Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.

anna-hazare

અણ્ણા કી યે આંધી હૈ, ઔર યે દૂજા ગાંધી હૈ… અણ્ણા હમ તુમ્હારે સાથ હૈ… લોકપાલ (કે જનલોકપાલ) હમારા હક્ક હૈ… આવા સૂત્રોથી હમણાના દિવસોમાં આખું ભારત અને મીડિયા ગૂંજી રહ્યું છે. રામલીલા મેદાન મેદનીથી ઉભરાઈ ગયું છે, રસ્તાઓ પર લોકોના ટોળાં પોસ્ટર અને મશાલ લઈને નીકળી પડ્યાં છે, બાઈકર્સ અને સાયકલીસ્ટોની સવારી ગલીએ ગલીએ ગૂંજતી દેખાય છે. અરે, સ્કૂલો અને કોલેજોના વિદ્યાર્થીઓ પણ બાકાત નથી રહ્યાં આંદોલનની ગતિ તેજ કરવા માટે.

ભ્રષ્ટાચારે ભારત અને તેની પ્રજાને કેટલી હદે હેરાન કર્યું છે તેનું પરિણામ બતાવી રહ્યું છે આ જનસૈલાબનું આક્રોશભર્યું આંદોલન. ખરેખર, લોકોનો આટલો આક્રોશ અને જાગૃતતા જોઈને આંખ ભરાઈ આવે છે. ભારતની આઝાદીના સમયના જોયેલા ચળવળના બ્લેક એન્ડ વ્હાઈટના વિડીયો આંખો સામે રંગીન થઈને દેખાય તેવું લાગી રહ્યું છે. અણ્ણાના સમર્થનમાં હજ્જારોની ભીડ ઉમટી પડી છે, ગામ અને શહેરના દરેક લોકોમાં વિરોધનો આક્રોશ જોવા મળી રહ્યો છે. પરંતુ આ બધું જોતાં નથી કરવો તેમ છતાં મનમાં થોડો વિચાર એવો થાય છે કે શું ખરેખર રસ્તા ઉપર આવી ચડેલી, રામલીલા મેદાનમાં ઉભરાયેલી ભારતની આ પ્રજા જાગી ગઈ છે? આ ઉમટેલી પ્રજાની મેદની ક્યાંક ભોળવાયેલું કે ઘેટાંચાલનું ‘ટોળું’ તો નથી ને? આવો ‘નેગેટીવ’ વિચાર કરીને ભારતની પ્રજાને પાછી પાડવાની કે તેની ખોટી ટિપ્પણી કરીને પોતાની જાતને સ્માર્ટ સાબિત કરવાનો એક રતિભર પણ ઈરાદો નથી. વિચાર એટલે આવે છે કે કારણકે જે પ્રજા આજે અણ્ણાના નેતૃત્ત્વ હેઠળ આટલી આક્રોશભરી થઈ ગઈ છે તે ખરેખર ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માંગતી હોય તો તેમને અણ્ણા જેવા કોઈની જરૂર જ નથી. વાસ્તવમાં જો પ્રજા ખરેખર જાગૃત થાય તો અણ્ણા હજારે કે અન્ય કોઈ માટે આવા અનશનની કે વિરોધની નોબત જ ન આવી હોત.

હા, ક્ષણ ભર દિલ અને દિમાગ શાંત કરીને જરા વિચારી જુઓ, પોતાની આત્માને ઝંઝોળીને પૂછી જુઓ. ખરેખર, તમે એક જાગૃત નાગરિક બનીને આંદોલનનું સમર્થન કરી રહ્યાં છો? આ ફક્ત અણ્ણા હજારેના આંદોલન પૂરતી વાત નથી પરંતુ દરેક આંદોલન કે ચળવળમાં સમર્થન આપતી વખતે ઘેટાંના ટોળાનો ભાગ ન બની જઈએ તેની માટે છે. કારણકે જો સાચે જ ભ્રષ્ટાચાર તમને પસંદ નથી અને સમાજ તેમ જ દેશ માટે નુકસાનકારક માનો છો તો આ ભ્રષ્ટાચારને પોષવામાં મારા, તમારા અને એવાં દરેકનો જ હાથ છે. હાસ્તો, ફરજિયાત હેલ્મેટ પહેરવાનો કાયદો આવ્યો ત્યારે હેલ્મેટ કોણ નથી પહેરતું? આપણે જ. વળી, ટ્રાફિક પોલીસ પકડે તો 50 અને 100 રૂપિયાની લાંચ આપણે આપતી વખતે જરા પણ અચકાતાં નથી અને વળી એમાંય આપણે તો તેને ટેલેન્ટ ગણી બેસીએ છીએ. અરે, માન્યું કે પ્રજાસત્તાક દેશમાં કોઈ પણ કાયદો હોય તે પ્રજા માટે અને પ્રજા થકી હોવો જોઈએ. તો પછી જ્યારે કાયદો અમલમાં મૂકાયો તે સમયે જ રોકવા માટે આંદોલન કરવું જોઈએ ને? હવે જ્યારે રોજ 50 અને 100 ખિસ્સામાંથી જવા લાગ્યા ત્યારે આપણને ભાન થાય છે કે ભ્રષ્ટાચારનો રાફડો ફાટી નીકળ્યો. હૈયે હાથ રાખીને બોલો કે આમાં વાંક સૌથી વધુ કોનો? અરે જવા દો, આવા તો કેટલાંય ઉદાહરણો છે. આગ લાગે એટલે કૂવો ખોદવા બેસવાની આપણામાં માનસિકતા ભરાઈ ચૂકી છે એટલે આવા ભ્રષ્ટાચાર અને આંદોલન સામાન્ય થઈ ગયાં છે.

જો ખરેખર ભ્રષ્ટાચાર નાબૂદ કરવો હશે તો પ્રત્યેક નાગરિકે જાતે જ નક્કી કરવું પડશે અને લાંચ આપવાનું પણ બંધ કરવું પડશે. કારણકે કહેવાય છે ને કે વાંદરાને નીસરણી ન અપાય એટલે જો તમે લાંચ આપશો તો લેવાના જ છે. કદાચ તમે પણ એ જગ્યાએ હોવ તો એ જ કરો. હા, વાત સાચી છે એકદમ. કેમ, આપણે સરકારી નોકરીને પૈસા ભેગાં કરવાનું મશીન નથી સમજતાં? સરકારી નોકરી મળી જાય એટલે બસ જાણે જિંદગીમાં હવે કંઈ કરવાની જરૂર નહીં રહે તેવી માનસિકતા અને વિચારધારા સાથે આપણે જીવીએ છીએ. ફક્ત હવાલદાર જેવી માસિક રૂ.6000 નોકરી માટે રૂ. 6 લાખ સુધીની લાંચ આપીને નોકરી મેળવાતી હોય તો ત્યાં પછી એ છ લાખની વસૂલાત કેવી રીતે થાય છે તે આપણે સૌ જાણીએ છીએ.

અરે, દેશ (અને ખાસ કરીને ગુજરાત) ના રાજકીય પક્ષોની શરમજનક હરકત તો જુઓ. જ્યાં કોંગ્રેસ પક્ષ લોકાયુક્ત નિમવાની માંગણી સાથે ફક્ત ભાજપની ઘોર ખોદવા માટે (ભ્રષ્ટાચાર રોકવા નહીં) ગુજરાતમાં અનશન અને આંદોલન કરી રહી છે. ત્યારે દિલ્હીમાં કોંગ્રેસ લોકપાલ બિલ પાસ નથી કરી રહી તો પછી ગુજરાત અને કેન્દ્રનો કોંગ્રેસ પક્ષ અલગ અલગ છે કે શું ભાઈ? અરે ભ’ઈ (ગુજરાત કોંગ્રેસ) જરા તમારા હેડક્વાર્ટ્સમાં જ અપીલ કરો લોકપાલ બિલ પાસ કરવાનું તો એનો લાભ ગુજરાતને આપોઆપ થવાનો જ છે ને. રાજકીય રોટલાં શેકીને તેમ જ ખોટા દેખાડા કરીને ભોળી પ્રજાને ભટકતી કરવાનો પ્રયાસ બંધ કરો તેવી નમ્ર વિનંતી છે.

આપણે કહીએ છીએ કે પ્રજાના રૂપિયા છે, દેશ પ્રજાનો છે… અરે, પણ તમને દેશની ક્યાં પડી છે? આજનો પોલીસ, નેતા કે સરકારી કર્મચારી જેને આપણે ભ્રષ્ટાચારના રાક્ષસ માનીએ છીએ એ ગઈ કાલના આમ નાગરિક જ હતાં. એ આવ્યાં ક્યાંથી? તમારા અને મારા વચ્ચેથી જ આ નેતાઓ ઊભાં થયાં છે પરંતુ સતત લાંચ-રૂશ્વત લેવા અને આપવાના કલ્ચરમાં પોષાયેલા લોકોથી અન્ય કોઈ અપેક્ષા રાખી ન શકાય. એટલે સુધરવું તો આપણે જ પડશે.

સૌથી મહત્ત્વની વાત કરીએ તો, લોકપાલ અને લોકાયુક્ત આવી જશે તો શું થઈ જશે? જો એ પ્રતિનિધિ પણ ભ્રષ્ટાચારી બની ગયો તો? હા, આ થવાની શક્યતા સોયે સો ટકા છે, કારણકે હાલમાં પણ નેતા અને પ્રતિનિધિની નિમણૂક આપણે જ કરીએ છીએ ને. એટલે જરા થોભીને વિચારવાની જરૂર છે. જરૂર છે સિસ્ટમ બદલવાની, આપણે આપણી જાતને બદલવાની. આ બધા આંદોલન અને સમસ્યાનો એક જ હલ છે અને એ કે ભારતની પ્રજાએ ખરા અર્થમાં જાગવું પડશે. જે ફક્ત અણ્ણા સાથે એક દિવસ કે પંદર દિવસ જાગીને ઉજાગરા કે ભૂખ હડતાળ કરે નહીં ચાલે. આ માટે સાચા અર્થમાં તમારી આત્મા અને ઝમીરને હરહંમેશ જાગતો રાખવો પડશે.  લાંચ લેવાની સાથે સાથે આપવાની પણ બંધ કરવી અને કરાવવી પડશે.

No Response to “અણ્ણા હમ તુમ્હારે સાથ હૈ, આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ… એક મિનિટ થોભો અને વિચારો” »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment