Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.

નામશેષ ભાષા

August 6th, 2013 by GujaratiLexicon Team | 1 Comment »

આપણને સૌને આપણી ભાષા ગમે છે અને પોતીકી ભાષા માટે ગર્વ પણ હોય છે. વિવિધ દેશોની ભાષાઓ પણ વિવિધ હોય છે, પરંતુ આ ભાષા એટલે શું?

”વ્યાપક અર્થમાં નિશાનીઓ અને નિયમો દ્વારા બનતા એક માળખાને ભાષા કહે છે.”

ભાષાઓનો ઉપયોગ વિચારોની આપ-લે માટે થાય છે, પરંતું ભાષાઓનો ઉપયોગ ત્યાં સુધી મર્યાદિત નથી. વિદ્યાવિજયજી મહારાજ જણાવે છે કે, ભાષા એ હજારો લાખો ગણી કીંમતવાળી છે.

ભાષા એ માત્ર સંદેશાવ્યવહારનું સાધન જ નથી, પરંતુ તે પ્રજા દ્વારા જાળવી રખાયેલી ભૂમિ અથવા પ્રાદેશિક પરંપરાને જોડે પણ છે. ભાષા એ વ્યક્તિગત ઓળખનો એક મહત્ત્વનો ઘટક છે અને ભાષા એ સમુદાય પ્રત્યેના પોતાપણાનો આભાસ કરાવે છે. જ્યારે ભાષાઓ નાશ થાય છે ત્યારે સમુદાય પ્રત્યેની લાગણીને પણ નુકસાન થાય છે.

ભાષાઓ જે તે દેશની સભ્યતા અને સંસ્કૃતિની ઓળખ છે. વિશ્વભરમાં આજે ૬,૦૦૦થી ૭,૦૦૦ ભાષાઓ બોલાય છે અને ભારતના એક અબજથી પણ વધુ નાગરિકો આશરે 300-400 જેટલી જુદી-જુદી ભાષાઓ બોલે છે. આમ, આપણા ભારત દેશમાં બોલાતી વિવિધ મુખ્ય ભાષાઓ નીચે પ્રમાણે છે.

ગુજરાતી, મરાઠી, બંગાળી, મલયાલમ, તમીળ, કન્નડ, પંજાબી, સિંધી, તેલુગુ, હિન્દી, ઉર્દુ, આસામી, કાશ્મીરી, મૈથિલી, સંસ્કૃત, સંથલી, અંગ્રેજી, નેપાલી, મારવાડી, ભોજપુરી વગેરે………

ભાષાપ્રેમીઓ કહે છે કે, દુનિયા હવે મુઠ્ઠીભર ભાષાઓની ગુલામ બની રહી છે અને આ પ્રક્રિયાના કારણે કેટલીયે ભાષાઓ લુપ્ત થઈ રહી છે. ભારતમાં આજે ડઝનબંધ એવી ભાષાઓ પણ છે કે જેમના બોલનારાની સંખ્યા 300 કરતાં વધારે નથી. આમાંથી ઘણી બધી ભાષાઓ આદિવાસી લોકોની છે. મોટાભાગની ભાષાઓ દેશી(નાના ગામડાઓ કે કસબાઓ)પ્રજા દ્વારા બોલવામાં આવે છે અને તેમાંથી ઘણી ભાષાઓ પર લુપ્ત થવાનું જોખમ મંડરાઈ રહ્યું છે. ભારતની 1,652 ભાષાઓ-બોલીઓ લાંબો સમય ટકી શકે તેમ નથી, કેમ કે આ પૈકી 196 ભાષાઓ-બોલીઓ લગભગ ભૂંસાવાના આરે છે. આમ, ભાષા અને બોલી વચ્ચે ફરક એ કે ભાષાને લીપિ હોય છે, જ્યારે બોલી લીપિરહિત છે.

બહુ ઓછા લોકો બોલે છે તેવી ભાષાઓ જલદી ખતમ થઈ રહી છે. સફારી મેગેઝીનના એક લેખ પ્રમાણે ભારતની નામશેષ થવાના છેક આરે પહોંચેલી ભાષામાં સૌથી નાજુક સ્થિતિમાં આવી પડેલી ભાષા ત્રિપુરાની સાઇમર છે. ગંતાચેરા નામના એકમાત્ર ગામમાં તે બોલાય છે અને બોલનારા ફક્ત ચાર જણા છે. એકની વય તો 70 વર્ષ છે. વધુ બે પણ વયોવૃદ્ધ છે. આ ચાર પૈકી ત્રણ જણાનું અસ્તિત્વ ન રહે તો સાઇમર ભાષા પણ નાબૂદ થાય, કેમ કે ચોથી વ્યક્તિ જોડે વાર્તાલાપ કરવા માટે સંબંધી કે મિત્રો હોય જ નહિ. આમ, આ ઉપરથી કહી શકાય કે, “જો ભાષાઓ જીવંત રહેશે તો જ સંસ્કૃતિ પણ જીવંત રહેશે”.

આ દુર્લભ ભાષાઓને બચાવવા જો ભાષાને શિક્ષણના ઢાંચામાં સ્થાન આપવામાં આવે તો નામશેષ થતી ભાષાનો બચાવ થઈ શકે છે. ભાષામાં પણ એક શક્તિ હોય છે. માટે જ કહેવાય છે કે……
”ભાષા નિર્બળ નથી હોતી, ભાષક નિર્બળ હોય છે.”

One Response to “નામશેષ ભાષા” »

  1. Comment by પ્રા. દિનેશ પાઠક — August 6, 2013 @ 12:02 pm

    તમે ગુજરાતી ભાષા ને જીવંત રાખવાનો જે પ્રયત્ન કરો છો તે ખરે ખર પ્રશંસનીય છે.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment