Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.

પ્રેરણાની પળોમાં

July 14th, 2014 by GujaratiLexicon Team | No Comments »

[1] તમારી જાતને મહત્તા બક્ષો

Whatever your work is
Dignify it
With your best
Thought and effort – E. Baldwin York
તમારા ભાગે આવેલાં કામ કે નોકરીને નીચાં ન ગણો. જે પ્રવૃત્તિ હાથ ધરી હોય કે કામ સોંપાયું હોય તેને તમે મહત્તા બક્ષો. તમે જ તમારા કામને નીચું ગણશો તો બીજાઓ તેને કેમ મહત્વનું ગણશે ? એક વખત તમે તમારી જાતને મહત્તા આપશો એટલે તે નીચું કામ પણ મોટું બનશે. કામ હાથમાં લીધા પછી તમામ વિચારો અને પ્રયાસો તમારા કામને ઉદાત્ત બનાવવામાં લગાવો. ભગવાન તમને જરૂર મદદ કરશે.

[2] સુખમાં સ્વાવલંબન

Happiness is inward
not outward
So it does not depend
on what we have
but on what we are. – Henry Van Dyke
સુખ શોધવા લાંબા હાથ કરીને અને એ હાથને ચીજવસ્તુઓથી ગંદા કરવાને બદલે સુખ આપણી અંદરથી જ શોધવું જોઈએ. ટેલિવિઝન, ટેપરેકર્ડર કે રેફ્રીજરેટરમાંથી સુખ મેળવવાનાં ફાંફાં ફોગટ છે. કોઈ ચીજ આપણી પાસે હોય તો જ સુખી થઈ શકીએ એવી શરત ખતરનાક છે. સુખ બિનશરતી છે અને તે હંમેશાં હાજર છે. આપણે શું છીએ, કેવા છીએ અને કેટલા સબળ છીએ તેના ઉપર સુખનો આધાર છે. તમે જેટલા નક્કર હો અને આંતરિક રીતે મજબૂત હો તેટલું તમારું સુખ શાશ્વત છે.

[3] પ્રશંસાની આકરી કિંમત

Applause is the
Beginning of abuse – Japanese Proverb
બીજા લોકો તમારાં વખાણ કરે તેમ ઈચ્છતા હો તો કદી જ તમારાં વખાણ જાતે કરતા નહિ. એ પ્રકારે તમારી ટીકા કારણ વગર થતી હોય કે તમે નિર્દોષ હો છતાં ખોટા આક્ષેપ થતા હોય ત્યારે બચાવ કરવાને બદલે ચૂપ રહેજો. જ્યોર્જ બર્નાર્ડ શૉ એ કહેલું કે ‘સાયલન્સ ઈઝ ધી મોસ્ટ પરફેકટ એક્સપ્રેશન ઑફ સ્કોર્ન’ તમે માત્ર ચૂપકીદી ધારણ કરીને શ્રેષ્ઠ વિરોધ નોંધાવી શકો છો. વખાણની લપેટમાં આવી જવાનું બહુ સહેલું છે. પણ જ્યારે તમે પ્રશંસાના વ્યસની થઈ જશો ત્યારે બાહ્ય વખાણ ઉપર જ તમારું સુખ અવલંબિત રહેશે. તમારા સુખની ચાવી બીજાની પેટીમાં ચાલી જશે. વળી તમે પ્રશંસાને પાત્ર ન હોવા છતાં પ્રશંસા થતી હોય તે તો બહુ ખતરનાક છે. એ તો એક જાતનો કટાક્ષ છે અને જ્યારે તમારે માટે તાળીઓ પડવા માંડે ત્યારે ધ્યાન રાખજો કે એ જ તાળી પાડનારા હાથ કદાચ તમારા ગાલ ઉપર આવશે.

[4] ધ્યેય અને ઈચ્છા

Great Minds have
purposes,
Others have wishes – Washington Irving
કેટલાક લોકો નસીબ ઉપર આધાર રાખીને વિવિધ ઈચ્છાઓ કર્યા કરે છે. પરંતુ માત્ર ઈચ્છાઓ કરવાથી કંઈ વળતું નથી. કદાચ તમે કોઈ સારા કૉન્ટ્રક્ટ, સારી નોકરી, સારો ધંધાનો સોદો કે સારી પેઢીની અપેક્ષા કરો અને તે મળી પણ જાય. પરંતુ એ નોકરી કે સારા ધંધાને જાળવી રાખવા કે તેને સારી રીતે ચલાવવામાં નસીબ કામ લાગતું નથી. તેમાં તો તમારે તનતોડ મહેનત કરવી પડે છે. વળી માત્ર મહેનત કરવાથી બહુ મળતું નથી. દરેક વ્યવસાય કે ધંધો ઉપાડો ત્યારે તેમાં કંઈક ધ્યેય હોવું જોઈએ. મોટા મનનાં માણસો પાસે હંમેશાં કશુંક ધ્યેય હોય છે ત્યારે સરેરાશ શક્તિવાળા માત્ર ઈચ્છાઓ રાખે છે. તમે ઈચ્છાઓ રાખવા કરતાં ઊંચાં ધ્યેય રાખો. ઊંચું ધ્યેય માણસને પૈસાથી જ નહિ પણ અનેક રીતે સમૃદ્ધ બનાવે છે.

[5] દોસ્તી – જીવનનું ધાવણ

A real friend is one who
Walks in when the rest
of the world walks out – Walter Winchell
દોસ્તી વિશે એક વાક્યમાં એક વિદ્વાને લખેલું કે, ‘જો તમારે દુશ્મનો જોઈતા હોય તો બીજાથી ચપળ થઈને ટપી જાઓ. પણ જો તમારે મિત્રો જોઈતા હોય તો તેને તમારાથી આગળ થઈ જવા દો’ આ સ્પર્ધાત્મક જગતમાં પૈસા બનાવવા સહેલા છે પણ મિત્ર બનાવવા અઘરા છે. પૈસાથી દોસ્ત ખરીદી શકાતો નથી. પૈસાથી ખરીદાયેલો દોસ્ત વધુ પૈસાથી ખરીદાઈ જાય છે. ખલિલ જિબ્રાન જેવા ફિલસૂફે કહ્યું છે કે, ‘કશુંક આપવાથી મિત્ર બનતો નથી. તમારી માલિકીની કોઈ ચીજ આપો તેનાથી મિત્ર બનાવી શકાતો નથી. તમે નિષ્ઠાપૂર્વક તમારી આખી જાત આપો ત્યારે જ સાચો મિત્ર મળે છે.’ – પણ બધાને સાચા મિત્ર મળતા નથી. ખરો મિત્ર મેળવવા માટે પોતે ખરા બનવું જોઈએ. સાચો મિત્ર એ જ છે જ્યારે આખી દુનિયા છોડીને ચાલી જાય ત્યારે મિત્ર તમારી પાસે આવે છે. મારી દષ્ટિએ સાચો મિત્ર એ છે કે જે આપણી મૂંઝવણ અને નિરાશામાં કંઈ સલાહ આપવાને બદલે બોલ્યા વગર દિલાસો આપે.

[6] તમારી આંતરશક્તિને અનુસરો

A man who trims
himself to suit
everybody will soon
whittle himself away. – Charles Schwab
દરેક વ્યક્તિએ પોતાના ધોરણ મુજબ જ જીવવું જોઈએ. કોઈ બીજાએ ઘડેલી માર્ગરેખા ઉપર આપણે દોડી શકીએ નહીં. કોઈ સાહસ કરવા જઈએ તો બીજાના મતથી ડરીએ તો સાહસ થતું નથી. વળી તમારી જાતને બીજા લોકોના અભિપ્રાય પ્રમાણે ઘડ્યા કરશો તો લોકો પોતપોતાના મતથી તમારાં છોતરાં ઉડાવી દેશે. જગતના તમામ લોકોને તમે ખુશ રાખી શકતા નથી. કંઈક ઊજળું અને અનોખું કરવા જતાં, કોઈકને નારાજ કરવા જ પડશે. બીજાના રાજીપા માટે તમારી જાતને કે તમારા સિદ્ધાંતોને પાતળા બનાવી શકાય નહિ. બીજાના અભિપ્રાય ઉપર ચાલનારો જલદીથી નષ્ટ થઈ જાય છે. માત્ર તમારી આંતરશક્તિને અનુસરીને કામ કરો. આત્માનો અવાજ જ તમને સાચે રસ્તે પહોંચાડે છે.

[7] શાંતિથી બોલો

Nothing lowers
the level of conversation
than raising the voice – S.H.
ઘણી વખત આપણે સાચા હોઈએ ત્યારે ઉગ્રતાથી બોલવા માંડીએ છીએ. પરંતુ સત્યમાં પણ ક્યાંક ખાંચો રહી જતો હોય અને સામી વ્યક્તિ વધુ બુદ્ધિશાળી હોય ત્યારે તમારી ભૂલ પકડી પાડે તો તમારે ઢીલા થઈ જવું પડે છે. એટલે શ્રેષ્ઠ રસ્તો એ છે કે ગમે તેટલા સાચા હોઈએ છતાં સહિષ્ણુ બનવું. ખોટા માણસની વાત પણ શાંતિથી સાંભળવી. મિજાજ ગુમાવવાથી ઘણી વખત મુદ્દો ગુમાવી બેસીએ છીએ. દલીલમાં ઉગ્રતા લાવવાથી શક્તિ વેડફાય છે અને શાંતિથી બોલવાથી સામી વ્યક્તિ પ્રભાવિત થાય છે.

[8] સાધારણ છતાં સુંદર બનો

The Power of a man’s virtue
Should not be measured by
his special efforts, but by his
ordinary doing. – Blaise Pascal
કેટલાક લોકો ઓલિમ્પિકની રેસમાં દોડીને પ્રથમ નંબર મેળવવો હોય તે રીતે દોડીને એક કામમાં ઝળકી જાય છે, પણ એક કામમાં ઝળકી જવાથી જીવનની સમાપ્તિ થઈ જતી નથી. માણસે 24 કલાકની તમામે તમામ પળને સુંદર રીતે જીવવાની હોય છે. ઘણા લોકો સ્પેશિયલ પ્રયાસો કરવામાં કુશળ હોય છે પણ રોજિંદા જીવનમાં ઢંગધડો હોતો નથી. સ્ત્રીઓને ફૅશન શીખવતી નારી ફૅશનેબલ થઈને બહાર ફરે છે. તેના ઘરમાં ગંદકીના ઢગ હોય છે. આવી નારી રાતના ઉજાગરા કરીને ફૅશનેબલ ડ્રેસમાં પ્રથમ ઈનામ મેળવે તોપણ તેનો પ્રયાસ ધૂળ જેવો છે. જો પળેપળનું જીવન સુંદર અને વ્યવસ્થિત ન હોય તો આંજી દે તેવી એક સિદ્ધિ નકામી છે. જીવન એ કાંઈ ઓલિમ્પિકનું મેદાન નથી. રોજેરોજ સામાન્ય પ્રવૃત્તિમાં આપણે ઝળકવાનું છે. શાંત મન, પ્રેમાળ સ્વભાવ, ધીરજ અને સહિષ્ણુતાના ગુણોથી જ આ ઑર્ડિનરી જીવન જીવી શકાય છે. અસાધારણ બનીને રેઢિયાળ જીવન જીવવા કરતાં સામાન્ય બનીને સુંદર જીવન રાખવું વધુ સારું છે.

[9] વિચારનું મૂલ્ય મોટું છે

It is what we value
not what we have, that
make us rich – J. Harold Smith
માનવી કઈ વસ્તુને કીમતી ગણે છે તે મહત્વનું છે. માત્ર પૈસાને મહત્વનો માનનારો માણસ ધનવાન નથી. ઘણા લોકોને માનવ-હૃદયની કિંમત જ હોતી નથી. પૈસાની જ ગણતરી કર્યા કરે છે. જો આપણને આપણા ઝૂંપડાનું ખૂબ મૂલ્ય હોય અને એ ઝૂંપડાનું જતન કરીને અને તેને મહત્વનું ગણીને ચાલીએ તો તે ઝૂંપડું પણ મહેલ બની જાય છે. આખરે તો આપણા વિચારો જ આપણને ગરીબ કે સમૃદ્ધ બનાવે છે. એક સુંદર વિચારનો ઝબકારો લાખ્ખો રૂપિયા જેટલું મૂલ્ય ધરાવે છે. માણસે પોતાના વતી વિચારવાનું કામ બીજાને સોંપવું ન જોઈએ. જે બીજાના વિચારો પ્રમાણે ચાલે છે તે ગુલામ છે. તે પોતાની જાતનો દ્રોહી છે. હંમેશાં પોતાના વિચારો પ્રમાણે જ જીવવું જોઈએ. પોતાના વિચારો પ્રમાણે જ દરેક ચીજનું મૂલ્ય આંકવું જોઈએ. જો આપણે આપણાં મૂલ્યો સ્થાપિત કરીશું તો પૈસા નહીં હોય તોપણ આપણે ધનિક હોઈશું.

[10] જીવનથી મૂલ્યવાન બીજું કંઈ નહિ

Life is hard
But, compared to what ? – Sydney Harris
ઘણા લોકો કકળાટ કર્યા કરે છે કે, ‘ભાઈ, આ જીવન બહુ કઠિન છે.’ પરંતુ સંઘર્ષ વગરના જીવનમાં કોઈ સ્વાદ નથી. વળી, જીવન ગમે તેવું કઠણ હોય પણ જીવનની સરખામણીમાં બીજી કઈ સહેલી વસ્તુ જગતમાં છે ? શ્રી સિડની હેરીસ બહુ સરસ અને માર્મિક પ્રશ્ન પૂછે છે, ‘જો જીવન કઠિન હોય તો તે કઈ ચીજની સરખામણીમાં કઠિન છે ?’ આડકતરી રીતે તેઓ કહેવા માગે છે કે મૃત્યુની સરખામણીમાં તો જીવન ગમે તેટલું કઠિન હોય તોપણ જીવવા લાયક છે. મરી ગયા પછી તો કંઈ બાકી રહેતું નથી. એટલે જે જીવન મળ્યું છે તે કઠણ હોય તોપણ સ્વાદથી જીવો.

……………………………………………………………………………………………………………………………………………………………………..

સાભારઃ શ્રી કાન્તિ ભટ્ટ લિખિત ‘પ્રેરણાની પળોમાં’ પુસ્તકમાંથી

 15 જુલાઈ પ્રસિદ્ધ પત્રકાર, લેખક શ્રી કાન્તિ ભટ્ટનો જન્મદિન છે. તેમના જન્મદિન નિમિત્તે શુભેચ્છા પાઠવતાં તેમના પુસ્તકમાંથી કેટલાક પ્રેરણાદાયી વિચારો તેમના ચાહકો સુધી પહોંચાડી રહ્યા છીએ.

પુસ્તક પ્રાપ્તિની વિગતઃ

કુલ પાન : 68. પ્રાપ્તિ સ્થાન : નવભારત સાહિત્ય મંદિર. 202, પેલીકન હાઉસ, નટરાજ ટોકીઝ સામે, આશ્રમ રોડ. અમદાવાદ-380 009. ફોન : +91 79 26589671 , +91 79 26583787. ઈ-મેઈલ : [email protected].

No Response to “પ્રેરણાની પળોમાં” »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment