Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.

બ્રાહ્મણ દેવતા કહેવાયો છે. એને પૂજ્ય ગણવામાં આવ્યો છે. પ્રાચીન સામાજિક વ્યવસ્થામાં બ્રાહ્મણનું સ્થાન અતિ ઉચ્ચ રહ્યું હતું. તે સમયના રાજવીઓશ્રીમંત શાહુકારો પણ બ્રાહ્મણનો આદર રાખતાં. તેમના શબ્દ વચનને માન આપતાં. અને આથી જ તે સમયની કહેવતે કહ્યું હતું કે બામન વચન પરમાન.’ બ્રાહ્મણની વાતને જ પ્રામાણિક માનવી જોઈએ. વિષ્ણુ ધર્મસૂત્રે પણ આજ છે – ‘બ્રાહ્મણાભિહિતં વાક્યં ન મિથ્યા જાય તે ક્વચિત.’

પુરા કાળમાં બ્રાહ્મણોની વચનસિદ્ધતા પ્રસિદ્ધ હતી. આથી જ નીચેની એક કહેવતમાં તેનો સંકેત થયો છે એ કહેવત રાજસ્થાની છે. કહેવત રાજસ્થાની છે. કહેવત છે – “બામણ કહ છટૈ બલદ બહ છટૈ.”

જે પ્રકારે બળદ જમીનને ખેડી નાખે છે તે જ મુજબ સમય આવે બ્રાહ્મણ કહી દે છે. બ્રાહ્મણના શાપ અને તેના આશીર્વાદ તો પ્રસિદ્ધ જ છે.

ગાય, સ્ત્રી અને બ્રાહ્મણોને પવિત્ર માનવામાં આવ્યા છે એટલે જ કહેવતે કથ્યું છે – ‘ગાયાં બાયાં બામણાં ભાગ્યાં હી ભલા.’ એટલે કે ગાયો સ્ત્રીઓ અને બ્રાહ્મણોની સામે ન થતાં તેમનાથી દૂર જ થઈ જવું. નાસી જવું. તેમના પર પ્રહાર કરીને અથવા તેમનો વધ કરીને વિજય પણ મેળવવામાં આવે તો પણ તે કલંકનું કારણ બને છે.

કહેવતો કોઈની શરમ રાખતી નથી.

પરંતુ આપણી ઈતર દેશો સ્થાનોની કહેવતોએ અધિકાંશ પણે બ્રાહ્મણોની અધમઅજ્ઞાનલોલુપલોભીસ્વાર્થી મનોદશાનું જ ચિત્રણ કરેલું દેખાશે. આથી એક વાત સ્પષ્ટ બને છે કે આ કહેવતો જન્મી તે સમયે બ્રાહ્મણોનું અધ:પતન થઈ ચૂક્યું હશે કારણ, ક્યાં દેવ જેવા આદરણીય પૂજ્ય બ્રાહ્મણ દેવતાઓ અને ક્યાં આ કહેવતોએ રજુ કરેલા લોભીલાલચુ અને અજ્ઞાની બાહ્મણો. કહેવત એ સમાજ જીવનનું દર્પણ છે. એ જે જુએ છે તે જ કહે છે. કહેવતો કોઈની સાથે પણ પક્ષપાત કરતું નથી. એ કોઈની શરમ પણ રાખતું નથી. જેવું જુએ છે તેવું જ એ કહી દે છે. એને કોઈ ચિંતા પણ નથી.

એટલે આ કહેવતો કેટલાક બ્રાહ્મણોના અધ:પતનની તેમની લોભી પ્રકૃતિની ઉપર જ ઘડાયલી છે. તેમના તે વખતના જીવનનું એમાં પ્રતિબિંબ છે.

બ્રાહ્મણ રીઝે લાડવે

બ્રાહ્મણ અને લાડવાનો સંબંધ કહેવતોએ સારી રીતે જોડ્યો છે. એને લગતી અનેક કહેવતોએ આપણા સાહિત્યમાં મળે છે. થોડીક જોઈએ તો.

વાતે રીઝે વાણીઓ

રાગે રીઝે રજપૂત

બામણ રીઝે લાડવે,

બાકળે રીઝે ભૂત

બ્રાહ્મણ લાડવાથી જ પ્રસન્ન બને છે. આથી કહેવતો પડી છે – ‘બ્રાહ્મણનું ખાધે જાય-‘ ‘બ્રાહ્મણનું ગયું લાડવે ને કુંભારનું ગયું ઘાડવે,’ બ્રાહ્મણને લાડુ મળ્યા એટલે બધું મળી ગયું.’ ‘લાડવા મળ્યા કે બ્રાહ્મણ લળ્યા.’ બ્રાહ્મણ અને લાડવા પરની એક કહેવત તો ખૂબ જ જાણીતી છે – ‘બ્રાહ્મણ ભટ્ટ ને લાડુ ચટ્ટ.’

લાડવાભોજનમાં પણ બ્રાહ્મણોની સ્વાર્થવૃત્તિનું દર્શન કહેવતે કરાવ્યું છે. એક વખતે દયારામ અને માયારામ બન્ને બ્રાહ્મણો એક ગામમાં ગયા. ગૃહસ્થને ત્યાં ધામો નાખ્યો. ગૃહસ્થે કહ્યું – ‘અમારા હાથનું તો આપને ન ખપે એટલે હું આપને સીધુસામાન તૈયાર કરી આપું છું. આપ રસોઈ બનાવો આપણે સૌ જમીશું.’

બન્નેએ કહ્યું – ‘આપની વાત કબૂલ છે. અમને રસોઈ આવડે છે. આપ નચિંત રહો.’

ગૃહસ્થના પત્નીએ બ્રાહ્મણોને સીધું કાઢી આપ્યું. બન્ને બ્રાહ્મણો રસોઈ બનાવવા લાગ્યા.

ગૃહસ્થ અને તેની પત્ની જરા દૂર ગયાં એટલે દયારામને પૂછવાનું મન થયું – ‘અલ્યા મયારામ, આપણે લાડુ કેવા બનાવીશું?’

મયારામે કહ્યું – ‘એટલું પણ સમજતો નથી. આપણા બન્નેના લાડવા ઘીથી લચપચતાખસખસથી ભરેલા બનાવવાના અને બાકીના લાડવા દેખાવમાં લાદવા જેવા જણાય તેવા જ.

દયો પૂછે મયાને ભાઈ

લાડુ કરશું કેવા?

આપણા બેના લચપચતા,

બાકી જોયા જેવા,

સંસ્કૃત કહેવતે પણ કથ્યું છે તુષ્યન્તિ ભોજને વિપ્રા ભોજનથી બ્રાહ્મણ પ્રસન્ન થાય છેસંતોષાય છે.

ભાટ અને બ્રાહ્મણ સરખા

બ્રાહ્મણોની સામે જોવામાં આવે એટલે તે વળગ્યા જ સમજવા. આપણી કહેવતે શબ્દોમાં આ કહ્યું છે

ભાટ બ્રાહ્મણનું લાકડું,

વણ પેસાડ્યું પેસે;

સામું જોતાં ઉભા રેને,

આવો કેતાં બેસે

બ્રાહ્મણ ઘેર ખાય તે ઝેર ખાય બરાબર

બ્રાહ્મણ ભોજનના નિમંત્રણથી પ્રસન્ન બની જાય છે કોઈને ત્યાંથી જમવાનું નિમંત્રણ ન આવે તો તેને ચેન પડતું નથી. ઘરનું ખાવા તેનું મન તલપતું નથી. આપણી કહેવતે બ્રાહ્મણની લાલસાની આ વાત કહેવતમાં કથી જ છે – ‘બ્રાહ્મણ ઘેર ખાય તો ઝેર ખાય બરાબર. ‘કારણ શું? કહેવત કહે છે બ્રાહ્મણ કીધા જમવા ને ભવાયા કીધા રમવા. બ્રાહ્મણને પર ઘેર ભોજન માટે જ જન્મ મળ્યો છે.

એક લોકવાર્તા છે એક બ્રાહ્મણને ત્રણ ઘેરથી ભોજનના નિમંત્રણ આવ્યા. બ્રાહ્મણે એ ત્રણે સ્વીકાર્યા. ત્રણ ઘરનું ભોજન પેટમાં ભરચક ઠાંસીને બ્રાહ્મણ ઘેર આવ્યો. ચલાય પણ નહિ. લથડીયા ખાતો ખાતોઊંઘથી ઝોકા ખાતો ખાતો એ ઘરના આંગણામાં આવ્યો અને પટકાઈ પડ્યો. તો પણ ગોરાણીને કહેવા લાગ્યો:

ખીર ખાંડ વિધવિધના વડાં

ને પેટ થાય છે તડાં તડાં

ઊઠો ગોરાણી ઢોલીઓ ઢાળે,

ને પેટ ઉપર ભીનું પોતીઉં વળો

નોતરાં આપે વળી વાળી,

ને આંખ જાય છે મળી મળી.

રખે ગોરાણી આકળાં થાતાં,

ને મને મૂકીને તમે જમવા જાતાં.

ઘરનું ભોજન ઝેર બરાબરકહેવાયું છે તે ખોટું નથી જ. પારકું ભોજન જ શ્રેષ્ઠ છે. એક વખતે એક બ્રાહ્મણને ત્યાં એક ગૃહસ્થ આવ્યા અને સહકુટુંબ જમવા આવવાનું નિમંત્રણ આપ્યું. પિતા અંદરના ખંડમાં સંધ્યા કરી રહ્યા હતા. બહાર માત્ર બાળક જ હતો. ગૃહસ્થે બાળકને નિમંત્રણ આપી દીધું. બાળકે પિતાને કહ્યું – ‘પિતાજી ! ગૃહસ્થ આવ્યા છે. આગ્રહ કરીને ભોજન માટે નિમંત્રણ આપે છે. શું કહું?’

ઉધ્વ ગચ્છન્તિ ડકકારા:

અધો વાયુર્ત ગચ્છતિ ।

નિમંત્રણમાગતં દ્વારે કિં

કરોમિ પિતામહ ॥

ખાટાંઅજીરણના ઓડકારો આવી રહ્યાં છે. નીચે અપાનવાયુ નીકળતો નથી. ભોજનનાં નિમંત્રણો દ્વાર પર આવ્યા જ કરે છે. હે પિતાજી ! હું શું કહું?

પિતાએ ઉત્તર આપ્યો :-

બાલક વચનં શ્રુત્વા

નિમંત્રણ મન્યતે ધ્રુવમ ।

મૃત્યુર્જન્મ પુનરેવ

પરાન્નશ્ચ દુર્લભમ્ ॥

બેટા ! સાંભળ ! નિમંત્રણને સ્વીકારી લે. કારણ, મરણ પછી તો જન્મ મળવાનો જ છે; પરંતુ પારકું અન્ન આ સંસારમાં દુર્લભ છે.

મહારાજની શ્રાદ્ધ ક્રિયા

અભણ અને અશિક્ષિત ગોર મહારાજો બ્રાહ્મણો પણ અશિક્ષિત ગરીબ અને અજ્ઞાની યજમાનોને ગમે તેમ બોલી છેતરતાં જ હોય છે. શ્રાદ્ધ કે કથાવાર્તા દ્વારા તેઓ ગમે તેમ બોલીભણી અભણ યજમાનોના મનમાં ઠસાવી દે છે કે ગોર બહુ વિદ્વાન છે ભણેલા છે. શ્રાદ્ધને નામે આવા પાખંડ ચાલે પણ છે. એક વખતે કોઈ એક ગામમાં એક પટેલને ત્યાં મરણ થયું. ભટ્ટ મહારાજ યજમાનને શ્રાદ્ધ સારવાને માટે નદીને કિનારે લઈ ગયા. શ્રાદ્ધ સારતાં ભટ્ટે જજમાન પાસે સમુદ્રાર્પણ માગ્યું.

જજમાને પૂછ્યું સમુદ્રાર્પણ કે મુદ્રાર્પણ?

ભટ્ટે કહ્યું બંને લાવો.

પછી પિંડ મૂકાવતાં ભટ્ટ મહારાજ ભણવા લાગ્યા

દશ તારા, દશ તારી માના, દશ તારા બાપના, દશ તારા ભાઈના સર્ગ :

એવામાં એક માણસ ભટ્ટ મહારાજને કોઈ બાબત વિશે પૂછવા આવ્યો ત્યારે મહારાજે પિંડ મૂકાવતાં ભણવા માંડ્યું.

હું ન જાણું જગો જાણે, જગો ગયો વહુને આણે, મેલ પિંડ માછલાં તાણે સર્ગ….

એવામાં ભટ્ટ મહારાજનો એક ખરાબ મિત્ર ત્યાંથી પસાર થતો હતો. એ મિત્રે મહારાજને જોયો એટલે તે તેની સામે આવવા લાગ્યો. આથી મહારાજે તેને ચેતવતાં બોલવા માંડ્યું

ઝાડે જા, ઝુંડે જા, ચોટલી ફરકે, જજમાન દેખે, સર્ગ…..’

પેલો ચાલી ગયો. થોડીક વાર ન થઈ. હશે ત્યાં મહારાજે કોઈ ઉકેલ સ્ત્રીને શ્રાદ્ધ થઈ રહ્યા પછી ત્યાં મળવાનું કહ્યું હશે. એટલે તે આવી પહોંચી. તેણે એક ઝાડની પાછળ રહી ગીત ગાતી હોય તેમ ગાવા માંડ્યું.

ભટ્ટજી તમે મહુડા તળે

કેમ નહિ આવ્યા રે…..

મને પેલું કહ્યું તે

કેમ નહિ લાવ્યા રે

ભટ્ટ મહારાજે એ સ્ત્રીને જવાબ આપતાં જ ભણવા માંડ્યું – ‘આકાશના તારા, પાતાળનું પાણી, તું ગઈ તે મેં નહીં જાણ્યું. ફરી જાસર્ગ……

આમ મહારાજે શ્રાદ્ધ ક્રિયા કરાવી. જાજમાન સમજ્યો કે મહારાજ ખૂબ ભણ્યા છે પિતૃઓને હવે પિઁડ પહોંચી જ ગયા હશે તેમ તેણે માની લીધું.

પણ આ શ્રાદ્ધ ક્રિયા તો સરળ થઈ કહેવાય. લોકવાર્તાઓમાં એક એવો પણ કિસ્સો છે કે જેમાં શ્રાદ્ધ કરવાનું જજમાનને ભારે પડી જાય છે. અને તેનાથી કહેવાઈ જાય છે – ‘શ્રાદ્ધ કરવાનું તો સહેલું ખરૂં પણ સીધું આપવાનું મુશ્કેલ છે.

Source : shri bruhad kahveat katha sagar(Story No. 105)

No Response to “કહેવતકથા : બ્રાહ્મણ ભટ્ટ લાડુ ચટ્ટ” »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment