Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.

 

 

 anil-chavda

કવિ શ્રી અનિલ ચાવડા ખૂબ જ ઋજુતાસભર હૃદયના કવિ છે. વર્તામાનકાળે સાહિત્યજગતમાં તેઓ પોતાના વિશિષ્ટ કાવ્યવૈભવની ગરિમાને લીધે ખૂબ પ્રસિદ્ધ થયા છે. ખૂબજ અલ્પ સમયમાં કવિતાજગતમાં છવાઈ જનાર આ કવિ સરળ-નિખાલસ અને પ્રસન્નચિત્ત વ્યક્તિત્વ ધરાવે છે. …………………………………………………………………………………………..

તેમનો પરિચય તેમના શબ્દોમાં

હું સુરેન્દ્રનગર જિલ્લાના, લખતર તાલુકાના કારેલા ગામનો વતની છું, જે માંડ બે-અઢી હજારની વસ્તી ધરવતું એક સાવ નાનકડું અંતરિયાળ ગામ છે. આ ગામમાં મારો જન્મ થયો. હાલમાં અમદાવાદમાં રહું છું. મારું અમદાવાદમાં આવવું એ પણ એક અકસ્માત જ છે. કવિતા સાથેનો મારો સંબંધ માત્ર લોહીનો નથી, પરસેવાનો પણ છે. કારણ કે હું સાવ સાદા-સામાન્ય ખેડૂતનો દીકરો. રોજનું કમાઈને રોજ ખાનારા કામદારનો છોકરો. નાનપણથી શબ્દને ઘુંટતો રહ્યો, અને એ શબ્દ કવિતા સુધી લઈ જશે એવી કલ્પના પણ નહોતી. જિંદગીની દરેક પળે કવિતાએ મને જીવતો રાખ્યો છે.
હું કવિતા લખું છું, કારણ કે મારે પોતાને મળવું છે. કવિતા દ્વારા હું મારા શ્વાસને ઈસ્ત્રી કરીને રાખી શકું છું. મેં આગને કાગળના પડીકે બાંધવાના મિથ્યા પ્રયત્નો કર્યા છે, અને આ પ્રયત્નોમાંથી ઉદ્ભવી છે કવિતા. કવિતાએ મને નહીં આવેલાં આંસુને પણ લૂછવાની શક્તિ આપી છે. કવિતા દ્વારા હું મને જગત પાસે વંચાવી શકું છું.
કવિતા સાથેનો મારો સંબંધ એક પ્રેમિકા તરીકેનો, એક મા તરીકેનો, પિતા તરીકેનો, ભાઈ તરીકેનો, બહેન તરીકેનો, દોસ્ત તરીકેનો, દુશ્મન તરીકેનો, અજાણી વ્યક્તિ તરીકેનો એમ અનેક પ્રકારનો છે. એ મને અનેક વ્યક્તિ તરીકે, સ્થળ તરીકે, પ્રસંગ તરીકે અનેક રીતે મળે છે.
મારી કવિતા કેટલે અંશે સારી છે કે કેટલે અંશે સાચી છે તે વાચકો અને વિવેચકો નક્કી કરશે. મને મારા સુધી પહોંચતી કવિતાની કેડી જેવી સમજાઈ, દેખાઈ કે મારાથી જેટલી જાણી શકાઈ એ તમને જણાવવાનો પ્રયત્ન માત્ર કર્યો છે. મારો કોઈ જ દાવો નથી કે હું ગામડામાંથી અને એક સામાન્ય પરિવારમાંથી આવું છું એટલે હું ખૂબ જ સારી કવિતાઓ લખું છું – મહાન કવિતાઓ લખું છું. મારાથી જે કવિતા શ્વસાય એનો અહેવાલ માત્ર આપું છું આપને. આથી વિશેષ કંઈ પણ જાણવું હોય તો મારી કવિતાઓને પૂછો પ્લીઝ.

……………………………………………………………………………………………………………………………………………….

GL ગોષ્ઠિ પ્રોજેક્ટ અંતર્ગત, માતૃભાષા ગુજરાતીના પ્રચાર હેતુ તૈયાર કરાયેલી પ્રશ્નાવલિના તેમણે આપેલા રસપ્રદ ઉત્તરોને ચાલો વાંચીએ.

અમારી Gujaratilexicon ( GL) સાઇટમાં કયા વિભાગો આપને વધુ ગમે છે?

–     આ વેબસાઇટનો હું રેગ્યુલર ઉપયોગ કરતો નથી, એટલે કહેવું અઘરું છે.

GLનો એક-બે વાક્યોમાં પરિચય આપવો હોય તો શું આપો?

–     મેં જે પ્રમાણે આ વેબસાઇટ જોઈ તે જોતા લાગે છે કે ખરેખર ખૂબ જ નોંધનીય તથા પ્રસંશનીય કાર્ય થઈ રહ્યું છે.

 આપને ગમતા કોઈ ગુજરાતી ગીતનું નામ જણાવો.

–     ઘણાં બધાં ગમે છે, કોઈ એક કહેવું ખૂબ જ અઘરું છે.

રાવજી પટેલનું ‘’મારી આંખે કંકુના સૂરજ આથમ્યા’’ કે રમેશ પારેખનાં મીરાંગીતો, વરસાદ ભીંજવે કે અન્ય અઢળક ગીતો, અનિલ જોશીનું દીકરી વિશેનું ગીત તથા મારી કોઈ ડાળખીમાં પાંદડાં નથી કે માધવ રામાનુજ, ચન્દ્રકાન્ત શેઠનાં ગીતો કે અવિનાશ વ્યાસનાં ગીતો કે ગુજરાતી ફિલ્મનાં અમુક ગીત કે પછી લોકગીતો… ઘણાં બધાં…

 આપને ગમતી કોઈ ટુંકીવાર્તા તથા નવલકથાનું નામ જણાવશો?

–     ઈશ્વર પેટલીકરની લોહીની સગાઈ. સુંદર વાર્તા છે. આ સિવાય મડિયાની વાર્તાઓ પણ ખૂબ ગમેલી. ધૂમકેતુની વાર્તાઓ પણ ખરી. કોઈ એક વાર્તા પણ સંપૂર્ણ હૃદય નથી ઠરતું. ઘણા બધા સર્જકોની ઘણી બધી વાર્તાઓ ગમે.

–     નવલકથામાં પણ એવું. પન્નાલાલની મળેલા જીવ ખાસ સ્પર્શી ગયેલી. મૈત્રેયી દેવીની ન હન્યતે વાંચીને પણ દિવસો સુધી એ નવલકથામાં ખોવાયેલો રહેલો. હમણાં આવેલી મેલુહાની શિવા ટ્રાયોલોજી પણ એટલી જ ગમી. ચેતન ભગતની ફાઇવ પોઈન્ટ સમ વન પણ સુંદર છે. અને આ સિવાય ગુજરાતી, હિન્દી,અંગ્રેજી ત્રણે ભાષાની ઘણી નવલકથાઓ ગમે છે.

 આપણી ભાષાઃ  આપણી સંસ્કૃતિ– આ સૂત્રને આપના વિચારો મુજબ ટુંકમાં સમજાવશો ?

–     ગુજરાતી ભાષા કે સંસ્કૃતિ વિશેની વધારે પડતી ચિંતાઓ નકામી છે. ગુજરાતી ભાષા હંમેશાં જીવવાની છે. પુસ્તક દ્વારા, ઇન્ટરનેટ થકી કે વાતચીત કે બોલીની ભાષા દ્વારા…

 ગુજરાતી ભાષાની કઈ ફિલ્મ આપને સૌથી વધુ ગમેછે? તથા આપના પ્રિય ગુજરાતી ફિલ્મી કલાકારો કોણ છે ?

–     ભવની ભવાઈ ફિલ્મ ખૂબ ગમી. પરેશ રાવલ ગુજરાતી કલાકાર તરીકે વધારે ગમે.

 કયું ગુજરાતી નાટક આપને સૌથી વધુ ગમેછે?

–     સૌમ્ય જોશી લિખિત દોસ્ત ચોક્કસ અહીં નગર વસતું હતું. ખૂબ જ ગમેલું. આજે પણ એના ડાયલોગ અને ગીતો મનમાં અકબંધ છે.

આપના પ્રિય ગુજરાતી સાહિત્ય સર્જકોનાં નામ જણાવશો?

સિતાંશુ યશશ્ચંદ્ર, રમેશ પારેખ, મરીઝ, મનોજ ખંડેરિયા, અનિલ જોશી તથા અન્ય… ધૂમકેતુ, મુનશી, ઈશ્વર પેટલીકર, ચુનિલાલ મડિયા, પન્નાલાલ પટેલ, વિનેશ અંતાણી, શરદ ઠાકર, કાજલ ઓઝા વૈદ્ય વગેરે.

આપણે માતૃભાષાને ચાહીએ છીએ આ બાબત કેવી રીતે સાબિત કરી શકીએ ?

–     પ્રેમ પોતે જ પ્રેમની સાબિતી છે. ગુજરાતી ભાષામાં વાત કરવી, ગુજરાતી પુસ્તકો વધારેમાં વધારે લોકો સુધી પહોંચે તેવા પ્રયત્નો કરવા. ગુજરાતી ભાષાને ઇન્ટરનેટના માધ્યમ થકી પણ વધારે પહોંચાડવી વગેરે પ્રયત્નો.

 માતૃભાષાના રક્ષણ, પ્રચાર, પ્રસાર માટે શું કરવું જોઇએ ? આપનાં મંતવ્યો જણાવો.

–     ગુજરાતી ભાષાના સાહિત્યિક તથા સાંસ્કૃતિ કાર્યક્રમો ઇલેક્ટ્રોનિક મીડિયા, પ્રિન્ટમીડિયા દ્વારા મોટા પાયે થવા જોઈએ. એટલા જોરશોરથી તેનો પ્રચાર અને પ્રસાર થવો જોઈએ. કોઈ ફિલ્મનો હીરો જે હદ સેલિબ્રિટી હોય તે હદે કોઈ લેખક થાય, ત્યારે ગુજરાતી ભાષાના સર્જકો અને ગુજરાતી ભાષા વધારે વેગવંતી થાય એવું મને અંગત રીતે લાગી રહ્યું છે.

 ગુજરાતી ભાષાના પ્રચાર માટે બહુમૂલ્ય યોગદાન આપનાર એકબે મહાનુભાવો તથા સંસ્થાઓનાં નામ જણાવશો ?

– ગાંધીજી, ગુજરાતી સાહિત્ય પરિષદ

 આપ કવિહૃદય છો તો આપનાં અંતરને અજવાળતા કાવ્યરૂપી ઓજસના એકાદ બે તેજલિસોટાથી અમને પણ અજવાળીદો.

–     શ્વાસને ઈસ્ત્રી કરી મેં સાચવી રાખ્યા હતા,
ક્યાંક અણધાર્યા પ્રસંગે જો જવાનું થાય તો!

–     અધીરો છે તને ઈશ્વર બધુંયે આપવા માટે,
તું ચમચી લઈને ઊભો છે દરિયો માગવા માગે.

–     જ્યારથી એ જણ કશાની શોધમાં છે,
ત્યારથી આખું જગત વિરોધમાં છે.

 

તેમનો વિસ્તૃત પરિચય આપણને તેમની આ વેબસાઈટ પરથી મળી રહેશે. http://www.anilchavda.com/

No Response to “અનિલ ચાવડા – અલ્પ સમયમાં કવિતાજગતમાં છવાઈ જનાર કવિ” »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment