Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.

છોકરીઓનું કામ

November 11th, 2013 by GujaratiLexicon Team | No Comments »

નાના તપસ્વીને કચરો વાળતો જોઈ પડોશમાં રહેતા સવિતાબહેન ટીકા કરતાં કહેવા લાગ્યાં, ‘લો કમળાબહેન, તમારે તો છોકરી ઘરમાં જ છે. તપસ્વી, તને કચરો વાળતાં શરમ નથી આવતી? આવાં ઘરનાં કામ તો છોકરીએ કરવાનાં હોય. છોકરાઓએ તો કમાવવાનું હોય, વટ મારવાનો હોય, રુઆબ કરવાનો હોય. તું તો સાવ છોકરી છે છોકરી!’

તપસ્વીથી રહેવાયું નહીં, તે બોલી ઊઠ્યો, ‘તમારા રાજકુમાર સાહિલને પણ ઘરનાં કામ શિખવાડો, નહીંતર મોટો થશે ત્યારે બહુ તકલીફ પડશે, સવિતામાસી! છોકરાએ કે છોકરીએ ઘરનાં નાનાં-મોટાં કામ શીખવાં જોઈએ.’

સવિતાબહેન બોલ્યાં, ‘મારો સાહિલ તો મોટો સાહેબ બનશે અને જરૂર પડશે તો નોકરાણી રાખશે. તારી જેમ છોકરીનું કામ નહીં કરે. કમળાબહેન, તમારા આ કુંવરને મરદ બનાવો મરદ!’

કમળાબહેન બોલ્યાં, ‘સવિતાબહેન, જીવનમાં જેટલાં જરૂરી કામ હોય, આપણા માટે જે કામ હોય તે શીખવાં જ પડે. તપસ્વી તો કચરા-પોતું પણ કરે છે, અને વાસણ પણ ઘસી નાંખે છે, અને પોતાનાં કપડાં પણ ધોઈ નાંખે છે, અને હું અત્યારે તેને રાંધવાનું પણ શિખવાડું છું.’

સવિતાબહેન બોલ્યાં, ‘ભારે કરી. સાવ છોકરી બનાવી દીધો છે તમે તો તમારા તપસ્વીને! મારો સાહિલ તો પાણીનો ગ્લાસ પણ ઠેકાણે મૂકતો નથી. મારા સાહિલમાં તો પૂરા સાહેબ બનવાનાં લક્ષણો છે લક્ષણો. મારા સાહિલને હું તો છોકરી બનાવવા નથી માગતી.’

કમળાબહેન બોલ્યાં, ‘તપસ્વી તો, ઘરમાં લાવવાની જે-જે વસ્તુઓ હોય તે પણ દુકાનમાંથી ખરીદી લાવે છે. તેને તો જરાય શરમ નથી આવતી. તે તો કહે છે કે, જગતમાં કોઈ કામ મોટું નથી અને કોઈ કામ નાનું નથી. બધાં જ કામ સરખાં જ છે. અને આપણી નજર સામે જે કામ દેખાય, જરૂરી હોય તે પૂરેપૂરાં જાણી લેવાં અને શીખી લેવાં જોઈએ. જીવનમાં કયા સમયે કયું કામ કરવું પડશે તે કાંઈ નક્કી નથી. માટે હું તો ઓલરાઉન્ડર બનીશ.’

સવિતાબહેન બોલ્યાં, ‘તમારી વાત તમે જાણો, પણ હું તો મારા સાહિલને છોકરાનાં જે કામ હોય તે જ કરવા દઈશ. છોકરીઓનાં કામને તેને જરાય અડકવા પણ ન દઈશ.’

થોડા દિવસ થયા અને સવિતાબહેન એકાએક બીમાર પડ્યાં. ડૉક્ટરે તેમને અઠવાડિયું આરામ કરવાનું કહ્યું. સવિતાબહેનના પતિ હસમુખભાઈએ નોકરીઓથી રજાઓ લીધી. સાહિલ પણ સ્કૂલે સમયસર તૈયાર ન થવાથી જઈ શકતો નહોતો.

સવિતાબહેન પથારીમાં પડ્યાં પડ્યાં હસમુખભાઈએ સમજાવ્યા કરે કે આ કામ આમ કરો, આ કામ તેમ કરો. હસમુખભાઈને પણ ઘરનાં કામમાં કાંઈ સમજણ પડતી નહોતી, તેમ છતાં બાપ-દીકરો આખો દિવસ ઘરના કામમાં શું કરવું અને શું ન કરવું તેની મથામણમાં કાઢી નાખતા હતા. ઘરનાં કામ કરેલાં નહીં તેથી પરેશાન પણ થતા હતા.

ત્રણેને આ સાત દિવસ સાત વર્ષ જેટલા લાંબા લાગ્યા. સવિતાબહેનને અઠવાડિયા પછી હિંમત આવી, સાજાં થઈ ગયાં હોય તેવું લાગ્યું. તેમને થયું કે આ તો ખરેખર બહુ થયું. તેઓને પડોશી કમળાબહેન યાદ આવી ગયાં. તેઓ તરત તેમને મળવા ગયાં.

સવિતાબહેનને કમળાબહેનની માફી માગી અને કહેવા લાગ્યાં કે, ‘કમળાબહેન, તમારી વાત આજે મને સમજાય છે. ઘરનાં અને બહારનાં બધાં કામ છોકરા-છોકરી દરેકે શીખવાં જોઈએ. હું આટલા દિવસ બીમાર રહી ત્યારે ખબર પડી કે ઘરનાં કામ માત્ર સ્ત્રીઓએ જ કરવાનાં નથી હોતાં, પુરુષોએ પણ શીખવાં જ પડે. હું તમારી અને તમારા તપસ્વીની માફી માગું છું, અને આજથી જ મારા સાહિલ અને મારા એમને ઘરનાં કામ શિખવાડીશ અને કોઈની મજાક નહીં કરું. મને આજે સમજાયું કે કોઈ કામ નાનું નથી કે મોટું નથી, બધાં કામ શીખવાં જોઈએ અને કરવાં પણ જોઈએ.

આમ, ઘરનું કામ કરવાથી છોકરાઓ કેળવાય છે અને ઘરના કામમાં મદદ મળે છે. સ્વાશ્રયની આદતથી ભાવિ પેઢીની પ્રગતિના પગરણ મંડાય છે અને એક નવી દિશા ઊઘડતી લાગે છે. બાળકો નાનાં હોય છે ત્યારે બધું કામ હોંશથી કરે છે અને પછી તો એ આદત બની જાય છે. દરેકના ઘરમાં આવી શરૂઆત હોય તો સ્ત્રી-પુરુષોમાં ક્યાંય તફાવત જોવા ન મળે.

-શ્રેષ્ઠ ગુજરાતી બાળવાર્તાઓ
સં. : ‘જગતમિત્ર’

No Response to “છોકરીઓનું કામ” »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment