Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.

મુક્ત હાસ્ય

August 5th, 2014 by GujaratiLexicon Team | No Comments »

એક વખત સૌવીર દેશનો રાજા રાહુગણ પાલખીમાં બેસીને કપિલ મુનિના આશ્રમે જતો હતો. રાહુગણ ધર્મજિજ્ઞાસુ અને પ્રજાપ્રેમી રાજા હતો. પાલખી ઉપાડનાર ભોઈ વારંવાર ખભા બદલાવતા હતા. તેનું કારણ પૂછતાં જણાયું કે, પાલખી ઉપાડનાર એક ભોઈનું માથું દુ:ખતું હતું એટલે તરત જ રાજાએ પાલખી નીચે મૂકાવી, કોઈક બીજા માણસને શોધવા માણસ મોકલ્યો.

થોડી વારમાં રાજાનો નોકર એક હૃષ્ટપુષ્ટ શરીરવાળા માણસને પકડી લાવ્યો એણે કમરે એક લૂગડું વીંટાળેલું હતું, પગ ઉઘાડા હતા, માથાના વાળની લટો ખભા ઉપર વીંખરાયેલી પડી હતી એ માણસ વારંવાર હસતો હતો. થાકેલા પાલખીવાળાને મદદ કરવામાં તેને આનંદ આવ્યો. આવતાંવેંત તેણે પાલખી ઉપાડી અને ઝડપથી ચાલવા લાગ્યો

એ નીચી નજર રાખીને ચાલતો હતો. પગતળે કીડીમકોડી, જીવજંતુ દેખાય એટલે તે લાંબા ડગ ભરતો. તેથી પાલખી ઊંચીનીચી થવા લાગી. અંદર બેઠેલા રાજાને આંચકા લાગવા માંડયા. એટલે એ રોષે ભરાયો. એણે બૂમ મારી : ‘અલ્યા, સરખી રીતે ચાલો. આંચકો કેમ લાગે છે?’

એક ભાઈ બોલ્યો : ‘મહારાજ ! એમાં વાંક નથી આ નવો માણસ આવ્યો છે તે સરખો ચાલતો નથી’

રાજાએ પડદો ઊંચો કરી બહાર જોયું અને તાડૂકીને કહ્યું : ‘અલ્યા, આમ કેમ ચાલે છે? સીધો ચાલ, પાલખી ઊંચીનીચી ન થવી જોઈએ. ખબરદાર !’

રાજાનાં વેણ સાંભળી એ માણસ સહેજ હસ્યો અને બોલ્યો : ‘ઊંચું શું ને નીચે શું? જાડું શું ને પાતળું શું? લાકડાની બનેલી પાલખી અને માટીના બનેલા ખભા ! લાકડાના સુંદર રંગેલા દાંડા આ હાડમાંસ તથા ચામડીથી લપેટેલા ખભા ઉપર મૂકેલા છે. માટીના ચાર માણસો, માટીના એક માણસને પાલખીમાં બેસાડી લઈ જાય છે. તું મને મારવાની બીક બતાવે છે, પણ મારવું શું ને જીવાડવું શું ? એની તો તને ગમ નથી. મોટો મુમુક્ષુ થઈને કપિલમુનિતા આશ્રમે જવા નીકળ્યો છે અને મને બીક દેખાડે છે ? મારવાથી કોઈ સુધર્યો જાણ્યો છે ?’

આવાં વચનો સાંભળતા જ રાજાએ એકદમ પાલખી ઊભી રખાવી. એ નીચે ઊતર્યો અને એ અજાણ્યા પુરુષને પગે પડી, બે હાથ જોડીને બોલ્યો : ‘મને ક્ષમા કરો. તમે કોઈ સાધારણ મનુષ્ય લાગતા નથી. કદાચ તમે કપિલ મુનિ પોતે હશો મારી પરીક્ષા કરવા આવો વેશ ધારણ કર્યો જણાય છે’

રાજાની નમ્રતા જોઈ એ પુરુષ પ્રસન્ન થયો, સહેજ હસીને બોલ્યો : ‘ભાઈ ! તું પાલખીમાંથી ઊતરી ગયો, મારે પગે પડ્યો, ક્ષમા માંગે છે, એ બધું નકામું છે. એમ તને ક્ષમા નહીં મળે. તારામાં ભારે અભિમાન રહેલું છે. રસ્તે જતાં માણસને તું આમ પાલખીએ વળગાડે છે ? આટલો સશક્ત છો, છતાં બીજા માનવબંધુને ખભે ચડીને શા માટે ચાલે છે ? કારણ કે તારા મનમાં ‘હું સૌવીર દેશનો રાજા’ એવું અભિમાન રહેલું છે, પણ તેમાં તારો વાંક નથી’ આમ કહેતાં એ પુરુષનાં નેણ નીચાં ઢળ્યાં. ઊંડો નિશ્વાસ મૂકીને એ ભારે અવાજે બોલવા લાગ્યો : ‘હું પણ તારા જેવો જ રાજા હતો. તેં ઋષભદેવનું નામ સાંભળ્યું હશે એનો અજનાબ નામનો રાજકુમાર જે પાછળથી ભરતના નામે વિખ્યાત બન્યો, એ ભરત અહીં તારી સામે ઊભો છે !’

રાહુગણ નવાઈ પામીને વચ્ચે બોલી ઊભો : ‘રાજર્ષિ ભરત તો સ્વર્ગવાસી થયા છે’

‘ના, ભરત સ્વર્ગવાસી નથી થયા.’ એ અજ્ઞાત પુરુષ ગંભીરતાથી બોલ્યા : ‘રાજપાટ છોડી એ તપ કરવા પુલહાશ્રમમાં ગયેલા. તપ કરતાં ભરતને એક હરણના બચ્ચાં ઉપર પ્રીતિ થઈ. એટલી બધી મમતા બંધાઈ કે મરતી વખતે ભરત મુનિનો જીવ એ બચ્ચામાં વળગી રહ્યો અને તેમને હરણનો અવતાર એવો પડયો.’

રાહુગણ એકાગ્રપણે સાંભળી રહ્યો

‘પરંતુ સદ્ભાગ્યે એ મૃગને પૂર્વ જન્મની સ્મૃતિ રહી, એ આશ્રમમાં જ એમણે શાંતિથી જીવન પૂરું કર્યું. પછી બીજે જન્મે અંગિરા નામના બ્રાહ્મણને ઘેર એ અવતર્યો. પૂર્વ જન્મથી આસક્તિનું, પૂર્ણ ભાન હોવાથી એણે કુટુંબના કોઈ પણ માણસ સાથે કશો સંબંધ ન રાખ્યો. અવધૂતની જેમ વિહરતા એ જડભરતને સૌએ ગાંડો ગણી કાઢ્યો. દૈવયોગે આજે એ તારા માણસોની ઝડપે ચડી ગયો અને તારી પાલખી ઉપાડવા આવી પહોંચ્યો’ આમ કહી જડભરત મુનિ બાળકની પેઠે હસી પડયા.

રાહુગણ રાજા તરફથી ભરત મુનિના પગમાં પડયા અને બોલ્યા : ‘અનેક વરસોની સાધનાથી, તપશ્ચર્યાથી, શાસ્ત્રોના અભ્યાસથી જે જ્ઞાન ન મળે, તે આજે મને આપના સમાગમથી પ્રાપ્ત થયું, આજે હું કૃતાર્થ બન્યો છું’ આમ કહી રાહુગણ રાજાએ પોતાના સેવકોને કહ્યું : ‘ભાઈઓ ! તમે હવે તમારી ઇચ્છા હોય ત્યાં જાઓ. મારે જ્યાં જવું હશે ત્યાં પગે ચાલીને જઈશ. મારા પગમાં શક્તિ હતી, પણ મનમાં ન હતી, તે આ મહાત્માના દર્શનથી પ્રાપ્ત થઈ છે’

રાહુગણનાં વચનો સાંભળ્યા ન હોય તેમ જડભરત મુનિ પ્રથમની પેઠે સહજ હાસ્ય હસીને નદીતીરે આવેલા અરણ્યમાં અદૃશ્ય થયા.

-પ્રાચીન ધર્મકથા પરથી (દૃષ્ટિ તેવી સૃષ્ટિ)

No Response to “મુક્ત હાસ્ય” »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment