Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.

“ભલે લાગતો ભોળો પણ છેલ છબીલો ગુજરાતી, હા ભાઈ છેલ છબીલો ગુજરાતી, હું છેલ છબીલો ગુજરાતી, તા થૈયા થૈયા તા થઈ…. તા..તા..થૈયા… થૈયા…તા…થઈ……….!!”

ઉપરોક્ત પંક્તિ વાંચતા જ રંગલો અને રંગલીનું પાત્ર આંખો સામે તાદૃશ્ય થઈ જતું હોય છે. (જેણે નાટકનો લહાવો લીધો હોય એમની આંખોમાં જ) બાકી આજની પેઢી માટે ‘ઓહ, પેલું ગુજજુ નાટક’ એમ કરીને તરછોડાયેલી સંસ્કૃતિ બની ગઈ છે. મલ્ટિપ્લેક્સ થિયેટર, પબ્સ અને ઇન્ટરનેટની દુનિયાની બાદશાહ બનેલી આજની પેઢી કદાચ રંગલો અને રંગલીના પાત્રને ‘જોકર’થી વધુ ગણતી નથી. પરંતુ આમા વાંક કોનો? ફક્તને ફક્ત તેમના વડીલોનો જ, જે નવી પેઢીના પથદર્શક છે. કારણકે સંસ્કૃતિ અને સંસ્કારોનું સિંચન બાળકોમાં વડીલો દ્વારા જ થતું હોય છે. જો કે વાતને અહીં કોઈનો વાંક કે ગુનો  શોધવા માટે નથી છેડાઈ, પરંતુ ગુજરાતી રંગમંચની આછી થઈ ગયેલી છાપને (આછી એટલા માટે કારણકે હજુ પણ શહેરો અને ગામડાઓમાં નાટકો અને થિયેટર હજી ધબકતું  છે) ઘાટી કરવાના પ્રયત્નરૂપે કરાઈ છે.

૧૮૫૩ના ઓક્ટોબર માસમાં દાદાભાઈ નવરોજીના આશીર્વાદથી ફરામજી રુસ્તમજી દલાલના સંચાલન હેઠળ પારસી નાટક મંડળી સ્થપાઈ અને “રૂસ્તમ સોહરાબ” નામનું પહેલું નાટક રજૂ થયું અને ગુજરાતી રંગભૂમિનું મંગળાચરણ થયું. ફરામજી ગુસ્તાદજી દલાલે પોતાનું આખું જીવન પારસી રંગભૂમિને સર્મિપત કરી દીધું. ૧૮૫૩માં મુંબઈમાં જ્યારે પ્રથમ પારસી નાટક ભજવાયું ત્યાર પછી થોડાક જ સમયમાં સુરતમાં પણ પારસી ક્લબે શેક્સપીયરના નાટક “ધી ટેમિંગ ઓફ ધી શ્રુ”નું ગુજરાતી રૂપાંતર “નઠારી ફિરંગણ ઠેકાણે આવી” ભજવ્યું. પારસીઓએ એકંદરે અન્યને સહાય કરવાના હેતુથી નાટકને માધ્યમ તરીકે સ્વીકાર્યું હતું.

એ જમાનામાં કલાકારોના અવાજની પ્રબળતા અને વિવિધતા તેને સફળતા અપાવતી, કારણ તે જમાનામાં માઈક વગેરે યાંત્રિક પરિબળો ન હતાં. પણ તેઓ નાટકના દૃશ્યની સજાવટ ભવ્યતાથી કરતા કે પડદો ખૂલતાં જ પ્રેક્ષકો તાળીઓના ગડગડાટથી વધાવી લેતા. સંચાલકો પડદાઓ પાછળ ખૂબ જ ખર્ચા કરતા. ઇંદ્ર ના દરબારમાં રંગબેરંગી પરીઓ પ્રવેશે ત્યારે આખો દરબાર ઝગમગી ઊઠતો.

કેમેરા અને આધુનિક સાધનો વગર દિગ્દર્શન કરનારા નાટકના દિગ્દર્શકોની 30 x 30ના સ્ટેજ ઉપર રિયલ ચિત્ર ઊભું કરી દર્શકોના મનમાં ઉતારવાની એ કળા ખરેખર પ્રસંશનીય કરતાં પણ વધારે છે. 3 ઈડિયટ્સ, મુન્નાભાઈ અને દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે જોઈને સિનેમાની બહાર વખાણ કરતી નવી પેઢીએ આ ડાયરેક્શન પણ જોવા અને સમજવા જેવું છે. એડવેન્ચર અને દરેક વાતના મૂળ સુધી પહોંચવામાં માનનારી આજની પેઢીએ નાટકના ડાયરેક્શન અને એક્ટિંગને ઓછું આંકવાની ભૂલ કરવા જેવી નથી.

અરે, જરા નજર તો નાંખી જુઓ બોલીવુડમાં કે જેની પાછળ લોકો ઘેલાં બન્યાં છે તેના સફળ અને ખરાં કલાકારોમાં ગણતરી કરી શકાય તેવા કલાકારોના મૂળિયાનો વિકાસ થિયેટરથી જ થયેલો છે. એમાંય ઘણા બોલીવુડના નામચીન કલાકારોને ગુજરાતી રંગમંચે જ ઓળખ અપાવી છે. ગુજરાતી રંગમંચ સાથે જોડાયેલા અથવા તો ગુજરાતી સંસ્કૃતિ પ્રેમીઓ તો જાણતા જ હશે પરંતુ જેઓ ગુજરાતી રંગમંચને ઓછું આંકે છે તેમના માટે કે ઉદાહરણ તરીકે વાત કરીએ પરેશ રાવલની કે પછી અરૂણા ઈરાનીની કે અસરાનીની. મોટા ભાગના કલાકારો થિયેટરથી જ વિકાસ પામ્યા છે. આગળ નામોની યાદી વધારીએ તો નસરુદ્દીન શાહ, સંજીવ કુમાર, વિનય પાઠક, દિના પાઠક, કેતકી દવે (ક્યોંકિ સાસ…ફેમ), નિરુપા રોય, મલ્લિકા સારાભાઈ, કિરણ કુમાર, રત્ના પાઠક (સારાભાઈ vs સારાભાઈ), પ્રવીણ જોષી, સરિતા જોષી, આશા પારેખ, ફિરોજ ઈરાની, કલ્પના દિવાન (જેમનું ગઈ કાલે જ અવસાન થયું), સુપ્રિયા પાઠક (ખીચડી ફેમ હંસા), અપરા મહેતા, ઉપેન્દ્ર ત્રિવેદી, અરવિંદ ત્રિવેદી, દેવેન ભોજાણી જેવા દિગ્ગજ કલાકારો આજે પણ બોલીવુડ અને હિંદી ટીવી સિરિયલોમાં પોતાનો ડંકો વગાડે છે. યાદી હજુ પણ લાંબી બને એમ છે પરંતુ અહીં એવા નામો આપ્યાં છે જેને આજની પેઢી પડદે તો જુએ છે પરંતુ ગુજરાતી મૂળના છે કે નહીં તેનો ખ્યાલ નથી.

કારણકે આ ઉપરાંત ખરા રંગમંચના કલાકારો જેમણે રંગમંચ ઉપર જ પોતાનું જીવન સમર્પિત કરી દીધું હતું તેવા નમસ્કારીય કલાકારોને યાદ કરીએ તો જયશંકર સુંદરીનું નામ સૌ પ્રથમ આવે. ખરું નામ તો જયશંકર ભોજક પણ એકવાર તેમણે ‘સૌભાગ્ય સુંદરી’ નાટકમાં સ્ત્રીની ભૂમિકા ભજવી અને લોકોએ ખૂબ વખાણી અને ત્યારથી જ સુંદરીનાં ઉપનામથી ઓળખ્યા. તેમણે લગભગ ૩૦ વર્ષ સુધી મોટા ભાગના નાટકોમાં સ્ત્રીની ભૂમિકા ભજવી. તેમની યાદમાં અમદાવાદના રાયખડ વિસ્તારમાં જયશંકર સુંદરી હોલ બનાવવામાં આવ્યો છે. તેમને ૧૯૭૧ માં પદ્મભૂષણ એનાયત કરવામાં આવ્યો હતો.

ગુજરાતી રંગમંચ વિશે લખાય અને વર્ણન કરાય તેટલું ઓછું છે કારણકે કલા અને વિકાસનું ક્યારેય માપ હોતું નથી. આજની પેઢીને ટાંકીને લખાયેલો આ લેખ ગુજરાતી પેઢીના વિરુદ્ધમાં નથી અને હોઈ પણ ન શકે. કારણકે આજના જમાનામાં પણ લો ગોર્ડનનો ઠાકોરભાઈ દેસાઈ હોલ દર રવિવારે હાઉસફુલ જાય છે અને નાટકના કલાકારો તેમ જ પ્રેક્ષકોમાં યંગિસ્તાન જોવા મળે છે. એવું નથી કે યુવા જોમ ગુજરાતી રંગમંચ માટે મરી પરવાર્યું છે, બસ થોડું ભાન ભૂલ્યું છે પશ્ચિમી સંસ્કૃતિ પાછળ. કોઈને ટોકવાની કે રોકવાની વાત નથી, પોતાનું જીવન છે જેમ ઇચ્છા થાય તેમ જીવવું જોઈએ તેવું માને છે આજની પેઢી. પરંતુ દરેક કામમાં પેશન અને કંઈક યુનિક કરવાની ઇચ્છા ધરાવતી પેઢીએ (જે લોકો રંગમંચ ક્ષેત્રે સંકળાયેલા છે તેમની માટે જ) યાદ રાખવા જેવું છે કે એ જ વસ્તુ થિયેટર-રંગમંચથી વધારે એ તમને કોઈ આપી શકે તેમ નથી.

ગુજરાતી ફિલ્મો સારી નથી હોતી, એક્ટિંગ બોગસ હોય છે, ડાયરેક્શન ભંગાર છે આવાં વાક્યો બોલવાથી કંઈ થવાનું નથી અને જે લોકોને તેની માટે કંઈ કરવું નથી તેમને બોલવાનો કોઈ હક્ક પણ નથી. અરે, સારી ફિલ્મો નથી બનતી તો બનાવો, એક્ટિંગ બોગસ છે તો સંબંધિત લોકો એક્ટિંગ શીખે, ગુજરાતી રંગમંચ માટે સમર્પિત થાય. ફક્ત આમ ગુજરાતી રંગમંચ સારું નથી, તેમાં દમ નથી એ રીતે તેને આપણી સામે જ આપણા દ્વારા કેન્સરના દર્દીની જેમ તરછોડીને નબળું પાડીને મરવા ન દેવાય. રંગમંચને સમૃદ્ધ કરવા બસ, જરૂર છે એક વિચારની, એક વિશ્વાસની, કંઈક કરી છૂટવાના જુસ્સાની જે ગુજરાતી રંગમંચ અને ગોલીવુડને (ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી) સાચા અને સેંકડો દર્શકો જરૂરથી પૂરાં પાડશે.

ગુજરાતી રંગભૂમિનો ઇતિહાસ અને કલાના અખૂટ ભંડાર માટે હજુ ઘણું લખવાનું બાકી રહી ગયું હોય તેમ જ લાગ્યા  કરે  છે ત્યારે આટલું લખ્યું તેમાં ભૂલચૂક બદલ માફ કરી આભારી કરશો અને વિશ્વરંગભૂમિ દિને ગુજરાતીલેક્સિકોન ટીમ વતી ગુજરાતી રંગમંચ સાથે સંકળાયેલ તમામ કલાકસબીઓને અમારી અંત:કરણથી સ્નેહભરી શુભેચ્છાઓ.

No Response to “27 માર્ચ – વિશ્વ રંગભૂમિ દિન, ગુજરાતી રંગમંચને સમર્પિત કરીએ એક દિવસ” »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment