Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.


કાઉન્ટરપૉઈન્ટ
હવે લખતાં નહીં; બોલતાં લહિયો થવાશે
ભાષા મૂળે તો ધ્વન્યાત્મક, એટલે કે બોલવાની અને સાંભળવાની. બોલનાર પોતાના મનમાંના વિચાર કે ભાવનો અનુવાદ ભાષામાં કરે. બોલનારના શબ્દો સાંભળી તે ભાષા જાણતો શ્રોતા તેનો ફરી વિચાર કે ભાવમાં અનુવાદ કરે. આ બેવડા અનુવાદનું બીજું નામ તે ‘અર્થ.’ કોઈ પણ ભાષામાં શબ્દ અને અર્થ બંને સાથે સાથે ચાલે. પણ બોલાતા શબ્દનું આયુષ્ય સાવ ટૂંકુ, ક્ષણજીવી. ભાષાને લાંબુ આયુષ્ય આપવા માટેની એક તરકીબ શોધાઈ તે લિપિ. પણ લિપિ આવી તેની સાથે ભાષા કાનની ભાષા ઉપરાંત આંખની ભાષા બની. સાંભળવા ઉપરાંત વાંચવા માટેની ભાષા બની. તો બીજી બાજુ સ્થળ અને કાળના બંધનોથી કેટલેક અંશે ભાષા મુક્ત બની.
લિપિની શોધ એ ભાષાની વિકાસ યાત્રામાં પહેલો હનુમાન કૂદકો હતો, તો મુદ્રણની શોધ એ બીજો હનુમાન કૂદકો હતો. હાથે લખાયેલા લખાણની એક મર્યાદા હતી તેની નકલોની સંખ્યા. બે-પાંચ, બહુ બહુ તો પચ્ચીસ-પચ્ચાસ નકલ. અને એ બધી અક્ષરે અક્ષર સરખી હોય તેની કોઈ ખાતરી નહીં; બલકે, મોટે ભાગે ન જ હોય. મુદ્રણને પ્રતાપે એક સાથે ઢગલાબંધ નકલો તૈયાર થઈ જાય અને એ પણ ઘણા ઓછા સમયમાં, ઓછી મહેનતે, ઓછા ખર્ચે. મુદ્રણે એક ઘણું મોટું કામ કર્યું તે તો જ્ઞાન, માહિતી, જાણકારીનું અને તેના વાહનરૂપ ભાષાનું લોકશાહીકરણ કર્યું તે. વખત જતાં મુદ્રણની જુદી જુદી પદ્ધતિઓ વિકસી; પણ વીસમી સદીનાં પહેલાં ૫૦-૬૦ વર્ષ સુધી તેની સાથે માણસના હાથ સંકળાયેલા રહ્યા. ‘હેન્ડ કમ્પોઝ’નો એ જમાનો હતો. ઓગણીસમી સદીમાં બીજી મહત્ત્વની શોધ થઈ તે ટાઈપરાઈટરની. અંગ્રેજી ગદ્યની ઇબારતમાં, લખાવટમાં, ટાઈપરાઈટરને પ્રતાપે કેવા અને કેટલા બદલાવ આવ્યા તેના રીતસરના અભ્યાસો થયા છે. આપણી ભાષાના લેખકોએ લખવા માટે તેનો ભાગ્યે જ ઉપયોગ કર્યો.
ભાષાની વિકાસયાત્રાનો ત્રીજો હનુમાન કૂદકો તે કમ્પ્યૂટરનો ઉપયોગ. હેન્ડ કમ્પોઝ તો હવે ગઈ કાલની વાત બની ગયું છે. લખાણ અથવા કન્ટેન્ટ જનરેટ કરવા માટે, ટ્રાંસમિટ કરવા માટે, અને સ્ટોર કે પ્રિઝર્વ કરવા માટે કમ્પ્યૂટરનો ઉપયોગ હજી વધતો જ જવાનો. પેન, પેન્સિલ, રબર, જેવાં સાધનો મ્યુઝિયમમાં જ જોવા મળે એ દિવસ બહુ દૂર નથી. જો કે હજી આપણી ભાષાના ઘણાખરા લેખકો લેખનકાર્ય માટે કમ્પ્યૂટરનો ઉપયોગ કરતાં અચકાય છે. એનો ઉપયોગ કરવાથી સર્જનની કે લેખનની પ્રક્રિયાની અનન્યતા, દિવ્યતા, પ્રેરણા–પ્રધાનતા નંદવાઈ જાય એવી ઘણાને બીક રહે છે. ઘણાને લાગે છે કે પોતાના વિચારોના પ્રવાહની ગતિ ધીમી પડી જશે કે અવરોધાઈ જશે. પણ હકીકતમાં એવું થતું નથી એમ આ લખનારને જાત અનુભવથી સમજાયું છે. એક વાર કમ્પ્યૂટરની મદદથી જ લખવાનું મક્કમપણે નક્કી કરી લો તો પછી લેખનની ગતિ સાથે મનની ગતિ આપોઆપ સુમેળ સાધી લે છે. ભૂલો વધારે થાય; પણ પછીથી સહેલાઈથી સુધારી લેવાય છે. અગાઉ કરેલા બધા સુધારાવધારા જોવા હોય તો જોઈ શકાય છે. લખાણના અંશો ઉપરનીચે, આગલપાછળ ફાવે તેમ ફેરવી શકાય છે અને લખવાનું પૂરું થાય કે બીજી જ મિનિટે છાપવા માટે હજારો માઈલ દૂર પણ મોકલી શકાય છે. સમય, સાધનો, શક્તિ, અને પૈસાનો જે બચાવ થાય છે તે તો અનુભવે જ સમજાય. ‘ટૅક્સ્ટ ટુ સ્પીચ’ના સોફ્ટવેર આવે છે; પણ હજી તે વાપરવાનું સહેલું નથી બન્યું. એકવાર એ બનશે પછી તો ‘લખવા’ માટે હાથનો ઉપયોગ પણ જરૂરી નહીં રહે ! તમે બોલતા જાવ તેમ તેમ કમ્પ્યૂટર લખીને તમને સ્ક્રીન પર બતાવતું જશે. એક જમાનામાં કહેવાતું કે લખતાં લહિયો થાય. પણ પછી તો બોલતાં લહિયો થાય એમ કહેવું પડશે. આપણી ભાષાના લેખકો જો ખરેખર ‘ક્રાંતદૃષ્ટા’ હોય તો તેમણે આવી આવતીકાલ માટેની તૈયારી અત્યારથી જ શરૂ કરી દેવી જોઈએ.
–ડૉ. દીપક મહેતા
લેખક સમ્પર્ક:
Deepak B. Mehta
55, Vaikunth, Lallubhai Park, Andheri, Mumbai 400 058 India Tel#91-22-2624-3008
email: [email protected]

(મુંબઈથી પ્રગટતા દૈનીક ‘મુંબઈ સમાચાર’માં લેખક દર ગુરુવારે ‘વર્ડનેટ’ નામે ‘ગુજરાતી ભાષાસાહિત્ય’ વિષયક આખા પાનાનું સુ–વાચન પીરસે છે. તા. ૬ સપ્ટેમ્બર ૨૦૧૨ના અંકમાંથી સાભાર)

No Response to “કાઉન્ટરપૉઈન્ટ – હવે લખતાં નહીં; બોલતાં લહિયો થવાશે” »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment