Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.

લરશો તક વેઠો કરી, ગયો બાપને ગામ,

લોભે ઘસડાઈ માતડી, કિધું કામ હરામ.

દ્રવ્ય દેખી પ્રપંચ રચ્યું, ઘડ્યો પુરો ઘાટ,

પિછાન્યો પુતને નહિ, ખુન કિધું મધરાત.

અસુંદરા નામે એક ગામમાં દેવશંકર નામે એક બ્રાહ્મણ રહેતો હતો. તે આસપાસના ગામમાંથી ભીખ માગી લાવી પોતાના કુટુંબનું ગુજરાન કરતો. દેવશંકરને ચંપાવલી નામે દીકરી અને ગુલાબશંકર નામે એક દીકરો હતો. આ બંને ભાઈબેન ઉમરે પહોંચેલા હતાં. પણ તેનો બાપ ગરીબ હોવાથી તેમની ક્યાંય પણ સગાઈ થઈ ન હતી. દેવશંકરે જોકે બ્રાહ્મણ હતો, પરંતુ તે કાંઈ પણ શીખ્યો ન હતો; જેથી તે પોતાના કુટુંબનું ગુજરાન પણ મહામૂશીબતે ચલાવતો. જેમ તે પોતે કાંઈ શીખ્યો ન હતો; તેમ તેનાં બચ્ચાંઓ પણ કોઈ શીખેલા ન હતા. ગુલાબશંકર જાતે હોશિયાર ચાલાક અને લાંબી સમજવાળો હોવાથી, તે ગામના છોકરા ભેગો રહીને, થોડું ઘણું લખતાંવાંચતાં શીખ્યો હતો. જ્યારે ગુલાબશંકર મોટી ઉંમરનો થયો અને સમજતાં શીખ્યો; ત્યારે તેણે વિચાર કર્યો કે, આ મારાં ઘરડા માબાપ જેનાં હાડકાં હવે ચાલતાં નથી, તેની મારે બરદાસ કરવી જોઈએ. તેને બદલે હું અને મારી બેન તેમની ઉપર બોજારૂપે પડ્યાં છીએ. તેઓને પોતાને પણ પોતાનું ગુજરાન ચલાવતાં મુશ્કેલી પડે છે; તેને ઉલટી અમારે વાસ્તે વધારે મુશીબત ભોગવવી પડે છે; માટે હું અહિંથી નિકળી બીજા ગામમાં જાઉં, અને ક્યાંય ચાકરી કરી બે પૈસા મેળવું, તો આ મારા ઘરડાં માબાપ જેઓએ પોતાની આખી ઉમર દુ:ખમાં કાઢી છે તેને થોડો પણ આરામ મળે. પોતાનો આ ઠરાવ તેણે પોતાની બેનને જણાવ્યો, અને પોતાનો બાપ પ્યારને લીધે રજા ન આપે માટે હળવેથી છુપી રીતે નિકળી જવાનું નક્કી કર્યું. બંને જણાએ આ વાત પસંદ કરી, જેથી ગુલાબશંકર બીજે દિવસે સવારમાં ગામમાંથી નિકળી ગયો. ચાલતાં ચાલતાં કોઈ એકે શહેર આવ્યું, ત્યાં જઈ એક વેપારીને ત્યાં ચાકરીએ રહ્યો. ગુલાબશંકરની ચાલચલણ, અમે ઈમાનદારી જાણ્યાથી તેના શેઠે તેને કામકાજમાં આગળ વધાર્યો. ગુલાબશંકર ચાલાક હોવાથી તેણે થોડા વખતમાં વેપારના કામમાં સારો અનુભવ મેળવ્યો. આ પ્રમાણે તેની હોશિયારી જોઈ તેના શેઠે તેને બીજે ગામ વેપારના કામ માટે મોકલ્યો, અને તેને જરૂર જોગો પૈસો આપી તે શહેરમાં પોતાના નામની દુકાન નખાવી. દુકાન નાખ્યા પછી શેઠે તે ગામ જઈ હિસાબ તપાસતાં ઘણો નફો માલમ પડ્યો; વળી ગુલાબશંકરે પૈસા ઉપરાંત ગામના લોકોનો ચાહ પણ સારો મેળવ્યો હતો. આથી શેઠે તેને પોતાના વેપારમાં અર્ધો ભાગ આપ્યો. ઉપરાઉપરી આગળ વધવાથી તથા આવી અણધારી તકથી તે પોતાના માબાપને કાગળ લખવાનું પણ ભૂલી ગયો હતો. લાંબો વખત થયા છતાં તેનો કાંઈ પણ પત્તો નહિ લાગવાથી તેના માબાપે તેને મુએલો જ ધાર્યો હતો. એક વખત દેશાવરનો એક શેઠીયો અસુંદરા ગામમાં આવ્યો હતો. તે મોટો પૈસાપાત્ર હોવાથી અસુંદરા ગામનાં ઘણાં ગરીબોને જુદી જુદી જાતનું દાન આપતો હતો, કોઈને કપડાંનું તો કોઈને અનાજનું. આ વાતની દેવશંકરને ખબર પડતાં તેણે પોતાની દીકરીના લગ્ન કરી આપવાની અરજ કરી. શેઠે વિચાર્યું કે આ ઠીક કન્યાદાનનું ફળ મળે છે. માટે તેણે તેમ કરવા કબુલાત આપી. બનાવ એવો બન્યો કે તેજ વખતે અસુંદરાથી બાર કોસ દૂર આવેલા ગામનો એક બ્રાહ્મણ પોતાના દીકરા વાસ્તે કન્યા શોધવા આવ્યો હતો; તેથી ગામના માણસોએ તે બંનેને સમજાવી ચંપાવલીના લગ્ન પેલા બ્રાહ્મણના દીકરા સાથે નક્કી કીધાં. ચંપાવલી સારે ઠેકાણે પડ્યાથી પોતાના ઘરડાં માબાપને આશરો આપવા માંડ્યો, અને તેથી તે ઘરડું જોડું પણ પોતાની દીકરીનું સુખ જોઈ સંતોષ માની બેઠું હતું.

પેલી તરફથી ગુલાબશંકરે જ્યારે મોટી દૌલત મેળવી ત્યારે તેણે પોતાના માબાપને મળવાનો વિચાર કર્યો. તે મુજબ પોતાના શેઠ પાસેથી રજા લઈ પોતાને ગામ જવા નિકળ્યો. ગુલાબશંકરની બેનનું સાસરૂં પણ ભેંશાણ ગામ જે તેના બાપના ગામના રસ્તામાં હતું, ત્યાં હતું. કેટલેક દિવસે ગુલાબશંકર તે ગામમાં જઈ પહોંચ્યો. ગુલાબશંકરને ખબર ન હતી કે મારી બેન આ ગામમાં છે; કારણ કે ભાઈ બેન છુટા પડ્યા ત્યારે ચંપાવલી કુંવારી હતી; અને તેના લગ્ન થયા પછી ગુલાબશંકરનો પત્તો ન હોવાથી કોઈ ખબર આપી શક્યું નહોતું. ગુલાબશંકર પૈસે ટકે સુખી થયો હતો; તેથી રસ્તામાં જે કોઈ ગામ આવતું ત્યાં થોડા દિવસ રહી બીજે ગામ જતો. તે પ્રમાણે ભેંશાણમાં પણ થોડા દિવસ રહ્યો. એક દિવસ ગુલાબશંકર ફરવા નિકળ્યો હતો; તેવામાં બનાવ બન્યો કે તેની બેન ચંપાવલી પાણીનું‌ બેડું લઈને સામેથી આવતી હતી. તેણે ગુલાબશંકરને જોતાં પોતાના ભાઈનું મોઢું બરાબર મળતું આવવાથી બરાબર ધારી ધારીને જોયો, અને ઓળખ્યો. ચોક્કસ કરવા વાસ્તે ચંપાવલીએ તેનું નામ ઠામ પૂછી જોયું. ગુલાબશંકરે પોતાનું નામ, બાપનું નામ જણાવી ગામ પણ જણાવ્યું. ચંપાવલી ઘણી જ ખુશી થઈ અને તેણે ગુલાબશંકરને પોતાનું સગપણ જણાવ્યાથી બંને ઘણાં જ ખુશી થઈ મલ્યાં. પછી ચંપાવલી પોતાના ભાઈને પોતાના ઘેર લઈ ગઈ, ત્યાં પોતાના સાસુ સસરા વગેરેને પોતાના ભાઈની ઓળખાણ કરાવી બધી વાત કરી. પછી ભાઈ બેને એવું નક્કી કર્યું કે, ગુલાબશંકરે પ્રથમ પોતાના માબાપને ત્યાં એક પરોણા તરીકે દાખલ થવું, અને બીજે દિવસે ચંપાવલી આવ્યા પછી બધો ભેદ ખુલ્લો કરવો, અને જોવું કે તેના માબાપ લાંબી મુદત થવાથી ઓળખે છે કે નહીં. એ પ્રમાણે નક્કી કરી ગુલાબશંકર પોતાના ગામ અસુંદરા તરફ ચાલ્યો, ત્યાં જઈ પોતાના બાપને ઘેર જઈ તેની પાસે અજાણ્યા મુસાફર તરીકે એક રાત ઉતરવાની અરજ કરી. દેવશંકર જો કે હતો ગરીબ પણ દયાળુ હતો, તેથી તેણે બૈરીને સમાવીને ગુલાબશંકરને ઉતરવાની જગા કરી આપી. રાતે ગુલાબશંકરને જમાડ્યા પછી ત્રણે જણા વાતો કરવા લાગ્યાં; પણ ગુલાબશંકરને તેના માબાપ ઓળખી શક્યા નહિ; તેમ ગુલાબશંકરે પણ તે ભેદ ભાંગ્યો નહીં.

ત્યાર પછી ગુલાબશંકર વાસ્તે એક બીછાનું કરી ત્યાં સુવાનું તેની માએ તેને જણાવ્યું. આ વખતે ગુલાબશંકરે પોતાની પાસેની સોના મહોરોની થેલી તેની માને સાચવવા આપી. અને કહ્યું કે હું જ્યારે સવારે તમારે ત્યાંથી પાછો જાઉં ત્યારે મને પાછી આપજો; એમ કહી તે પોતાના બીછાના ઉપર જઈ સુતો. દેવશંકરની સ્ત્રી જોકે ઘડપણને લીધે મરવા સુતીતી, પણ પૈસાએ તેની બુદ્ધિ બગાડી નાખી. તેણે પોતાના ધણીને ધીમેથી જણાવ્યું કે આ મુસાફરને જો આપણે મારી નાખીએ તો આ સોના મહોરોથી જીંદગીભર મરીએ ત્યાં સુધી સુખી થઈએ. આ વાત દેવશંકરે ના કબુલ કરી; તીરસ્કાર્યા છતાં ડોશીએ રાતના વખતે બધા ઉંઘ્યા પછી ગુલાબશંકરના પેટમાં હળવેથી છરી ભોંકી દીધી ! આથી જે દીકરો માબાપને સુખી કરવા આવેલો તે, તેના જ હાથથી ત્યાં જ ખતમ થઈ ગયો ! !

વાંચનાર ! તું જોજે કે આ ઘરમાં હવે કેવો બનાવ બને છે. જે કુટુંબે આખી જીંદગી દુ:ખમાં ગાળી અને તેનો જ્યારે સુખ ભોગવવાનો વારો આવ્યો અને ગુલાબશંકર નાણાંની મોટી રકમ લઈ પોતાના માબાપને શાંતિ આપવા આવ્યો, ત્યારે લોભને લીધે આખા કુટુંબનો નાશ થઈ ગયો ! ! !

જે રાતે તેની માએ ગુલાબશંકરને છરી મારી ઘરમાં દાટ્યો, તેને બીજે દિવસે જ ચંપાવલી ત્યાં આવી પહોંચી. ઘરમાં ચારે તરફ જોતાં તેને ભાઈ આવ્યાની કશીએ નિશાની જણાઈ નહીં. ત્યારે તે પોતાના માબાપને પુછવા લાગી, કે કાલે આપણે ઘેર પરોણો આવ્યો હતો તે ક્યાં છે? તેની માએ જવાબ આપ્યો કે તે આજ સવારે અહીંથી ચાલ્યો ગયો છે. આ બોલવા ઉપર તેને વિશ્વાસ નહીં આવતાં પોતાના બાપને પૂછ્યું, તો તેણે પણ એવો જ જવાબ દીધો; ત્યારે તે બોલી કે, “હે બુઢા બાપ ! તે તો મારો ભાઈ ગુલાબ હતો, તે વળી ઘર છોડીને બીજે ક્યાં જાય? આ વાત સાંભળી ડોશાએ પોક મેલી અને દીકરીને બધો હેવાલ કહી સંભળાવ્યો. આ વાત જાણી ચંપાવલીએ કુવામાં પડી આપઘાત કર્યો, અને દેવશંકરે પણ ગળામાં ફાંસો ખાઈ પ્રાણ ખોયો. એટલામાં પોલીસને ખબર પડતાં દેવશંકરની બુઢી સ્ત્રીને ચોકી પર લઈ ગયા, અને ઈન્સાફ કરી તેને ફાંસીની શિક્ષા કરી, અને ફાંસીની જગાએ લઈ ગયા. આ વખતે એક સન્યાસી ત્યાંથી જતો હતો. તેણે એ ડોશીને ફાંસીએ લઈ જતાં આખા કુટુંબના નાશથી રૂદન કરતી જોઈ. નવાઈ પામી પૂછ્યું ત્યારે પેલી ડોશી બોલી કે, “રે બાવાજી આમાં કોઈનો કશો દોષ નથી આ તો મારાં હાથનાં કીધેલાં હૈયે વાગ્યાં.”

Source : kahevatmool (Story No. 24)

No Response to “કહેવતકથા – હાથનાં કર્યાં હૈયે વાગ્યાં” »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment