ગઈ કાલે વણનોતરી દિવાળી આવી પહોંચી હતી ભારતમાં. રસ્તા ઊભરાઈ આવ્યાં હતાં, ચીચીયારીઓ પડવા લાગી હતી, ઓળખતાં ન ઓળખતાં સૌ કોઈને અભિનંદન આપી રહ્યાં હતાં, તિરંગા સાથે બાઈક્સ અને કારનો કાફલો નીકળી પડ્યો હતો. માહોલ હતો જશ્નનો ,દૃશ્ય હતું ઉજવણીનું અને આનંદ હતો ભારતની જીતનો.
ભારત-પાકિસ્તાનની સેમી ફાઇનલ મેચ કદાચ વર્લ્ડ કપ 2011ની ફાઇનલ મેચ કરતાં પણ વધારે રોમાંચક અને ઉન્માદ પેદા કરનારી હતી. અને કેમ ન હોય, એક તો ભારતીયોનો ક્રિકેટ પ્રેમ વળી તેમાં પણ કટ્ટર પાડોશી દેશ પાકિસ્તાન સાથે વર્ષો બાદ વર્લ્ડકપનો મુકાબલો હતો. એટલે ભારતીયોની ઉત્સુત્કતા સાતમા આસમાને હતી. કાલે ટીમ ઇન્ડિયા નહીં પરંતુ સમગ્ર ભારતનો વિજય થયો હોય તેમ ભારતીયોએ જીતની ઉજવણી કરી અને જશ્નનો માહોલ પેદા કર્યો હતો. કદાચ 2011માં ફરીથી ભારત આઝાદ થયું હોય તેમ તિરંગા સાથે આનંદની લહેર ભારતભરના શહેરોમાં જોવા મળી હતી. ભારત બંધનું એલાન થયું હોય તેમ બપોરથી રાત સુધી રસ્તાઓ સૂમસામ દેખાતાં હતાં પરંતુ પાકિસ્તાનને ઓલઆઉટ કરતાંની સાથે જ સમગ્ર માહોલ ધમધમી ઊઠ્યો હતો.
વેલ ડન, ટીમ ઇન્ડિયા. પરંતુ સમગ્ર આનંદ અને જશ્ન વચ્ચે ભારતીયોના સંપ અને જુસ્સાને જોઈને દંગ રહી જવાયું હતું ત્યારે એક વિચાર પણ આવ્યો કે ખરેખર આવા જ જુસ્સા અને જોમનો પરચો દેશની દરેક બાબતોમાં જોવા મળે તો….? તો ભારતને ફક્ત ક્રિકેટમાં જ નહીં પરંતુ એકેય ક્ષેત્રે કોઈ હરાવી શકે તેમ નથી. ભારતની પ્રજામાં આ છુપાઈ રહેલી એકતા અને જુસ્સાની હકદાર અન્ય રમતો પણ છે. રાજકીય, આર્થિક અને સામાજિક દૃષ્ટિએ પણ ભારતને આ જ એકતા અને જોમની જરૂર છે.
આશા રાખીએ છીએ કે ‘ટીમ ઇન્ડિયા’ શબ્દ ફક્ત ક્રિકેટ ટીમ માટે જ સીમિત બની ન રહે. આ વાક્ય ખરેખર વિચારજનક તેમ જ ચિંતાજનક છે કે નહીં? આપ શું માનો છો, આપના મંતવ્યોનો અમે સહર્ષ આવકાર કરીએ છીએ. આપ આપના મંતવ્યો અમને [email protected] ઉપર ઈમેલ પણ કરી શકો છો.
“ચક દે ….. ચક દે ઇન્ડિયા…. “
વંદે માતરમ.
No Response to “ટીમ ઇન્ડિયાની જીત: ભારતીય પ્રજાનો આવો જ જુસ્સો દરેક બાબતે જોવા મળે તો…” »
No comments yet.
RSS feed for comments on this post. TrackBack URI
Leave a comment