Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.

ટેવોનું ઘડતર

February 20th, 2014 by GujaratiLexicon Team | No Comments »

                રણનું વાહન ઊંટ. સોદાગર ઊંટ ઉપર માલ ભરી એક સ્થળેથી બીજે સ્થળે જાય.લાંબું અંતર હોય ત્યારે વચ્ચે રણમાં રાત્રી રોકાણ કરવું પડે. અહીં એક કાફલાની વાત છે. એક કાફલાવાળાં રાત રોકાવાની તૈયારી કરવા લાગ્યા, પરંતુ તેમને ખ્યાલ આવ્યો કે રણમાં ઊંટોને બાંધવાના દોરડાં અને ખીલા,તેઓ અગાઉ જયાં વિશ્રામ કર્યો હતો ત્યાં ભૂલી ગયા છે. હવે શું કરવું? સૌ થાકયા હતા, રાત્રીવિરામ કરવો જરૂરી હતો. જો ઊંટને બાંધ્યા વગર રાખે તો રાત્રે રણમાં ક્યાંય ઉપડી જાય, જે પછી મળે જ નહીં. અગાઉ જયાં રોકાયા હતાં, તે સ્થળ ખૂબ જ પાછળ રહી ગયું હતું. ત્યાં જઈ દોરડાં અને ખીલા લઈ આવવાનું શકય ન હતું. ઊંટને બેસાડવા સૌ પ્રયત્ન કરવા લાગ્યા. પરંતુ ઊંટ કેમે કરી બેસે જ નહીં. એક વડીલ અનુભવી આ તમાશો જુએ. તેમણે સલાહ આપી કે તમે દરરોજ જેમ કરો છો તેમ દોરડાં લાવવાની,ઊંટના પગે બાંધવાની, ખીલા ખોડવાની, ત્યાં દોરડાની ગાંઠ વાળવાની,તમામ ક્રિયાઓ કરો. તમારે અભિનય એવો કરવાનો છે કે ઊંટને એમ જ લાગે કે તમે એને બાંધી રહ્યા છો. પેલા વડીલની સલાહ માની સૌએ તેમ કર્યું. દરરોજ જે ક્રિયાઓ કરતાં હતાં,ઊંટને બાંધવા જે પ્રકારનું કામ કરવું પડતું તે તમામ કામનો અભિનય તેમણે કર્યો. ઊંટને ઈશારો કરી બેસવાં કહ્યું અને સૌનો આશ્ચર્ય વચ્ચે તમામ ઊંટ દરરોજની માફક બેસી ગયાં.
               આખી રાત પસાર થઈ. સવારે ઊઠી સૌ જુએ છે, તો તમામ ઊંટ હતાં. એક પણ ઊંટ ક્યાંય ગયું ન હતું. તમામ બેઠાં હતાં. હવે કાફલાને આગળ વધવું હતું. તેઓ ઊંટને ઊભા કરવા લાગ્યા, પણ આ શું? ગમે તેમ કરે તોય ઊંટ ઊભા જ ન થાય. ખૂબ પ્રયત્ન કર્યા પણ ઊંટ ન ઊઠે. પેલા વડીલ સજ્જન આવ્યા. તેમણે સમજાવ્યું કે રાત્રે તમે ઊંટને બાંધવાનો અભિનય કર્યો છે પણ ઊંટ એમ જ માને છે કે હકીકતમાં તેમને બાંધી દેવામાં આવ્યાં છે. હવે જો તમારે તેમને ઊભા કરવા હોય તો, દરરોજ જેમ દોરડાં છોડવાની ક્રિયા કરો છો, તેનો અભિનય કરો તો જ ઊંટ ઊભા થશે. પેલા માણસોએ તે પ્રમાણે કર્યું ખીલેથી ગાંઠ છોડી, પગેથી દોરડું છોડયું-એ તમામ અભિનય કર્યો. ઊંટોને ઊભા થવા ઈશારો કર્યો અને એક જ ઈશારે ઊંટ ઊભાં થઈ ગયાં.
આ વાર્તા પાછળ મર્મ નીચે મુજબ છે
ટેવ અને વર્તન: આપણાં મનમાં એક વલણ, ઢાંચો બંધાઈ જાય છે પછી આપણે તે જ પ્રમાણે વર્તીએ છીએ. એક ચોક્કસ પ્રકારની વર્તન તરાહ વિકાસ પામે છે,પછી માણસ તે વર્તનતરાહ મુજબ જ હસે છે, રમે છે, ઝઘડે છે, કામ કરે છે, ખાય છે, સૂએ છે, મહેનત કરે છે. ટૂંકમાં જીવનની ઘણીબધી ક્રિયાઓ, તેનામાં રચાયેલ વર્તનતરાહ પ્રમાણે તે કરે છે. ક્રિયાઓને આ બાબત જેટલી લાગુ પડે છે તેટલી જ વિચાર પ્રક્રિયાને લાગુ પડે છે. વિચારોની એક તરાહ ઊભી થાય છે પછી માણસ તે તરાહ પ્રમાણે વિચારે છે. આ વિચાર અને વર્તનથી તરાહ આપણાં કૌટુંબિક, સામાજિક, શૈક્ષણિક વાતાવરણ, અને વ્યક્તિના પોતાના અનુભવની આંતરક્રિયાને પરિણામે રચાય છે. જો તે વ્યક્તિ જાગૃત્તિપૂર્વક સતત પ્રયત્ન કરે પોતાની વિચારતરાહ બદલી શકે અને વિચારતરાહ બદલાતાં વર્તનતરાહ સ્વાભાવિક બદલાશે, કારણ આપણું વર્તન આપણા વિચારોનું પરિણામ છે.

-જીવન ઉત્સવ (જીવન જીવવાની દિશા)

No Response to “ટેવોનું ઘડતર” »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment