Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.

ઉમાશંકર જોષી

July 22nd, 2013 by GujaratiLexicon Team | No Comments »

દર વર્ષે 21 જુલાઈનો દિવસ ઉમાશંકર જોષીના જન્મદિવસ તરીકે ઊજવવામાં આવે છે અને ગઈકાલ એટલે તા. 21-07-2013ના દિવસે ઉમાશંકર જોષીનો 102મો જન્મદિવસ હતો ત્યારે તેમની જન્મજયંતી પર તેમના જીવન વિશેની ટૂંકી માહિતી જાણીએ.

સ્વ. શ્રી ઉમાશંકર જોષી ગુજરાતી સાહિત્યના જાણીતા કવિ, લેખક અને સાહિત્યકાર હતા તે ઉપરાંત ઉત્તમ સર્જક, એકાંકીકાર, વાર્તાકાર, નિબંધકાર, વિવેચક, સંશોધક, અનુવાદક, સંપાદક તેમજ આજીવન શિક્ષક અને સાહિત્ય પત્રકાર પણ હતા. તેમનો જન્મ 21-7-1911ના રોજ ઇડર પાસેના બામણા ગામમાં થયેલો અને તેમનું અવસાન 19-12-1988ના રોજ મુંબઈમાં થયેલું.

તેજસ્વી અને વિદ્યાપુરુષ શ્રી ઉમાશંકર જોષીની પ્રસિદ્ધિ ગુજરાત અને ભારતના સીમાડા વીંધીને દેશદેશાવર પાર પહોંચી છે. તેમના માતાનું નામ નવલબેન અને પિતાનું નામ જેઠાલાલ કમળજી જોષી હતું. તેમના નવ ભાઈ-બહેનોમાં ઉમાશંકર ત્રીજા ક્રમાંકે હતા. ઈ.સ.1937માં તેઓનું લગ્ન જ્યોત્સનાબેન સાથે થયા. તેમને સંતાનોમાં બે પુત્રીઓ નંદિની અને સ્વાતિ છે.

તેઓનું પ્રાથમિક શિક્ષણ બામણા ગામે અને માધ્યમિક શિક્ષણ ઇડરમાં થયું હતું. 1928માં અમદાવાદમાં ગુજરાત કોલેજથી મેટ્રિક કર્યું. તેઓ 1936માં અમદાવાદમાં બી.એ. થયા અને મુંબઈની એલ્ફિસ્ટન કોલેજમાંથી ૧૯૩૮માં એમ.એ. ઉત્તીર્ણ કર્યું. 1946 સુધી ગુજરાત વિદ્યાસભા, અમદાવાદના અનુસ્નાતક વર્ગમાં ગુજરાતીના અધ્યાપક અને સંશોધક અને 1947માં ‘સંસ્કૃતિ’ માસિક શરૂ કર્યું. 1953 સુધી સ્વનિયુક્ત પ્રવાસી શિક્ષક રહ્યા. ૧૯૫૪માં ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્યભવનમાં ગુજરાતીના પ્રોફેસર અને ભવનના અધ્યક્ષ રહ્યા હતા. ત્યાર બાદ, 1952 થી 1981 સુધી ઉમાશંકર જોષીએ વિવિધ દેશોમાં વિવિધ નિયુક્ત પદે પોતાના કામની બાગડોર સફળ રીતે સંભાળી.

સૌ ગુજરાતી પ્રેમીઓ કવિ શ્રી ઉમાશંકર જોષી લિખિત ગુજરાતી સાહિત્યની અનેક રચનાઓના વખાણ કરતાં હજી પણ યાદ કરે છે અને તેમની રચનાઓ જાણે આજે પણ તરોતાજા હોય તેમ લાગે છે. તેમના જીવન ઉપર રવિન્દ્રનાથ ટાગોર, મહાત્મા ગાંધીની ભારે અસર હતી. તેઓ ગાંધી યુગના પ્રધાન સાહિત્યકાર હતા. તેઓએ સાહિત્યના અનેક ક્ષેત્રોમાં ખેડાણ કર્યું છે અને તે વિવિધ ક્ષેત્રોની પ્રસિદ્ધ રચનાઓ નીચે પ્રમાણે છે.
(1) મુખ્ય કૃતિ – નિશીથ (મધ્ય રાત્રિનો દેવતા)
(2) કવિતા- વિશ્વશાંતિ, ગંગોત્રી, નિશીથ, મહાપ્રસ્થાન, અભિજ્ઞ, સાતપદ, તળપદી બોલી અને ગ્રામીણ પરિવેશ ધરાવતા
(3) એકાંકી-નાટકો – સાપના ભારા, હવેલી
(4) વાર્તાસંગ્રહો – શ્રાવણી મેળો, વિસામો
(5) નિબંધ સંગ્રહ – ઉઘાડી બારી
(6) સંશોધન – પુરાણોમાં ગુજરાત
(7) વિવેચન – ‘અખો’ એક અધ્યયન, કવિની શ્રદ્ધા
(8) અનુવાદ – શાકુંતલ, ઉત્તર રામચરિત
(9) બાળગીત – સો વરસનો થા
આ સર્વ રચનાઓનું ગુજરાતી સાહિત્યમાં વિશિષ્ટ પ્રદાન છે.

ઉમાશંકર જોષીને તેમના જીવનકાળ દરમ્યાન મળેલા વિવિધ પુરસ્કારોની યાદી નીચે મુજબ છે.
(1) ૧૯૩૯માં રણજિતરામ સુવર્ણચંદ્રક
(2) ૧૯૪૪માં મહીડા પારિતોષક
(3) ૧૯૪૭માં નર્મદ સુવર્ણચંદ્રક
(4) ૧૯૬૫માં ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક
(5) ૧૯૬૮માં કન્નડ કવિ કે.વી.પુટપ્પા સાથે વહેંચાઈને ‘નિશીથ’ કાવ્યસંગ્રહને અનુલક્ષીને ભારતીય જ્ઞાનપીઠનું પારિતોષિક
(6) ૧૯૭૩માં સાહિત્ય અકાદમી પારિતોષિક
(7) ૧૯૭૯માં સોવિયેટ લૅન્ડ પુરસ્કાર
(8) ૧૯૮૨માં કુમારન્ આશાન્ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા

ગુજરાતી ભાષાના કવિ શ્રી ઉમાશંકર જોષીના જન્મશતાબ્દી વર્ષની ઉજવણી નિમિત્તે એમની પ્રસિદ્ધ કાવ્ય
પંક્તિ …….

ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા,
જંગલની કુંજ કુંજ જોવી હતી;
જોવી’તી કોતરો ને જોવી’તી કંદરા,
રોતા ઝરણાની આંખ લ્હોવી હતી.
સૂના સરવરિયાની સોનેરી પાળે,
હંસોની હાર મારે ગણવી હતી;
ડાળે ઝૂલંત કોક કોકિલાને માળે,
અંતરની વેદના વણવી હતી.
એકલા આકાશ તળે ઊભીને એકલો,
પડઘા ઉરબોલના ઝીલવા ગયો;
વેરાયા બોલ મારા, ફેલાયા આભમાં,
એકલો અટૂલો ઝાંખો પડ્યો.
આખો અવતાર મારે ભમવા ડુંગરિયા,
જંગલની કુંજકુંજની જોવી ફરી;
ભોમિયા ભૂલે એવી ભમવી રે કંદરા,
અંતરની આંખડી લ્હોવી જરી.

આમ, આ પ્રકારની ઉમાશંકર જોષીની વિવિધ રચનાઓ પુસ્તક સિવાય ઇન્ટરનેટ પર પણ વાંચી શકો છો.

No Response to “ઉમાશંકર જોષી” »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment