શ્રી શાંતિભાઈનાં દીર્ઘદૃષ્ટિ, સમયસૂચકતા તેમજ પરિશ્રમ સિંચાયાં છે.

કલાત્મક સૂઝ, બાહોશ મુત્સદ્દીપણુ, આત્મીય વ્યવહાર, લેખકો સાથે મૈત્રીપૂર્ણ તથા ન્યાયી વર્તણૂક, ધૈર્ય વગેરે સદ્ગુણો થકી સંસ્થાનાં પ્રકાશનો શ્રેષ્ઠ બન્યાં છે તથા સંસ્થાનો વહીવટ પણ સુચારુ રહ્યો છે. આદરણીય મુરબ્બી શ્રી શાંતિભાઈનો માતૃભાષા ગુજરાતી પ્રત્યેનો આદર અને સ્નેહ ઉત્કૃષ્ઠ છે. તેમનો ગુજરાતી ભાષા અને સાહિત્ય પ્રત્યેનો પ્રેમ ગુજરાતીલેક્સિકોનને GL ગોષ્ઠિ પ્રોજેક્ટ અંતર્ગત આપેલા ઉત્તરો દ્વારા જાણી શકાય છે.

GL ગોષ્ઠિ પ્રોજેક્ટ અંતર્ગત, માતૃભાષા ગુજરાતીના પ્રચાર હેતુ તૈયાર કરાયેલી પ્રશ્નાવલિના તેમણે આપેલા રસપ્રદ ઉત્તરોને ચાલો વાંચીએ.

માતૃભાષા ગુજરાતીનો એક-બે વાક્યોમાં પરિચય આપવો હોય તો આપ શું આપો ?

‘વિશ્વે શોભતી રૂડી ગૂર્જરી, મધુર શી ભાષા ગુજરાતી અમ તણી’.

આપને ગમતા કોઈ ગુજરાતી ગીતનું નામ જણાવો.

‘હે જગજનની હે જગદંબા માત ભવાની, તું શરણે લેજે.’ – નારાયણ સ્વામી

આપને ગમતી કોઈ ટુંકીવાર્તા તથા નવલકથાનું નામ જણાવશો?

‘દિવ્યચક્ષુ’ (નવલકથા) – શ્રી રમણલાલ વસંતલાલ દેસાઈ

આપણી ભાષાઃ આપણી સંસ્કૃતિ– આ સૂત્રને આપના વિચારો મુજબ ટુંકમાં સમજાવશો ?

દરેક શબ્દ કે ભાષાને એનો ઐતિહાસિક તેમજ સાંસ્કૃતિક સંદર્ભ હોય છે, એ દૃષ્ટિએ ભાષા અને સંસ્કૃતિ એક સિક્કાની બે બાજુ છે.

ગુજરાતી ભાષાની કઈ ફિલ્મ આપને સૌથી વધુ ગમેછે? તથા આપના પ્રિય ગુજરાતી ફિલ્મી કલાકારો કોણ છે ?

ફિલ્મ : ‘લોહીની સગાઈ’, કલાકારો : અરવિંદ ત્રિવેદી, સ્નેહલતા, દિનુ ત્રિવેદી, પદ્મારાણી, સંગીત : અવિનાશ વ્યાસ

કયું ગુજરાતી નાટક આપને સૌથી વધુ ગમેછે?

‘સો ટચનું સોનું’.

આપના પ્રિય ગુજરાતી સાહિત્ય સર્જકોનાં નામ જણાવશો? ( કવિ – લેખક – નાટ્યકાર – નવલકથાકાર વગેરે…)

ર. વ. દેસાઈ, ક. મા. મુનશી, ચુનીલાલ મડિયા, ઉમાશંકર જોશી, સુંદરમ્, રાજેન્દ્ર શુક્લ, રમેશ પારેખ

આપનું મનગમતું ગુજરાતી પુસ્તક કયું છે ?

‘સોક્રેટિસ’, ‘સરસ્વતીચંદ્ર’, ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’ … વગેરે

આપને ગમતી એક-બે ગુજરાતી કહેવતો અથવા રૂઢિપ્રયોગો જણાવો.

‘લક્ષ્મી ચાંલ્લો કરવા આવે ત્યારે મોં ધોવા ન જવાય,’ ‘ખાખરાની ખિસકોલી સાકરનો શો સ્વાદ જાણે ?’ ‘લોહીનું પાણી થવું’, ‘પેટનું પાણી ન હાલવું’, ‘ખાંડાની ધાર પર ચાલવું’ … વગેરે

આપણે માતૃભાષાને ચાહીએ છીએ – આ બાબત કેવી રીતે સાબિત કરી શકીએ ?

માણસને સપનાં આવે તોપણ એની માતૃભાષામાં જ આવે.

માતૃભાષાના રક્ષણ, પ્રચાર, પ્રસાર માટે શું કરવું જોઈએ ? આપનાં મંતવ્યો જણાવો.

શૈક્ષણિક તેમજ રાજકીયક્ષેત્રે માતૃભાષાની મહત્તા વધે એ અંગે જોગવાઈ થવી જોઈએ.પુસ્તકો, જાહેર સમૂહ માધ્યમો તેમજ જાહેર જીવનમાં વ્યવહારમાં માતૃભાષાનો ચુસ્તપણે આગ્રહ રાખવામાં આવે.

ગુજરાતી ભાષાના પ્રચાર માટે બહુમૂલ્ય યોગદાન આપનાર એક-બે મહાનુભાવો તથા સંસ્થાઓનાં નામ જણાવશો.

શ્રી રતિભાઈ ચંદરિયા જેવાના વૈયક્તિક પ્રયાસો તેમજ ગૂજરાત વિદ્યાપીઠ, ગુજરાતી સાહિત્ય પરિષદ, ગુજરાત વિશ્વકોશ જેવી શૈક્ષણિક તેમજ સાહિત્યિક સંસ્થાઓ

આપના પ્રેરણાદાયી વિચારો ગુજરાતી ભાષાના એક-બે સુવિચારો દ્વારા અમારા મિેત્રોને કહો.

‘ભાષા કલ્પવૃક્ષ છે તેના દ્વારા જે માંગવામાં આવે તે તુરંત મળે છે. ’ – ચેપલ
‘માતૃભાષા સભ્યસમાજના નિર્માણનો પાયો છે. ’ – નરોત્તમ પલાણ
‘ભાષાની સમૃદ્ધિ સ્વતંત્રતાનું બીજ છે. ’ – લોકમાન્ય તિલક

No Response to “શ્રી શાંતિભાઈ ગાલા – માતૃભાષા ગુજરાતી હિમાયતી” »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment